તો કહું !- રાજેન્દ્ર શુક્લ
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !
આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !
શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું !
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !
કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !
-રાજેન્દ્ર શુક્લ
માસ્ટરકલાસ…..
Pravin Shah said,
September 30, 2020 @ 4:26 AM
મસ્ત !
pragnajuvyas said,
September 30, 2020 @ 10:10 AM
પ્રસન્ન કરી દે તેવી ગઝલ
તત્વજ્ઞાનની દ્રુષ્ટિએ મન જ્યારે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં હોય ત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની ઈચ્છા જ હોતી નથી.
શાંત જળમાં એક પણ લહેરી નથી
કોઈ થોડું ખળભળાવે તો કહું
અને
ખૂબ જ ગુઢ આ શેર
કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું!
એમાં પણ એ સંવાદને ઉંચાઈ પર લઈ જાય છે.સંવાદમાં શબ્દની જરૂર પડે પણ જ્યારે ખાસ વ્યક્તિની વાત હોય જેની સાથે શબ્દોના સંવાદનું સ્તર તો પસાર થઈ ગયું છે પછી તો નજરથી જ સંવાદ થતો હોય છે!!
…
આ જ રચના કવિના પોતાનાં અવાજમાં સાંભળવાની એક અલગ મજા છે.