ધમચી કરીને મને ઢોળે લીલોતરીમાં
ખાંડે છે મુશળધારે હો જી.
માટીના ઢેફામાં ધબકતું જોબનિયું
વંઠેલીને તે કોણ વારે હો જી
એમ કરી પાનબાઈ બોલે, ખલૂડીબાઈ
ડોકું ધુણાવી હોંકારે હો જી
– હરીશ મીનાશ્રુ
તળપદી ભાષામાં હળવી હલકથી ચાલતું આ લવચિક ગીત પહેલી પંક્તિની સાથે જ આખું દૃશ્ય આંખ સમક્ષ ખડું કરી દે છે. નાવણિયામાં નહાતી નવોઢાને એના મનનો માણીગર આઘેથી માત્ર બૂચકારે એવામાં તો એ ફૂલ પેઠે ઓગળવા માંડે છે જાણે. પાતળા બાંધાનો પિયુ પધારે છે તો એમ લાગે છે કે પણઘટ આખું સામે ચાલીને પાણિયારે ન આવ્યું હોય ! અને પછીની કડીઓમાં પંડમાં ન સમાય એવો થનગનાટ અને કામકેલિ કાવ્યસૌંદર્યને અણી કાઢી આપે છે. કાવ્યાંતે આવતા પાનબાઈ અને ખલૂડીબાઈના સંબોધન ગંગા સતીના ભક્તિપદનો લહેકો આપી ભાવકને સુખદ અહેસાસ કરાવે છે… અંતે તો પ્રેમ એ જ ખરો ધર્મ છે, ખરું ને?!
September 25, 2009 at 3:38 AM by વિવેક · Filed under ગીત, ગૌરાંગ ઠાકર
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો
આ બીજગણિત ને ભૂમિતિમાં આવે છે કંટાળો
પૂછો ના બસ એક મીટરના થાય કેટલા ફૂટ,
વાદળની ટાંકીના કહો તો દઈ દઈએ ઘનફૂટ.
આ સ્ક્વેરરૂટ ને ક્યુબરૂટમાં થાય બહુ ગોટાળો.
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો
મિલકતની ખાતાવહીમાં લખવાની છે બૂમો,
વ્યાજ અમારા આંસુ છે, ને મુદ્દલમાં છે ડૂમો.
રોજમેળ શીખવોને માસ્તર માથું ના ખંજવાળો
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો
આ સંબંધોના સમીકરણમાં આવે મોટી બાધા
વહાલ ઉમેરી આપો અમને બાદ કરી દો વાંધા
મારાથી માણસને ગુણું તો શું મળશે તાળો?
વરસાદી છાંટાને ગણવા શીખવાડો સરવાળો
-ગૌરાંગ ઠાકર
આજે ગૌરાંગભાઈનું એક તરોતાજા ગાણિતીક ગીત. આખા વિશ્વમાં છાંયડો કરવા કેટલી ડાળ જોઈશે એટલી સમજણ જેટલું ઝાડત્વ પણ આપણામાં ઊગી નીકળે તો સંસાર સ્વર્ગ બની જાય. ગીત ખૂબ જ સાહજિક છે એટલે વધુ પિષ્ટપેષણ નહીં કરું પણ આ સંદર્ભમાં નયન દેસાઈની ભૌમિતિક ગઝલ અને ગઝલ પ્રમેય જોવા જેવી રચનાઓ છે.
મીરાંની પ્રેમલક્ષણા ભક્તિ યાદ આવી જાય એવું અદભુત ભક્તિગીત… સમર્થ સાથે સગાઈ માંડીએ એટલે ચિત્તના એક-એક તાણાવાણા એની સાથે જોડી દેવા પડે તો જ એ અનહદનો સ્વામી ભીતરના સિંહાસને આરુઢ થાય. ભવની ભવાઈ ભાંગે ને અંદરની ને અંતરની તંદ્રા તૂટે ને આંસુઓનું સીંચન થાય ત્યારે વાત આગળ વધે… અને આટલું થાય પછી તો આપણે કશું કરવાનું બાકી જ રહેતું નથી. એના કોમળ હાથે એ જ આપણને જેમ કોઈ ભીંત ઓકળતું હોય એમ આપણને એ રીતે શણગારે છે કે આપણને દરેક પળે મબલખ મળતું જણાય અને દરેક પળ સાનંદાશ્ચર્યની ભેટ બની રહે…
ઘૂંઘટ ખૂલવાની આવી વેળ;
શગને સંકોરો, મારા સાહ્યબા !
-ગિરીશ ભટ્ટ
પરણીને સાસરિયે જતી નવોઢાનો ઉલ્લાસ અને સંકોચ – બંને તળપદી બોલીમાં અહીં સાંગોપાંગ વ્યક્ત થયા છે. એક તરફ બાળપણ છૂટી ગયાનો મીઠો ડંખ છે તો બીજી તરફ પગ ઉંબરો ઓળંગે એ પહેલાં ફાળ ભરીને પ્રિયતમ પાસે દોડી જતું હૈયું છે. નવલા જીવનના બેય દ્વાર અધૂકડાં જ છે એટલે પરણ્યાને હળવેથી પધારવાનું લજામણી જેવું લવચીક ઇજન એક તરફ છે તો બીજી તરફ કાંબા-કડલાંના ખણકાર કરતાંય વધુ ખણકતું ઉલ્લાસોત્સાહસભર મન છે.
September 7, 2009 at 8:00 PM by ઊર્મિ · Filed under ગીત, મનોજ્ઞા દેસાઈ
સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ,
આખ્ખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી ફેંદી કાઢ્યા બધા રૂમ.
ઢીંગલીની આંખો મેં સાત વાર ખોલી ને પાંચીકા ખખડાવી લીધા,
જે જે જગ્યાએ હું સંતાતી ત્યાંય મેં સાદ જો ને કેટલાય દીધા !
ચૌદે ભાષામાં બોલાવી જોયું- વ્હેર આર યુ ? કહાં ગયે તુમ ?
આંધળિયો પાટો તો રમશે કદાચ ને આવશે કે કરી દઈશ થપ્પો,
રોકી પાડીશ એને ચીતરવા ઘર અને હોડી ને દડો ગોળગપ્પો;
હોળીમાં ફુગ્ગા ને દિવાળી આવતાં શું ફોડીશ લવિંગયા કે લૂમ.
સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો,
મોટેથી સાદ મેં જે દીધો આકાશે તે વાદળના ઝૂલણામાં ઝૂલ્યો;
સોનપરી, નીલપરી આવી કહે ‘બાય’ એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ.
-મનોજ્ઞા દેસાઈ (૨૫ મે, ૧૯૫૮ : ૧૩ જાન્યુઆરી, ૨૦૦૯)
કાયમ માટે પિયર છોડીને જતી કન્યાની નાજુક મનોદશા કવયિત્રીએ આ ગીતમાં ખૂબ જ સુંદર રીતે આલેખી છે. યૌવનનાં મબલખ કંકુવરણા શમણાંઓનો સાદ પણ છે પરંતુ છૂટતા બચપણનું ન છૂટતું વળગણ પણ છે. આગળ તો જવું છે, પરંતુ પાછળનું બધું છૂટી જવાનો રંજ પણ છે. પરણીને સાસરે જતી કન્યા જાણે ફરી એકવાર પોતાના બાળપણાને મન ભરીને માણી લેવા માંગે છે પરંતુ ત્યારે જ એને સમજાય છે કે યૌવનની આંગળી ઝાલતાની સાથે જ એનું બાળપણું તો ક્યાંક ગુમ થઈ ગયું છે… જે હવે એને એની ઢીંગલીની આંખોમાં કે પાંચીકામાં પણ નઈં મળે. સાસરે જનારી બધી કન્યાઓને અર્પણ કરવા જેવું ખૂબ જ મજાનું ગીત… 🙂
‘લયસ્તરો’ પર પહેલીવાર ગયા અઠવાડિયે નવા પ્રયોગ તરીકે કવિતાનો આસ્વાદ તૈયાર આપવાના બદલે વાચકોને આ કાવ્યનો આસ્વાદકરાવવા માટે ઇજન અપાયું હતું જેના સુંદર પ્રતિસાદ બદલ સહુ મિત્રોનો આભાર…
રાવજી પટેલનું આ અમર કાવ્ય અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું આવી ઊભું જોઈને લખાયું છે. અહીં લય લોકગીતનો છે પણ ભાવ છે શોકગીતનો. મૃત્યુની સાક્ષાત્ અનુભૂતિ તો કદાચ અકળ છે પણ એ આંખ સામે આવીને ઊભું હોય ત્યારે જે સંવેદના થાય એનો મૃત્યુના સાક્ષાત્કાર સમો લવચિક છતાં બળકટ ચિતાર ચિત્કાર કર્યા વિના કવિએ અહીં આપ્યો છે. આ ગીતને રાવજીએ કોઈ શીર્ષક આપ્યું નથી પણ આપણે સહુ એને ‘આભાસી મૃત્યુના ગીત’ તરીકે ઓળખીએ છીએ. ઉમાશંકર જોશીએ આ રચનાને ‘રાવજીનું હંસગીત’ કહી વધાવ્યું હતું.
સુરેશ દલાલ, હરીન્દ્ર દવે જેવા ખ્યાતનામ કવિઓ અને થોડી મારી સમજણની ભેળસેળ કરીને આ ગીત ફરીથી માણીએ:
સમજાય એવું છે કે કાવ્યનાયક કવિ પોતે જ છે. એ ગૃહસ્થ છે, જુવાન છે અને આંખ સામે અડીખમ મૃત્યુ છે. આવા માણસના શ્વાસ સમેટાવાના હોય ત્યારે પહેલો વિચાર પત્નીનો, એના સૌભાગ્યનો જ આવે. સૌભાગ્ય સામે વૈધવ્ય જીતતું દેખાય ત્યારે સૌભાગ્યના પ્રતીક જેવો- કંકુના સૂરજ જેવો ચાંદલો પોતાની સગી આંખે- આથમતી આંખે દેખાય છે. ‘આથમ્યા…’ પછીનાં ત્રણ ટપકાં એ આંસુના ચિહ્ન હોઈ શકે છે અથવા કંઈક કહેવું છે અને કહેવાતું નથી એની વ્યથાના સંકેત પણ…
લગ્નગીતના લયમાં ફોરતું આ મૃત્યુગીત લગ્નની તૈયારીની જેમ જ પોતાના મૃત્યુના સામૈયાની તૈયારી કરે છે. વીરાને વે’લ શણગારવાનું અને રામણદીવડાની શગ (જ્યોત) સંકોરવાનું આહ્વાન આપી કવિ વેદનાને વલૂરે છે. લોકગીત કે લગ્નગીતમાં સામાન્યરીતે પંક્તિના અંતે આવતો ‘રે’ અહીં પદારંભે વપરાયો છે. દુઃખની વાત હોય ત્યારે આપણે ‘રે..રે… આ શું થઈ ગયું?’ કહીએ, શું એ અહીં કવિને અભિપ્રેત હશે? સૂરજ આથમે ત્યારે અંધારું થાય પણ દેહ આથમે ત્યારે શ્વાસ અજવાળાં પહેરીને ઊભા રહે છે. પાસે બળતા દીવાનું અજવાળું? ક્ષરલોકના અંધારેથી નીકળીને અક્ષરલોકના અજવાળાંની યાત્રા? तमसो मा ज्योतिर्गमय ?
પીળો રંગ રોગનો રંગ છે. પાનખરનો રંગ છે. લીલો રંગ તાજગીનો, વસંતનો, યૌવનનો રંગ છે. ઘોડો પ્રતીક છે શક્તિનો, તાકાતનો, સવીર્યતાનો. બેલગામ યૌવનના ઘોડા એક પીળા પાંદડામાં જ્યારે ડૂબી જાય છે ત્યારે માત્ર કવિ કે કાવ્યનાયક જ નહીં એની સાથે યૌવનના અગણિત સપનાંઓ, અલકાતાં-મલકાતાં રાજ-કાજ બધું જ ડૂબે છે. આનંદમાં હોઈએ ત્યારે આપણે ક્યારેક શબ્દોને બેવડાવીને બોલીએ છીએ.. અલક-મલકની વાતો… કવિ અહીં દુઃખના પ્રસંગે અલકાતાં સાથે મલકાતાં અને રાજ સાથે કાજનો માત્ર પ્રાસ નથી બેસાડતા, દુઃખની દ્વિરુક્તિ પણ કરે છે… હણહણતી સુવાસમાં ઘોડા સાથે હનહણવાનો સંદર્ભ તરત પકડાઈ જાય છે પણ જ્યાં ‘હણહણતી’ સુવાસને ‘સાંભળવા’ની વાત આવે છે ત્યાં દૃશ્ય, શ્રાવ્ય અને ઘ્રાણ સંસ્કારોનો ઇન્દ્રિયવ્યત્યય થયેલો અનુભવાય છે. સુવાસ નિરાકાર છે. હવે તો દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી… કરેલા કર્મ જ પ્રિયજનને સુવાસરૂપે સંભળાતા રહેશે !
દીકરીને વિદાય કરતી વખતે મા-બાપ કહે છે, ‘તારા પતિનો પડછાયો થઈ રહેજે સદાયે સાથે…’ યુવાન પતિને મરતાં અટકાવવા કોણ સહુથી વધુ ઝંખે? પત્ની જ સ્તો ! સત્યવાનની સાવિત્રી જ ને ! અને પત્ની કેવી રીતે રોકવા મથે છે ? ડૂમો ભરેલા ગળેથી અડધોપડધો બોલ માંડ નીકળે છે.. ડગલું ભરવા ઊંચકેલ પગ આગળ વધે એ પહેલાં આઘાતથી અટકી જાય છે એટલે ઝાંઝર પણ અડધું જ બોલે છે. ઘા જોરથી થાય તો એની વેદના ક્ષણજીવી રહે પણ હળવા ઘા ચિરંજીવી બની રહે છે. નાયક મૃત્યુનો સાક્ષાત્કાર કરવા તો જઈ રહ્યો છે પણ આવી સજીવ હળવાશ એને હજી પણ અટકાવી રહી છે… સ-જીવી હળવાશમાં કદાચ, બે જીવ-સોતી પત્નીના ભાવિમાં ઝળુંબતા વૈધવ્યની વેદનાનોય સંકેત હોય. રાવજીના મૃત્યુ સમયે, એમની પત્ની એવી અવસ્થામાં હતીય ખરી.
વ્યથાને હદમાં રહીને તો સૌ કોઈ શબ્દમાં કંડારે છે; ક્યારેક અનહદ વ્યથાનું પૂર શબ્દોના અર્થના સીમાડાને તોડીને ફેલાઈ જતું હોય છે. પાંપણ ભીની કર્યા વિના ક્યારેય વાંચી ન શકાય એવા આ કાવ્યમાં એવું બન્યું છે!
દર વખતે કવિતા સાથે અમે ટૂંકનોંધ આપીએ એના બદલે આ વખતે થોડો અલગ ચીલો ચાતરીએ. આ કવિતાનો આસ્વાદ આ વખતે દરેક વાચક મિત્ર પોતપોતાની રીતે કરાવે તો કેવું ?
કવિતામાં દૃશ્ય શબ્દ કરતાંય ક્યારેક અદૃશ્ય શબ્દનો મહિમા વધુ હોય છે અને એટલે જ એક જ કવિતા અલગ અલગ ભાવકને અલગ અલગ અનુભૂતિ કરાવી શકે કે એક જ ભાવકને અલગ અલગ સમયે પણ અલગ અલગ અનુભૂતિ કરાવી શકે એમ બને. અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલની આ કવિતા મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે…
તમે સહુ આ કવિતાને કેવી રીતે અનુભવો છે એ આજે તમારી જ કલમે સાંભળીએ… પ્રતિભાવ આપવા તૈયાર છો ને?
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
ને તોય હશે અહીં પંખી: રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો !
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ : ઘંટનો હશે રણકતો નાદ :
નાદ એ નહીં જાય રે ઝાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
અને એકલો જાઉં : વટાવી ઘરના ઉંબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
– તોય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
– યિમિનેઝ
અનુ. સુરેશ દલાલ
સ્પૅનિશ કવિ યિમિનેઝની આ આખરી વિદાયનું ગીત મૃત્યુને હળવી હલકથી આલેખે છે. મૃત્યુ વિષયક કાવ્યમાં મૃત્યુનું મૃત્યુ થવાની સંભાવના સામાન્ય રીતે વધુ રહેલી હોય છે પણ કવિ એમાંથી બચી જઈને એક સુંદર સમતુલિત ભાવગીત આપે છે. આપણે હોઈએ છીએ ત્યારે આપણને સહુને સતત સૃષ્ટિની ધરી આપણે જ છીએ એવું જ ગુમાન રહેતું હોય છે, આપણા આવ્યા પહેલાં આ દુનિયા જેમ ચાલતી હતી, પછી પણ એમ જ ચાલવાની છે એ જાણતલ વાતથી જાણે બેખબર ન હોઈએ એમ !
આપણા ગયા પછી પણ પંખીઓ રહેશે, એમનાં મધુરતમ સૂરો અને આ મહાલયો. લીલાંછમ્મ વૃક્ષો, ભૂરું શાંત આકાશ, વાવ, સાંજનો સુહાગી ચાંલ્લા જેવો રાતો રંગ, ઘંટનો રણકાર- બધું જ યથાવત્ રહેવાનું છે. આપણા સગા પણ ક્યારેક તો મૃત્યુ પામશે જ અને નવા લોકો જનમતાં જ રહેશે… દર વરસે ગામ નવું બની જશે પણ મારા જીવનના બાગનો ખૂણો થોડો ગમગીન રહેશે, બસ ! અને એકલા જવાનું થશે ત્યારે કોઈ વાવ, લીલાં ઝાડ કે શાંત આકાશ સાથે હોવાના નથી. ઘરનો ઉંબરો પણ પઃઆડ જેવો ભાસશે પણ જવું તો પડશે અને આપણે જઈએ એનાથી કંઈ ફાગણ ફૂલવાફાલવાનું બંધ નહીં જ કરી દે… સૃષ્ટિનું ચક્ર એ જ લયમાં અવિરત ચાલતું રહેશે…
મૃત્યુની વાસ્તવિક્તાને યથાર્થ આલેખતું આ ગીત વારંવાર આસ્વાદવું ગમે એમ છે…
August 26, 2009 at 8:44 PM by ધવલ · Filed under ગીત, તુષાર શુક્લ
ચાલ, લઈ લઈએ થોડા અબોલા બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ આપણને લાગવાના પોલા –
આપણને શબ્દોનો મહિમા સમજાય એથી મૌનને જ બોલવા દઈએ હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ કહેવું હોય એ ય તે ન કહીએ અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ મોતી શા શબ્દો અમોલા –
બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા – તો બોલી બગાડવાનું શાને ? મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું દલડું સાંભળશે એક કાને ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં જેવાં લપાઈ રહે હોલાં –
– તુષાર શુક્લ
સહજ જ ગમી જાય એવું મધુરું ગીત… જો કે આ ગીત માટે તો ઓછું જ બોલવું સારું !
સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે…મુજ.
– મીરાંબાઈ
અદભુત અને અનુપમ કહી શકાય એ કક્ષાનું મીરાંબાઈનું આ ભક્તિપદ સ્ત્રીઓ જેના માટે જિંદગીભર મરી ફીટે છે એ જ ઘરેણાંઓના નામનો સહારો લઈ સાચાં ઘરેણાંની વ્યાખ્યા કરે છે. પદની શરૂઆતમાં જ પોતાની જાતને અબળા કહીને સંબોધી મીરાં પોતાની દુન્યવી ગરીબી છતી કરે છે પણ પછી પોતાની પાસેનાં એક પછી એક અલભ્ય ઘરેણાં બતાવીને પોતે કેટલી અમીર છે એવો વિરોધાભાસ સાધી કવિતા સિદ્ધ કરે છે.
જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે. નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે. નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે…
આજે અમે બધું ભૂલવા બેઠાં. એક અવાચક રાતને આરે, તારોડિયા જ્યારે આવી આવીને આળોટતા હેઠા – ત્યારે અમે બધું ભૂલવા બેઠાં.
એ વગડાઉ ભૂમિ મનમોહન જમણી કોર મહા નદી હાંફતી – ડાબી કોરે હતું તુલસીનું વન; ઘેઘૂર વડલાની વડવાઈએ હીંચકતા કદીએ ન ધરાતાં; પાવાનાં ગીત જ્યાં લાગતાં મીઠાં – આજે અમે બધું ભૂલવા બેઠાં.
ઊંડી નદી તણી ઊંચેરી ભેખડ કાંઠે ઊભી હતી બોરડી બેવડ: વચ્ચે ખેતરવા મારગ ઉજ્જડ, ખાતાં ધરાઈને બોર ખારેકડી પાકેલ હીરકચાં, કોઈ રાતાં પંખીઓએ કર્યા હોય જે એઠાં – આજે અમે બધું ભૂલવા બેઠાં.
લોકો જૂની વાતો યાદ કરવા બેસે છે, જ્યારે અહીં તો કવિ બધું ભૂલવા બેઠાં છે ! બચપણની (હવે અલભ્ય એવી) યાદોને તાદ્રશ કરી દેતું વર્ણન કવિની વેદનાને એટલી વધુ તીવ્ર બનાવે છે.
August 2, 2009 at 4:53 AM by વિવેક · Filed under અલ્પેશ કળસરિયા, ગીત
ચાલને ગોરી ! ઊડને હવે, ઊડવા તને પાંખ ફૂટી છે ! આભને, ગોરી ! આંબને હવે, આંબવા તને પાંખ ફૂટી છે !
કોઈ કરે છે સાદ રે તને સ્થાનથી પરે, કાળથી પરે; કાળને, ગોરી ! વીંધને હવે, વીંધવા તને પાંખ ફૂટી છે !
આભની ભૂમિ આભમાં ઘૂમી આભમાં ઝૂમી આભને ચૂમી આભને, ગોરી ! એટલું કે’જે ચાંદ છું હું ને હું જ ચકોરી !
થાય ઝળાહળ આભનું આંચળ, આભનાં વાદળ એમ પળેપળ પછી આભને વીંધશે તારી વીજળી જેવી પાંખની દોરી;
આભના ઘોડા હણહણે છે, નામ તારું લઈ રણઝણે છે, આભને, ગોરી ! નાથને હવે, નાથવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…
કાળને માપી, કાળમાં વ્યાપી, કાળને કાપી, કાળમાં સ્થાપી; કાળને, ગોરી ! એટલું કે’જે હું જ રથ છું ને હું જ છું રથી !
કાળને ચહે, કાળમાં રહે, કાળમાં વહે, કાળને ગહે; કાળને છતાં લાગતું કે તું કાળમાં છે પણ કાળમાં નથી !
જોબન તારું કાળને નાથે, કાળને તારી પાંખો સાથે બાંધને હવે, બાંધને, ગોરી ! બાંધવા તને પાંખ ફૂટી છે !
ચાલને ગોરી !…
– અલ્પેશ કળસરિયા
ગણગણ્યા વિના વાંચી ન શકાય અને ગણગણવા બેસો તો પ્રેમમાં પડી જવાય એવું લાંબીલચ્ચ બહેરનું મજાનું ગીત. આખા ગીતને કવિએ લયની દોરીથી એવી રીતે બાંધી દીધું છે કે વાંચતી વખતે સતત ભીતર કોઈ તાર રણઝણતો હોવાની અનુભૂતિ થતી રહે છે. પહેલા અંતરામાં આભ અને બીજા અંતરામાં કાળ શબ્દના એકધારા લયાન્વિત પુનરોચ્ચારના કારણે ગીતમાં જાણે કે રેવાલ ચાલ સમી અકળ રવાની ભળે છે.
તાજી જ પાંખ ફૂટેલી ગોરીની વાત છે અને ઊડવાનું ખુલ્લું આહ્વાન છે. ગીતના મુખડામાં કવિ આભ અને કાળને વારાફરતી સાંકળી લઈને ઊડવાનો સંદર્ભ ખુલ્લો કરે છે. ઉડ્ડયન ક્યાં હોય ? ક્યાં તો આભમાં ક્યાં તો કાળમાં.. ખરું ને ? આજ બે સંદર્ભો – આભ અને કાળ- લઈને પછીના બે અંતરામાં કવિ ગીતનો ચૈતસિક વિસ્તાર સાધે છે અને આપણને આભને નાથી અસીમ અવકાશ સુધી અને કાળને નાથી કાલાતીત થવા સુધીની આહલાદક અનુભૂતિનો સંસ્પર્શ થાય છે…
(ગઈકાલેઆ કાવ્યનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આજે આ કાવ્યનો રસાસ્વાદ શ્રી સુરેશ જોષીએ કરાવેલા વિલક્ષણ અને વિચક્ષણ આસ્વાદના અતિટૂંકસાર સ્વરૂપે માણીએ)
ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે. હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં ઉલ્લાસની વધતી જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે !
સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને કવિ હૈયું બોલી ઊઠે છે કે જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે. ચારેબાજુ કુસુમોનું વન (વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે ! પળેપળ વિખેરાતાં ને એ રીતે નિતનવી ભાત સર્જતા વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ આખા આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ… સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તે ઇન્દ્રિયવ્યત્યય પામીને હવે ઘ્રાણેન્દ્રિયગોચર થયો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો.
આટલે આવીને કવિનું પુલકિત ચિત્ત કૃતજ્ઞભાવે બોલી ઊઠે છે: પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે. આ કૃતાર્થતાથી પુલકિત થઈ કવિ આભાર વ્યક્ત કરતી પંક્તિનું પુનરુચ્ચારણ કરી આનન્દનો પુટ વધુ ઘૂંટે છે.
બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે. સમુદ્રની ઊછળતી ઊર્મિમાળા પર ચાંદનીનું ચમકવું વીજળીના ચમકારા જેવું લાગે છે . સાગરની ગતિ સામે કવિ આકાશમાં પસાર થતી રાત્રિને સરોવરની નિશ્ચલતામાંથી પસાર થતા સમય સાથે સરખાવે છે વળી આ નિશ્ચલતાનું પાત્ર ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાના કૂજનથી છલકાઈ ઊઠે છે. એની સાથે જ કવિ ભવ્ય ભરતીની વાત કરીને ભરતીનો આખો ઊછાળો પૂરો કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે અને એ છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે. કવિનો આનંદોદગાર અહીં પણ પુનરુક્તિ પામે છે અને એ રીતે જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે.
ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.
ઝુલણા છંદ અને શંકરાભરણની ચાલમાં ચાલતું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે ! નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઉરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા એ જ છંદ વાપરે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે… ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતું સંગીત પોતે સાગરના આવ-જા આવ-જા કરતા ફેનિલ મોજાં સમું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર ઊભું કરવામાં એ રીતે ઉપકારક નીવડે છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત !
કાવ્ય દ્રુતવિલંબિત લયમાં ચાલે છે.. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે) , જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય!
૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. થોડાંક વરસ સુધી બન્ને વચ્ચે કવચિત્ મુલાકાત અને કવચિત્ પત્રવ્યવહાર ચાલ્યો. ન્હાનાલાલ એમનાં કાવ્યો કાન્તને મોકલે અને કાન્ત સુધારા સૂચવે તે ન્હાનાલાલ સ્વીકારે, ચર્ચાઓ થાય એમ ઉભયપક્ષે ચાલ્યું. ૧૮૯૮માં કવિ કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ધર્માન્તરને કારણે જ્યારે સૌએ કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્તના કુટુંબ સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૦૬/૦૬/૧૯૦૨નારોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.
આજે આ ગીતનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આવતીકાલે આ કાવ્યની મસ્તીનો પણ થોડો સ્વાદ ચાખવા ફરી મળીશું…
સત્તરમી મેના રોજ ર.પા.ના દેહાવસાનને ત્રણ વર્ષ થયા એ નિમિત્તે એમની અત્યાર સુધીની અગ્રંથસ્થ રચનાઓનો એક સંગ્રહ ‘કાળ સાચવે પગલાં’ અને એમના પોતાના સ્વરમાંએમની પોતાની કવિતાઓની ઑડિયો MP3 – ‘અપાર રમેશ પારેખ’ – હમણાં જ પ્રગટ થયા. આ સંગ્રહમાંથી પસાર થતાં એક આશ્ચર્ય થયું. આ સંગ્રહમાંની બે રચના, વહાણવટું અને કાઈપો (કવિશ્રીના પોતાના હસ્તાક્ષરમાં) લયસ્તરો પર છે જ !
મોરના ટહુકે વરસાદની મીટ માંડીને બેઠેલા જીવનું આ ગીત આજે મનભર માનીએ… વરસાદ પડે કે ન પડે, ર.પા.ના શબ્દોથી ભીના થઈએ…
આપને તારા અન્તરનો એક તાર બીજું હું કાંઈ ન માગું સુણજે આટલો આર્ત તણો પોકાર બીજું હું કાંઈ ન માગું .
તૂંબડું મારું પડ્યું નકામું કોઇ જુએ નહીં એના સામું; બાંધીશ તારા અંતરનો ત્યાં તાર પછી મારી ધૂન જગાવું. સુણજે આટલો આર્ત તણો પોકાર બીજું હું કાંઈ ન માગું .
એકતારો મારો ગુંજશે મીઠું દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું; ગીતની રેલશે એક અખંડિત ધાર, એમાં થઈ મસ્ત હું રાચું. આપને તારા અન્તરનો એક તાર બીજું હું કાંઈ ન માગું
– ભાનુશંકર બા. વ્યાસ ‘બાદરાયણ’
અંતરના આર્તસ્વરે કવિ નક્કામા પડી રહેલા તૂંબડા માટે ઈશ્વરના અંતરનો વધુ નહીં, માત્ર એક તાર માંગે છે કેમકે કવિ જાણે છે કે એક તાર જ તૂંબડાને એકતારો બનાવી શકે છે અને એના રણઝણાટથી સૌના આકર્ષણનું પાત્ર થઈ શકાય છે કે આત્મચેતનાવિકાસની પાત્રતા મેળવી શકાય છે…જેવું તૂંબડાનું એવું જ મનખાવતારનુ !!
આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.
લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં,
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.
સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.
ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા,
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઈ નથી આવતા.
દૃષ્ટિ વિનાની કોઈ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.
-ગૌરાંગ દિવેટિયા
ભીતરના ખાલીપાથી ભર્યું ભર્યું આ ગીત આપણી અંદર જ ક્યાંક તૂટી ગયેલા માણસની વેદનાને ઉજાગર કરે છે. વાત અરીસાની ભીતર તૂટેલા માણસને એના ઘાવના કારણ પૂછવાની અને કોરા કાચમાંથી ઝરતા લોહીને લૂછવાની હિંમત કરવાની છે. ‘હિંમત’ શબ્દ એટલા માટે વાપરું છું કે આ કામ સહેલું નથી. કવિ પણ પૂછી શકો તો જરી પૂછો કહી આપણી હિંમતને પડકાર આપે છે. કેમ? કારણ કે ઘાનું કારણ ક્યારેક ઘા સહેવા કરતાં વધુ અસહ્ય હોય છે… ઝરતા લોહીને લૂછવામાં ક્યારેક ઘા ખુલી પણ જાય અને લોહી દડદડ વહી નીકળે એમ પણ બને… સૂરજ વિના વળી તડકો કેવો ? પણ આ કવિતા છે. સૂરજ યાને કે મૂળ નીકળી ગયું હોય એવા ફળસ્વરૂપ નિઃસત્ત્વ તડકાનું ફૂલ કેમ કરી સૂંઘાય ? કેવું દોહ્યલું કામ ! જે ખાલી આંખોમાં દૃષ્ટિ જ નથી રહી ત્યાં કોના આવવાની શક્યતા હોય કે હવે એ ફરકે ? પણ કવિ આપણી વેદનાને પડકારે છે, કહો કે ભાગીદાર બને છે, ફરકી શકાય તો ફરકો કહીને !
ઘેરાયેલા વાદળ ખાસી જાય અને પૂણ્ય-પથ સહજ થઈ જાય એ અવસ્થાનું કોમળ ગાન. ગીતની સાદગી અને બુલંદ ઉપાડ નિરંજન ભગતના ‘છંદોલય’નાં ગીતોની યાદ અપાવે છે. ગીતમાં ક્યાંય ગોપી કે કૃષ્ણની વાત આવતી નથી છતાં ગીતની શબ્દપસંદગી (વૃંદાવન, કુંજગલી, તુલસી, યમુના) ગીતને અજાણતા જ ગોપીભાવથી ભરી દે છે.
‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા મેઘાણીની આ રચના પહેલી નજરે રાષ્ટ્રીય ચેતનાની એમની શૈલીથી થોડી અલગ લાગે પણ પોત તપાસીએ તો ખબર પડે કે આમાંય વ્યક્તિચેતનાની વાત જ છે. કુદરતની મબલખ સંપત્તિમાંથી કવિ માત્ર પોતાને જેની સાચોસાચ જરૂર છે એવા બુંદમાત્રની જ યાચના કરે છે. અહીં કોઈ મનુષ્યસહજ સંગ્રહવૃત્તિ નજરે ચડતી નથી. અને કવિ જે ઈચ્છે છે એ પણ કોઈ ખોવાયેલાને સાદ દેવા કે યાદ કરનારને ચિતરવા યા ઊંઘવિહોણાને મદદ કરવા જ માંગે છે… કોઈ ઝાકઝમાળભર્યા સૌંદર્યનીય કવિને અપેક્ષા નથી, કવિ માત્ર અંતિમવેળાએ ગાઢ અંધકારની પછેડી જ તાણવા માંગે છે…
April 15, 2009 at 4:28 PM by ઊર્મિ · Filed under ગીત, મુકુલ ચૉકસી
આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે. આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન ! પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું? પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાઈ અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક નહીં અપાયેલાં મતોની સંખ્યા કેટલી હશે એ કદી વિચાર્યું છે? બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોઈ…! પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી તમને કેમ ખબર પડશે…?! તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો… તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?!
ઉઘાડાં હાં રે અમે ક્યમ કરી હાલીએ ?! આવ્યો સીમ-કેડો, તોય ના’વ્યો હાથ છેડો, બઇ ! કે’ને અમે ઘૂંઘટડો ક્યમ કરી ઢાળીએ ? ઉઘાડાં0
હલમલતી હેલ્ય માથે, વળી કડ્યે બેડલાં, ને છેડલાંની સંગ ભૂંડો વાયુ કરે ચેડલાં ! ઝાલું ઝાલું ને ઊડી જાય બઇ ! કે’ને વેરી વાયરાને ક્યમ કરી ટાળીએ ? ઉઘાડાં0
પથરાળી ભોંય માંહી ઝીણી ઝીણી કાંકરી, પાવલે ચૂમે ને જાય બેડલિયાં ઢળી ઢળી ! ખાળું ખાળું ને ઓછાં થાય બઇ ! કે’ને નીર નેતરતાં ક્યમ કરી ખાળીએ ? ઉઘાડાં0
દૂરદૂર ઝાકળિયા વંનમાં વજાડે ઘેલો, વ્હાલપની વેણુ મારા મંનનો તે માનેલો ! વાળું વાળું ને દોડી જાય બઇ ! કે’ને ભોળા દલ્લડાને ક્યમ કરી વાળીએ ? ઉઘાડાં0
-પ્રદ્યુમ્ન તન્ના
કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિતા જે તે સમાજના સાંપ્રત સમયની આરસી છે. પ્રદ્યુમ્ન તન્નાની નખશીખ તળપદી ભાષામાં લખાયેલી કવિતાઓ વાંચીએ ત્યારે કલ્પના પણ ન આવે કે વરસોથી આ કવિ માભોમના વાડા ઓળંગી ઇટલી જઈ વસ્યા હશે. માથે છલકાતી હેલ અને કેડે પાણીના બેડાં હોય, કૂવેથી પાણી ભરીને ગામ ભણી આવતાં સીમઢૂંકડી આવી ઊભે અને વેરી વાયરો છેડો ઊડાડતો હોય એવામાં કાવ્યનાયિકા કેવો મીઠો ક્ષોભ અનુભવે છે ! અધૂરામાં પૂરું પગમાં કાંકરીઓ ભોંકાય છે અને લાખ સાચવવા છતાં પાણી ઢોળાતું જ રહે છે. ગીતનો પલટો નાયિકાના મનના માણીગરની દૂર વનમાં વાગતી વેણુ પાછળ દોડી જતા મન અને એને ન વારી શકવાની વિડંબના સાથે આવે છે… આખું ગીત મનની ઈચ્છા કંઈ અને થતી હકીકત કંઈની કશ્મકશના રંગોથી રંગાયું છે…
ટૂટી ગયેલા સંબંધની વાત, અલગ અંદાજ ને અલગ અસર સાથે. એક તરફ લોકગીતો જેવો માહોલ જ્યારે બીજી તરફ જગદીશ જોષી જેવી અસર. કવિએ વાંચતાની સાથે ખાલીપો ઘેરી વળે એવા કલ્પનોનું આખું ટોળું ભેગું કર્યું છે.
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.
સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.
ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.
ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!
જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!
નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!
જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
– ખલિલ જીબ્રાન
અનુવાદ : મકરંદ દવે
રાષ્ટ્રની વ્યાખ્યા કરતી પંક્તિઓ જીબ્રાને એના પુસ્તક ગાર્ડન ઓફ પ્રોફેટમાં લખેલી. એના પરથી મકરંદ દવેએ આ ગીતની રચના કરી છે. ગીત એટલું સરસ છે કે એમાં ભાષા, સમય અને સ્થળની સિમાઓથી પર એક ચિરંજીવ સંદેશ અવતરિત થાય છે. કમનસીબે આ ગીત હજુ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કહે છે The more things change, the more they stay the same.
ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરે ચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલા છોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓ ને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…
March 3, 2009 at 10:32 PM by ધવલ · Filed under ગીત
એક સોનેરી કાગળનો કટકો લીધો અને લખ્યું તારું નામ મેં નવાબ; તકિયાની નીચે મેં સંતાડી રાખ્યું : ને જાગીને જોઉં તો ગુલાબ.
અરસપરસ પાંદડી પૂછે સવાલ પણ હોઠ નહીં ખોલે જવાબ; કોનું એ નામ છે ને કોણે લખ્યું : એના મૌનમાં તો મ્હેકે રુઆબ. તારા તે નામથી ભરચક ભરી છે આમ જુઓ તો કોરી કિતાબ.
એકએક પાંદડીને છુટ્ટી કરી અને તરતું મૂક્યું મેં તળાવ તારા તે નામનાં ખીલ્યાં કમળ મને તારો તે કેવો લગાવ ચાંદનીના જામમાં ઘૂંટે ઘૂંટે હું તો પીઉં તારા નામનો શરાબ
– મિતુલ આશર
જૂની રંગભૂમિના ગીતો જેવી અસર ઉપજાવતું આ ગીત ઘણા વખતથી મનના ખૂણામાં પડી રહેલું તે આજે અચાનક મળી ગયું. પહેલી ચાર પંક્તિઓમાં કવિએ શૃંગારરસની એક નાજુક અદાને આબાદ ઝડપી લીધી છે. એક જમાનામાં આ પંક્તિઓ એવી હોઠે ચડી ગયેલી કે પંદર દિવસ સુધી એ જ ચાલ્યા કરી… પછી ‘ગુલાબ’ને થોડા વખત માટે ફરજીયાત આરામ આપવો પડેલો !
February 13, 2009 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
-અનિલ જોશી
સંબંધમાં ગાંઠ પડી જાય ત્યારે માણસ સુધબુધ ખોઈ બેસે છે. પણ કવિતા ત્યાં નથી. કવિતા તો જન્મે છે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ ગણવાની સાવ અનૂઠી વાતના કલ્પનથી ! યુગયુગોથી બેઉ કાંઠે વહેતી ગંગા કયા કારણોસર નજરાઈ ગઈ છે એ પર્યાવરણના અસમતુલનની પંચાતમાં કવિ પડતા નથી. કવિને નિસબત છે પનિહારીના માધ્યમ વડે નદીપ્રેમ અને નદીના સૂકાવાની વેદના અને હિમાલયના પીગળવાની વ્યથા વ્યક્ત કરવામાં. અને વ્યથા રજૂ કરવા માટે કોઈ પોતાનું તો હોવું જોઈએ ને? એટલે જ કવિ ‘સૈ’ને સંબોધીને કાવ્યનો ઉઘાડ કરે છે અને આખા ગીતને બોલચાલનું ગીત બનાવી ભાવકના હૃદયને સીધું સ્પર્શવામાં સફળ રહે છે…
કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા બાના જીવતરની છત પરથી ઘણા પોપડાં ખરતાં સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે બાએ સહુનાં સપનાં તેડયાં: કોણ બાને તેડે ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે બા સાવ એકલાં જીવે
કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે બા સાવ એકલાં જીવે
February 3, 2009 at 9:32 PM by ધવલ · Filed under ગીત, ચિનુ મોદી
કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ જ પૂછવાનું કામ મારું છે ?
કેમ છો ? સારું છે ?
અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી લાગણીના દરવાનો સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
ને કાંઠે પૂછે કે પાણી ખારું છે ?
કેમ છો ? સારું છે ?
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં;
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
ને આંખો પૂછે કે પાણી તારું છે ?
કેમ છો ? સારું છે ?
– ચિનુ મોદી
કવિ એવી અવસ્થાની વાત કરે છે કે જ્યાં કોઈ ખરો રસ્તો કે ખરી લાગણી બતાવે નહીં, ને કામ લાગે એવો સહારો પણ આપે નહીં અને પૂછે રાખે ‘કેમ છો ? સારું છે ?’ અંદરનો ખાલીપો જોઈને આંખ ભરાઈ આવે ત્યારે પોતાને એવો સવાલ થાય, આ આસું ખરેખર મારાં છે ? – આ ખાલીપાની ચરમસિમા છે. પણ આ બધા અર્થવિસ્તાર કોરે મૂકી ગીતને ખાલી બે વાર મોટેથી વાંચી જુઓ – ગીતની ખરી મઝા તો એમા છે !
January 31, 2009 at 12:00 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ગીત
કોકિલ, પંચમ બોલ બોલો
. કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
. લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
. કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
. કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
. આછો મકરંદ મંદ ઢોળો
. કે પંચમી આવી વસંતની.
આતમ, અંતરપટ ખોલો
. કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
. ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
. કે પંચમી આવી વસંતની.
-ઉમાશંકર જોશી
આજે વસંતપંચમીના દિવસે ઋતુરાજ વસંત વિશેનું મારું સૌથી વધારે મનગમતું અને મેં સૌથી વધારે સાંભળેલું આ ગીત… ગણગણીને કે ગાઈને આ ગીત ન વાંચો તો એનું સૌંદર્ય નજર બહાર રહી જવાની પૂરી શક્યતા છે…
આજે વસંતપંચમી એટલે વસંતના આવણાંનો પહેલો પડઘમ. ઝાડોએ રંગોના નવા વસ્ત્રો પહેરવાની મોસમ. વસંતપંચમી એટલે કામદેવ અને રતિના પ્રથમ મિલનનો દિવસ અને એટલે જ એને મદનોત્સવ પણ કહે છે. આજ દિવસે શબરીના એંઠા બોર શ્રી રામચંદ્રે પણ ખાધા હતા. આજ દિવસે ચાંદકવિની કવિતાના દોરે બંધાઈને અંધ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણે શબ્દવેધી બાણની મદદથી મોહમ્મદ ઘોરીનો વધ કર્યો હતો… વસંતપંચમી એટલે સૂર અને શબ્દના દેવી મા સરસ્વતીનો જન્મદિવસ પણ. વસંતપંચમી એટલે સાચા અર્થમાં ભારતીય ‘વેલેન્ટાઈન ડે’.
કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
પોતાના ગુજરાત રાજ્યને ગાંધીના પગલે પગલે ચાલવાનું આહ્વાન આપતા કવિ આ ધરતી કૃષ્ણ, જરથુષ્ટ્ર, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સંસ્કારોથી સિંચિત હોવાનું અને નરસિંહ-મીરાં જેવા ભક્તકવિઓ અને સરદાર જેવા શૂરાઓની સિંહડણક અને ગાંધીના સત્ય-અહિંસાની આંખે દેખતી હોવાનું યાદ કરાવે છે.
ગુજરાતના જન્મસમય સમીપે લખાયેલા આ ગીતમાં કવિ ગુજરાતને મળેલા ‘વિવેકબૃહસ્પતિ’ બિરુદની વાત કરે છે. આ વિશેનો સંદર્ભ શોધવામાં હું નિષ્ફળ રહ્યો છું. કોઈ સુજ્ઞ વાચકમિત્ર એના વિશે જાણકારી આપશે તો અહીં સાભાર નોંધ લઈશું…
મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી
-ચંદ્રેશ મકવાણા
વૃક્ષના ત્યાગ અને સમર્પણની વાત કોઈ કરે તો લાગે કે કદાચ હજારમી વાર આ વાત સાંભળીએ છીએ પણ વૃક્ષ વૈરાગી નથી, સંત નથી એવી વાત કોઈ કરે તો બે ઘડી આંચકો લાગે કે નહીં ? જિંદગીની કલ્પી ન શકાય એવી તડકી-છાંયડી નિહાળીને આપબળે ઊભા થયેલા ચંદ્રેશ મકવાણા અમદાવાદમાં હાલ શિક્ષક તરીકે સેવા બજાવે છે. વૃક્ષને સંત તરીકે જોવાની આપણી દૃષ્ટિનો છેદ ઊડાડી કવિ આખા ઘટનાચક્રને સમયની બલિહારી ગણાવે છે. કદાચ આપણી વચ્ચે સંત થઈને જીવતા કેટલાક લોકોની આ વાત છે જેઓ સમયના કે સંજોગોના માર્યા વૈરાગી બને છે…
December 29, 2008 at 11:51 PM by ધવલ · Filed under ગીત, મનોહર ત્રિવેદી
તો, પપ્પા, હવે ફોન મૂકું ? તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું…..
હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું…….. તો, પપ્પા, હવે ફોન મૂકું ?
મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી કે’જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું… તો, પપ્પા, હવે ફોન મૂકું ?
શું લીધું ?… સ્કૂટરને ?… ભારે ઉતાવળા… શમ્મુ તો કેતો’તો ફ્રીજ કેવા છો જિદ્દી ?… ને હપ્તા ને વ્યાજ ?… વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં … એટલે કે ટૂંકું… તો, પપ્પા, હવે ફોન મૂકું ?
– મનોહર ત્રિવેદી
ગીતો એટલે જાણે તળપદી ભાષા જ મીઠા લાગે એ વાત ખોટી છે. ગીત હોય મઝાનું તો ‘આજની ગુજરાતી’માં પણ એટલું જ મીઠુ લાગે. પોતે પપ્પાની પણ મમ્મી હોય એવી સ્ટાઈલથી વાત કરતી, દૂરથી ય ચિંતા કરે રાખતી, ફોન મૂકું મૂકું કહીને STDના મીટર ફેરવે રાખતી દિકરીની વાતો સ્વયંભૂ જ એક ગીત બની જાય છે.
December 27, 2008 at 12:27 AM by વિવેક · Filed under ગીત, નિરંજન યાજ્ઞિક
આંબલિયે હોય એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને ?-બોલ !
સખી, પાદરમાં વાગે છે ઢોલ !
તોરણમાં હોય, મોર એને કે’વાય,
અને ઉમ્બરમાં હોય એને ? -બોલ !
સખી, શેરીમાં વાગે છે ઢોલ !
મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું ? -બોલ !
સખી, આંગણિયે વાગે છે ઢોલ !
ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
સખી, હૈડામાં વાગે છે ઢોલ !
-નિરંજન યાજ્ઞિક
લગ્ન જેમ જેમ નજીક આવતા જાય એમ એમ કન્યાના કોડ ગુલાબી બનતા જાય છે. ગામના પાદરે આંબે બેઠેલા પોપટ જેવી પ્રતીક્ષારત્ આંખોને પ્રિયતમના આવણાંના ભણકારા સંભળાય છે. જાન શેરીમાં પ્રવેશે, શેરીમાંથી આંગણામાં આવે અને ત્યાંથી ફળિયામાં આવે ત્યાં સુધીમાં પરણ્યો ઠેઠ હૈયાની અડોઅડ આવી ઊભે છે અને ત્યારે જીવતર ગુલાલ ગુલાલ થઈ જાય છે… નિરંજન યાજ્ઞિકનું આ ગીત નવોઢાના રંગરંગીન ઓરતાઓને વારંવાર ગણગણવાનું મન થાય એવા લય સાથે અનોખો અક્ષરદેહ આપે છે…
‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવી અમર અને અદ્વિતીય કહેવતકક્ષાની પંક્તિ મીરાં આપણને આ ગીત વડે આપે છે. મીરાંબાઈ ‘ઝેર’ શબ્દનો પણ કેવો સરસ વિનિયોગ કરે છે ! આ ઝેર સંસારનું ઝેર હોઈ શકે, અપમાન, નિંદા કે તિરસ્કારનું પણ હોઈ શકે. એ વાસ્તવિક અર્થમાં પણ ઝેર હોઈ શકે અને જે મીરાંબાઈને વધુ અભિપ્રેત જણાય છે એવું પ્રેમલક્ષણા ભક્તિનું ઝેર પણ હોઈ શકે જેને મીરાંબાઈ અમૃત ગણીને પીવે છે. રાણો શ્યામભક્તિ છોડી દેવા માટે મીરાંને પટરાણીપદની લાલચ પણ આપે છે પણ મીરાં જાણે છે કે કાગડો અને કોયલ બંને એક જ રંગના હોવા છતાં જેમ કાગવાણી કર્કશ અને અપશુકનિયાળ ગણાય છે એમ સંસાર અને હરિ – બંનેમાં પ્રેમ હોવા છતાં હરિવરના પ્રેમ આગળ સંસારનો પ્રેમ કાગવાણી જેવો છે…
November 6, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિનોદ ગાંધી
તોળ્યું તો તરણાંના જેવું માપ્યું તો છે માટી, ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?
તાણીતોસી તારણ કાઢ્યું . એનો શો વિશ્વાસ ? માખણ નીચે ઠરી રહ્યું ને . ઉપર તરતી છાશ, પાંદડીઓને ઉપર મૂકી નીચે સુગંધ દાટી, ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?
ઉપર પાકું ભીતર કાચું . એમાં શું ટકવાનું? સ્વયમ્ ન પગટે એ જ્યોતે . ના અંધારું ઘટવાનું, ઊંડા પર્વત, ઊંચી ખીણો, વચ્ચે સીધી ઘાટી, ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?
– વિનોદ ગાંધી
તોલમાપ કરવાની આપણી પ્રકૃતિ અને પાયો પાકો કર્યા વિના જ બાંધકામ કરી દેવાનો આપણો સ્વભાવ અહીં ગીતના લયમાં સરસ રીતે ઉપસી આવ્યા છે. વસ્તુને માપી શકાય પણ એના તત્ત્વને નહીં એ આપણે જાણવા છતાં જાણતા નથી. તરણાંને આપણે જોઈએ છીએ ત્યારે માટીમાં રહેલા મૂળને ઉવેખીએ છીએ. દરિયાની સપાટીને જોઈએ છીએ ત્યારે એનું ઊંડાણ અનુભવતા નથી. જ્યાં સુધી આપણે આપણા માંહ્યલાને પાકો નહીં કરીએ ત્યાં સુધી આ અંધારું ઘટવાનું નથી.
સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું !
– નિરંજન ભગત
‘સ્વર્ગ’ શોધવા કરતા કવિને પોતાનું ‘વ્રજ’ જ વહાલું છે. દરેક માણસ માટે પોતાનું ‘વ્રજ’ પોતાની અંદર જ હોય છે – એને જાણી, માણી અને ઉજવી લેવું. જે સહજ છે એને સનાતન ચાહવું.
ગામના પાદરની વહેલી પરોઢને ચિત્રિત કરતું મજાનું રમતિયાળ ગીત. રાતના અંધારા હજી ઓસર્યા નહીં હોય એવામાં ઘડે બાંધવાની દોરી ભૂલી આવેલી પનિહારી પોતાની ‘કોરીધાકોર’ ચુંદડી ટૂંકી પડે એવા બિલોરી કાચ જેવા પાણી ભરવા મથે છે ત્યારે આહિર જાતિનો આગેવાન ચોરીચોરી એને ઇજન આપી કેડે બોલાવે છે. પણ નાગરની છોરી કંઈ એંઠી થાય? કોરી ઓઢણી અને ઈજ્જતની કોરી ગાગર લઈ એ ઝટપટ પાછી ન નાસી જાય?
મેળાની ભીડ મહીં ખોવાયા મા
હવે મારાં સૌ સપનાં નોંધારાં
લખભૂંસ છેકછાક એટલી કરી
કે નથી ઊકલતો એક મને અક્ષર
પાસે બેસાડી તું એકડો ઘૂંટાવે
એ આપ ફરી સોનાનો અવસર
ઝાઝેરું જાણવાની કેડીઓમાં
મા હવે અટવાઈ ઊભા વણઝારા
-સંદીપ ભાટિયા
અંધારું એટલે કાળાશનું હોવું નહીં, અંધારું એટલે સૂરજનું ન હોવું તે. અંધારું એટલે પ્રકાશની ગેરહાજરી. અંધારું એટલે જીવનના ધનમૂલક પરિબળોની બાદબાકી. ઊંઘમાં વ્યાપ્યા અંધારાં કહીને કવિ કેવો મજાનો કાકુ સિદ્ધ કરે છે! ઊંઘવા મથતા પણ ઊંઘી ન શકતા બાળકની નીંદરમાં વ્યાપેલ આ અંધારું -ઊંઘ નામના પ્રકાશની ગેરહાજરી- તો હવે મા મજેદાર વાર્તાઓના ટમટમતા તારાઓ પાંપણની બારસાખે બાંધે તો જ દૂર થવાનું છે… એક બાળકના મા સાથેના સંબંધની સુંદર પરિભાષા વ્યક્ત કરતું આજે બાળક બનીને માણીએ…
સંદીપ ભાટિયાની એક અદભુત ગઝલ -કાચનદીને પેલે કાંઠે- આપે વાંચી છે? અહીં ક્લિક્ કરો.
લક્ષ્ય ઉપર દે દૃષ્ટિ બાંધી,
શ્રદ્ધાનો સઢ લેજે સાંધી,
જો સામેથી આવે આંધી,
. વીજ કરે ચમકાર,
. ખલાસી !…
આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
. એ જ ઊતરશે પાર,
. ખલાસી !…
-ગની દહીંવાલા
ગનીચાચા જેટલા ઉત્તમ ગઝલકાર હતા એટલા જ સુંદર ગીતકાર પણ હતા. એમનું આ ગીત પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતું ત્યારનું કંઠસ્થ થઈ ગયેલું. ગીતનો લય જેટલો સરળ અને અનવરુદ્ધ છે, ખુમારી એટલી જ છલોછલ. નિરાશાના વાદળ ઊમટી આવ્યા હોય એવા સમયે મોટેથી લલકારવા જેવું આ ગીત ફ્રેમ કરીને રૂમમાં અને પ્રેમ કરીને દિલમાં મઢાવી રાખવા જેવું છે…
વિરહીણી સ્ત્રી માટે તો વિયોગ જ કાળી રાતના અંધાર સમો છે એ હકીકતને ધાર કાઢવી હોય એમ કવિ કાજળઘેરી રાત અને પડ્યા પર પાટુ સમા બિહામણું સ્વરૂપ આપતા મેઘને અહીં લઈ આવ્યા છે. વારંવાર ચમકી જતી વીજળી ડરમાં ઉમેરો કરે છે અને ધો ધો ધો ધો કરીને વિપુલ માત્રામાં વરસાદ પડી રહ્યો હોય એવામાં નાથ માટે હું કઈ રીતે મારી જાતને ટટળતી રોકું એવા પ્રશ્ન સાથે કવિ કાવ્યની જમાવટ કરે છે. સાંબેલાધાર વરસતા વરસાદ માટે ધો ધો ધો ધો જેવો અભૂતપૂર્વ શબ્દ તો નર્મદ જ પ્રયોજી શકે… મોર, ચાતક, દેડકો, કોયલ, સારસ તમામ વર્ષાની મસ્તીમાં મસ્ત છે ત્યારે એમની પ્રણયોર્મિ નીરખી કાવ્યનાયિકા વિયોગભાવ બળવત્તર બનતાં ઈર્ષ્યાના દાહક અગ્નિની જલન રોમ-રોમે અનુભવે છે.
ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!
-ઉષા ઉપાધ્યાય
એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… એને એમ જ વરસવા દઈએ? છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!