‘ઈર્શાદ’, છેલ્લી ખેપ છે, ભેંકાર ભર નહીં;
થથરી રહ્યાં છે વાવટા બારે જહાજના.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રમેશ પારેખ

રમેશ પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

- થી છેતરાયેલના ઉદગાર - રમેશ પારેખ
-ની - રમેશ પારેખ
અભણ મળે તમને - રમેશ પારેખ
અસંખ્ય ઝાંઝવા - રમેશ પારેખ
આ શ્હેર... - રમેશ પારેખ
આપણી યાદગાર ગઝલો : ૧૫ : હસ્તાયણ - રમેશ પારેખ
એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? - રમેશ પારેખ
એક પ્રશ્નગીત - રમેશ પારેખ
એમના શબ્દોનું સદા ઋણ રહેશે.
એવું કૈં કરીએ - રમેશ પારેખ
કંઈક તો થાતું હશે... - રમેશ પારેખ
કાઈપો ! - રમેશ પારેખ
કોઈ ચાલ્યું ગયું - રમેશ પારેખ
કોને ખબર ? - રમેશ પારેખ
ક્ષણો - રમેશ પારેખ
ગજરો - રમેશ પારેખ
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં - રમેશ પારેખ
છ અક્ષરનું નામ
ઠેસ રૂપે જોયો - રમેશ પારેખ
ડોશી - રમેશ પારેખ
તેં પણ - રમેશ પારેખ
ધૂળને ઉદબોધન - રમેશ પારેખ
પતંગનો ઓચ્છવ - રમેશ પારેખ
પ્રભાતિયું... - રમેશ પારેખ
ફાંસ વાગતી રહે -રમેશ પારેખ
ફાગુનું ફટાણું - રમેશ પારેખ
બાળદિન વિશેષ : ૧ : ચપટી વગાડતાં આવડી ગઈ - રમેશ પારેખ
બિલિપત્ર:પાંદડી- ૧ : તરાપો ખરાબે ચડે - રમેશ પારેખ
બિલિપત્ર:પાંદડી-૨: મેળો - રમેશ પારેખ
બિલિપત્ર:પાંદડી-૩: જળને કરું જો સ્પર્શ - રમેશ પારેખ
મૂક્યું - રમેશ પારેખ
મેવાડ મીરાં છોડશે -રમેશ પારેખ
યાદગાર ગીતો :૨૪: વ્હાલબાવરીનું ગીત - રમેશ પારેખ
રમેશ પારેખ - શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય
રમેશ પારેખ - શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય
રમેશ પારેખ - શબ્દ-સપ્તક : કડી ૩ : 'આલા ખાચર' કાવ્ય
રમેશ પારેખ - શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય
રમેશ પારેખ - શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય
રમેશ પારેખ - શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ
રમેશ પારેખ - શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત
રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ....
રમેશ પારેખ વગરનું એક વર્ષ...
રમેશ પારેખ હવે નથી રહ્યાં....
રાખે - રમેશ પારેખ
વરસાદ ભીંજવે
વળતાં... - રમેશ પારેખ
વસંતગઝલ - રમેશ પારેખ
વહાણવટું - રમેશ પારેખ
વહેમવાળી જગા - રમેશ પારેખ
શબ્દોત્સવ - ૨:અછાંદસ: ફરતી ટેકરીઓ ને....રમેશ પારેખ
શું ચીજ છે ? - રમેશ પારેખ
શેર - રમેશ પારેખ
સંબંધ - રમેશ પારેખ
સફેદ -રમેશ પારેખ
સ્વપ્ન - રમેશ પારેખ
હસ્તાયણ -રમેશ પારેખ
હાથને ચીરો તો - રમેશ પારેખ



સ્વપ્ન – રમેશ પારેખ

સ્વપ્ન ચુંબનથી ય નાનું જોઈએ
ને શરત છે કે મજાનું જોઈએ

ઘર મળ્યું તો ઝંખના સાથે મળી -
ઘરને ઘર કહેવાનું બહાનું જોઈએ

સર્વ ઇતિહાસોનો આ ઇતિહાસ છે :
સૌને સૌનું ખાસ પાનું જોઈએ

જીવ જ્યાં જ્યાં મહાલી આવે એકલો
આંખને ત્યાં ત્યાં જવાનું જોઈએ

એમ સગ્ગા હાથને મરતો દીઠો
જેમ મરવું પારકાનું જોઈએ

ચીંધ આખું વિશ્વ તું એને, રમેશ
જેને સરનામું ર.પા.નું જોઈએ

-રમેશ પારેખ

જે માણસ આખી દુનિયાના સરનામે મળે છે એ માણસની આ ગઝલને કોઈ પૂર્વભૂમિકાની જરૂર ખરી ?

Comments (12)

મૂક્યું – રમેશ પારેખ

તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું.

સ્વપ્ન મારાં તોડીને ફેંકી દીધાં મેં ધૂળમાં
મારી ભોળી આંખને માટે મેં જડવાનું મૂક્યું.

સનસનાટી એ જ ઘટના ચિત્રમાં સર્જાઈ ગઈ
તેણે પીંછીથી કશું મારામાં બનવાનું મૂક્યું.

તેણે દ્રશ્યોની અણી પર મૂક્યું તીણું ખૂંચવું
મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું.

તેણે મારા માર્ગમાં પથ્થર નથી મૂક્યા, રમેશ
આ મને શિલ્પી ગણી મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.

ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી
આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું.

- રમેશ પારેખ

કાર્ય-કારણના સિધ્ધાંતોને હળવેકથી મરોડીને કવિ ‘હોવા’ અને’ થવા’ વચ્ચેના આભાસને છતો કરે છે.  છેલ્લો શેર – જેને હું ‘બિનવારસી ડૂસકા’ના શેર તરીકે ઓળખું છું :-)   -  મારો ખાસ પ્રિય શેર છે.

Comments (19)

યાદગાર ગીતો :૨૪: વ્હાલબાવરીનું ગીત – રમેશ પારેખ

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

- રમેશ પારેખ

(જન્મ: ૨૭-૧૧-૧૯૪૦, મૃત્યુ: ૧૭-૫-૨૦૦૬)

સંગીત: સોલી કાપડિયા
સ્વર: નિશા કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રમેશ મોહનલાલ પારેખ.  ગુજરાતી કવિતાનું મોંઘેરું ઘરેણું.  જેટલું લખીએ એટલું ઓછું. થોડું આપ અહીં જાણી-માણી શક્શો.

ર.પા. તો ગીતના કવિ. એમનું યાદગાર કોઈ એક જ ગીત શોધવું એ તો કેવી વિમાસણનું કામ ! છેલ્લે કળશ ઢોળ્યો આ રચના પર. પ્રેમના સાગરમાં ગળાડૂબથી ય વધુ ડૂબવાનું (સાથે જીવવાનું પણ!) કંઈ શક્ય હોય તો એ રીતે ડૂબેલી પ્રેમઘેલીનું આ મદોન્મત્ત ગીત. લયનું તોફાન અને હેતની હેલીથી ગીત સાંવરિયાની દ્વિરુક્તિના ઉઠાવથી જ સરાબોળ ભીંજવે છે.  પ્રેમની ચરમસીમા પર ખોબાની સામે દરિયો જ અપાય. વહાલમની બાથ સિવાય બીજે ક્યાંય રહેવાનો વિચાર સુદ્ધાં ન આવે એ જ ખરી મુગ્ધતા. પ્રિયતમનું નામ જ પ્રેમનું ખરું ચલણ છે. અત્તર રુમાલ પર ઢોળાય ત્યારે કયો તાંતણો બાકી રહે? (આ પંક્તિ વાંચું ત્યારે અચૂક મકરંદ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું‘ યાદ આવે)

Comments (5)

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં – રમેશ પારેખ

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ

- રમેશ પારેખ

આજે કવિ શ્રી રમેશ પારેખના જન્મદિવસે માણીએ એમનું એક ગમતીલું ગીત..

અલુણા નિમિત્તે ગોરમાનું વ્રત કરતી કન્યાનો ઉત્સાહ કદી જોયો છે ? એ જે કરે એ એને ઓછું જ પડે… ગોરમાને પૂજવા રૂના નાગલા ખૂટી પડે ને શરીરના શણગારમાં કમખાના આભલાંય એને ઓછાં જ લાગે. નેવેથી પાણીનાં રેલા દડતા હોય એમ મઘ મઘ જૂઈની વેલ માંડવે ચડી હોય અને કુંવારી કન્યા ત્રોફેલા મોર સાથે કે પછી કોઈ ચિત્તચોર સાથે મનમાં વાતો કરતી હોય એવામાં અતિથિના આવણાંની છડી પોકારતા કાગડાના બોલ પણ શરમાવી દે છે.

Comments (5)

ડોશી – રમેશ પારેખ

ડોશી હાડકામાં ભળભાંખળાનું કાચું અંધારું મમળાવે
પ્રભાતિયાંમાં ઘરડી જીભ ઝબોળે
નાવણનાં પાણીમાં ગંગા-જમનાનાં પુણ્ય ફંફોસે
પૂજામાં લાલાને કરચલિયાળ ચામડીનો ઉપરણો ધરે.
માગણના ખલતામાં વાડકો એક ધ્રૂજારી ઠાલવે.
ગાયકૂતરાંને બીક ચોપડેલી ચાનકી નીરે.
ઊગતા સૂરજને ઝાંખાં ઝળઝળિયાંથી વાંદે
ઘરને છીંકણીના સડાકામાં મૂંગીમૂંગી ભોગવે
ગળા નીચે ઊતરી ગયેલી વાચાનો વાછૂટમાં મોક્ષ કરે
આખ્ખું જીવતર બીજાઓના ભોગવટામાં ભાળે
જગતભરની એકલતા ઉપાડી-
વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને
ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને.

- રમેશ પારેખ

ર.પા.ની આ સંવેદનદ્યોતક કવિતામાંથી પહેલીવાર પસાર થતી વખતે એક લખલખું આખા શરીરમાં દોડી વળ્યું. વૃદ્ધાવસ્થા અને એકલતા અને લાચારીનું કેવું સજ્જડ આલેખન! ઘડપણ આવી ઊભું છે એટલે હવે ઊંઘે સાથ છોડી દીધો છે અને સૂરજ ઊગે એ પહેલાં જ પથારી છૂટી જાય છે એ વાત કવિએ પહેલી જ પંક્તિમાં કેવી મર્માળી રીતે ચાક્ષુષ કરી છે! ભળભાખળું થાય ત્યારના આછાં અંધારાને કાચું કહીને અને સામા છેડે હાડકાંનો સંદર્ભ સીવીને કવિ શરીરની નબળી કાઠીનો પણ ચિતાર વાચકને આપી દે છે. આખી કવિતામાં એક એકલી ડોશીની દિનચર્યાથી વધુ કંઈ નથી પણ આ દિનચર્યાથી વિશેષ પણ એની જિંદગીમાં બીજું કંઈ નથી. એનો સૂરજ રોજ આજ સરનામેથી ઊગવાનો અને આજ સરનામે આથમવાનો. કવિતા જેમ જેમ આગળ વધે છે એમ એમ ડોશીનું એકાંત, એકલતા અને નિઃસહાયતા વધુ ને વધુ ધારદાર બનતી જાય છે. આખા ઘરનો બોજ મૂંગા મોઢે વેંઢારવો પડે છે અને મૂંગાપણાંનો ભાર જાણે જીરવાતો ન હોય એમ આફરે ચડેલા ન કહેવાયેલા શબ્દોનો વાછૂટમાં મોક્ષ કરવાની વાત આવે ત્યારે ર.પા.ની કાવ્યશક્તિનો ચમકારો આપણને હચમચાવી દે છે. દુનિયા આખાનો બોજ ઝીલીને વાંકી વળી ગયેલી કમરથી જાણે કે ડોશી એના ખોવાઈ ગયેલા જીવનસાથીને શોધી રહી છે, કેમકે હવે એ સ્મરણો જ તો આ જિંદગીનો એકમાત્ર અને સાચો સધિયારો છે…

Comments (20)

- થી છેતરાયેલના ઉદગાર – રમેશ પારેખ

મોર એટલે ખોટાડો વરસાદતંત્રનો ખબરી !

એનો ટહુકો ફાળ પાડતો – હમણાં પડશે છાંટા
ગૃહિણીઓ સૂકવેલ લૂગડાં લેવા ખાતી આંટા

છાંટોપાણી કરનારા કાઢે ગલાસ ને શીશો
સામા જણને કહે : ચલો, થોડીક વ્હીસ્કી પીશો ?

થતી એકલા જણની ઉપર રોવાની બળજબરી

મોર એટલો ખોટાડો કે બોલે ઉજ્જડતામાં
ટહુકા એના ભરે ઉઝરડા સાતેસાત ત્વચામાં

વાદળ જોઈ આંખે આવે ઝળઝળિયાંનાં ટાણાં
સૂના મારગ ભોંકાઈ છાતીમાં પાડે કાણાં

હરેક સુક્કો જીવ થૈ જાતો ટળવળ ઝૂરતી શબરી

- રમેશ પારેખ

સત્તરમી મેના રોજ ર.પા.ના દેહાવસાનને ત્રણ વર્ષ થયા એ નિમિત્તે એમની અત્યાર સુધીની અગ્રંથસ્થ રચનાઓનો એક સંગ્રહ ‘કાળ સાચવે પગલાં’ અને એમના પોતાના સ્વરમાંએમની પોતાની કવિતાઓની ઑડિયો MP3 – ‘અપાર રમેશ પારેખ’ – હમણાં જ પ્રગટ થયા. આ સંગ્રહમાંથી પસાર થતાં એક આશ્ચર્ય થયું. આ સંગ્રહમાંની બે રચના, વહાણવટું અને કાઈપો (કવિશ્રીના પોતાના હસ્તાક્ષરમાં) લયસ્તરો પર છે જ !

મોરના ટહુકે વરસાદની મીટ માંડીને બેઠેલા જીવનું આ ગીત આજે મનભર માનીએ… વરસાદ પડે કે ન પડે, ર.પા.ના શબ્દોથી ભીના થઈએ…

Comments (9)

હાથને ચીરો તો – રમેશ પારેખ

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

- રમેશ પારેખ

ગુજરાતી ગઝલને રમેશ પારેખે કઈ ઊંચાઈ પર પહોંચાડી દીધેલી એની એક વધુ સાબિતિ જેવી ગઝલ.

Comments (16)

ધૂળને ઉદબોધન – રમેશ પારેખ

પુષ્પ લિપિમાં હું તારું અધિકરણ વાચું
ને મ્હેકમ્હેકમાં હું રંગીન વ્યાકરણ વાચું
અરે ઓ ધૂળ ! છે તારી નિશાળ અલગારી
રંગને, મ્હેકને, ફૂલોને હું અભણ વાચું !

- રમેશ પારેખ

Comments (6)

ફાગુનું ફટાણું – રમેશ પારેખ

એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…

છોક્કરીને આંબો પાક્યાનો ભાર લાગે
છોક્કરીને વાયરો ય અણીદાર લાગે
છોક્કરીને રોણું ય વારવાર લાગે

છોક્કરીને શમણાં લઈ જાય ક્યાંક હાંકી
ને ગીત હાળાં ધકામૂકી ધકામૂકી થાય…

છોક્કરાની જીભમાં જ પડી ગઈ આંટી
છોક્કરાની ઉભડક ને ઉફરી રુંવાટી
છોક્કરાની ગોટમોટ નીંદર ગૈ ફાટી

છોક્કરાના લમણાંમાં ખાકટીઓ પાકી
ને લોહી હાળાં ધકામૂકી ધકામૂકી થાય…

- રમેશ પારેખ

‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્યરસિક મિત્રોને ધૂળેટીની રંરી શુભેચ્છાઓ…

ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરે ચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલા છોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓ ને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…

Comments (9)

વસંતગઝલ – રમેશ પારેખ

છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

બાંધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

આ ગલીમાં, ઓ ગલીમાં, આ ઘરે, ઓ મેડીએ
જીવ વહેરાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે

શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં -
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું, રમેશ ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

- રમેશ પારેખ

વસંતના આવવાની છટા તો દરેકે નિહાળી છે પણ માણસે-માણસે એની અનુભૂતિ ભિન્ન અને અભિવ્યક્તિ અલગ. આખું વર્ષ લીલાં પાંદડાં વેંઢાર્યા કરતો ગુલમહોર વસંત આવતાં જ નવી ચામડી પહેરવાનું આદરે છે અને ફાગણ આવતા સુધીમાં તો આખો લાલઘુમ્મ થઈ જાય છે… ગુલમહોરના મહોરવાની આ ઘટનાની નોંધ તો ગમે એટલો યંત્રવત્ માણસ પણ બેધ્યાનપણેય અચૂક લેતો હશે. ર.પા. લાલ-કેસરી રંગથી લચી પડતી આ ઘટનાને સાત શેરમાં સાત અલગ-અલગ રંગોથી મૂલવે છે. ઝાડ હેઠળ ઢંકાઈ જતા છાપરાંનો તોર જ માત્ર થોડો બદલાય છે, ફૂલ ખરીખરીને રસ્તા પણ તો આ ઋતુમાં જીવતા થઈ ઊઠે છે ! જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે અને આ તરફ કે પેલી તરફ રહેવાનું ભાન ભૂલાઈ જતાં સાથે વહી નીકળવાનું સોપાન સિદ્ધ થાય છે!

Comments (5)

« Previous entries Next Page » Next Page »