રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
- મરીઝ

આ અમે નીકળ્યા- – રાજેન્દ્ર શુક્લ

સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં !

ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,
વેળ તો વેળની જેમ વીત્યા કરે,
વાયરા દખણના તો ગમે તે ક્ષણે,
કેસરી કેસરી દ્વાર ખખડાવતા !

ચાર ખૂણા હજી સાચવીને ઊભા
ધૂંધળા ધૂંધળા કોક અણસારને,
ઘોર એકાંતનું છાપરું ને છજાં
જો ઊડે આભમાં પાંખ ફફડાવતાં !

સૌ અભાવો સુરાહી બને જ્યાં કને
જે મળે તે બધાં તરબતર નીતરે,
કોઈને કોઈની કૈં ખબર ના રહે-
કોણ છલકી જતાં, કોણ છલકાવતાં !

ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,
સાત આકાશ ખૂલી જતા સામટું,
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં
ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં !

– રાજેન્દ્ર શુક્લ

કવિનો આજને દિ 1942માં જનમ, 79 પૂરા…સર્જનયાત્રા અવિરત…

એમની લાક્ષણિક શૈલીની ગુહ્યવાદની એક ગઝલ….

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં….. -આ ચરણ ઉપર વારંવાર અટકી જવાય છે.

4 Comments »

  1. હરિહર શુક્લ said,

    October 12, 2020 @ 8:31 AM

    ઓહો એક નશીલી મનોહર મોજ 👌💐

  2. pragnajuvyas said,

    October 12, 2020 @ 10:36 AM

    આ કવિની મસ્તી અને ખુમારી ન્યારા જ છે, નીચેનો શેર જુઓ.-

    “સાંજ ઢળતાં જ રોશન થતા, મહેકતા,
    હાથ ગજરા, ગળે હાર ઝુલાવતા,
    ખીંટીએ લટકતી રાખીને રિકતતા,
    આ અમે નીકળયા કેસ ફરકાવતા.”
    .
    કવિનો આજને દિ ૧૯૪૨માં જનમ, ૭૯ પૂરા…
    વર્ષગાંઠના અભિનંદન
    ડૉ તીર્થેશ નો સ રસ આસ્વાદ

  3. Dhaval Shah said,

    October 13, 2020 @ 8:43 AM

    આ ગઝલ હમેશા મને ‘અમર પ્રેમ’ ફિલ્મના આનંદ બાબુની (પાત્ર જે રાજેશ ખન્નાએ ભજવેલુ) યાદ આપાવે છે. રિક્તતાને અને અભાવોને ફરકાવવાનુ ને છલકાવવાનું કામ આનંદ બાબુને સહજ હતુ.

  4. Dolly said,

    October 18, 2020 @ 9:59 AM

    ખૂબ ગમી ! રાજેન્દ્ર શુક્લ નો એક કાવ્ય સંગ્રહ છે ‘ સ્વ વાચકની શોધમાં ‘ . જો એમાંથી કોઈ ખંડ મૂકો તો ગમશે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment