નીરંજન ભગત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 18, 2010 at 11:57 pm by ધવલ · Filed under ગીત, નીરંજન ભગત
વર્ષોથી આપણે ન મળ્યા, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યાં ત્યારે કેવું બોલ્યાં,
ક્ષણેકમાં પરસ્પરનાં હ્રદય ખોલ્યાં,
વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.
- નિરંજન ભગત
મિલનની ઘડીની અદભૂત શબ્દ-છબિ !
Permalink
December 12, 2009 at 12:00 pm by ધવલ · Filed under ઓડિયો, ગીત, નીરંજન ભગત, યાદગાર ગીત
કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા,
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !
- નિરંજન ભગત
(જન્મ:૧૮-૫-૧૯૨૬)
સંગીત : આશિત દેસાઈ
સ્વર : આશિત દેસાઈ -હેમા દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
નિરંજન નરહરિલાલ ભગત. સાહિત્યનો ચલતો ફરતો ખજાનો છે. આપણા મોટા ગજાના કવિઓમાં નિરંજન પહેલા એવા કવિ જે ગામડાને બદલે શહેરમાં ઉછરેલા. ગુજરાતી કવિતા એ રીતે એક બીંબામાંથી છૂટી. ‘છંદોલય’માં એ કવિતાને એવા ઊંચા સ્તરે લઈ ગયા કે પછી પાછળથી નિરંજન ભગત પોતે પણ એને પહોંચી શક્યા નહીં. વિશ્વસાહિત્યના ઉત્તમ અભ્યાસીઓમાંથી એક. એમના વિવેચન લેખો અને પ્રવચનો આપણી મોંઘેરી મૂડી છે. (કાવ્યસંગ્રહો: છંદોલય, પ્રવાલદ્વિપ, કિન્નરી, 33 કાવ્યો )
આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.
Permalink
October 22, 2009 at 12:30 am by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નીરંજન ભગત, મુક્ત પદ્ય
(સિંહને જોઈને)
એ છલંગ,
એ જ ન્હોર
નેત્રમાંય એ જ તેજ, એ જ તોર
એ ઝનૂન
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમ રોમ,
રે, પરંતુ ચોગમે નથી વિશાળ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.
- નિરંજન ભગત
એક નાની અમથી ઘટના. ઝૂમાં પાંજરે પૂરાયેલો સિંહ. આ ઘટનામાંથી આપણામાંથી કોણ પસાર નહીં થયું હોય? પણ કવિ એ જે સામાન્યને અસામાન્ય કરી દે. કવિતા એ જે જીવનમાંથી જન્મે પણ જીવનને જીવવા જેવું બનાવે. માણસ સિંહને પાંજરે પૂરી સભ્યતા ભણાવે છે કે પછી પાંજરે પૂરેલા સિંહને જોઈ જોઈને ખુદ જનાવર થતો જાય છે? કવિતામાં કવિએ ગુલબંકી છંદનો એટલો બખૂબી પ્રયોગ કર્યો છે કે સિંહની ગતિ, એનું જોમ અને એનો જોરાવર જુસ્સો મોટેથી કાવ્યપઠન કરતાં હોઈએ તો સહજ અનુભવાય. ગાલગાલગાલગાલની ચાલમાં ચાલતો આ છંદ કવિતાને કેવો ઉપકૃત નીવડ્યો છે !
Permalink
November 3, 2008 at 9:35 pm by ધવલ · Filed under ગીત, નીરંજન ભગત
ક્ષણ હસવું, ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું ?
સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે
જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું !
સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું !
- નીરંજન ભગત
‘સ્વર્ગ’ શોધવા કરતા કવિને પોતાનું ‘વ્રજ’ જ વહાલું છે. દરેક માણસ માટે પોતાનું ‘વ્રજ’ પોતાની અંદર જ હોય છે – એને જાણી, માણી અને ઉજવી લેવું. જે સહજ છે એને સનાતન ચાહવું.
Permalink
August 18, 2008 at 8:39 pm by ધવલ · Filed under ગીત, નીરંજન ભગત
આવ, સખી, આવ,
વહી જશું ધીરે ધીરે,
મિલનની નાવ,
વિરહને તીરે તીરે !
હો વેળુથી વેરાન બેઉ તટે
વૈશાખની અગનછટા,
વા પૂરથી પાગલ જલપટે
આષાઢની સઘન ઘટા;
ધૂપ હો વા છાંવ,
સહી જશું નત શિરે;
મિલનની નાવ
વહી જશું ધીરે ધીરે !
- નિરંજન ભગત
સ્નિગ્ધ-સૂર, મોહક ગીત… મનની તૃપ્તિ !
Permalink
July 16, 2008 at 4:20 pm by ધવલ · Filed under ગીત, નીરંજન ભગત, વર્ષાકાવ્ય
રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !
દૂર દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મન ભરીને મતવાલો મોર ન્હાયો !
મેઘવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !
જનમાં વનમાં અષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો
મને ન લાગ્યો રંગ;
એ તો સૌને ભાયો ને શીતલ છાંય શો છાયો !
આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારે ય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ ?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !
બિરહમાં બાઢ લાયો !
રે આજ અષાઢ આયો !
-નિરંજન ભગત
કુદરત વ્યસ્ત અને માનવ હૈયું ત્રસ્ત. વર્ષાનો (કે વર્ષાગીતોનો!) આ જ નિયમ છે !
Permalink
July 6, 2008 at 6:58 pm by ધવલ · Filed under નીરંજન ભગત, મુક્તક
સૌંદર્યની સાપણ ક્યાંથી ડસે,
વ્યાપી જતું ઝેર તરત નસેનસે;
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.
- નિરંજન ભગત
કાવ્યના જન્મની મિમાંસા ચાર લીટીમાં ! આમ તો ઉમાશંકરે પણ કહ્યું જ છે – સૌંદર્યો પી, ઉરઝરણ પછી ગાશે આપમેળે !
Permalink
March 3, 2008 at 11:25 pm by ધવલ · Filed under ગીત, નીરંજન ભગત
ન ફૂલ ને ફોરમ તોય ફોરતી,
વ્હેતી હવામાં હળુ ચિત્ર દોરતી.
અવ સુ-વર્ણ બધી જ ક્ષણેક્ષણ,
દિશેદિશે પ્રસર્યું અહીં જે રણ
ત્યાં વેળુમાંયે મૃદુ શિલ્પ કોરતી.
મધુર આ ઉરમાં પ્રગટી વ્યથા,
ક્ષણિકમાં ચિરની રચતી કથા,
સૌંદર્યની સૌ સ્મૃતિ આમ મોરતી.
- નિરંજન ભગત
કવિનું નામ ન લખ્યું હોય તો ય તરત જ પારખી શકાય કે નિ.ભ.નું ગીત છે. સરળ શબ્દોમાં રમ્ય છબી આંકી આપવાનું કૌવત જે એમના ગીતોમાં જોવા મળે છે તે બીજે ક્યારેક જ દેખાય છે. નાની સરખી અનુભૂતિ (નજીકમાં કોઈ ફૂલ નથી તોય ફોરમ આવે છે) ને લઈને સૃષ્ટિભરના સૌંદર્યને યાદ કરી લેવાનું કાવતરું એક કવિ જ કરી શકે !
Permalink
February 12, 2008 at 12:51 am by ધવલ · Filed under ગીત, નીરંજન ભગત
પરિપૂર્ણ પ્રણયની એક ઘડી,
જાણે મધુર ગીતની ધ્રુપદ કડી.
એના સહજ સરલ સૌ પ્રાસ,
જાણે જમુનાતટનો રાસ;
એનો અનંતને પટ વાસ,
અણજાણ વિના આયાસ જડી.
એનો એક જ અંતરભાવ,
બસ ‘તુહિ, તુહિ’નો લ્હાવ,
એ તો રટણ રટે : પ્રિય આવ,
આવ, આવ અંતરા જેમ ચડી !
- નિરંજન ભગત
છંદ અને લય પર સંપૂર્ણ હથોટીની સાબિતિ જેવી રચના. સરળ માળખામાં સામાન્ય શબ્દોની પૂર્તિ કરી એને એક અસામાન્ય રચના કેવી રીતે બનાવાય એનું સરસ ઉદાહરણ. આ ગીત એક વાર હોઠ પર ચડે પછી ઉતારવું મુશ્કેલ બને.
Permalink
March 13, 2007 at 10:44 am by ધવલ · Filed under ગીત, નીરંજન ભગત
દિન થાય અસ્ત
વિદાયની આ ક્ષણ મૌનગ્રસ્ત.
કરુણ નેત્ર નમે, ઢળતી રતિ;
મલિન કાંતિ મુખે ગળતી જતી,
શિથિલ છેવટે આ રવિની ગતિ,
છૂટી જતો અવ પ્રિયા થકી સ્પર્શ, હસ્ત.
કુસુમની કલિ ધૂલિ વિશે ખરી,
વિહગ મૂક, ગંભીર હવા સરી,
ક્ષિતિજ સૌ સૂનકાર થકી ભરી,
સંસાર આ તિમિતમાં તરતો સમસ્ત.
- નિરંજન ભગત
આ ગીત વિદાયની ક્ષણનું ચિત્ર માત્ર છે. ગીત ભલે મનને ઘડીભર ઉદાસ કરી દે એવું છે, છતાં એના છંદના જોરથી એ તમને ફરી ફરીને બોલાવે છે. ધ્રુવપંક્તિ એટલી સબળ છે કે મમળાવ્યા કરવાનું મન થાય છે. નિરંજન ભગતના આવા જ બીજા એક ગીતની ધ્રુવપંક્તિઓ પણ અહીં યાદ આવી જાય છે.
નહીં અશ્રુ, નહીં હાસ મુજ ઉર એવું ઉદાસ!
નહીં ત્રુપ્તિ, નહીં પ્યાસ, મુજ ઉર એવું ઉદાસ!
Permalink