સ્થૂળ રૂપે સાંપડે સમશાનમાં,
જે ચિતા હરદમ બળે મારી ભીતર.
દત્તાત્રય ભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2026

કાગળનું પાનેતર – પાર્ષદ પઢિયાર

ખૂંદી ખૂંદી વગડો ખોળું!
સુકકાં રણમાં પગલાં બોળું.

તુજ કસુંબલ પ્રીતલડીને-
હૈયા વાટકડીમાં ઘોળું.

કાળી અફવા પહેરી ઘૂમે-
કાગળનું પાનેતર ધોળું.

ઊંઘ તણી સૂની શેરીમાં-
સપનાં કેરું રખડે ટોળું.

તારા બોલે નાચે તા થૈ!
મનડું છે બિચારું ભોળું.

– પાર્ષદ પઢિયાર

ટૂંકી બહેરની ગઝલમાં લાંબા વિચારો કે વાતોને અવકાશ રહેતો નથી. એક સુવાંગ દૃશ્ય ઊભું થઈ જાય અથવા એક ભાવ ભાવકમન સુધી પહોંચી જાય એટલું પૂરતું છે. ચાર શબ્દોની પંક્તિમાં બે શબ્દ ‘ખૂંદી’ની દ્વિરુક્તિને આપી દેવામાં આવે ત્યારે વગડાની રઝળપાટ વધુ અસરદાર બની રહે છે. આવું જ સુક્કાં રણ વિશે પણ કહી શકાય. રણ તો સૂકું જ હોવાનું, પણ કવિ જ્યારે એને સુક્કાં વિશેષણથી નવાજે છે ત્યારે રણનું સૂકાપણું-વગડાપણું વધું ઘેરું અને મર્માળું બને છે. નાનીઅમથી દોઢ પંક્તિમાં એકલતાને અને જીવનની નિરથકતાને સફળતાપૂર્વક ઘૂંટી દીધા બાદ કવિ જ્યારે સુક્કાં રણમાં પગલાં ‘બોળવા’ની વાત કરે છે ત્યારે વાતને શેરિયત પણ સાંપડે છે. હૈયાવાટકડીમાં કસુંબલ પ્રીતને ઘોળવાની વાત તથા ઊંઘની સૂની શેરીમાં રખડતા સપનાનાં ટોળાંની વાત પણ મજાની. ધોળા કાગળ પર પડતા કાળા અક્ષરને કાગળનું પાનેતર કાળી અફવા પહેરીને ફરે છે એ કલ્પનથી કવિએ નૂતન ઓપ દીધો છે. છેલ્લો શેર મને ખૂબ ગમી ગયો. પ્રિયપાત્રના એક બોલે તાતાથૈથૈ નાચતા પ્રેમીનું ચિત્ર કવિએ લાઘવતાથી દોરી બતાવ્યું છે.

Comments (11)

ખમ્મા ….ખમ્મા ….. – સંજુ વાળા

અણોસરી આંખોએ ભાળ્યાં જોણાં ગાંડાતૂર : આંખને ખમ્મા ખમ્મા!
જોણું મતલબ કલહંસોની પાંખો મતલબ પૂર : પાંખને ખમ્મા ખમ્મા!

વિના કારણે ચગડોળાતું ચિત બની ઘેઘૂર : ચિતને ખમ્મા ખમ્મા!
એ ઘેઘૂરના ટેકે ઘરની ભીંતો થઈ ચકચૂર : ભીંતને ખમ્મા ખમ્મા!

આમ બધુંયે ભર્યુંભાદર્યું આમ પહોંચથી દૂર : પહોંચને ખમ્મા ખમ્મા!
સૂમ તળેટી, શૂનશિખરની ટોચે વાગે તૂર : ટોચને ખમ્મા ખમ્મા!

હા પાડો તો ‘હું ને મારું’ ચરણ ધરું હજૂર : હા-ને ખમ્મા ખમ્મા!
ના કહેશો તો નામને શરણે, પૂંછયા વિણ કસૂર : ના-ને ખમ્મા ખમ્મા!

પથરિલું એક પુર કે જેમાં પરપોટા મશહૂર : પુરને ખમ્મા ખમ્મા!
પુરજનોને શાપ : તમારો કદી ન મળજો સૂર : સૂરને ખમ્મા ખમ્મા!

માણસ નામે જણસ જીવતી, જાસાથી ભરપૂર : નામને ખમ્મા ખમ્મા!
એક તાંબિયે તેર, એકના દામ નહીં મંજૂર : દામને ખમ્મા ખમ્મા!

ફોગટ તું પણ ફરે ફુદરડી નહીં એમાં કોઈ નૂર : નહીંને ખમ્મા ખમ્મા!
સજાગ થઈને કહે સ્વયંને સહી વખતે જ સબૂર : સહીને ખમ્મા ખમ્મા!

– સંજુ વાળા

પાત્ર વિશાળ હોય તો એમાં સાગર પણ સમાવી શકાય, પણ તંગ દામનમાં તો કેટલું સમાવી શકાય! આંખોનું કામ જોવાનું છે, પણ જે આંખોના તેજ ઓસરી ગયાં છે, જે આંખો ઉદાસ થઈ ગઈ છે, ઓશિયાળી બની ગઈ છે, એ આંખોને ગાંડાતૂર જોણાં જોવાનાં થાય તો? આવી જ કેટલીક પળોનું આ હંસગાન છે. સામાન્યજનને સવાલ થાય કે આવાં ગાંડાતૂર દૃશ્યો શેનાં હશે, પણ કવિનો કેમેરા આપણને એ બતાવવા ઇચ્છતો નથી. કવિને દૃશ્યમાં નહીં, એના અર્થમાં રસ છે. થાકીહારી આંખોને અભરે ભરી દેતાં દૃશ્ય મતલબ રાજહંસોની પાંખો અને આ પાંખો મતલબ પૂર… એકમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં દડી જતાં કલ્પનોની રચનારીતિ નયન દેસાઈની ‘માણસ ઉર્ફે રેતી ઉર્ફે’ની યાદ પણ અપાવે. કવિતાઆ સ્થળે અર્થનો ઉંબરો વળોટી ભાવાનુભૂતિના મકાનમાં પ્રવેશે છે. આખી રચનામાં ‘ખમ્મા ખમ્મા’ની લઢણ ધ્રુવપદ બનીને રણકતી રહે છે. પરિણામે લોકગીતનો હિલ્લોળ પણ અનુભવાય છે. સરવાળે, આધુનિક માનવીના ભીતરી કોલાહલો, આશાઓ અને વિષમ વાસ્તવિક્તા વચ્ચેના સંઘર્ષનો આ દસ્તાવેજ છે. લોકબોલી અને પ્રશિષ્ટ ગુજરાતી –ઉભયના સામંજસ્યથી એક નવી જ તરાહ અહીં સર્જાય છે.

Comments (2)

ઓ વાંસલડી! વેરણ થઈ લાગી રે વ્રજની નારને – દયારામ

ઓ વાંસલડી! વેરણ થઈ લાગી રે વ્રજની નારને;
શું શોર કરે? જાતલડી તારી તું મન વિચારને.

તું જંગલકાષ્ઠ તણો કટકો,
રંગરસિયે કીધો રંગચટકો,
અલી! તે ૫ર આવડો શો લટકો?   ઓ વાંસલડી!૦

તને કહાનવર તો કરમાં રાખે,
તું અધર તણો રસ નિત્ય ચાખે,
હું તો અમને દુઃખડાં બહુ દાખે.   ઓ વાંસલડી!૦

તું મોહનના મુખ ૫ર મ્હાલે,
તુજ વિના નાથને નવ ચાલે,
હું તો શોક્ય થઈ અમને સાલે.    ઓ વાંસલડી!૦

તુંને હરિએ હાથ ગ્રહી લીધી,
તુંને સૌમાં શિરોમણિ કીધી,
ક્ષણું મુખથી નવ મૂકી વ્હીલી.    ઓ વાંસલડી!૦

હું તુજને આવી નવ જાણતી,
નહિ તો તુજ ૫ર મ્હેર ન આણતી,
તારાં ડાળ સાહીને મૂળ તાણતી.    ઓ વાંસલડી!૦

દયાપ્રીતમને પૂરણ પ્યારી,
તુંને અળગી ન મૂકે મુરારિ,
તારા ભેદગુણ દીસે ભારી!      ઓ વાંસલડી!૦

– દયારામ

ગઈકાલે આપણે વીસમી સદીનું વાંસળી-ગીત માણ્યું, આજે આહ્લાદ લઈએ ઓગણીસમી સદીના વાંસળી-ગીતનો. દયારામે ગોપીભાવે કૃષ્ણભક્તિનાં ઘણાં પદ રચ્યાં છે, એમાં કેટલાંક વાંસળીને સંબોધીને છે. એમાંનું એક તે આ. કવિ વાંસળી પર આરોપ લગાવે છે કે વ્રજની નારીઓને વેરણ થઈ પડવાના બદલે એણે પોતાની જાત વિશે વિચારી શોર મચાવવાનું બંધ કરવું જોઈએ. જંગલના લાકડાના કટકાને રંગરસિયાએ સહેજ ચાખી લીધી એમાં આટલો લટકો? સદા કૃષ્ણના હાથ અને હોઠનો સ્પર્શ-રસ ચાખવા પામતી વાંસળી ગોપીઓને શોક્ય બરાબર લાગે છે અને દુઃખનું કારણ બની ગઈ છે. કૃષ્ણઃ વાંસળીને આ રીતે સૌમાં શિરોમણી બનાવી દેશે એ વાતની જાણ હોત તો ગોપીએ ડાળ પકડીને મૂળ જ ખેંચી ન લીધાં હોત! ન રહેતે વાંસ, ન વાગતે વાંસળી. કેવું સરસ પદ! દયારામનું આવું જ એક બીજું પદ પણ આ ટાંકણે યાદ આવે:

માનીતી તું છે મોહનતણી, હો વાંસલડી રે,
તુને વ્હાલમ કરે છે ઘણું વ્હાલ રે, હો વાંસલડી રે.
મીઠો આવડો શો સોહોર, મોહ્યો નંદકિશોર, હો વાંસલડી રે
તારું આવડું શું જોર, ભૂંડી કાલજડું મા કોર રે, હો વાંસલડી રે.

બીજા એક પદમાં વાંસળી ગોપીને વળતો જવાબ આપે છે, એ પણ માણવા જેવો છે. વાંસલડીનો ઉત્તર અહીં વાંચી શકાશે.

Comments (1)

ચલો વાંસળી વૃંદાવન – ભગવતીકુમાર શર્મા

ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે;
ત્યજી વાંસવન નીરવ, વસીએ મુરલીધરને હોઠે.

અંગુલિસ્પર્શ તણી આરતમાં ઝૂરી રહ્યા છે છેદ,
સુગંધભીની ફૂંક શ્યામની, કરવી નિજમાં કેદ.

શ્વાસ કૃષ્ણનો અડે તો પ્રગટે દીવા બત્રીસ કોઠે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.

આનાથી તો ભલો વાંસના વનમાં લાગે દવ,
ગોપી ઘેલી થાય નહિ તો બળ્યો બંસીનો ભવ!

યમુનામાં વહી જાય રાખ ને સૂર ઉઠે પરપોટે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.

– ભગવતીકુમાર શર્મા

વાંસળી શબ્દ સાંભળતાવેંત યમુનાનો કાંઠો, ગોપીવૃંદ અને શ્રી કૃષ્ણ તાદૃશ થઈ ઊઠે… ગુજરાતી કવિઓએ કૃષ્ણની સાથોસાથ વાંસળીને પણ ખૂબ લાડ લડાવ્યાં છે. કૃષ્ણ વૃંદાવન ચાલ્યા ગયા હોવાથી ગોપીને પણ ગોકુળ છોડીને એની પાછળ વ્રંદાવન જવાનો નેહ લાગ્યો છે, પણ સીધેસીધું તો કેમ કહેવાય! એટલે એ વાંસળીનો સહારો લે છે… કૃષ્ણ વિનાના ગોકુળમાં પોતાને ગોઠતું ન હોવાથી એ વાંસળીને નીરવ વાંસવનવાળું ગોકુળ છોડી જવા ઇજન આપે છે. વાંસળીના છેદ કૃષ્ણની આંગળીઓના સ્પર્શને અને પ્રાણ એમની ફૂંકથી સભર થવા તરસી રહ્યા છે. કૃષ્ણનો શ્વાસ અડે તો વાંસળીને (અને ગોપીને) બત્રીસે કોઠે દીવા પ્રગટે. એ બંસીનો અવતાર એળે ગયો છે, જેણે કૃષ્ણની સહાયથી ગોપીઓને ઘેલી કરી નથી. આવી વાંસળી વાંસના નિરર્થક ટૂકડાથી વધીને કશું નથી. અને આવા ટુકડાને જ નહીં, આખેઆખા વાંસવનને જ આગ લાગી જાય એ જ યોગ્ય. કારણ આ રાખ યમુનામાં ભળતાં ઊઠતા પરપોટામાંથી પણ સૂર જન્મશે… અને તો કદાચ વાંસનો અવતાર લેખે લાગ્યો ગણાશે..

Comments (4)

અલ્લા બેલી – શૂન્ય પાલનપુરી

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી: ‘ખમ્મા! ખમ્મા!’ હિંમત બોલી: ‘અલ્લા બેલી!’

નાવ, ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ,
કાંઠા પણ દ્રોહી થઈ બેઠા, મઝધારે પણ માઝા મેલી.

એવાં પણ છે પ્રેમી અધૂરા, વાતોમાં જે શૂરા પૂરા,
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી!

કોનો સાથ જીવનમાં સારો, શૂન્ય તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી.

આપખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું,
‘હાશ!’ કહી હરખાયો ઈશ્વર, શૂન્યે જ્યાં લીલા સંકેલી.

– શૂન્ય પાલનપુરી

વાંચતાવેંત મડદામાં પણ પ્રાણ ફૂંકાય એવો મત્લા. ચોથો શેર પણ હતાશ મનને ચેતનવંતું બનાવી દે એવો બળુકો. સરવાળે આખી ગઝલ મનનીય…

Comments (17)

કાં ગઝલ રચો, કાં ગીત – હરિકૃષ્ણ પાઠક

કાં ગઝલ રચો, કાં ગીત.
વચ્ચે વલખાં મારો તો ક્યાંથી મળશે મનમિત?
કાં ગઝલ રચો, કાં ગીત.

છંદ બધા છેવાડે બેઠા, અછંદને નહિ આરો,
પૂરણ-પટ આખ્યાનો રચવા કવિ સાવ નોધારો!
સમય સાંકડો થયો
કરે સહુ પળ-અધપળની પ્રીત,
કાં ગઝલ રચો, કાં ગીત.

પટપટ કરતા ચડ્યા મંચ પર, ઝટઝટ કીધા પાઠ,
કરી તરન્નુમ, હાથ ઉલાળ્યા, કીધા નવલા ઠાઠ!
તાળી પામ્યા?— તરી ગયા!
ભઈ એ જ કવિની જીત
કાં ગઝલ રચો, કાં ગીત.

– હરિકૃષ્ણ પાઠક

ઉદયન ઠક્કરનો બહુ જાણીતો શેર છે:

ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે,
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?

પ્રસ્તુત ગીતમાં કવિ આ જ વ્યંગ વિગતે રજૂ કરે છે. છાંદસ કાવ્યોનો જમાનો રહ્યો નથી, અછાંદસનો કોઈ આરો નથી રહ્યો અને પૂર્ણ કદનાં આખ્યાનકાવ્ય લખવાનો તો જમાનો જ રહ્યો નથી. કારણ? તો કે સમય… સમય જ એવો સાંકડો થઈ ગયો છે કે માણસ પ્રેમ પણ પળ-અધપળનો કરે છે, તો કવિએ ઓછા સમય ને સમજણથી કામ ચાલી જાય એવા ગીત-ગઝલને શરણે જ જવું રહ્યું ને! ગીતના બીજા બંધમાં કવિતાનો પર્યાય બની ગયેલ સભારંજન પર કવિએ કટાક્ષના ચાબખા ચલાવ્યા છે, એ વાંચતા જ મરાઠી કવિ મંગેશ પાડગાંવકર યાદ આવે: ‘ગઝલકાર એ કળાના ક્ષેત્રનો સાધક છે, લોકપ્રિય મસાલાનાં પડીકાં બાંધનાર દુકાનદાર નથી…. પ્રત્યેક શેર ‘વાહવા’, ‘બહોત અચ્છા’ અને તાળીઓના ગડગડાટથી માથાબોળ થતા રહે એવું આ મહેફિલનું દબાણ જોખમભર્યું છે. ગઝલ કાવ્યપ્રકારના વિકાસ આડે આવતી એ સહુથી મોટી બાધા છે. ગઝલકાર આ મોહમાં ફસાય તો એ સર્જક મટી સસ્તો તાળીઓનો ગુલામ બની જશે. ગઝલ-કાવ્યપ્રકારે વિકાસ સાધવો હોય તો એણે તાળીઓ અને દાદ સામે ધ્યાન આપી કરાતી ચમત્કૃતિના મોહમાંથી મુક્ત થવું જરૂરી છે…. કવિએ મહેફિલ જરૂર જીતવી, પણ પોતાની અનુભૂતિ સાથે પ્રામાણિક રહી મહેફિલ જીતવી. મહેફિલ કવિને જીતવા માંડે ત્યારે કવિ પણ ખલાસ થાય અને ગઝલ પણ.’

Comments (13)

મૃગજળનો દરિયો – અસર સુરતી

વણવરસ્યા વાદળનો દરિયો;
સહરામાં મૃગજળનો દરિયો.

ફૂલની ઇચ્છા, એક જ ઇચ્છાઃ
પી જાઉં ઝાકળનો દરિયો.

હું જાણું ના આરો ક્યાં છે?
કેમ વટાવું પળનો દરિયો?

આંસુના તોફાનને જોજો;
લાગે છે કાજળનો દરિયો.

માત્ર ‘અસર’નું આ જીવન તો
જળ નૌકા, કાગળનો દરિયો.

– અસર સુરતી

કવિનું તખલ્લુસ ‘અસર’ હતું, પણ ગુજરાતી ગઝલ એમનાથી બેઅસર રહી ગઈ હોય, એમ સમય સાથે એમને હાંસિયામાં ધકેલી દેવાયા. પણ આવા વિસ્મૃત વણઝારાઓની નોંધાયેલ-વણનોંધાયેલ મજલોના પ્રતાપે જ ગુજરાતી ગઝલ ગુલઝાર થઈ શકી છે. આમ તો વાદળ વણવરસ્યાં રહે તો સહરામાં રણદ્વીપના સ્થાને કેવળ મૃગજળના દરિયા જ જોવા મળે, પણ ગુજરાતી ગઝલના સંદર્ભે એમ કહી શકાય કે ગુજરાતી ગઝલ રેગિસ્તાન ન રહેતાં ગુલિસ્તાન બન્યું એમાં આવા વણવરસ્યા વાદળોનું પ્રદાન પણ મહત્ત્વનું ગણાય. મત્લાની જેમ જ ફૂલની ઇચ્છાવાળો શેર પણ આધુનિક ગઝલની છડી પોકારે છે. સમયની વિડંબનાને સાકાર કરતો શેર શિરમોર છે. મક્તા પણ અસરદાર. જળની નૌકા લઈને કાગળના દરિયા પાર કરવા નીકળે એ જ કવિ. (મક્તામાં ‘માત્ર’ ખોટી જગ્યાએ ગોઠવાયો હોવાથી એ ભાવાવિધાનમાં વ્યવધાન બને છે.)

Comments (8)

કવિતા વિશેની કવિતાઓ: ૦૭ : સિસૃક્ષા – વિનોદ જોશી

(માલિની)

નખ સતત વલૂરે જીર્ણ કંગાળ ભાષા,
પચક ખરજવામાં ખદબદે કારયિત્રી;
ચવડ હવડ સ્વપ્નો લેખિનીથી ઝળુંબી,
શરમ વગર કોરા કાગળે શાહી થૂંકે.

તરત બટકતી બુઠ્ઠી બધી કલ્પનાઓ,
અધવચ હડફેટે આવતી એકધારી;
સ્ખલન જનિત શબ્દો ચીકણો સ્રાવ સૂંઘી,
લપ લપ જીભડીથી ગોબરા અર્થ ચાટે.

કરવટ લઈ કૂડી વ્યંજના થાય બેઠી,
પલકભર ધુણાવે સામટાં ગાત્ર રાંટાં;
ભરભરભર ભૂક્કો થાય આયાસપૂર્ણ,
ઠરડ મરડ ખાંગા ખોંચરા અક્ષરોનો.

શિથિલ પણછ તીણાં તીર તાકી શકે ના,
મિથુનવિવશ ક્રૌંચી ચીસ પાડી શકે ના!

– વિનોદ જોશી

‘કવિતા વિશેની કવિતાઓ’ શ્રેણીમાં આજે આ સાતમો અને અંતિમ મણકો…

વર્ડ્ઝવર્થે કહ્યું હતું: ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquillity’. (કવિતા બળકટ લાગણીઓનો સ્વયંસ્ફુર્ત ઊભરો છે: તે પ્રશાંતાવસ્થામાં ભાવના અનુસ્મરણમાંથી ઉદભવે છે.) પણ ઘણા કવિઓ જબરદસ્તી કવિતા કરે છે. વસંતપંચમી આવી? કવિતા લખો. હોળી આવી? કવિતા કરો. ફાધર્સ ડે? મધર્સ ડે? ડોટર્સ ડે? ઉઠાવો કાગળ-કલમ. ભૂકંપ આવ્યો? રેલ આવી? બળાત્કાર થયો? આપો હૃદયને વાચા… પ્રસ્તુત રચના આવી કૃતક સર્જનપ્રવૃત્તિનો ઉધડો લે છે. સિસૃક્ષા એટલે સર્જન કરવાની ઇચ્છા. પણ આ કવિતા આયાસી સર્જનેચ્છાની ખાલ ઉતરડે છે. એટલે કવિએ સહેતુક ભાષા પણ એવી જ પ્રયોજી છે, જે વાંચતા કોઈપણ પ્રશિષ્ટ વાચકને ચીતરી ચડે. કવિતા જેનાથી કિનારો કરી, બાર ગાઉનું છેટું રાખી, નાક ઢાંકીને ચાલે એ જ ભાષાને સમર્થ સર્જક એ જ કવિતાને સિદ્ધ કરવા માટે કેવી ખપમાં લઈ શકે એ સમજી શકાય તો કવિતા વહાલી લાગશે.

સૂંઠના ગાંગડે ગાંધી થવા નીકળેલ ઓછી કારયિત્રી પ્રતિભાવાળા સર્જકો જીર્ણ કંગાળ ભાષા, ચવડ હવડ સ્વપ્નો, દકિયાનૂસી કલ્પનાઓ, અને ખોખલા શબ્દોના વીર્યપાતથી આગળ વધી શકતા નથી. જેમનાં કામઠાંમાં જ ભલીવાર નથી એ ધાર્યું તીર શી રીતે મારી શકે? જે હૃદય ક્રૌંચવધની વેદના સહિયારી શકે એ જ રામાયણ રચી શકે… બાકીનાં પારાયણ માંડે…

(કારયિત્રી= સર્જન કરે તેવી (પ્રતિભા); રાંટું= વાંકુંચૂકું)

Comments (10)

કવિતા વિશેની કવિતા: ૦૬: હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે ! – વિવેક મનહર ટેલર

ક્યારેક તો એવુંય થાય કે કવિનેય કવિતા લખવાનો સામાન ખૂટે,
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

જાણ છે મને કે મારા ગીત અને ગઝલો છે તારા રૂદિયે વસ્યા પ્રાણ,
તારી નિત નિત નવી રચનાની માંગથી યે હું નથી લગરિક અણજાણ;
બોલે છે કો’ક જ્યાં હું કાગળ-પેન પકડું છું – वो ही धनुष, वो ही बाण,
તાણી જાય વાયરો ગોરંભો એમ કોઈ મારા લખવાના ઓધાન લૂંટે,
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

કોરા કાગળ જેવા ખુલ્લા પગ લઈને હું શોધું સબદ નામે જણ,
સમદર-આકાશ-ધરા ખૂંદી કાઢ્યા, નથી બચ્યો એકે ત્રિભુવનનો કણ,
પણ રસ્તામાં ક્યાંય નથી કાંટા કે કાંકરા, કેમ કરી પડશે આંટણ ?
અલખ અ-લખ કહી બેઠો છે ને તું હું લખલૂંટ લખું એ અરમાન ગૂંથે ?
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

– વિવેક મનહર ટેલર

“હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે!”  – વારંવાર પુનરાવર્તિત થતી આ ધ્રુવપંક્તિ દ્વારા કવિએ કવિની સર્જનપ્રક્રિયાની નકરી વાસ્તવિકતાને વારંવાર ઘૂંટી છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે કવિને હંમેશાં કવિતા લખવાના વિચારો સહજ રીતે સૂઝતા રહેતા હોય છે, પરંતુ હકીકતમાં કવિ પણ લાગણીઓ, વિચારો અને કલ્પનાઓના અભાવનો અનુભવ કરે છે, અને આ સહજ સત્યને હું ખૂબ જ સારી રીતે સમજી શકી છું!  ઘણીવાર કવિને એવું પણ થાય કે કદાચ હવે પછી પાન કદી ફૂટશે જ નહીં… અને શબ્દોનો આ દુષ્કાળ કાયમનો રહેશે તો?  પ્રસવ ન કરી શકવાની પીડા કદાચ આવી જ હોતી હશે… કારણ કે સર્જન એ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી, પરંતુ લાગણી અને પ્રેરણામાંથી જન્મતી એક સહજ અભિવ્યક્તિ છે.

ઝાડ પર તો ઋતુ પ્રમાણે નવાં પાન ફૂટે છે, પરંતુ કવિના મનમાં રોજ રોજ નવા નવા વિચારો કે નવી નવી કવિતાઓ જન્મે એવું જરૂરી નથી. કવિતા લખવા માટે માત્ર શબ્દો જ નહીં, પણ ઊંડી સંવેદના, પ્રેરણા, કલ્પનાશક્તિ અને અનુકૂળ મનઃસ્થિતિની પણ જરૂર પડે છે. જ્યારે આ બધાંનો અભાવ હોય ત્યારે કવિ પણ સર્જન કરી શકતો નથી… અને ઘણીવાર તો કદાચ કશાનો અભાવ ન હોવા છતાંય સર્જન નથી થતું… Writers Block?? કદાચ… કાશ, એને Unblock કરવાની જડીબુટ્ટી કોક દિવસ મને પણ મળી જાય 🙂

Comments (12)

કવિતા વિશેની કવિતા: ૦૫: કવિને – ઉશનસ્

(પદ)

તું પ્હોંચી શકે તો પહોંચ,
મૂળ નીચે એક મૂળ છે, ટોચ ઉપર એક ટોચ;
ખોદી નાખી ટોચ, તું મૂળિયા નીચે પ્હોંચ;           —તું પ્હોંચી.

શૂન્યે બ્રહ્મનું અંડ છે, શૂન્ય સજીવ ભરપૂર,
ભીતર બ્રહ્મનું બીજ છે, બીજ ફૂટ્યો અંકુર!
શુક જેવી જો ચાંચ હોય તો અંડની અંતર કોચ.          —તું પ્હોંચી.

એક જ છેક અનંત છે, ચલે ન તારું ગણિત,
વાણી તારી શું કરે, વ્યાકરણ બાંધી રીત?
મન બુદ્ધિની પાર તે પામીશ શી રીત, શોચ.          —તું પ્હોંચી.

પાર ગયા તે પામિયા, પામ્યા તે પછી મૂક;
મૂક તે ક્યમ વરણી શકે અંડથી ઊઠી કૂક?
કૂક પાછળ મૂક શબ્દ તું, છૂટે બ્રહ્મસંકોચ.          —તું પ્હોંચી.

– ઉશનસ્

આ ગીતને આપણે કવિતા કરવા માટે કવિએ શું કરવું જોઈએ એની નાનકડી ‘ગાઇડબુક’ પણ કહી શકીએ. કેવળ મુખડાની વાત કરીએ… મૂળ સુધી ઊંડે ઊતરવાથી કે ટોચને આંબવાથી કવિતા કરાતી નથી. કવિની તૈયારી તો મૂળની નીચેના મૂળ અને ટોચની ઉપરની ટોચ સુધી પહોંચવાની હોવી ઘટે. અને ત્યાં પહોંચાશે કઈ રીતે? મૂળને ખોદીને એની નીચેના મૂળ સુધી કે ટોચથી ઊંચે વધીને એની ઉપરની ટોચ સુધી પહોંચાવાનું નથી. ટોચને ખોદીને મૂળ નીચેના મૂળ સુધી જઈ શકાશે. આ વિરોધાભાસ જ કવિતાનો આત્મા છે. મૂળ નીચેનું મૂળ અને ટોચ ઉપરની ટોચ યાને બે શબ્દો કે બે પંક્તિઓ વચ્ચેના અવકાશમાં છૂપાયેલી કવિતા અને અભિધાથી ઊઠીને વ્યંજના સુધી પહોંચવાની વાત. આખું પદ બહુ ગહન છે, પણ ધીરજપૂર્વક પરત ખોલતા જાવ તો આનંદ જ આનંદ…

Comments (2)

કવિતા વિશેની કવિતા: ૦૪: કવિતાને – ઉમાશંકર જોશી

(વસંતતિલકા)

હે વિશ્વકાવ્યજનની! તુજ ચંદ્રચારુ
જોતાં જ દૃષ્ટિ ઊછળે જળ સિન્ધુ કેરાં
મોજાં વહાવી ધરતીતટ લોલ, એવા
ઉલ્લાસક્ષોભ મુજ આ ઉરના નથી રે!
વીણા વહે મધુરતા તવ અંતરેથી,
તેના પ્રતિધ્વનિ કરું, નહિ ભવ્ય એવું
કો ઉચ્ચશૃંગ ગિરિ શું જડ હૈયું મારું!

તો માત! અંતર દબાવત અંધકારે
જામ્યાં પ્રમત્ત દળવાદળ મૃત્યુઘેરાં,
તે વીજળી ભભૂકતી બનીને કરાલી
ચાબુક મારી વરસાવી જજે તું વર્ષા!
હૈયું ન ગુંજી ઊઠતું તુજ મર્મરે,
તો જાજે બજાવી પગઠોકરથી જ મૈયા!

– ઉમાશંકર જોશી

કવિ કવિતાને કઈ રીતે જુએ છે એના પરથી એના જીવનમાં કવિતાનું શું મહત્ત્વ હશે એ સમજાય. ગુજરાતી કવિતાના ગુરુશિખરે બિરાજ્ય કવિ જેના ગર્ભમાંથી કવિતા આવે છે એને વિશ્વકાવ્યજનની કહીને સંબોધે છે. આ એક સંબોધન માત્રથી કવિ અને કવિતા વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થઈ જાય છે. ચંદ્રની ચારુ દૃષ્ટિ પડતાવેંત જે રીતે સમુદ્રજળ હિલ્લોળે ચડી તટને તરબોળ કરી દે એવાં ઉલ્લાસ-ક્ષોભ પોતાનું હૈયું અનુભવતું ન હોવાની વિમાસણ કવિ વિશ્વકાવ્યધાત્રી સમક્ષ રજૂ કરે છે. કવિતાના અંતરેથી જે મધુરતા વહે છે, એનો પ્રતિધ્વનિ કરવાની કોશિશ તો કવિ કરે છે, પણ કવિનું જડ હૈયું પર્વતશિખરની ઊંચાઈ આંબવામાં વિફળ રહે છે. મૃત્યુના ઘેરાં વાદળોના અંધકારમાં દબાયેલ પોતાના અંતર પર કાવ્યમાતા વીજ-વર્ષા થઈને ત્રાટકે એ જ કવિની અભ્યર્થના છે. અને આ થવા છતાંય જો કવિહૃદય કાવ્યમર્મરથી ગુંજી ન ઊઠે તો પગની ઠોકર મારીને એને બજાવવા માટે કવિ કવિતાની દેવીને પ્રાર્થે છે.

(લોલ=ધરતી સાથે રગદોળવું, ચંચળ; કરાલી=ડરામણી, ભયંકર)

Comments (5)

કવિતા વિશેની કવિતા: ૦૩ઃ કવિતા -ભરત ત્રિવેદી

જ્યારે પણ હું
ટેબલ પાસે ખુરશી
ખેંચી લાવીને બેસું
તે પણ
અચૂક પાસે આવી બેસી જાય છે
હું કવિતા લખવી શરૂ કરું કે તરત જ
તે પણ તેની રમત શરૂ કરી દે છે
હું લખવા મથું આકાશ વિશે
તો તે લખાવે છે લીલાંછમ ખેતરો વિશે
હું આંખો તાણીને નજર માંડું ક્ષિતિજની પેલે પાર
ત્યારે તે સામે અરીસો ધરી દે છે!
અજાણી ટ્રેનના મુસાફર જેવો હું
પરેશાન હોઉં ત્યારેય તે ખુશ થતી હોય છે
હું કવિતા લખવા બેસું
ત્યારે

કવિતા મને લખવા બેસતી હોય છે.

-ભરત ત્રિવેદી

કવિ જ્યારે કલમ હાથમાં લે છે ત્યારે એને લાગે છે કે શબ્દો એના છે, ભાવનાઓ એની છે, કવિતા લખવાની મથામણ પણ એની છે અને કવિતા પણ એ જ રચી રહ્યા છે. પણ કાયમ કવિતા કવિની ઈચ્છાથી જન્મ નથી લેતી, ક્યારેક એ બસ અવતરે છે અને ખુદ કવિનો હાથ પકડીને લખાવે છે… મૌનને વાચા આપે છે, પીડાને ઓળખ આપે છે અને ક્યારેક તો કવિને પોતાનાથી જ પરિચિત કરાવે છે. સર્જનની સૌથી સુંદર અને અમૂલ્ય ક્ષણ એ છે કે જ્યારે કવિને ખબર જ નથી પડતી કે કલમ એના હાથમાં છે કે કવિતાએ એનો હાથ પકડ્યો છે. આવી અન-આયાસે અવતરેલી કવિતાઓ કદાચ કવિના માંહ્યલામાં ક્યારનીયે લખાતી રહેતી હોય છે, અને એને અવતરવા માટે એક દિવસ બસ કાગળ મળી જાય છે અને જ્યારે આમ થાય છે ત્યારે કવિ કવિતાને નહિં પણ કવિતા કવિને નવો જન્મ આપે છે.

Comments (6)

કવિતા વિશેની કવિતા: ૦૨: કવિતા સાથે ઓળખાણ – બિલી કોલિન્સ

હું એમને કહું છું કે એક કવિતાને હાથમાં લો
ને એને સૂરજ સામે ધરો
કાચના કોઈ રંગીન પારદર્શક ટુકડાની જેમ

અથવા કાન ધરી જુઓ એના ગુંજન પર.

કહું છું કે એક ઉંદરને છોડી મુકો કવિતામાં
અને જુઓ કેમ કરી એ આપમેળે પોતાનો રસ્તો શોધે છે.

અથવા કવિતાના ભંડકિયામાં દાખલ થાઓ
અને અંધારામાં દીવાલો પંપાળીને લાઈટની સ્વિચ શોધો.

હું તો ઈચ્છું છું કે બધા
કવિતાના પટ પર વોટર-સ્કી કરતા જાય
ને કિનારે બેઠેલા કવિને હરખથી હાથ કરતા જાય.

પણ એમણે તો બસ કરવું છે એટલું જ કે
કવિતાને ખુરશીએ બાંધીને
મારી મારીને એની પાસે કબૂલાત કરાવવી છે.

બધા દંડાથી એને ફટકારે રાખે છે
માત્ર એટલું જાણવા કે:
એનો ખરો અર્થ શું છે?

– બિલી કોલિન્સ

કવિતા સાથે કેવી રીતે ઓળખાણ કરવી એના ઉપર આ એક નાનકડી રમતિયાળ કવિતા છે.

કવિતા મુક્તપણે માણવાની ચીજ છે. સર્વથા અનુભવવાની ચીજ છે. બધી ઇન્દ્રિયોથી અડકી લેવાની ચીજ છે.

કવિ આપણને કવિતા સાથે રમવા માટે આમંત્રે છે : કવિતાને રંગોથી રંગો, ગુંજનમાં ગાઓ, એને એક કોયડાની જેમ ઉકેલો, અડકીને પારખી જુઓ અને એના પટ પર સ્કીંઇંગ પણ કરી જુઓ ! (વાચક કવિતા પર સ્કીઇંગની મજા માણે અને કવિને ભાગે માત્ર કિનારે બેસવાનું ! 🙂 )

પણ આપણે કરીએ છીએ શું? આપણે કવિતા પર જોર-જુલમ કરીને એને ચોકઠામાં બેસાડવાની કોશિશ કરીએ છીએ. એનામાંથી બળજબરી બંધબેસતો અર્થ કાઢવાની કોશિશ કરીએ છીએ અને એને ક્યાંયની રહેવા દેતા નથી.

Comments (9)

કવિતા વિશેની કવિતા: ૦૧ – કવિતાની કળા – આર્ચીબાલ્ડ મેકલીશ

કવિતા હોવી જોઈએ અડકી શકાય એવી અને મૂંગી,
જેમ કોઈ ભરાવદાર ફળ,

અવાચક,
જેમ અંગૂઠાની નીચે કોઈ જૂનો સિક્કો,

ચૂપ જેમ કે ઘસાઈ ગયેલો પથ્થર
ઝરૂખાની ધારનો, જેના પર લીલ ઊગી નીકળી છે—

કવિતા હોવી જોઈએ શબ્દહીન,
પંખીઓના ઉડ્ડયન જેવી.

*

કવિતા હોવી જોઈએ સમયમાં અચળ,
જેમ ઊગે છે આકાશમાં ચંદ્ર,

છોડતો જાય છે, જેમ ચંદ્ર મુક્ત કરે છે
રાત્રિમાં ગૂંચવાયેલા વૃક્ષોની એક-એક ડાળીને,

છોડતો જાય છે, જેમ શિયાળે પાંદડાં પછેતનો ચંદ્ર મુક્ત કરે છે,
મનની એક-એક સ્મૃતિને—

કવિતા હોવી જોઈએ સમયમાં અચળ,
જેમ ઊગે છે આકાશમાં ચંદ્ર.

*

કવિતા આને બરાબર હોવી જોઈએ:
નથી ખરું.

શોકના સમગ્ર ઇતિહાસ માટે
એક ખાલી દરવાજો અને એક ખરી પડેલું પાંદડું.

પ્રેમ માટે
ઝુકેલું ઘાસ અને દરિયા ઉપર ચમકતા બે દીવા—

કવિતાનો કોઈ અર્થ ન હોવો જોઈએ,
કવિતા માત્ર હોવી જોઈએ.

– આર્ચીબાલ્ડ મેકલીશ

આધુનિક કવિતાના આત્મા અને કલેવરની વ્યાખ્યા કરતી આ કવિતા છે

કવિતાનું કામ છે એક શબ્દચિત્ર દોરવાનું જે એક સંવેદના અને અનુભૂતિનું વહન કરી શકે. પણ એની સાથે જ એની ફરજ છે કારણ વગર બોલકી બનવાનું ટાળવાની. કવિતાને જરૂર નથી બહુ બોલવાની; કવિતાએ જરૂર છે એની અનુભૂતિને વફાદાર રહેવાની. નથી એણે લાંબી સમજૂતીઓ આપવાની જરૂર કે નથી એણે મોટા વર્ણનો કરવાની જરૂર. એણે ખાલી બને એટલા ઓછા શબ્દોમાં, બને તેટલી સાદગીથી, સંવેદના અને અનુભૂતિને વહન કરવાની છે.

કવિતા 3 ભાગમાં વહેંચાયેલી છે. આપણે એક પછી એક ભાગ જોઈએ.

ભાગ 1. :

અહીં વિરોધાભાસ જુઓ: કવિતા આમ તો પૂર્ણતઃ શબ્દ ઉપર નિર્ભર છે. છતાં કવિ એને મૂંગી, અવાચક. ચુપ અને શબ્દહીન બનવાનું આવાહન કરે છે.

કવિ કહેવા માંગે છે કે.કવિતા એ અમૂર્ત વિચારને બદલે જેને અડકી શકાય, જેને અનુભવી શકાય, જેને જોઈ શકાય એવી ચીજ બનવું જોઈએ. ફળ, સિક્કો, પથ્થર ને પંખીનું ઉડ્ડયન આવી મૂર્ત વાસ્તવિક ચીજો છે.

ભાગ 2.:

કવિ અહીં બે બહુ સશક્ત શબ્દો ચિત્રોની મદદથી કવિતાની વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે.

કવિતા સમયથી પર હોવી જોઈએ, આકાશમાં ચંદ્રની હાજરી સમાન. એનો મૃદુ પ્રકાશ માત્ર પર્યાપ્ત હોય; આંખને આંજી દે તેવો નહીં.

રાત્રિના અંધકારમાં વૃક્ષની ડાળીઓ જોઈ શકાતી નથી. પણ જ્યારે ચંદ્ર એમની પાછળથી પસાર થાય છે, ત્યારે એક-એક ડાળીઓની રૂપરેખા પ્રગટ થતી જાય છે. આ જ રીતે, કવિતા જ્યારે પસાર થાય છે, ત્યારે મનમાંની એક-એક સ્મૃતિને પ્રગટ કરતી જવી જોઈએ. કેટલી અદભુત વાત!

ભાગ 3. :

પહેલી પંક્તિમાં કવિ વિધાન કરે છે:, “કવિતા આને બરાબર હોવી જોઈએ:” અને પોતે જ એનો ઉત્તર આપે છે, ‘નથી ખરું’. એટલે કવિતાની કશાને બરાબર હોવાની કોઈ જવાબદારી નથી. કવિતા = x, એવું સમીકરણ મૂકશો તો x નો કોઈ ઉત્તર મળવાનો નથી.

પછી કવિ કવિતા વાચાળ ન બની જાય એ માટે બે ઉદાહરણો આપે છે. સમગ્ર ઇતિહાસના શોકને દર્શાવવા માટે એક ખાલી દરવાજો અને એક ખરી પડેલું પાંદડું કાફી છે. પ્રેમ દર્શાવવા માટે ઝુકી ગયેલું ઘાસ અને સાગર પર ચમકતા બે દીવા બતાવવા કાફી છે. કવિતાનું કામ છે માત્ર ઈશારો કરવાનું, અને બાકીનું વાંચક પર છોડી દેવાનું.

છેલ્લી બે પંક્તિઓ કવિતાની ધ્રુવપંક્તિઓ છે.

A poem should not mean
But be.

આ બે પંક્તિઓ આધુનિક કવિતાની ચળવળમાં ચાવીરૂપ બની ગયેલી પંક્તિઓ છે.

કવિતા પોતે એટલી સત્ય અને સશક્ત હોવી જોઈએ કે એમાંથી કોઈ એક જ અર્થ નીચોવવાની જરૂર પડે નહીં. કવિતાને અર્થ હોવો જરૂરી નથી; કવિતા માત્ર ‘હોવી’ જરૂરી છે.

Comments (12)

કવિતા વિશેની કવિતાઓ

લયસ્તરો પર આ અગાઉ પોસ્ટ થયેલ કવિતા વિશેની કેટલીક કવિતાઓ આ રહી… બાકીની કાલથી…

ભણકારા – બળવંતરાય ક. ઠાકોર
કવિતા –જયન્ત પાઠક
કવિતા ન કરવા વિશે કવિતા – જયન્ત પાઠક
કવિતા વિશે ત્રણ રચનાઓ – જયન્ત પાઠક
સાચી કવિતા – જયન્ત પાઠક
કવિતા વિશે અલ્પ જલ્પ – જયન્ત પાઠક
કવિતા લખવાનું કામ – જયન્ત પાઠક
સમુદ્ર – સિતાંશુ યશશ્ચંદ્ર
કવિતા બાબત બેએક વાતો – સિતાંશુ યશશ્ચંદ્ર
કવિનો શબ્દ – ચિનુ મોદી
શોધ (કવિતાનો અંશ) -ઉમાશંકર જોશી
શબ્દ – ઉમાશંકર જોશી
કવિતા લખવી હોય તો – સુરેશ દલાલ
ઠાગા ઠૈયા – રાવજી પટેલ
કાવ્ય – લાભશંકર ઠાકર
રળિયામણું… રળિયામણું – સંજુ વાળા
કવિ (ગઝલ ત્રિપદી) – સંજુ વાળા
કક્કાજીની અ-કવિતા – ચંદ્રકાંત શેઠ
એક કાવ્ય – બાબુ સુથાર
શબ્દ (ઝૂલણા-સૉનેટ) – જગદીશ જોષી
(અંધારું શાહીનું) – વજેસિંહ પારગી
શબ્દનું સાન્નિધ્ય – દિલીપ ઠાકર
શબદ – ગુણવંત વ્યાસ
ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૧”
ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨”
શબ્દ-સંબંધ – હરિવંશરાય બચ્ચન-અનુ.સુશી દલાલ
બે કાવ્યો – ડબલ્યુ એચ. ઑડેન (અનુ. હરીન્દ્ર દવે)
કવિતા કેવી રીતે ખાવી – ઇવ મેરિઅમ (અનુ. વિવેક મનહર ટેલર)
મારી કવિતા – (ચેકોસ્લોવેકિયા) યારોસ્લાવ સાઈફર્ત, અનુ. વિષ્ણુ પંડ્યા

Comments (1)

૬૦૦૦ પોસ્ટ્સ – એક ઐતિહાસિક મુકામ

* * * * * *

૬૦૦૦ ! ૬૦૦૦ !! ૬૦૦૦ !!!

સાચે?!

હા…જી!

આપ સહુના સ્નેહ અને સહકારના પ્રતાપે ૨૦૦૪ના અંતભાગે આદરેલી આ કાવ્યયાત્રા આજે લગભગ બાવીસ વરસ જેટલી લાં..બી પણ એકધારી મજલ કાપીને ૬૦૦૦ પોસ્ટના ઐતિહાસિક અભૂતપૂર્વ મુકામે આવી ઊભી છે. ધવલ શાહની કાવ્યપ્રીતિમાંથી જન્મેલ આ મુસાફરીમાં હું જોડાયો… એ પછી કાળક્રમે મોના નાયક ‘ઊર્મિ, સુરેશ જાની અને તીર્થેશ મહેતા વારાફરતી જોડાયા… સાંસારિક વ્યસ્તતાઓના કારણે આ ચારેય સહસંપાદક અલગ અલગ સમયે નિવૃત્ત થયા. મને એવું લાગતું હતું કે છેલ્લા ઘણા વરસોથી લયસ્તરોની ધુંસરી હું એકલો જ ઊઠાવી રહ્યો છું, પણ આજે જ્યારે છ હજાર પોસ્ટ્સના જાદુઈ આંકડાનો સંસ્પર્શ થયો છે, ત્યારે મને આ સત્ય સમજાય છે કે હું ક્યારેય એકલો હતો જ નહીં. લયસ્તરોના દરેક સીમાચિહ્નોની ઉજવણી સમયે મારા માજી સહસંપાદકો તો અચૂક સાથ આપે જ છે, પણ એ સિવાય આ આખી સફરમાં લયસ્તરોના સહૃદય ભાવકો અને અણમોલ સર્જકમિત્રો પણ સાથેને સાથે જ રહ્યા છે… સુજ્ઞ વાંચકો અને સૌહાર્દપૂર્ણ સર્જકો વિના આમાનું કશું જ સંભવ નહોતું, એટલે એ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…

ગુજરાતી કવિતા તેમજ કાવ્યાસ્વાદની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઈટના આ મહામૂલા માઇલસ્ટોનને આંબવાની ખુશીમાં જેના નિમિત્તે આ કાવ્યાટન થયું એ કવિતાને જ યાદ કરીએ તો કેવું!

ચાલો, ત્યારે આવતીકાલથી રોજ આપણે ‘કવિતા વિશેની કવિતાઓ’નો આહ્લાદ લઈશું…

જોડે રહેજો રાજ…
આભાર

Comments (39)

કબરનાં ફૂલ – અસર સુરતી

વરસી રહ્યાં છે નિજ ઉપર એની નજરનાં ફૂલ;
લાવી શક્યાં છે રંગ આ મારી ‘અસર’ નાં ફૂલ.

કોનાં કદમ પડે છે આ ખામોશ શહેરમાં?
તાજાં ફરીને થઈ ગયાં મારી કબરનાં ફૂલ.

જીવી રહ્યો છું એમ આ દુનિયાના બાગમાં:
કચડાય જેમ પગ તળે કો પાનખરનાં ફૂલ.

ઈન્સાનિયત છે ક્યાં હવે ઈન્સાનમાં ‘અસર’?
લાગે છે માનવીઓ તો ખુશ્બુ વગરનાં ફૂલ !

– અસર સુરતી

કેવળ મક્તાના બદલે કવિએ પોતાના તખલ્લુસને ગઝલના મત્લા અને મક્તા બંનેમાં વાપર્યું છે. પહેલા બે શેર તગઝ્ઝુલના અને ત્રીજો-ચોથો શેર હળવી ભાષામાં સાંપ્રત-ચિંતનાત્મક મિજાજે રંગાયેલ છે. પ્રેમીને જોતાં જ પ્રેમિકાની નજર શરમથી યા અન્ય કોઈપણ કારણથી નીચે ઢળી જાય છે એ વાત કવિએ હલકાફૂલકા અંદાજમાં પેશ કરી છે. પ્રેમીની ઉપસ્થિતિમાં પ્રેમિકાના બદલાયેલ રંગ જોતાં જ મિર્ઝા ગાલિબ પણ સ્મૃતિપટલ પર તરવરે:

मत पूछ कि क्या हाल है मेरा तिरे पीछे
तू देख कि क्या रंग है तेरा मिरे आगे

પ્રિયપાત્ર શહેરમાં પ્રવેશે અને પ્રેમીની કબર પરનાં ફૂલ ફરી તાજાં થઈ ઊઠે એ કલ્પન સહજ છે, પણ ખરી મજા શહેર આખાના ખામોશ હોવાની છે. પ્રેમીના નિધન પર આખું શહેર અવાક્- સાક્ષાત કબર સમું થઈ ગયું છે. નગર ખામોશ હોવાથી પદચાપ કબરની અંદર સુધી પહોંચે છે અને અસર કબર પરનાં ફૂલો સુધી. ‘ખામોશ’ શબ્દ શેરને ‘બોલતો’ કરે છે, ખરું ને! ત્રીજા ચોથા શેર સાધારણ છે. પણ ગઝલસાગરને સદૈવ ભર્યોભાદર્યો રાખનાર મરજીવાઓનું તર્પણ કરવું એ આપણી ફરજ ખરી ને!

Comments (4)

ઇચ્છાનો ઘરફોડુ – બકુલેશ દેસાઈ

હોવાનો આ બોજો બનતો કમ્મરતોડુ,
સ્વપ્નોની ગઠરીને બોલો, ક્યાંથી છોડું?

ધોળે દિવસે સંદૂક આખી તળિયાઝાટક!
કોણ હશે એવો તો ઇચ્છાનો ઘરફોડુ?

સુકકા શ્વાસોપાલવની ડાળી સંગાથે-
અવસરની કૂંપળનું કેવું થાય કજોડું!

હર્યોભર્યો રહેતે જીવતરનો બાગ હંમેશાં,
ના ફૂંકાયું હોત સમયનું વાવાઝોડું.

ભરચકતાને સામે કાંઠે આણ છે મારી,
પગરવના અણસારે પણ હું મોં મચકોડું.

– બકુલેશ દેસાઈ

કવિ લખે છે: ‘લખવું એટલે તલખવું… લખવું એટલે તણખવું… તલખવાથી માંડીને તણખવા સુધીની પ્રક્રિયા દરમ્યાન જ ક્યાંક, ક્યારેક, કોઈક રીતે ગઝલનો ભેટો થઈ જાય છે.’ આવી જ કોઈક તલખવા અને તણખવાની પ્રક્રિયા દરમિયાન કવિને ભેટી ગયેલ એક ગઝલ તે આ. આ દુનિયામાં ટકી રહેવું, જીવવું એ જ મોટો પડકાર છે. કમ્મર તોડી નાંખે એવા હોવાપણાંના બોજને વેંઢારવામાંથી જે માણસ નવરો ન પડતો હોય એ સપનાંની પોટલી ખોલે તોય શી રીતે? બીજા શેરમાં જે મજા છે એ ભાષાની છે. ધોળા દિવસે-સંદૂક-તળિયાઝાટક-ઘરફોડુ –પળાર્ધમાં તો ઘરચોરીનું આખું ચિત્ર નજર સામે તરવરી રહે છે. પણ આ ચોરી ઇચ્છાઓની થઈ છે, એમ કવિ કહે છે ત્યારે આ ચિત્ર શેરમાં પરિણમે છે. ત્રીજા શેરમાં આસોપાલવના સ્થાને કવિએ શ્વાસોપાલવ શબ્દ કોઇન કર્યો છે એ ધ્યાનમાં આવે તો લળી લળીને સલામ કરવાનું મન થાય. સુક્કા ઝાડ પર લીલી કૂંપળ ફૂટે તોય કઈ રીતે? ને ફૂટે તો એ કજોડું ન લાગે? કેવો અદભુત શેર! ચોથો શેર પણ સરસ છે, પણ પહેલા ત્રણ શેરની ઊંચાઈએ પહોંચતો નથી. કવિને એકલતા અને એકાંત એવા રાસ આવી ગયા છે કે જે કાંઠે ભરચકતા છે એના સામા કાંઠે જઈ વસ્યા છે. સામા કાંઠે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાનના ન્યાયે એમની આણ પણ પ્રવર્તી રહી છે. સરવાળે, નિરાશા, અપ્રાપ્તિ અને એકલતાની મુસલસલ ગઝલ

Comments (6)

પથ્થરની કાયામાં – અનિલ જોશી

મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે

પાલવમાં આળખેલા ફૂલને સુગંધ ફૂટી પગલીથી ચિતરાયાં ફળિયાં
રમકડાંના મોરલા ગહેક્યા કરે ને ઊડ્યાં વાદળાં બનીને મારાં નળિયાં
મારા કમખામાં ચોમાસું એવું બેઠું કે હવે સહરાના કાંઠાયે છલકે
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે

પંખા ઉપર કોઈ માળો ન બાંધશો પંખો ફરશે ને વિખરાશે
રમકડાંના મોરલા ગહેકશે નહીં અને ફળિયામાં પગલી ખોવાશે
મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ એનાં પાંદડાંઓ ડાળમાંથી સરકે
મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે

– અનિલ જોશી

વરસો પહેલાં ‘દે તાલ્લી’ ઑડિયો કેસેટમાં આ ગીત પહેલવહેલીવાર સાંભળ્યું હતું. પ્રથમ શ્રવણે જ આ ગીતે મને કાયમ માટે ઝાલી લીધો હતો. રાજેન્દ્ર ઝવેરીના સંગીત-સ્વરાંકન અને તૃપ્તિ છાયાનો સ્વર હજી આજેય અંતરમનમાં એવાં ને એવાં જ તરોતાજા છે. આટઆટલા વરસથી આ ગીત લયસ્તરો પર કેમ નહોતું એ જ આશ્ચર્ય. એક પંક્તિનું મુખડું એ પોતે જ એક સુવાંગ ગીત જેવું છે. એ એક પંક્તિમાં કવિએ જે કહી દીધું છે એ કહેવા માટે બે શું, બાવીસ અંતરા પણ ઓછા પડે.

ગીતનાયિકાના જીવનમાં પ્રણયનો પ્રથમ સંસ્પર્શ થયા પછીની અનુભૂતિનું આ ગીત છે. જડ કાયામાં અચાનક સંવેદનાઓ જાગી ઊઠી છે. અને તે કેવી? તો કે, પાલવમાં ગૂંથેલા ફૂલ, પગલી, રમકડાંના મોર, ઘરનાં નળિયાં અને કમખો-આ તમામ જીવંત થઈ ઊઠ્યાં છે. પણ ઉત્સાહનું વાવાઝોડું સાવધાનીને પણ સાથે ઘસડી લાવ્યું છે. પ્રણયસંબંધ પંખા પર બાંધેલા માળા જેવો નાજુક છે, પંખો ફર્યો નથી કે… અહીંથી આખું ગીત રિવર્સ ઓર્ડરમાં પરત ફરે છે… જે સીંચી સીંચીને હૈયાને પ્રણયપ્લાવિત કર્યું હતું, એ જળ જળ ન હોય ને મૃગજળ નીકળે તો?

Comments (12)

નમ્રતાના નિધિ હે! – મોહનદાસ કરમચંદ ગાંધી (અનુ. ઉમાશંકર જોશી)

દીન દુખિયાં તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!

ભૂમિ આ જ્યાં વહે ગંગાજમુના અને
બ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,
ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે
સતત કરીએ, હજો સ્હાય તારી. … દીન૦

મન રહે મોકળાં, હૃદય ખુલ્લાં રહે,
હે હરિ! તાહરી નમ્રતા દે!
સકલ ભારતજનોથી થવા એકરસ,
પૂર્ણ લગની અને શક્તિ તું દે. …દીન૦

હે પ્રભુ! ધાય વ્હારે તું જ્યારે અરે,
થઈ રહે માનવી નમ્ર છેક;
અલગ પડીએ ન લોકોથી –દે એટલું,
મિત્ર-સેવક થવું એ જ ટેક. …દીન૦

આત્મ-બલિદાન, પ્રભુલીનતા, નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખૂબ ને,
એ પ્રતિ ઊમટે પ્રેમધારા …દીન૦

– મોહનદાસ કરમચંદ ગાંધી (અંગ્રેજી)
(અનુ. ઉમાશંકર જોશી)

*

ગાંધીજીએ લખ્યું હતું: ‘હું જો કવિ હોઉં તો પાંચ આંગળીઓનું મહાકાવ્ય લખું.’ આ ઇચ્છા પોતે જ એક કવિતા સમી છે. ૧૯૩૪ની સાલમાં હૈદરાબાદ કલ્યાણ કેન્દ્રમાં કામ કરતાં કુ. લિનફર્થે એમની પાસે ‘સંદેશા’ની માગણી કરેલી. તેના ઉત્તરરૂપે ગાંધીજીએ અંગ્રેજીમાં સ્તોત્રકાવ્ય જેવો સંદેશો લખી મોકલાવ્યો હતો. ઉમાશંકર જોશીએ આ સંદેશાને પ્રભાતિયાના ઢાળમાં ઢાળી અનુવાદ કર્યો હતો, પણ એનાય બે ‘વર્ઝન’ જોવા મળે છે. ઉપર જે અનુવાદ છે એ ઉમાશંકર લિખિત ‘નિશ્ચેના મહેલમાં’ પુસ્તકમાં છે, અને નીચે જે અનુવાદ છે એ નટુભાઈ જી શાહ સંપાદિત ‘રોજેરોજની કવિતા’ પુસ્તકમાં છે. બંને અનુવાદનું કર્તૃત્વ તો ઉમાશંકર જોશીનું જ છે અને બંને અનુવાદ ઝૂલણા છંદમાં જ છે. આપણે બંને માણીએ. (મૂળ અંગ્રેજી સંદેશો નીચે કમેન્ટવિભાગમાં પોસ્ટ કર્યો છે.)

*

દીન દુખિયા તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!

જાહ્નવી, બ્રહ્મપુત્રા તણાં જળ વડે
સરિત યમુના તણાં પુણ્ય ગહરાં
એહ સુંદર અહો દેશમાં શોધવા
સૌ મથીએ તને, સ્હાય તું થાય! …દીન૦

થાય મન મોકળાં, હૃદય ખુલ્લાં રહે,
હે હરિ! તારી નમ્રતા દે,
ભૂમિ ભારત તણાં લોકથી એક રસ,
થઈ જવા શક્તિ, મતિ ને સ્પૃહા દે! …દીન૦

હે પ્રભુ! સ્હાય તું થાય છે માત્ર જ્યાં,
થઈ રહે નર નિરાધાર છેક;
મિત્ર, ચાકર બની સેવીએ, લોક જે,
તેથી વિખૂટા ન પડીએ, તું દેખ…દીન૦

આત્મ-બલિદાનની મૂર્તિ થઈએ અમે,
દિવ્ય મૂર્તિની નમ્રતા શા,
જેથી આ ભૂમિનું થાય દર્શન સુભગ
ને વહે એ પ્રતિ પ્રેમધારા …દીન૦

– મોહનદાસ કરમચંદ ગાંધી (અંગ્રેજી)
(અનુ. ઉમાશંકર જોશી)

Comments (5)

પ્રથમ રાત્રિ – રમેશ પારેખ

(વસંતતિલકા)

વંધ્યા અવાવરુડિબાંગ હથેળીઓમાં
કેવી રીતે અવતર્યાં ગુલમ્હોર વૃક્ષો
આ એ જ હાથ બટકી પડતા હતા તે
લીલાચટાક બસ આજ લીલાચટાક

ભૂલેચૂકેય કરું સ્પર્શ હું કાંકરીને
તો કાંકરીય ટહુકો થઈ જાય આજ.
સીધાં ચઢાણ ચડવા મથતી ન હોય
એ રીત ઊપડતી પાંપણ માંડ તારી

સામે મને (હું પણ ઢાળ જ હોઉં તેમ)
સ્પર્શે અને લપસી જાય સલજ્જ દૃષ્ટિ
ચોમેર ચંદ્ર સુખપાંચમનો પ્રકાશે
આખ્ખાય રોમવનને ભરતો ઉજાસે

ઊભો ઊભો હું નવજાત બની જઉં ને
મૂકી શરીર અળગું સરકી જઉં, ને…

– રમેશ પારેખ

શીર્ષક એટલે કવિતાનો ઉંબરો…’પ્રથમ રાત્રિ’ શીર્ષક વાંચતાવેંત સુખપાંચમનો ચંદ્ર આપણા રોમવનને ઉજાસથી છલકાવી દે… ખરું ને? જે હથેળીઓ આજદિનપર્યંત સ્પર્શસુખથી વંચિત હતી, એમાં લગ્નજીવનની પ્રથમ રાત્રિએ ગુલમહોરનાં વૃક્ષો અવતર્યાં છે. વંધ્યા અને અવતર્યાં- કવિએ વિશેષણ અને ક્રિયાપદનો જે સુમેળ કર્યો છે એ તરફ ધ્યાન દેવાનું ચૂકાય નહીં. પ્રેમ માણસને પારસમણિ બનાવી દે છે. આજની રાત એવી રાત છે કે ભૂલથી કાંકરીને સ્પર્શ કરી દેવાય તો એય ટહુકા કરી ગાતી થઈ જાય. એક તરફ આવેશ એની પરાકાષ્ઠાએ છે, તો બીજી તરફ લાજ પણ ચરમસીમાએ છે. પત્નીની નજર જાણે સીધો પહાડ કેમ ન ચડવાનો હોય, એમ માંડ માંડ ઊઠે છે અને પતિ ઢાળ હોય એમ તારામૈત્રક સધાવાની બીજી જ પળે સડેડાટ લપસી પણ જાય છે. મનપાંચમના મેળાનું ગાન ગાનાર કવિએ અહીં સુખપાંચમના ચંદ્રનો પ્રકાશ રેલાવ્યો છે. કવિએ સુખપાંચમના સ્થાને મુખપાંચમનો ચંદ્ર કહ્યું હોત તોય સૉનેટની લાલિમા કદાચ યથાવત્ રહેત. અદ્વૈતમાંથી દ્વૈત પામવાની આ પળે કાવ્યનાયક નવજાત બાળસહજ નિર્દોષતાથી….

Comments (17)