ફરી ઘર સજાવ તું – રમેશ પારેખ
તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું
આંસુભર્યા રૂમાલ સૂકવવાની આજકલ ઋતુ છે શહેરમાં
પંપાળ મા તું ઘાવ, ઢળેલી નજર ઉઠાવ, નજર ના ઝુકાવ તું
સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે
કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું
અચરજ છે એ જ એક કે સર્વત્ર મ્હેક મ્હેક મધુરપનો મોગરો
થોડી ક્ષણોને ઘૂંટ કે આખોય બાગ લૂંટ ને ઉત્સવ મનાવ તું
હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ શું આ આપણે છીએ?
તારો છે હક કે માંગ, અનાગતની પાસે રાગ ને મહેફિલ જમાવ તું
બેઠો ર.પા. ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઇ
ના ચૂપચાપ તાક, ને ભીતર જરાક ઝાંક, છે એનો અભાવ તું
yogesh shukla said,
November 17, 2014 @ 1:44 PM
વજનદાર શબ્દોથી ભરેલી છે ગઝલ ,
Shah Pravinachandra Kasturchand said,
November 17, 2014 @ 3:44 PM
યાદ આવી ગયું ‘ઘણ ઉઠાવ ઓ મારી ભુજા”
‘સુંદરમ પણ સ્વર્ગે બેઠા વાંચતા હશે ર.પા.’
વિવેક said,
November 18, 2014 @ 12:08 AM
વાહ… આટલી સરસ ગઝલ કદી વાંચવામાં જ ન આવી ?!
છંદનો પ્રયોગ પણ ખાસ્સો ધ્યાનાર્હ છ્
jugalkishor said,
November 18, 2014 @ 6:49 AM
ભાગ્યે જ વાંચવા/માણવા મળે તેવી પ્રલંબ છંદયોજના ને એમાંય મધ્યાનુપ્રાસવાળી રચના ! ર.પા.ની આ પ્રકારની આ પહેલી વાર માણી ! ખૂબ આભાર !
Jay said,
October 26, 2015 @ 11:08 AM
That’s the pefrcet insight in a thread like this.