ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.
કૈલાસ પંડિત

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજેન્દ્ર શુક્લ

રાજેન્દ્ર શુક્લ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'ડોટ કોમ'ના રંગે રંગાયા કવિશ્રી રાજેન્દ્ર શુકલ
આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ - રાજેન્દ્ર શુક્લ
ઊર્ધ્વમૂલ - રાજેન્દ્ર શુક્લ
કીડી સમી ક્ષણો.... રાજેન્દ્ર શુકલ
ખંડેરના એકાંત - રાજેન્દ્ર શુક્લ
ગઝલ - રાજેન્દ્ર શુકલ
ગઝલ - રાજેન્દ્ર શુક્લ
ગઝલ - રાજેન્દ્ર શુક્લ
ગઝલ કહું છું - રાજેન્દ્ર શુક્લ
ગઝલ કહું છું - રાજેન્દ્ર શુક્લા
ગોરખ આયા ! - રાજેન્દ્ર શુક્લ
ચેત મછંદર ! - રાજેન્દ્ર શુક્લ
છું - રાજેન્દ્ર શુક્લ
તદાકાર છું હું ! - રાજેન્દ્ર શુક્લ
તૃણાંકુરની ધાર પર- રાજેન્દ્ર શુકલ
પગલાં કુંકુમઝરતાં - રાજેન્દ્ર શુક્લ
રાજેન્દ્ર શુક્લ આપે છે 'કવિતાના શબ્દ'ની ઓળખાણ
વૃક્ષ - રાજેન્દ્ર શુક્લ
શબ્દ રામરોટી છે - રાજેન્દ્ર શુક્લ
શબ્દ- રાજેન્દ્ર શુકલ
શેર -રાજેન્દ્ર શુક્લ
હજો હાથ કરતાલ - રાજેન્દ્ર શુક્લ



ગોરખ આયા ! – રાજેન્દ્ર શુક્લ

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા,
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા !

ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા,
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા !

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા,
નજર સધી, અરૂ બિખરી માયા, ગોરખ આયા !

નાભિકંવરકી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઈ, ભૈરવસૂર ગાયા, ગોરખ આયા !

એક ઘરીમેં રૂક્યો સાંસ કે અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા !

ગગન ઘટામેં એક કરાકો, બિજરી હુલસી,
ઘિર આયી ગિરનારી છાયા, ગોરખ આયા !

લગી લેહ, લેલીન હુએ અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા !

- રાજેન્દ્ર શુક્લ

બે દિવસ પર મૂકેલી કવિશ્રીની ચેત મછંદર ગઝલની સાથેની આ યુગ્મ-ગઝલ આજે મૂકવાની લાલચ છોડી શકતો નથી. ‘ગોરખ આયા’ એટલે ચેતનાનો ચમકરો થવાની ઘટના. ચેતનાની ક્ષણનું આવું સબળ વર્ણન કવિશ્રીના ઘૂંટાયેલા અંતરનાદની સાહેદી પૂરે છે.

ગોરખ-મછંદરની કથા વાંચવાની ઈચ્છા થાય તો એ અહીં મૂકી છે. ( દિનકર જોશીના પુસ્તક ગ્લિમ્પસીસ ઓફ ઈન્ડિયન હિસ્ટરીમાંથી)

(અલખ=પરમેશ્વર, અરૂ=અને, કરાકો=કડાકો, લેહ=લગની, ખલકત=આદત, સૃષ્ટિ)

Comments (6)

ચેત મછંદર ! – રાજેન્દ્ર શુક્લ

ના કોઈ બારું, ના કોઇ બંદર, ચેત મછંદર,
આપે તરવો આપ-સમંદર, ચેત મછંદર !

નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર,
ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર !

કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા,
સુપના લગ લાગે અતિ સુંદર, ચેત મછંદર !

સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર !

સાંસ અરૂ ઉસાંસ ચલાકર દેખો આગે,
અહાલેક ! આયા જોગંદર, ચેત મછંદર !

દેખ દિખાવા સબ ઢરતા હે ધૂરકી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મછંદર !

ચડો ચાખડી, પવનપાવડી, જયગિરનારી,
ક્યા હે મેરુ ક્યા હે મંદર, ચેત મછંદર !

- રાજેન્દ્ર શુક્લ

સ્થૂળને ઓળંગી જવાની સલાહ કવિ પોતાની લાક્ષણિક શૈલીમાં આપે એની મઝા જ કંઈ ઓર છે. જીવનની મરિચિકાઓની ચેતવણી આપીને  કવિ ‘આપ-સમંદર’ને તરવાનો સીધો રસ્તો બતાવે છે.

(ધૂણો=અગ્નિકુંડ, અપારા=અપાર, સૂન=શૂન્ય, કંદર=ગુફા, અરૂ=અને, ઉસાંસ=ઉચ્છવાસ, અહાલેક= ઈશ્વરના નામનો પોકાર, ધૂરકી ઢેરી=ધૂળની ઢગલી, ઘાસની ઢગલી, પવનપાવડી= આકાશમાં ઊડી શકાય એવી જાદુઈ પાવડી, પવન જેવી ઉતાવળી દોડ )

Comments (16)

ગઝલ કહું છું – રાજેન્દ્ર શુક્લા

ગૂંથાઈ ગાણે ગઝલ કહું છું,
તરજ તરાણે ગઝલ કહું છું !

છલક છલાણે ગઝલ કહું છું,
ઝલક ઝલાણે ગઝલ કહું છું !

કદી છલોછલ છલી ઊઠું તો,
નદી નવાણે ગઝલ કહું છું !

ઘણી ય રાતો મૂંગો રહું છું,
કદીક વ્હાણે ગઝલ કહું છું !

બધું ય જાણી અને એ બેઠા,
હું તો અજાણે ગઝલ કહું છું !

ઉપર ઉપરથી ભલે ઉવેખે,
ભીતરથી માણે, ગઝલ કહું છું !

હું તો હું રહું છું, એ એનાં એ છે,
ભલે ને નાણે, ગઝલ કહું છું !

તમે કહ્યું કે કહો, તો કહું છું !
હું ક્યાં પરાણે ગઝલ કહું છું !

ગઝલ કહેવી નથી સરળ કૈં,
ચડી સરાણે ગઝલ કહું છું !

- રાજેન્દ્ર શુક્લા

આજ છંદ, આજ રદીફ અને આજ જમીનના કાફિયા ઉપર આજ કવિની એક ગઝલ પરમદિવસે આપણે માણી… આજે એજ ચારેય પાસાં સાથેની બીજી ગઝલ. કવિની આગવી શૈલીમાં બધા શેર અનાયાસ ઊઘડતા જાય છે…

Comments (9)

ગઝલ કહું છું – રાજેન્દ્ર શુક્લ

બધાંય જાણે, ગઝલ કહું છું,
ગજા પ્રમાણે ગઝલ કહું છું!

કથા બધાંની પછી કહીશું,
હું તો અટાણે ગઝલ કહું છું!

નથી ખબર તો મનેય એની,
અલખ ઉખાણે ગઝલ કહું છું!

ભર્યા બજારે ન કૈજ લાધ્યું,
વગર હટાણે ગઝલ કહું છું!

સમય પ્રમાણે રહું છું સાવધ,
હું ક્યાં કટાણે ગઝલ કહું છું!

મૂડીના નામે બચું છે જે કૈં,
મૂકી અડાણે ગઝલ કહું છું!

ગુનો અમારો કબૂલ અમને,
લે જાવ થાણે ગઝલ કહું છું!

ભૂખ્યા દૂખ્યાના નથી ભડાકા,
ભરેલ ભાણે ગઝલ કહું છું!

ન કોઈ જાણે, ન હું ય જાણું,
કયા ગુંઠાણે ગઝલ કહું છું!

- રાજેન્દ્ર શુક્લ

સમર્થ કવિ કેટલા અલગ સ્તરેથી ગઝલ કહે છે એ તો જુઓ ! અને હા, વાચતાં જ દુશ્યંતકુમારનો શેર યાદ આવી ગયો

मैं जिसे ओढ़ता—बिछाता हूँ,
वो ग़ज़ल आपको सुनाता हूँ.

(હટાણું=બજાર, અડાણું=ગીરો મૂકેલું, ગુંઠાણું =ગુણસ્થાનક- આંતરિક વિકાસની ભૂમિકા (જૈન પરિભાષા))

Comments (8)

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

- રાજેન્દ્ર શુક્લ

વૃદ્ધ વૃક્ષ એના બધા અશ્રિતોની કાળજી કપરા કાળમાં પણ જતનથી કરે છે. પણ એનો જીવ તો પરમતત્વને મળવાની ઇચ્છામાંરહેલો  છે. કવિના પોતાના અવાજમાં કાવ્યની સાંભળવાની ઓર જ મઝા છે. કવિની વેબસાઈટ પર કવિની વધુ રચનાઓ આપ માણી શકો છો.

Comments (21)

ગઝલ – રાજેન્દ્ર શુક્લ

તું વહે વંશીને સૂર આ જ્યારથી,
આળખું હું તને ગઝલ-આકારથી.

આવ સામે હવે તું મને ભેટવા,
ડગ ન એકે ભરું હું હવે દ્વારથી.

પોત પાંખું થતાં જ્યોત ઝળહળ થઈ,
પાર પણ પરવર્યું પારના પારથી.

લક્ષવિણ લક્ષવિધ મોજ આ ઊછળે,
ધાર જુદી ક્યહાં આદ્ય આધારથી.

લૂમઝૂમે લચી લીધ ઝૂલી નર્યું,
ડાળ ખરતી અહો, ડાળના ભારથી !

-રાજેન્દ્ર શુક્લ

કવિ ગઝલ સાથે આદિથી અનાદિ સુધીનો તાર કેવો સહજતાથી આલેખે છે. સૃષ્ટિના સર્જનહારની સાથે પોતાના સર્જનની વાત હળવેથી સાંકળીને કવિ હળવેથી ગઝલ ઊઘાડી આપે છે. તું જે ઘડીથી વાંસળીના સૂર બનીને વહી રહ્યો છે એ જ ઘડીથી હું તને ગઝલ સ્વરૂપે અલેખી રહ્યો છું!

ગાલગાના ચાર આવર્તનોના કારણે સરસ મૌશિકી જન્માવતી આ ગઝલ ધીમેધીમે મમળાવીએ… ખાસ કરીને મને દીવો હોલવાવાનો થાય ત્યારે વધુ ઝબકારા મારેની વાતવાળો શેર વધુ સ્પર્શી ગયો જાણે કે અંત પોતે આ અંતનો આરો જોઈ કંઈક સમજી જતો હોય એમ ઘડીભર ચાલી નીકળતો ન હોય…

(વંશી=બંસી, વાંસળી; આળખવું=આલેખવું, અડવું; પાર=અંત, સીમા, ઊંડો મર્મ, કાંઠો; પરવરવું=ચાલી નીકળવું)

Comments (12)

આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !

-રાજેન્દ્ર શુક્લ (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૪૨)

સ્વર: સ્વ.પરેશ ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ ગઝલ અગાઉ લયસ્તરો પર મૂકી હતી ત્યારે લખ્યું હતું, રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય. કવિના પોતાના શબ્દોના આધારે ૧૯૭૮માં લખાયેલી આ ગઝલના સાત શેર માણીએ:

1. સંદર્ભ-નરસિંહ મહેતા: હાથમાં કરતાલ, ચિત્તમાં ભક્તિનો આવેશ અને ગિરનારની તળેટી નજીક રહેઠાણ હોય એવી અભીપ્સાનો ઉદગાર.

2. સંદર્ભ-મીરાંબાઈ: અનન્ય શ્રદ્ધાના પરિણામે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન. ખાસ રાજસ્થાની ભાષાનો સંસ્પર્શ.

3. સંદર્ભ-તુલસીદાસ: શબ્દના અનન્યાશ્રય દ્વારા આરાધ્યના સ્વત: પ્રાકટ્યની તથા પરમ સાર્થક્યના અવશ્યંભાવિ અનુભવની દ્રઢ શ્રદ્ધાનું કથન. ‘ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રધુવીર’.

4. સંદર્ભ-કબીર સાહેબ: વ્યવહારના સ્વીકાર છતાં વ્યવહારથી ન ખરડાવાની અસંગ નિર્લેપતા. જે કૈં છે, પ્રાપ્ત થયું છે તેને તેમનું તેમ જ યથાવત્ પરત કરવાની તત્પરતાનો સંકલ્પ. ‘દાસ કબીર જતન કરી ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’.

5. સંદર્ભ-ગુરુ નાનક: પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે ‘નાનક’ એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ.  અનાસક્ત સ્વરહિત સાક્ષીભાવ તથા સર્વાત્મભાવની ચિત્તસ્થિતિનું પ્રરૂપણ. ‘રામકી ચિડિયા, રામકા ખેત, ખા લો ચિડિયા ભરભર પેટ’. પંજાબી ઉચ્ચાર લઢણોનો વિનિયોગ.

6. સંદર્ભ-ચૈતન્ય મહાપ્રભુ: અખંડ ગાન-નામસંકીર્તનની મધુરોપાસના દ્વારા આરાધ્ય સાથેની એકાત્મતા, મધુરાદ્વૈતના મહાભાવની અનુભૂતિની ઝંખના. સંદર્ભ: મહાપ્રભુ ચૈતન્યદેવ. નયનથી નીતરતી આદ્રતામાં દેહભાવનું વિગલન. બંગાળી ભાષાનો ઈષત સ્પર્શ.

7. સંદર્ભ-હઝરત મન્સૂર અલ હિજાજ: અંતર્મનમાંથી સાવ અણધાર્યો જ ઊપસી આવેલો આ અંતિમ શેર સમગ્ર કૃતિમાં પ્રસૃત અન્યથા ભજનસાદૃશ સામગ્રીને જાણે કે ગઝલના સ્વરૂપનો પુટ આપે છે, અરબી-ફારસી શબ્દો, સૂફી સાધનાધારાની પરિભાષા તથા હઝરત મન્સૂર અલ હિજાજની પ્રસિદ્ધ ઉક્તિ ‘અનલ હક’- અહં બ્રહ્માસ્મિ દ્વારા. રાત-દિવસ  પરમ તત્વનો અવિરત ગાઢ સંસ્પર્શ અને અનિર્વચનીય સમાધિના દિવ્યભાવની અવસ્થા. ‘આનક’- આનન – મુખ શબ્દ પરથી સિદ્ધ કરેલો શબ્દ. લુપ્તસપ્તમીનો પ્રયોગ, ‘આનક’ મુખમાં. અનલહક અહીં બ્રહ્માસ્મિનું જ રટણ રહો એવી અભીપ્સા.

(રાજેન્દ્ર શુક્લના 22/08/2007 પત્રના આધારે)

(ચાનક= આવેશ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમયનું; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાન; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનલહક = ‘હું બ્રહ્મ-પરમાત્મા છું’ એ અર્થ આપતો શબ્દ; આનક = આનન, મુખ)

Comments (10)

તદાકાર છું હું ! – રાજેન્દ્ર શુક્લ

સદા નિર્વિકારી, નથી મૃત્યુભીતિ,
ન તો જન્મ લીધો, નો માતા પિતા કો,
છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ;
તદાકાર છું હું તદાકાર છું હું !

નથી દુઃખકારણ, ન હું દુઃખપૂર્ણ,
ન કો શત્રુમારે ન હું શત્રુ કોનો,
છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ;
તદાકાર છું હું તદાકાર છું હું !

નથી રૂપ મારે, નથી કોઈ સીમા,
સકળ સ્થળથી પરહું અને કાળથી પર,
વસું છું બધામાં, બધું મુજ મહીં છે,
છું આનંદ હું વિશ્વવ્યાપી બધે છું;
છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ,
તદાકાર છું હું તદાકાર છું હું !

અદેહી, ન હું દીહના કંઈ વિકારો,
ન તો ઈન્દ્રિયો, ઈન્દ્રિયોના વિકારો,
છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ;
તદાકાર છું હું તદાકાર છું હું !

ન તો પાપ છું હું, ન તો પુણ્ય છું હું,
ન મંદિર, ન પૂજા, ન યાત્રા, ન ગ્રંથો,
છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ;
તદાકાર છું હું તદાકાર છું હું !

- સ્વામી રામતીર્થ
- અનુવાદ રાજેન્દ્ર શુક્લ

સામાન્ય રીતે અનુવાદમાં કવિતાનો ખુરદો બોલી જતો હોય છે. આ કવિતાનો અનુવાદ એટલો મોહક થયો છે કે મૂળ અર્થ વધુ આકર્ષક રીતે ઉપસી આવે છે. સમસ્ત અખીલમાં વિસ્તરી રહેલ ભાવાતીત અસ્તિત્વની વાત બહુ સરસ રીતે કરી છે. મૂળ કવિતા સરખામણી માટે:

I am That

I have no scruple of change, nor fear of death
Nor was I ever born, nor I had parents
I am Existence Absolute, Knowledge Absolute, Bliss Absolute,
I am that, I am that,

I cause no misery, nor I am miserable
I have no enemy, nor I am enemy
I am Existence Absolute, Knowledge Absolute, Bliss Absolute,
I am that, I am that,

I am without form, without limit,
Beyond space, beyond time,
I am in everything, everything is in me
I ma the bliss of the universe, everywhere am I

I am Existence Absolute, Knowledge Absolute, Bliss Absolute,
I am that, I am that,
I am without body, or change of body,
I am neither senses, nor object of senses

I am Existence Absolute, Knowledge Absolute, Bliss Absolute,
I am that, I am that,
I am neither sin, nor virtue
Nor temple, nor worship
Nor pilgrimage, nor books
I am Existence Absolute, Knowledge Absolute, Bliss Absolute,
I am that, I am that,

- Swami Ramtirth

Comments (1)

‘ડોટ કોમ’ના રંગે રંગાયા કવિશ્રી રાજેન્દ્ર શુકલ

rajendra_shukla

કવિશ્રી રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી સાહિત્યમાં ‘લિવિંગ લેજંડ’ છે. સફેદ દાઢીને કારણે કવિ પહેલી નજરે ઋષિ-સમાન લાગે છે અને એ વાત મહદ અંશે સાચી પણ છે. એમનો શબ્દ હંમેશા કેટલીય ચાળણીથી ચળાઈ ને આવતો હોય એવું દેખાઈ આવે છે. ગુજરાતી ગઝલને તો એમણે એકલા હાથે નવી દિશા બતાવી છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં કોઈ પુરસ્કાર એવો નથી જે એમને અર્પણ ન થયો હોય.

એમના ચાહકોએ મળીને એમના વિષે સરસ વેબસાઈટ રાજેન્દ્રશુક્લ.કોમ બનાવી છે. વેબસાઈટ હજુ શરૂઆતની અવસ્થામાં છે. તરત દેખાઈ આવે છે કે વેબસાઈટ કવિશ્રી રાજેન્દ્ર શુક્લના નામને શોભે એવી સુંદર બની છે. એમાં કવિના પરિચય અને બીજી ઔપચારિક માહિતી ઉપરાંત કવિના પોતાના કંઠે કવિતા તમે સાંભળી પણ શકો છો. કવિના અવાજમાં એમની કવિતાના ધ્વનિમુદ્રણને સી.ડી.ના રૂપમાં તમે ખરીદી પણ શકો છો. આગળ જતા આ વેબસાઈટ પર ઘણી વધુને વધુ સામગ્રી મૂકવાની યોજના છે.

Comments (2)

છું – રાજેન્દ્ર શુક્લ

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

- રાજેન્દ્ર શુક્લ

Comments (2)

« Previous entries Next Page » Next Page »