સ્વયં તું – નિરંજન ભગત
(ઇન્દ્રવજા)
જાણું ન જાવું અવ કઈ દિશામાં,
આષાઢની ગાઢ થતી નિશામાં?
કેડી મને તું પ્રતિ જેહ લાધી
હતી, હવે લુપ્ત કરાલ આંધી
મહીં, રહી ના દૃગનીય દીવી!
ક્યાંથી હવે તેજલધાર પીવી?
હાવાં અહીં આ અધવાટ, સીંચી
અશ્રુભરી અંજલિ, નેત્ર મીંચી
હું પ્રેમનું પુષ્પ રહ્યો છું મ્હોરી;
કે એહની ફોરમ મત્ત ફોરી
આ આંધીનો વાયુ જ વ્હૈ જશે રે,
તને કથા સર્વ કહી જશે રે!
ત્યારે સ્વયં તું નિજને જ હાથે
મેલીશ એ પુષ્પ સગર્વ માથે !
– નિરંજન ભગત
પ્રિયજન તરફ દોરી જતી કેડી તો કથકને હાથ લાગી છે, પણ જામતી જતી આષાઢી રાત્રે વિકરાળ આંધીમાં એ દેખાતી બંધ થઈ ગઈ છે. કઈ દિશામાં જવું એની ગતાગમ હવે કેમ પડે? આવામાં આંખોના દીવા કઈ રીતે તેજધાર પીએ? ગતિ અટકી ગઈ છે, પણ પ્ર-ગતિ નહીં. અધમાર્ગે અટકી જઈ આંખો મીંચી ભાવપૂર્વક આંસુડા સીંચીને અષાઢી રાત કાવ્યનાયક પ્રેમપુષ્પ ખીલવે છે. એને પૂરી શ્રદ્ધા છે કે કાલિદાસના મેઘદૂતની જેમ આ આંધીનો વાયુ આ પ્રણયપુષ્પની ફોરમને અને દિલની બધી વાત પ્રિયા સુધી પહોંચાડી દેશે. આમ થશે ત્યારે પ્રિયા ગર્વ સાથે પ્રીતિના એ ફૂલને પોતાના હાથે સ્વયંના માથે ચડાવશે. પ્રિયજનના સ્થાને પરમેશ્વરને મૂકીને આખી રચના ફરીથી વાંચીએ તો?
આષાઢી રાત, દૃગની દીવી અને પ્રેમના પુષ્પના ઉલ્લેખ આપણને કવિ ન્હાનાલાલનું પણ સ્મરણ કરાવે છે:
ચોમેર ચમકે છે દૃષ્ટિની દામિની;
આંખડીની આશ એ શું ચારૂ ચીતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.
મ્હાલે મંહી નીર ગંભીર મેઘનાં;
મેઘલી એ રાત જાણે ચન્દ્રનીતરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.
હૈયાની વેલને અમીનાં ફૂલ ઉગિયાં;
ઉરની રસમૂર્તિ શું આભ ઉતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.


Kishor Ahya said,
February 5, 2026 @ 5:26 PM
આજે નહી પણ જગત બન્યું હશે ત્યારથી જો સહુથી વધુ કોઈ પ્રશ્ન ઉપર ચિંતન ચર્ચા કે સંવાદ થયો હોય તો એ વિષય ઈશ્વર છે. ઈશ્વર આજે ફ્કત શબ્દ રહી ગયો લાગે છે વાસ્તવમાં ઈશ્વર એટલે શું? તેનો ગંભીરતાથી વિચાર ચિંતન કરનારાઓ બહુ ઓછાં હશે, કેમકે આ જગત આજે દેખાય છે એ દંભી ,અંધશ્રદ્ધાથી ભરેલું અને લાગણી વિહિન છે.
જગતમાં બધા જ મનુષ્યો કંઇ ઈશ્વર સુધી પહોચવાના રસ્તાઓ શોધતા નથી કેટલાક લોકોએ નકશાઓ જેવો તૈયાર માર્ગ ગોતી લીધો છે, પણ વિરલાઓ જ ઈશ્વર શું છે અને ત્યાં કેમ પહોંચાય? તેની શોધ જાતે કરતા હોય છે. આવી શોધ કરનારાઓ પૈકીના આપણા કવિ શ્રી નિરંજન ભગત.(૧૯૨૬-૨૦૧૮)
શ્રી વિવેકભાઈ એ આસ્વાદમાં કહ્યું છે “પ્રિયજનના સ્થાને પરમેશ્વરને મૂકીને આખી રચના ફરીથી વાંચીએ તો?”
આ સોનેટ પ્રિયજનના સ્થાને ઇશ્વરને મૂકીને પણ વાંચી શકાય છે કેટલીકવાર એવું લાગે છે કે બને અર્થ એક એકથી ચડિયાતા છે .કવિને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ તો મળી ગયો છે પણ વચ્ચે આંધી તોફાનમાં(સાંસારિક માયા) રસ્તો દેખાતો બંધ થઈ ગયો છે . ત્યારે કવિ કહે છે આ આંધી ઈશ્વર સુધી પહોચશે અને મારા મનની બધી વાતો ઇશ્વરને કહેશે ત્યારે ઈશ્વર જરૂર પ્રસન્ન થશે.
સ્વ.નિરંજન ભગતે સાહિત્ય ક્ષેત્રે બહુ નામના પ્રાપ્ત કરી અનેક પારિતોષિક મેળવ્યા છે ને ખૂબ કામ થયું છે.શ્રી વિવેકભાઈએ સ્વયં તું – નિરંજન ભગત ના સરસ સોનેટની પસંદગી કરી છે, અને ખૂબ સરસ આસ્વાદ આપ્યો છે ,તેમને ધન્યવાદ.
🌹🌹🌹🌹
Varij Luhar said,
February 5, 2026 @ 5:47 PM
વાહ સરસ કાવ્ય, આસ્વાદ અને કવિશ્રી ન્હાનાલાલનું કાવ્ય
Shailesh Gadhavi said,
February 5, 2026 @ 6:07 PM
વાહ!
વિવેક said,
February 5, 2026 @ 6:40 PM
પ્રતિભાવ પાઠવનાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર…
શ્રી કિશોર પાહ્યાનો વિસ્તૃત ટિપ્પણી બદલ વિશે આભાર…