બાપુ અને ઉદરશૂળ – રમેશ પારેખ
ફરાળ કર્યું બાપુએ જમી બપોરના ફાફડી
થયો સખત ગેસ ને ઉદરમાં પીડા ઊપડી
પીધી ચસચસાવી કૈં કેટલી બીડી સામટી
થયા અરધ રાતના ગજર ને પીડા ના ઘટી
‘તને, ગધની ફાફડી,ખૂટલ,ગોલકીની, ફટ ;
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ ?
કર્યો અસલમાં દગો, કરજમાં ઉતાર્યો અને
ઉધાર દઈ, ફાફડી ય ફટકારી ખોરી મને’
મનોમન જ બાપુ આમ વદતા પડ્યા છે ભડ
ગ્રહી ઉદરને અહો, ઉભય હાથથી સજ્જડ
વદે : ‘ ભલભલા અમે દુશમનો દીધા ઝાટકે
અરે, સુભટ છું, નહીં ટકર ગેસડું લૈ શકે
કરું અબઘડી ખલાસ [ ઊંહ ] પેટની આંકડી ‘
ભરી તરત બાપુએ જલદ હીંગની ફાકડી
– રમેશ પારેખ
શબ્દોનું selection તો જુઓ !!!!!
Dr. Manish V. Pandya said,
November 30, 2014 @ 12:34 PM
રમૂજની રંગત થઈ ગઈ. વાહ.
pragnaju said,
November 30, 2014 @ 7:34 PM
ફરી માણી મઝા આવી
આવું જ તેમનું સોનેટ યાદ આવ્યુ
મૂછો માથે માખો બણબણ કરી ખાય ચકરી
ઠરે ત્યાં બાપુની નજર નકરી ખુન્નસભરી
‘કરી નાખું કુલ્લે ખતમ પણ શું થાય, જીતવા
અરે આ માંખો જો મરદ હત, તો દેત ન જવા’
-કહીને, ખંખેરે પગ પગથિયાંઓ ઊતરવા
કરે બાપુ પસ્તાણું ગઢ પછવાડે મૂતરવા…..
ત્વરાથી તાણે છે હડફ દઈ નાડી લટકતી
પરંતુ ના છૂટે સજડબમ એ ગંઠનવતી
વધે છે પેડૂફાટ ખણસ અને ગાંઠ ન ખૂલે
થતા બાપુ રાતાચકળ પણ ના હાર કબૂલે
અને ભીંતેથી તેગ તરત ખેંચીંગ લપકે
વધેરે નાડી ‘ જે બહુચર’ કહી એક ઝટકે
કહે : ‘ નાડીની યે ઘરવટ ગઈ હાથધરણે….
ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે….!’
ધવલ said,
November 30, 2014 @ 10:38 PM
વાહ ! ર.પા. એટલે ર.પા. !
Pushpakant Talati said,
December 1, 2014 @ 10:30 PM
વાહ વાહ – વાહ વાહ – વાહ વાહ
બાપુ એટલે બાપુ હો !
આ ખરેખર કાઠિયાવાડ નાં બાપુ નાં અસલ મિજાજ નુઁ જ આલેખન છે. બાપુ નો વટ એટલે વટ – પછી સામે ગમ્મે તે હોય. સજીવ કે નીર્જીવ, તેની સાથે બાપુ ને શું લેવા દેવા ?
વળી વધુમાં પ્રગ્નાજુ દ્વારા મળેલ અન્ય રચનાં ને પણ અમો તો બોનસ જ સમજીએ છે.
આભાર તિર્હ્તેશભાઈ + આભાર્ પ્રગ્નાજુ.
ફરીથી આભાર === પુષ્પકાન્ત તલાટી.