જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
બેફામ

છેક છેલ્લે – રાજેન્દ્ર શુક્લ

હું અશ્રુ થઈને વહી શકું
એવું જળ
તેં આપ્યું જ નહીં
મારાં શુષ્ક સંતપ્ત નેત્રોને !

લાગણીઓના દેશમાં
અમારે શું વર્ષાઋતુ જ નહીં ?
ન તો નેવાં ચૂવે અમારે ઘર,
ન શેરીએ ખળખળે જળ
કે કાગળની હોડી યે તરાવિયેં !

મેં બહુ બહુ કહ્યું,
તો ય મારા શબ્દને
તેં રુક્ષ જ રહેવા દીધો.

છેક છેલ્લે
તેં સ્હેજસાજ આ
ભીંજવી આપ્યું મને મારું મૌન
તે હું ફૂંક મારી મારીને
ફરી સૂકવું છું એને…

– રાજેન્દ્ર શુક્લ

કેવી સુંદર ફરિયાદ !! હકીકતમાં પણ આવું જ હોય છે- કોઈક લાગણીને વહેવા દે, કોઈક માટે એ અસહજ હોય…. છેલ્લા અંતરે કવિ ખીલે છે. ભીનાશ સ્વીકારી નથી શકાતી….રુક્ષતાનું conditioning એટલું ખતરનાક છે….

2 Comments »

  1. વિવેક said,

    February 25, 2021 @ 1:06 AM

    અદભુત કાવ્ય! બે શબ્દોની વચ્ચેથી જાણે કવિવર ઠાકુરનો અવાજ ઊઠતો પણ સંભળાય છે…

  2. હરીશ દાસાણી. said,

    March 25, 2021 @ 6:27 AM

    લાગણીઓ જ ન રહે એ સ્થિતિ કેવી? લીલાછમ વૃક્ષમાંથી ઠૂંઠૂ થઈ ગયેલ અસ્તિત્વની વાત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment