ગીત – હરીશ મીનાશ્રુ
નીતરતે ડિલે હું તો ઊભી નાવણિયામાં
આઘેથી કોઈ બૂચકારે હો જી
ફૂલફુડી જાત મારી ઓગળતી ફૂલ સમ
જળને દડૂલ મને મારે હો જી
પાતળિયો પાધરો પેઠો, સહેલી જાણે
પણઘટ પધાર્યું પાણિયારે હો જી
સોના ઇંઢોણી રૂપા બેડલું રે બાઈ, મને
મોતીએ મઢી છે મણિયારે હો જી
રુંગું ચડે તો મને રોળે રવેશીમાં
ચાંદો ચૂંટીને અંધારે હો જી
ધમચી કરીને મને ઢોળે લીલોતરીમાં
ખાંડે છે મુશળધારે હો જી.
માટીના ઢેફામાં ધબકતું જોબનિયું
વંઠેલીને તે કોણ વારે હો જી
એમ કરી પાનબાઈ બોલે, ખલૂડીબાઈ
ડોકું ધુણાવી હોંકારે હો જી
– હરીશ મીનાશ્રુ
તળપદી ભાષામાં હળવી હલકથી ચાલતું આ લવચિક ગીત પહેલી પંક્તિની સાથે જ આખું દૃશ્ય આંખ સમક્ષ ખડું કરી દે છે. નાવણિયામાં નહાતી નવોઢાને એના મનનો માણીગર આઘેથી માત્ર બૂચકારે એવામાં તો એ ફૂલ પેઠે ઓગળવા માંડે છે જાણે. પાતળા બાંધાનો પિયુ પધારે છે તો એમ લાગે છે કે પણઘટ આખું સામે ચાલીને પાણિયારે ન આવ્યું હોય ! અને પછીની કડીઓમાં પંડમાં ન સમાય એવો થનગનાટ અને કામકેલિ કાવ્યસૌંદર્યને અણી કાઢી આપે છે. કાવ્યાંતે આવતા પાનબાઈ અને ખલૂડીબાઈના સંબોધન ગંગા સતીના ભક્તિપદનો લહેકો આપી ભાવકને સુખદ અહેસાસ કરાવે છે… અંતે તો પ્રેમ એ જ ખરો ધર્મ છે, ખરું ને?!
P Shah said,
October 1, 2009 @ 4:18 AM
એમ કરી પાનબાઈ બોલે, ખલૂડીબાઈ
ડોકું ધુણાવી હોંકારે હો જી
તળપદી ભાષામાં હળવી હલકમાં આગળ વધતું
લવચિક નજાકતભર્યુ સુંદર ગીત !
Pancham Shukla said,
October 1, 2009 @ 6:00 AM
છેલ્લી કડીમાં પાનબાઈ ખરા પણ સાથે ‘ખલૂડીબાઈ’ને લીધે આખા ગીતનો મર્મ બદલવાનું અદ્ભૂત કવિકર્મ.
mrunalini said,
October 2, 2009 @ 4:05 AM
નીતરતે ડિલે હું તો ઊભી નાવણિયામાં
આઘેથી કોઈ બૂચકારે હો જી
સ રસ
pragnaju said,
October 2, 2009 @ 4:41 AM
માટીના ઢેફામાં ધબકતું જોબનિયું
વંઠેલીને તે કોણ વારે હો જી
સુંદર
કોણ તારી વાત સાંભળશે, હૃદય ! એક પથ્થર કોને કોને વાગશે !
તું અમારો છે તો, ધરતીના ખુદા ! તું અમારા જેવો ક્યારે …
જળ જેવો જન્મારો હો જી એ કેડીથી ગુમ થવાનું વારા ફરતી વારો હો જી –
ધવલ said,
October 2, 2009 @ 11:23 AM
રુંગું ચડે તો મને રોળે રવેશીમાં
ચાંદો ચૂંટીને અંધારે હો જી
ધમચી કરીને મને ઢોળે લીલોતરીમાં
ખાંડે છે મુશળધારે હો જી.
માટીના ઢેફામાં ધબકતું જોબનિયું
વંઠેલીને તે કોણ વારે હો જી
– વાહ !
પાનબાઈ તો ખબર છે પણ ખલૂડીબાઈ કોણ છે ? એનાથી ગીત નો મર્મ કઈ રીતે બદલાય છે ?
અને આ ગીતમાં મને તો ક્યાંય ભક્તિ દેખાતી નથી. કોઈ વાર પ્રેમ ને ખાલી પ્રેમ જ રાખો. પ્રેમને અદભૂત થવા માટે ભક્તિ કે ઈશ્વર કોઈની જરૂર નથી.
Gaurang Thaker said,
October 7, 2009 @ 7:20 AM
વાહ…સરસ ગીત્,,,,
NARESH SHAH said,
January 8, 2015 @ 8:21 AM
Beautiful Poem !!!!!!!!!
Can someone please share information
about Khaludi-bai.
Thanks.