લા.ઠા. સાથે – ૦૩ – કાવ્ય – લાભશંકર ઠાકર
આ બધું જે નિશ્ચિત દિશાને ચીંધે છે
એ અવિરત એકધારું આરપાર પોતાને જ વીંધે છે.
તો છોડી દે ને.
શું છોડી દઉં ? કાવ્ય છોડીને ફાવ્યમાં પડું ?
કશુંય છૂટતું નથી.
અંદર ને અંદર એકધારો અતિશય ગૂંગળાયા કરું છું.
. પણ ઇંડું ફૂટતું નથી.
‘છૂટતું નથી’ – ના પ્રાસમાં ‘ફૂટતું નથી’ આવ્યું;
. ને ‘આવ્યું’ના પ્રાસમાં દાતણને વાવ્યું
આમ અગડં બગડં ઊછળવા છતાં યે
. આ ‘કાવ્ય કરવાનું’ છૂટતું નથી
કાં તો એ એવું પાત્ર છે મદ્યવું જે કદિ ખૂટતું નથી.
કાચનું છે, આમ ગબડી જાય છે હાથમાંથી, પણ ફૂટતું નથી.
કાં તો એ એવું ગાત્ર છે સમયનું વજનદાર જે કદી તૂટતું નથી.
– લાભશંકર ઠાકર
કવિના “ટોળાં અવાજ ઘોંઘાટ” સંગ્રહમાંના ‘ક્યારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી’ શીર્ષકવાળા દીર્ઘકાવ્યનો અંતભાગ અહીં રજૂ કરું છું. આખું કાવ્ય કાવ્યસર્જનપ્રક્રિયા સાથે સંકળાયેલું છે.
લા.ઠા.ની કવિતામાં સીધો અર્થ શોધવા જઈએ તો ઊંધે મોંએ પટકાવાની પૂરેપૂરી ખાતરી છે. કવિ કોઈ ઇમેજમાં બંધાવા માંગતા નથી. કવિ તરીકે એમણે શરૂઆત કરી છંદોબદ્ધ કાવ્યોથી. પહેલા સંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’નું નામ પણ છંદમાં. પણ તરત જ કવિ છંદના બંધન તોડી-ફોડીને આગળ વધી ગયા. અછાંદસમાં પણ કવિ સતત પોતાની રીત-ભાતને તોડતા-ફોડતા જ રહ્યા. એટલે જ લા.ઠા.ને માણવા હોય તો એમના શબ્દોની પેલેપાર જઈને એમને મળવું પડે. શબ્દો જે કહે છે એ તો સંભળવાનું જ છે પણ શબ્દોની ગોઠવણીમાં રહેલો ધ્વનિ ખાસ સાંભળવાનો છે. અને આ બંને જગ્યાએ લા.ઠા.ને મળી લો પછી આખી કૃતિમાંથી જે વ્યંજના સરવાળે ઊભી થાય છે એને પણ ધ્યાનમાં લેવાની. આમ, આ ત્રણેય સ્તરે ભાવક સાબદો હોય તો જ કાવ્યપદારથ સાંપડશે. ક્યારેક કશુંય હાથમાં નહીં આવે અને માત્ર એક અનુભૂતિ જ ભાવકની ભીતરે સર્જાય. આ નકરી નિર્વસ્ત્ર અનુભૂતિ પણ લા.ઠા.ની કવિતા જસ્તો.
Ketan Yajnik said,
January 13, 2016 @ 6:26 AM
વાત; પકડવાની, છોડવાની કે હોવાની
ધવલ said,
January 13, 2016 @ 11:17 AM
સરસ વાત !
Harshad said,
January 15, 2016 @ 9:04 PM
Like it. Beautiful.
Anil Shah.Pune said,
September 16, 2020 @ 12:45 AM
દીલ તોડ્યું,પણ તુટતુ નથી…
એણે છોડુ,પણ છુટતુ નથી….
પ્રેમ થયો, કેવી રીતે,ખબર ક્યાં..
મનને વાળું,પણ વળતું નથી….
મારું દર્દ કહું કે એની વેદના જોવું…
કેમ કરી ને પણ સહેવું નથી…..
એને ભુલવા ની ભૂલ કરું અનિલ…
તોય મારે,પણ ભુલવું નથી……