ક્યાંક પડ્યો વરસાદ – રાજેન્દ્ર શુક્લ
ક્યાંક પડ્યો વરસાદ,
. નદીમાં પૂર આવિયાં;
વહી રહ્યો ઉન્માદ,
. નદીમાં પૂર આવિયાં.
છોળ ઊછળે છોળ,
. નદીમાં પૂર આવિયાં,
આભલગાં અંઘોળ,
. નદીમાં પૂર આવિયાં.
જળને ઝીણે સૂર,
. નદીમાં પૂર આવિયાં,
અમે તણાયાં દૂર,
. નદીમાં પૂર આવિયાં.
ક્યાં કાંઠો, ક્યાં ગામ,
. નદીમાં પૂર આવિયાં,
ભૂલી ગયાં નિજ નામ,
. નદીમાં પૂર આવિયાં.
– રાજેન્દ્ર શુક્લ
મુકુલ ચોક્સીના સરસ મજાના શેર સાથે આ ગીત માણવાના શ્રીગણેશ કરીએ:
પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઈક ઉપરવાસમાં વરસાદ જેવું જોઈએ.
નદીમાં પૂર આવે એના મૂળમાં બહુધા અન્યત્ર ક્યાંક પડેલો વરસાદ જવાબદાર હોય છે. અહીં જે નદીમાં પૂર આવવાની વાત છે, એ સમજી શકાય છે કે પ્રેમની, જીવનની નદી છે. નેહની નદીમાં નીર નહીં, ઉન્માદ વહી રહ્યો હોવાને લઈને છોળની છોળ ઊછળે છે. અંઘોળ ભલે ને આભલગાં હોય, પણ પ્રેમના જળનો સૂર તો સાવ ઝીણેરો જ હોવાનો અને એવા ઝીણા સૂરમાં જ હોવાને તરતું મેલી દઈ દૂર દૂર તણાઈ જવાનું હોય છે. અને એકવાર પ્રેમના પૂરમાં તણાઈ ગયાં, પછી શું કાંઠો, શું ગામ અને શું પોતાનું નામ…
pragnajuvyas said,
October 7, 2022 @ 6:38 AM
કવિશ્રી રાજેન્દ્ર શુક્લની રચનાઓમા ગુઢ સંદેશ હોય છે.
ડૉ મુકુલ ચોક્સીના મજાના શેર સાથે આ ગીત માણતા વધુ સ્પષ્ટતા થાય છે કે પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
તેમના રદીફના નાવિન્યે દરેક પેઢીના ગઝલકારોને આકર્ષ્યા છે. એક જ ઘરેડની સર્વસામાન્ય રદીફો આ ગાળામાં વિશેષ જોવા મળે છે. તો બીજી તરફ આવી વિશેષ રદીફોના દ્રારા તેમને લોકોનું ધ્યાન દોર્યું છે, જે નીચેના શેરમાં જોઇ શકાશે.
“કયાંક પડ્યો વરસાદ, નદીમાં પૂર આવિયાં,
વહી રહયો ઉન્માદ, નદીમાં પૂર આવિયાં,
છોળ ઊછળે છોળ, નદીમાં પૂર આવિયાં,
આભલગાં અંધોળ, નદીમાં પૂર આવિયાં.”
તો તેમના આ શેર—
“માધ વધાવ્યા પંચમ સ્વર તો કાન વિષે કરકરતા સાજન
છાકભર્યા ફાગણના દહાડા, હોશ અમારા હરતા, સાજન.”
આવી ‘સાજન’ જેવી ટૂંકી રદીફ નો પ્રયોગ પણ તેમની ગઝલમાં જોવા મળે છે.બીજી એક ગઝલને માટે રદીફ અનિવાર્ય ગણાય છતાં પણ તે રદીફ ઉપકારક નીવડે તેનું ગઝલકારે ધ્યાન રાખવું જોઇએ.
“આષાઢને આભ ઘેરાય વાદળ,
આંખો થકી આજ રેરાય વાદળ.
ઝાંખી થતી જાય આંખો, દિશાઓ,
એમાંય પાછાં ઉમેરાય વાદળ.” ઉપરની ગઝલને માટે રદીફ અત્યંત જરૂરી છે. જો આ ગઝલમાંથી ‘વાદળ’ રદીફ કાઢી નાખવામાં આવે તો ગઝલ અધૂરી અને અર્થ ગુમાવતી લાગે છે. આમ રદીફ એ જે તે ગઝલ માટે તેનું અવિભાજ્ય અંગ ગણાય. તેમના આ શેર
“એક ફૂંક વાદળની વેદના જગાડીને
એક ફૂંક સાગરને ગીતમાં ડુબાડીને.”
ઉપરના શેરમાં ‘જગાડીને’ અને ‘ડુબાડીને’ કાફિયા છે. અને તે કાફિયામાં વાદી ‘ડી’ છે. જો ‘ડી’ કાઢી નાખીએ તો ‘જગા’ અને ‘ડુબા’ શબ્દો રહે છે. આવું કરવાથી પહેલો શબ્દ ‘જગા’ એ અર્થહીન બની જાય છે અને બીજો શબ્દ જે અર્થમાં પ્રયોજાયો છે એ અન્ય અર્થ ધરાવતો શબ્દ બની જાય છે.
ધન્યવાદ સુંદર રચના અને આસ્વાદ બદલ ડૉ વિવેકજી
Varij Luhar said,
October 7, 2022 @ 12:26 PM
ઉત્તમ રચના અને આસ્વાદ
Parbatkumar Nayi said,
October 7, 2022 @ 1:09 PM
વાહ મજાની રચના
ઉત્તમ આસ્વાદ
Neela sanghavi said,
October 7, 2022 @ 2:59 PM
સરસ રચના અને એથી સરસ આસ્વાદ.
Barin Dixit said,
October 7, 2022 @ 3:26 PM
Rasaswad ni maza che. Saras git
DILIPKUMAR CHAVDA said,
October 8, 2022 @ 11:06 AM
વાહ મોજ 👌👌👌👌
Poonam said,
October 8, 2022 @ 11:41 AM
ક્યાંક પડ્યો વરસાદ,
નદીમાં પૂર આવિયાં… Ufff !
– રાજેન્દ્ર શુક્લ –
Aaswad Saras 😊