સંસારનું સાજ – અવિનાશ વ્યાસ
બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો ન મળતો તાર રે;
મારો મળ્યો મળે નહિ તાર.
ગાયા કંઈએ વિધ વિધ રાગ,
છેડ્યો અંતે મેં વૈરાગ,
લઈ જાશે ભવની પાર રે,
થઈ ભવભવનો સથવાર
બેસૂર સાજ સંસાર રે.
સમતાનો જ્યાં ષડજ મળે નહિ,
રિષભ મળે નહિ રહેમભર્યો;
મૃદુવચની જ્યાં મળે ના મધ્યમ,
જ્યાં ઘમંડના ગાંધાર રે;
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.
પરદુઃખીનો પંચમ ના બોલે,
ધનિકનો થઈ ધૈવત ડોલે;
નહિ નિર્બળનો નિષાદ રે.
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.
– અવિનાશ વ્યાસ
કવિતામાં માનવીનો વ્યવસાય કઈ રીતે રસીબસી જઈ શકે છે એનું ઉમદા ઉદાહરણ આ ગીત છે. જેમની રક્તવાહિનીઓમાં રક્તના સ્થાને સંગીતની સરગમ વહેતી હતી એવા કવિએ અહીં ગીતને રાગમાં ઢાળનાર શુદ્ધ સ્વરોને જ ગીતના વણાટકામમાં જોતરી લીધા છે. આપણે સહુ આ સાત સ્વરોથી સુપરિચિત છીએ: સા (ષડજ), રે (રિષભ), ગ (ગંધાર), મ (મધ્યમ), પ (પંચમ), ધ (ધૈવત), ની (નિષાદ).
સંસારનું સાજ બેસૂરું લાગે એ વાત તો સદીઓથી સંતકવિઓ ગાતા આવ્યા છે. કવિ પણ એમના સૂરમાં સૂર પૂરાવતા કહે છે મારો તાર કેમે મળ્યો મળતો નથી. ભૂમિતિમાં આપણે પ્રમેય અને પૂર્વધારણા વિશે શીખ્યા હતા. પ્રમેયોને સાબિત કરવામાં આવે છે, પરંતુ ભૂમિતિની શરૂઆત કેટલાક વિધાનોથી થાય છે જેમને સાબિતિ વિના માની લેવામાં આવે છે. આ વિધાનોને પૂર્વધારણા કહે છે. કવિના આ ગીતની ઇબારત પણ પૂર્વધારણા જેવી છે. સામાન્યતઃ ગીત ક્રમિક વિકાસ સાધી પરાકાષ્ઠા સુધી જતું જોવા મળતું હોય છે, એના બદલે અહીં કવિ પહેલાં પરિણામ જાહેર કરી દે છે અને પછી પરિણામ સુધી પહોંચવા માટે પોતે ગણેલી રીત આપણને બતાવે છે. જીવનમાં લખલખ વાનાં કરી લીધા બાદ આખરે કવિને વૈરાગ છેડવાનું સૂઝ્યું છે, કેમ કે એ એક જ રાગ છે જે ભવભવનો સથવાર થઈ ભવપાર લઈ જઈ શકે એમ છે.
આખું આયખું સંગીત ઉપર કેન્દ્રિત કરી જીવ્યા હોવાથી અહીં પ્રચલિત ગીતરચનાથી વિપરિત સ્વરૂપ-સંવિધાન આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ બંધમાં અ-અ-બ-બ મુજબ પ્રાસ મેળવીને કવિ મુખડાના પ્રાસ સાથે સંધાન સાધે છે, પણ બીજા અંતરામાં એક પંક્તિ વધારાની ઉમેરીને પ્રાસમુક્ત ત્રણમાં પંક્તિ આલેખ્યા બાદ બ-બ પ્રકારે પ્રાસ પ્રયોજી મુખડા સાથે ગીતને જોડે છે, અને અંતે છેલ્લા બંધમાં ફરી ક-ક-બ-બ મુજબ પ્રાસ પ્રયોજીને પ્રચલિત ગીતસ્વરૂપ તરફ ગતિ કરે છે. અન્ય કાવ્યસ્વરૂપોની સરખામણીમાં કદાચ ગીત એકમાત્ર પ્રકાર એવો છે, જે કવિને કાવ્યબંધારણ માટે અનંત શક્યતાઓ બક્ષે છે.