પિંડને પાંખ દીધી – રાજેન્દ્ર શુક્લ
પિંડને પાંખ દીધી અને પાંખને વેગ દઇ વેગથી ગગનગામી કરી,
એ પછી ગગન પણ લઈ લીધું તેં અને ગત બધી જૂગતે પરમગામી કરી !
કેદૂના જે હતા તે કઢાપા ગયા, આખરે આંખ ઊઘડી ગઈ એવું કે –
છો ભરણ આકરા, આકરી બળતરા, દૃષ્ટિ ચોખ્ખી અને દૂરગામી કરી !
કાળના આ પ્રવાહે વહ્યાં તો વહ્યાં, પણ કશે ક્યાંક સચવાઈ એવું રહ્યાં,
સરકતા સરકતા શ્વાસ સંકેલીને, એક ક્ષણ જકડીને જામોકામી કરી ! [જામોકામી = અમર ]
કોઇ કે’તુ ભલે, કંઈ અધુરું ન’તુ , આ બધું તો પ્રથમથી જ પુરું હતું,
ખોદી ખોદી અને તેં જ ખાડા કર્યા, ખોડ પણ તેં કરી, તેં જ ખામી કરી !
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા, નીકળ્યા તો ખરા ખેસ ફરકાવતા,
પણ પછી શું થયું કંઈ ખબર ના રહી, કઈ ક્ષણે ખેસની રામનામી કરી !
– રાજેન્દ્ર શુક્લ
ખૂબ બારીક ગૂંથણી છે…..નિમિત્ત કોઈ ભિન્ન છે અને નિયંતા કોઈ ભિન્ન…..મદારી કોઈ ભિન્ન છે, તેની બિન દ્વારા છેડાતાં સૂર પર ડોલતો નાગ ન તો નૃત્ય કરે છે ન તો સંગીત માણે છે…..એ તો ડરે છે અને સ્વરક્ષા કાજે હલતો હોય છે, અને આ સમગ્ર દ્રશ્યને માણતો બાળક કંઇક જુદું જ સાંજે છે. ઘણાબધા પડળો ઊખડશે ત્યારે મૂળતત્વની ઝાંખી સુધ્ધાં થશે.
Bhadreshkumar Joshi said,
December 26, 2016 @ 9:26 AM
હું ૠષિકવિનો ભક્ત છું.
આ સુંદર રચના જરા જરા સમજાય છે, પુરી નહીં
વિવેકભાઈ, વિચાર વિસ્તાર કરશો તો મારા જેવા ઘણા અધકચરા ને આનંદ થશે.
આભાર
KETAN YAJNIK said,
December 26, 2016 @ 11:56 PM
પિંડ બધા જ અર્થમાં પિંડને પાંખ દેવાની વાત,ખુબ સરસ પિંડને પાંખ દેવાની વાત,ખુબ સરસ
La' Kant Thakkar said,
December 30, 2016 @ 8:01 AM
“…કોઇ કે’તુ ભલે, કંઈ અધુરું ન’તુ , આ બધું તો પ્રથમથી જ પુરું હતું,
ખોદી ખોદી અને તેં જ ખાડા કર્યા, ખોડ પણ તેં કરી, તેં જ ખામી કરી !…”
( ‘પૂર્ણમ ઈદમ…’ અને ‘ બધ્ધુંજ અનૂકૂળ મને ,એક ‘હુંજ’ પ્રતિકૂળ મને ! )યાદ આવે ,સહજ જ…….
“ઘણાબધા પડળો ઊખડશે ત્યારે મૂળતત્વની ઝાંખી સુધ્ધાં થશે.” …( તીર્થેશ )નાં સંદર્ભે આ કહેવાનું મન….
અંતર-શોધ….~!
ધાર્યું ન્હોતું ત્યાંથી સગડ મળ્યા,તત્વ નીકળ્યું,
મહામૌન ખોદ્યું,તો શબ્દો મળ્યા,સત્વ નીકળ્યું,
અમે તો ઘણું ફર્યા,સઘળામાં ‘એકત્વ’ નીકળ્યું,
નગણ્ય કર્યું જે , એમાં અજબ મહત્વ નીકળ્યું,
પકડી રાખેલું, છોડવા લાયક, ‘મમત્વ’ નીકળ્યું,
નડતું ‘તું બધો સમય, અહં નું જડત્વ નીકળ્યું,
મનમાં ભર્યું’તું કંઈ કેટલું? જૂદુંજ રહસ્ય નીકળ્યું
બીજાની વાત કરતાં, તેમાંથી “સ્વત્વ” નીકળ્યું.
મનનું વલોણું ચાલ્યું, મંથન થી તથ્ય નીકળ્યું,
“કંઈક”ની ખણખોદ રંગ લાવી, ને પથ્ય નીકળ્યું .
લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર ‘કઈંક’ /૩૦.૧૨.૧૬
La Kant Thakkar said,
February 17, 2017 @ 7:13 AM
“રા. .શું.”ને સલામી ! ફકીરી ભગવા રંગની કૃતિઓ ….ને.. અનુભવસિદ્ધ બાની …
ગહેરાઈથી લથબથ ખરજ માં ઘૂંટાયેલો તેમનો અવાજ યાદ આવે છે …
એવાજ એમના પ્રતીકો,કલ્પનો ,ઊંડાણથી કહેવાતી વાતો …. વાહ વાહ…. વાહ વાહ
ક્યા બાત x ૩
જીવનની લાં……………બી મજલ કાપ્યા પછી
છેવટે,એમને હથિયાર હેઠા નાખી એમ પણ કહ્યું છે:
” …આજ અહીં આટલે પહોંચ્યા પછી સમજાય છે ,
કે, કોઈ કંઈ કરતુ-કરાવતું નથી!,આ તો બધું થાય છે !”
લક્ષ્મીકાંત મોહનલાલ ઠક્કર ‘કઈંક’ /૧૭.૨.૧૭