શગને સંકોરો – ગિરીશ ભટ્ટ
છોડ્યો અમે બાળપણાનો દેશ;
વેલ્યું ઉતરાવો, મારા સાહ્યબા !
ઝળહળ ઝળહળ છે રામણ-દીવડો,
ઝળહળ ફળિયા ને પરસાળ;
થનગન નાચંતો મનનો ઓરડો,
ઉંબરેથી હૈયું ભરતું ફાળ !
ઊભી છું હું લજામણી વેલ;
શરમુંને છોડાવો, મારા સાહ્યબા !
પાડે ચાંદરડાં કમખલ આભલાં,
ઝબકીને જાગે ચારે ભીંત્ય;
અચરજમાં ડૂબેલા બે ટોડલા,
ક્યાં જાણે, જગની કેવી રીત્ય ?
સાવ રે અધૂકડા, બેય કમાડ;
હળવેથી સંચરજો, મારા સાહ્યબા !
સાગ-સીસમનો જડિયલ ઢોલિયો,
ઓશિકે ઓરતાના વંન;
ખનકે કડલાં ને ધીંગી કાંબીયું
એથીયે અદકરું ખનકે મંન.
ઘૂંઘટ ખૂલવાની આવી વેળ;
શગને સંકોરો, મારા સાહ્યબા !
-ગિરીશ ભટ્ટ
પરણીને સાસરિયે જતી નવોઢાનો ઉલ્લાસ અને સંકોચ – બંને તળપદી બોલીમાં અહીં સાંગોપાંગ વ્યક્ત થયા છે. એક તરફ બાળપણ છૂટી ગયાનો મીઠો ડંખ છે તો બીજી તરફ પગ ઉંબરો ઓળંગે એ પહેલાં ફાળ ભરીને પ્રિયતમ પાસે દોડી જતું હૈયું છે. નવલા જીવનના બેય દ્વાર અધૂકડાં જ છે એટલે પરણ્યાને હળવેથી પધારવાનું લજામણી જેવું લવચીક ઇજન એક તરફ છે તો બીજી તરફ કાંબા-કડલાંના ખણકાર કરતાંય વધુ ખણકતું ઉલ્લાસોત્સાહસભર મન છે.
pragnaju said,
September 10, 2009 @ 3:44 AM
મધુરું ગીત
ઘૂંઘટ ખૂલવાની આવી વેળ;
શગને સંકોરો, મારા સાહ્યબા !
વાહ્
નિલમબેનની કાંઈક આવી રચના યાદ આવી
આયખાના આ કોડિયામાં,
વહાલ ની વાટયુ મૂકી,
શગ ને સંકોરો,
જીવતરના સારથિ બની…
dr, j. k. nanavati said,
September 10, 2009 @ 3:56 AM
સરખે સરખી મનોભાવના વાળી રચનાઓ શેર કરવાની એક
આદતસી હો ગઈ હૈ……..
સાવ ભોળું ભટાક મારૂં કુંવારૂ મન
વળી કેટલીયે હોય એમા મીઠી ચુભન
મારું કુંવારૂ મન…..
પાંચીકા ટિચતી ને ફલડાં ઉલાળતી
ગમતીલી ગલીયો ને થન ગન ઉપવન
વ્હાણાની વાવ ચડું પગલે પતંગીયાને
અલ્હડ પણાની હેલ , લચકંતું તન
મારૂં કુંવારૂ મન…..
હાટડીમાં મેળાની પપોટ લેવાને જતાં
સ્પર્શ્યો કોમળ, ને હું તો રહી ગઈ’તી સન્ન
વ્હાલ સખી સહિયરીઓ કે’દુની કહે, તેં તો
ખુલ્લમ ખુલ્લા રે દીધાં તન મન ને ધન
મારૂં કુંવારૂં મન…..
પિયરની ઝાંપલી થી સાયબાની વેલ સુધી
હોંશને દઝાડતી આ કેવી ઉલઝન
ગમતી વિદાયની આ વસમી વિટંબણાઓ
તરસું વાલમ, ને છોડું વ્હાલપનુ વન
મારૂં કુંવારૂં મન…….
P Shah said,
September 10, 2009 @ 4:54 AM
ઘૂંઘટ ખૂલવાની આવી વેળ;
શગને સંકોરો, મારા સાહ્યબા !
તળપદી બોલીમાં એક સુંદર રચના !
sapana said,
September 10, 2009 @ 5:09 AM
સુંદર રચના.
સપના
Rakesh Thakkar, Vapi said,
September 10, 2009 @ 6:47 AM
વાહ ગિરીશ ભટ્ટજી!
ઘૂંઘટ ખૂલવાની આવી વેળ;
શગને સંકોરો, મારા સાહ્યબા !
ઊર્મિ said,
September 10, 2009 @ 7:33 AM
છોડ્યો અમે બાળપણાનો દેશ;
વેલ્યું ઉતરાવો, મારા સાહ્યબા !
ઘૂંઘટ ખૂલવાની આવી વેળ;
શગને સંકોરો, મારા સાહ્યબા !
વાહ… વારંવાર માણવું ગમે એવું ખૂબ જ મજાનું ગીત…
bhav patel said,
September 10, 2009 @ 5:47 PM
રાવજી પટેલને વાંચ્યા પછી એના પડછાયામાં શું માણવાનું હોય ?
ધવલ said,
September 10, 2009 @ 9:22 PM
સાગ-સીસમનો જડિયલ ઢોલિયો,
ઓશિકે ઓરતાના વંન;
ખનકે કડલાં ને ધીંગી કાંબીયું
એથીયે અદકરું ખનકે મંન
– સરસ !
Kirtikant Purohit said,
September 10, 2009 @ 11:24 PM
સન્મિત્ર ગીરીશભાઇની એક સુંદર રચના.ગીરીશભાઇની વાર્તાઓ પણ અદકેરી એટલીજ સરસ હોય છે.
Pancham Shukla said,
September 15, 2009 @ 8:24 AM
સુંદર ગીત.