આવો તો સંવાદ રચીશું સપનામાં
ઊંઘ અમે રાખી છે નહિતર અથવામાં..
– શબનમ ખોજા

અર્ધગીતિ – રાજેન્દ્ર શુક્લ

અડધું મેં પીધું છે મૌન
અડધી મેં પીધી છે વાણી
અધૂકડું ઊઘડ્યા કૈં હોઠ
આંખો અડધી રે અંજાણી.

બાકીનું બાકી છે –
અડધું મૌન
આયખું
અડધી વાણી
ને આ અડધું અડધું પીવાનું
હું ઘૂંટડે ઘૂંટડે પીઉં
કે પીઉં એકસામટું
પણ અડધું અમથું પીવાનું.

તડકો તો તપવાનો પૂરેપૂરું
તડકો તો તપવાનો પૂરેપૂરું
તૂરો કંઠ સુકાશે
અડધો
ને અડધો લીલો રહેશે
તરસો તરફડશે
અડધી
વરસો અડધાં રે ભીંજાશે
અડધો હું અંદર વ્હેરાણો
અડધો હું ઊભો છું બ્હાર
તંબુ અડધપડધરા તાણી

અડધું મેં પીધું છે મૌન
મેં પીધી છે વાણી.

– રાજેન્દ્ર શુક્લ

કવિ વાત પોતાની કરે છે પણ વાતનો વ્યાપ વિશાળ છે – માનવી સમગ્રતાથી ભાગ્યે જ કંઈ કરે છે…મિલન હોય કે ઝુરાપો-પોતાના સમગ્ર અસ્તિત્વને જવલ્લે જ કોઈ દાવ પર લગાવે છે… વાણી પણ અધકચરી અને મૌન પણ અધકચરું… શ્રદ્ધા પણ અધકચરી અને સંશય પણ અધકચરો…..

1 Comment »

  1. pragnajuvyas said,

    September 15, 2022 @ 6:23 PM

    મા રાજેન્દ્ર શુક્લનુ ખૂબ સુંદર ગીતનો ડૉ તીર્થેશ દ્વારા સ રસ આસ્વાદ
    અડધું મેં પીધું છે મૌન
    મેં પીધી છે વાણી.
    મને લાગે છે કે કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લને આ પંક્તિઓ સાધના સમયે
    ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
    पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
    ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ની અનુભૂતિ સમયે લખાઇ હશે.
    મારું નમ્ર સુચન કે આવા માતબર ગજાના કવિની ગૂઢ રચનાઓ અંગે તેમનો સંપર્ક કરી આ ગીત પ્રગટ થયુ ત્યારે તેમના ભાવ કેવા હતા ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment