આંખોના ભીના ફળિયામાં જાવું શું?
દ્વાર ઉપર સાંકળ ભીડી’તી કાજળની.
ડૉ. જગદીપ નાણાવટી

એક ચોમાસે – રાજેન્દ્ર શુક્લ

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું.

વચમાં વ્હેતલ નદી નીરની નમણાઈમાં
નેણ ઝબોળ્યાં,
હૈયે ઊઠ્યાં લ્હેરિયાં એને આભ હિલોળ્યાં,
દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યાં,
જેમ ધરાના સાત જનમનું
હોય કોળામણ સામટું આવ્યું.

કેટલી વેળા,
કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું,
કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ
નીર રેલાયું.
કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
કેટલું લણ્યું કેટલું વાવ્યું !
ઈ દંનની ઘડી, આજનો દા’ડો,
કોઈ ચોમાસું આંખમાં ના’વ્યું.

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું.

– રાજેન્દ્ર શુક્લ

ઘણા વરસો પહેલા આ કાવ્ય કવિના કંઠે સાંભળેલું. અચાનક જડી આવ્યું. ઘણાબધા સ્મરણો જોડાયેલા છે કવિના એક ચોમાસા સાથે….

2 Comments »

  1. ધવલ said,

    August 7, 2019 @ 9:42 AM

    સામા ગામનું સાવ છેવાડું ખોરડું….એવું એક ચોમાસે આંખમાં આવ્યુ…નીરની નમણાઈમાં
    નેણ ઝબોળ્યાં…. ડુંગર ડુંગર નીલમ કોળ્યાં… આભને ભરી આભ ઘેરાયું … કાળને કાંઠે ઈ જ ખેતર
    કેટલું લણ્યું કેટલું વાવ્યું !

    વાહ ! સલ્લામ !

  2. vimala Gohil said,

    August 8, 2019 @ 3:03 PM

    “કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
    કેટલું લણ્યું કેટલું વાવ્યું !” ના લેખા-ઝોખા કરીએ.
    વાહ્,સરસ્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment