પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુકલ
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?
ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની,લગાવ,લહરો- આ હાવભાવ શું છે ?
લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે ?
ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?
ફંગોળી જોઉં શબ્દો ને મૌનને ફગાવું-
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?
હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવું યે નથી તો ઝળહળ પડાવ શું છે ?
-રાજેન્દ્ર શુકલ
સરળ લાગતી આ ગઝલના શેર ભારે અર્થગંભીર છે. માત્ર બે શેરની વાત કરું છું-
પહેલા શેરમાં સમયની વાત છે. અનાદિ એવં અનંત એવા સમયની સાપેક્ષે કવિ પોતાના અસ્તિત્વને મૂલવે છે. હું એક સાક્ષી છું જે સમયની આવન-જાવન જોઈ રહ્યો છું કે પછી સમય સાક્ષી છે અને……?!
‘ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,……’ – નજૂમી એટલે જ્યોતિષ-ભવિષ્યવેત્તા. પ્રિયતમા માટે ‘નમણા નજૂમી’ વિશેષણ પ્રયોજી કવિએ કમાલ કરી છે ! પોતાનું ભવિષ્ય જેના હાથમાં છે એવી નમણી નાયિકાને કવિ કહે છે- ભવિષ્યની મને કશી ચિંતા નથી, પણ વર્તમાનમાં હું જે તડકો-છાંયડો અનુભવી રહ્યો છું તે શું છે ?! ……શું નાજુક ઈશારો છે !
છેલ્લેથી બીજો શેર પણ અત્યંત ઉમદા છે.
P. Shah said,
March 12, 2012 @ 12:54 AM
Saras !
pragnaju said,
March 12, 2012 @ 1:01 AM
ખૂબ સુંદર ગહન ગઝલ અને આસ્વાદ
તિર્થેશે બધા જ શેરના આસ્વાદ કરાવશો
કીડી સમી ક્ષણોની આ આવજાવ શુંછે?
મારું સ્વરૂપ શું છે? મારો સ્વભાવ શું છે?
પર્વતને ઊંચકું પણ,
પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે?
આ કારી ઘાવ શું છે? પ્રેમણાભક્તિમા આ પ્રશ્ન વારંવાર થાય કે તારો વ્હાલમ ક્યાં છે? અને વનની ડાળી પર એક ખાલી હિંડોળો ઝૂલ્યા કરે છે. તું ન હોય તો આ આંખ આંખ નથી,પણ માત્ર કાચની કીકી છે, એ તો અમે ગોપીઓ મૂરખી કે તને મુક્ત રાખ્યો. રાજેન્દ્ર શાહ કહે છે એમ, અમારે એવું જ કરવું’તું કે ‘હરિ મારે નયને બંદીવાન’ કે જયંત પાઠકના શબ્દોમાં કહીએ તો ‘કાનજી ને કીકીમાં કેદ કરી લીધા.’ ગોપીની સ્થિતિ ખરેખર વિચિત્ર છે.સૂફી કવિ રૂમિની પંક્તિ યાદ આવે છે. “I am ashamed to call this love human,and afraid at God to call divine.”.આ પ્રેમ માનવીય છે એવું જો કહીએ તો અલ્પોક્તિ ગણાય. આ પ્રેમ દિવ્ય છે એવું જો કહી નાખીએ તો એ કહેતાં ઇશ્વરનો પણ ભય લાગે,અને અતિશયોક્તિ જેવું પણ લાગે. અદર્શનમાં તો વ્યથા હોય,પણ દર્શનમાં યે વિઘ્ન ઓછાં નથી.થાકીને, કંટાળીને, રખડીને પાછો વળેલો શ્યામ ધૂળથી મલિન ચહેરો. કેશને માટે પણ જે વિશેષણ છે એ ઘણુંબધું કહી જાયછે. કેશ કેવા, તો કહે કુટિલ,ચહેરો પૂર્ણપણે દેખાય નહીં. ગમે એવો શરદપૂનમનો ચંદ્ર હોય પણ વાદળ પાછળ ઢંકાયેલો હોય તો એનો શો અર્થ? અને આ બ્રહ્મા વિધાતા તો જડ છે. –અમને આંખ ઉપર પાંપણો આપી. પાંપણો પલકપલક થયા કરે, નિષ્પલક રહેવું એ પાંપણના સ્વભાવમાં નથી
યાદ આવી
ઘાયલસાહેબની એક લાક્ષણિક ગઝલ…
તલ તિલક લટ તખત મુગટ શું છે !
જો નથી કૈં ગુપત, પ્રગટ શું છે !
હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે !
તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે – પટ શું છે !
લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે !
ડૂબવાની ન છૂટ તરવાની,
તો પછી સિંધુ શું છે તટ શું છે !
જૂઠને પણ હું સાચ સમજું છું,
મારી જાણે બલા કપટ શું છે !
વ્હેલા મોડું જવું જ છે તો રામ,
શી ઉતાવળ છે એવી ઝટ શું છે !
કોઈ પણ વેશ ભજવે છે માનવ
એ નથી જો મહાન નટ શું છે !
અંત વેળા ખબર પડી ‘ઘાયલ’
તત્ત્વત: દીપ શું છે ઘર શું છે !
.
munira said,
March 12, 2012 @ 1:05 AM
સરલ શબ્દો પન્ ગહન વિચાર! સુન્દર રચના…
pragnaju said,
March 12, 2012 @ 1:12 AM
અને તેમના જ સ્વરમા માણવી હોય તો
કીડી સમી ક્ષણો…. – રાજેન્દ્ર શુકલ | ટહુકો.કોમ
tahuko.com/?p=1067
વિવેક said,
March 12, 2012 @ 2:56 AM
સુંદર ગઝલ…
મીના છેડા said,
March 12, 2012 @ 3:34 AM
સુંદર કર્ણપ્રિય ગઝલ ….
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?
Pancham Shukla said,
March 12, 2012 @ 4:31 AM
પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકનઃ
http://rankaar.com/blog/archives/2020
Hasit Hemani said,
March 12, 2012 @ 5:02 AM
ગમેતેમ ફેંકાફેંક શબ્દોથી શાયરીઓ સર્જાતી નથી.
પરાણે અર્થ ફેંદવો પડે તેવી કૃતિઓ ગમતી નથી
ક્યારેક તો મામુલી કલ્પનાઓને પણ ગુઢ અર્થસભર માની વાચકો ઓવારી જતા હોય છે.
nehal said,
March 12, 2012 @ 12:06 PM
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?
ફંગોળી જોઉં શબ્દો ને મૌનને ફગાવું-
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?
સુંદર….ગઝલ….
ધવલ શાહ said,
March 12, 2012 @ 2:01 PM
બહુ પ્રિય ગઝલ !
Sudhir Patel said,
March 12, 2012 @ 4:54 PM
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
Dhruti Modi said,
March 12, 2012 @ 5:08 PM
ખૂબ જ ગહન અને ચિંતન સભર ગઝલ.
Manubhai Raval said,
March 12, 2012 @ 11:29 PM
અદભુત ખુબ સુન્દર રચના .
jigar joshi 'prem said,
March 14, 2012 @ 12:58 PM
સરસ
મદહોશ said,
March 22, 2012 @ 11:38 AM
‘નમણા નજૂમી’ વિશેષણ પ્રયોજી ખરેખર કવિએ કમાલ કરી છે અને શુ સુન્દર રીતે તિર્થેશે ભાવાસ્વાદ કર્યો છે. ખુબ ખુબ આભાર્