તું હતી સાથમાં – નિરંજન ભગત
તું હતી સાથમાં!
તું પ્રિયે, રમ્યગાત્રી,
હતી વિજન વનને પથે પૂર્ણિમારાત્રિ,
ને હું અને તું હતાં બે જ યાત્રી,
જતાં હાથ લૈ હાથમાં!
તું હતી સાથમાં!
જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કોઈ મુગ્ધા સમી મંજરી
ડાળથી મ્લાન થઈ મૂર્છિતા ગઈ ખરી,
એક નિઃશ્વાસ નમણો ભરી
આપણા માર્ગમાં ગઈ સુગંધો ઝરી!
જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
કુંજની કામિની કોકિલા,
કંઠ પર મેલતું કોઈ જાણે શિલા,
એમ ટહુકાર છેલ્લો કરી રોષથી,
ક્યાંક ચાલી ગઈ દૃષ્ટિના દોષથી!
જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
ચન્દ્રીએ ચારુ ને ચંચલ
દૃષ્ટિએ જોઈને દ્વેષથી
આડું ધારી લીધું વૈરના વેષથી
મુખ પરે શ્યામ કો મેઘનું અંચલ!
જાણ્યું ના આપણે બે જણે
એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરે ભાળી ગઈ
આપણા સંગને,
ને પછી આછું આછું અડી અંગને
એવું તે શુંય એ વેર વાળી ગઈ!
મૌનમાં મગ્ન થૈ આપણે બે જણે
એમ ચાલ્યાં કર્યું હાથ લૈ હાથમાં!
જાણ્યું ના એય તે એવી તે કઈ ક્ષણે
વાયુની લ્હેરશું તુંય ચાલી ગઈ,
ને અચાનક મને શૂન્યતા શીય સાલી ગઈ,
એ જ ક્ષણે જાંયું કે તું ન’તી સાથમાં!
– નિરંજન ભગત
પહેલી નજરે અછાંદસ કહી દેવાનું મન થાય એવી આ કવિતા હકીકતમાં ઝુલણા છંદના ગાલગા ગાલગાના અનિયત પણ ચુસ્ત આવર્તનોમાં રચાયેલ છંદોબદ્ધ કવિતા છે.
તું હતી સાથમાં કવિતાનું શીર્ષક પણ છે અને ઊઘડતી પંક્તિ પણ. આટલા પરથી જ સમજાઈ જાય છે કે જે પ્રિયજનની આ વાત છે એ હવે સાથે નથી. વિજન વનના કેડે પૂનમની રાતે બે પ્રેમભીનાં હૈયાં હાથ હાથમાં લઈને ચાલી રહ્યાં છે. અને એકમેકમાં રત પ્રેમીઓને એમ લાગે છે કે પ્રકૃતિ સમસ્ત એ બેની ઈર્ષ્યા કરે છે. ડાળ પરની મંજરીઓ મ્લાન વદને નમણો નિઃશ્વાસ ભરી એમના માર્ગમાં ખરી જાય છે, કોકિલા કંઠ પર કોઈ શિલા મૂકીને રૂંધતું ન હોય એમ છેલ્લો ટહુકાર કરી ગુસ્સામાં ક્યાંક ચાલી જાય છે, ચંદ્ર પણ દ્વેષભાવે આ લોકોને જોઈને કાળા વાદળના આંચલમાં લપાઈ જાય છે અને વાયુની લ્હેરખીય બંનેને આછું આછું અડીને કંઈક વેર વાળીને ચાલી જાય છે. બંને પ્રેમીઓ તો મૌનસમાધિમાં જ લીન રહી હાથ હાથમાં લઈને આ બધું જોયું-ન જોયું કરીને પોતાને મારગ ચાલ્યા કરે છે. સાયુજ્યની આ એવી પળ છે, આ એવી સમાધિ છે કે વાયુની લહેરખી સમી પ્રિયા કઈ ક્ષણે હાથ છોડાવીને ચાલી ગઈ એય નાયકને ખબર પડી નહીં… જીવનમાં અચાનક ખાલીપો અનુભવાયો ત્યારે જ નાયકને નાયિકાની ગેરહાજરીની પ્રતીતિ થાય છે…
Rina Manek said,
June 6, 2019 @ 2:28 AM
Beautiful…..
ketan yajnik said,
June 6, 2019 @ 5:46 AM
મુગ્ધ વાય માં છેલ્લી બે પંક્તિ કૂબ ગમતી। પણ ઓસરતી જતી મુગ્ધતામાં ડંખતી રહી કોણજાણે કેમ ઉત્તરરામચરિત ની રામની પીડા અનુભવાય છે. તારી સાથે જે સુંદર અને સ્વાભાવિક લાગતું હતું તે સર્વ નિરર્થક અને અસ્વભાવિક લાગે છે. આહા, તે દિવસો ગયા તે હી ના દિવસો ગાતાંહા।