બ્લોગજગત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
February 27, 2011 at 12:19 am by વિવેક · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત, સાહિત્ય સમાચાર
પહેલી કડી: વીએમટેલર.કોમ
ત્રીજી કડી: ટહુકો. કોમ
ચોથી કડી: ગાગરમાં સાગર.કોમ
*
ત્રેવીસમી ફેબ્રુઆરી, 2011ની સાંજ… મારા જીવનની સહુથી યાદગાર સાંજ… સુરત ખાતે ગાંધી સ્મૃતિભવનમાં એક અલગ જ અંદાજમાં મારા બે પુસ્તકો ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન થયું પણ આખી વાત થઈ જરા હટ કે…
‘શબ્દોનું સ્વરનામું’ કાર્યક્રમ અંતર્ગત વિમોચન-નાટિકાનો પૂર્વાર્ધ આપે ‘શબ્દો છે શ્વાસ મારા’ પર માણ્યો… એ પછીની વિમોચન વિધિ અહીં લયસ્તરો પર…
આદમકદના પુસ્તકનું અનાવરણ કરતી મમ્મી…

અને મમ્મી બીજા પુસ્તકનું અનાવરણ કરે એ પહેલાં જ દોડી જઈને અમારા હૈયાના હાર સ્વયમે બીજા પુસ્તકનું અનાવરણ કરી દીધું…

…અને ઝળહળી ઊઠ્યો મારો ‘ગરમાળો’….

બે હાથમાં બે સ્વપ્ન લઈને ઊભેલ મારો પરિવાર…

પણ ઑડિયો સી.ડી. ક્યાં ગઈ? દોડતા આવી મુકુલભાઈએ નાદારી નોંધાવી કે મેહુલ સુરતી ક્યાંય નજરે ચડતા નથી… પણ હાથમાં મોટું સી.ડી. કવર લઈ મેહુલ સુરતી પણ દોડતા આવ્યા…

..અને આમ થયું ‘અડધી રમતથી’ ઑડિયો સી.ડી.નું વિમોચન…

…નેપથ્યમાં અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને ગઝલ વાગવી શરૂ થઈ અને પડદો પડ્યો…
પણ ના… પડદો હજી પડ્યો નથી… આ તો માત્ર મધ્યાંતર છે… કાર્યક્રમનો બીજો ભાગ તો હવે શરૂ થાય છે પણ એ માટે આપે ટહુકો.કોમની મુલાકાત કરવી રહી…
Permalink
December 5, 2010 at 12:01 am by વિવેક · Filed under અંગત અંગત, પ્રકીર્ણ, બ્લોગજગત
ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઇટ ‘લયસ્તરો.કોમ’ આજે છ વર્ષની લાંબી મજલ પૂરી કરી સાતમા વર્ષમાં પ્રવેશે છે… વીતેલા છ વર્ષોમાં છસો જેટલા કવિઓની બે હજારથી વધુ કૃતિઓ આપણે ટૂંકા આસ્વાદ સાથે મનભર માણી. દર વર્ષે વર્ષગાંઠ નિમિત્તે અમે અમારી પસંદ કરેલી રચનાઓ મૂકીને ઉજવણી કરીએ છીએ પણ આજે અમે આપ સહુની વધારે નજીક આવવા માંગીએ છીએ. શરૂઆત અમે ચાર મિત્રો જ કરીશું પણ અંત આપના સાથ-સહકાર વડે થશે.
ગાંધીજીના જીવનમાં એમ આપણા સહુના જીવનમાં કોઈક પુસ્તક કે કોઈક કવિતા કે કોઈક પ્રવચન એક ‘ટર્નિંગ પૉઇન્ટ’ બની રહે છે… આપણે જો કે માત્ર કવિતાની વાત કરવાના છીએ. આપના જીવનમાં આવું કદી બન્યું છે? શું કોઈ કવિતા આપના જીવનમાં મહત્વનો ભાગ ભજવી શકી છે ? જો જવાબ હા હોય તો એ કવિતા કઈ છે અને એનો આપના જીવનમાં શો ભાગ હતો કે છે એ અમને લખી જણાવો…
હા, આપ આપની પસંદીદા કવિતા અને એની સાથેનું આપનું જોડાણ ખૂબ જ ટૂંકામાં – વધુમાં વધુ દસ-બાર લીટીઓમાં- અને માત્ર ઇ-મેલથી જ અમને જણાવજો… અમે એ બધાનું સંકલન કરીને ‘લયસ્તરો.કોમ’ પર અલગ પોસ્ટ બનાવીશું… આ વખતે અમે આપને પ્રતિભાવના વિભાગમાંથી ઉપર ઊઠીને પોસ્ટ-સ્વરૂપે અમારી અડોઅડ જોવા માંગીએ છીએ…
હા, લયસ્તરોની છઠ્ઠી વર્ષગાંઠ વિશે આપના પ્રતિભાવો આપ જરૂર અમને પ્રતિભાવ-વિભાગમાં આપી શકો છો…
-ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ
(ટીમ લયસ્તરો)
ઇ-મેલ અહીં મોકલાવશો:
Dhaval Shah: mgalib@gmail.com
Vivek Tailor: dr_vivektailor@yahoo.com
Permalink
August 9, 2010 at 10:48 pm by ઊર્મિ · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત
મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા. આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?……… અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને…
આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે. હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.
સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…
Permalink
December 4, 2009 at 12:30 am by ધવલ · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, પ્રકીર્ણ, બ્લોગજગત, યાદગાર ગીત
‘લયસ્તરો’ને આજે પાંચ વર્ષ પૂરા થાય છે. પાંચ વર્ષ આમ તો બહુ નાનો ગાળો છે અને રોજેરોજ આખી દુનિયામાં બનતી અગણિત રોમાંચક ઘટનાઓમાં ‘લયસ્તરો’ના જન્મદિવસનું મહત્વ અલ્પ છે. છતાં પણ, આ નાના ડગલાને આટલી મજલે પહોંચતા જોવું મનને એક અજબ શાતા આપે છે.
‘લયસ્તરો’ બ્લોગ કવિતાના આનંદને વહેંચવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરેલો ત્યારે આ કાફલો આટલો મોટો થશે એવો ખ્યાલ ન હતો. તે વખતે વિશ્વભરમાં ગુજરાતી કવિતાના આટલા ચાહકો હશે એવું કોઈને કહીએ તો લોકો તમને ગાંડા ગણે એવી સ્થિતિ હતી. પણ આજે એ વાત સાચી ઠરી છે. ‘લયસ્તરો’ જ નહીં પણ બીજી અનેક ગુજરાતી કવિતાની વેબસાઈટ્સ-બ્લોગ્સ હોંશભેર વંચાય છે, એ પોતાની રીતે જ એક મહત્વની ઘટના છે. એમ કહી શકાય કે ગુજરાતી કવિતાને એનું નવું સરનામું સાંપડ્યું છે… ૫૫૦થી વધુ કવિઓની ૧૬૫૦થી વધુ રચનાઓ આજે આ ખજાનામાં ક્લિક્વગી થઈ પડી છે અને પ્રતિદિન એક નવી કવિતાનો એમાં ઉમેરો થતો રહે છે… ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ એક સીમાચિહ્નરૂપ ઉપલબ્ધિ છે…
આ અવસરે જે જે લોકોએ ‘લયસ્તરો’ને ટેકો કર્યો છે એ બધાનો અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ખાસ આભાર તો એ કવિઓનો કે જેમની રચનાઓ અહીં સંગ્રહિત થઈ છે. અને સૌથી વધુ આભાર અમારા વાચકોનો, જે અમને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે.
દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠે કંઈક નવું કરવાની કોશિશ કરીએ છીએ. આ વખતે આવતા 15 દિવસમાં ગુજરાતી સાહિત્યના 30 યાદગાર ગીતો ‘લયસ્તરો’ પર મૂકીશું. ગુજરાતી ગીતોના ઈતિહાસનો ફલક તો બહુ વિશાળ છે એટલે આ યાદગાર ગીતોની શ્રેણીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોય એવા ગીતકારોના ગીત સુધી જ સીમિત રાખવાનું નક્કી કર્યું છે. એક ગીતકાર દીઠ એક ગીત પસંદ કરીને આપની સમક્ષ 30 અલગ અલગ ગીતકારોના 30 યાદગાર ગીતો રજૂ કરીશું. તો તૈયાર થઈ જાવ … આવતી કાલથી યાદગાર ગીતોની સફરમાં જોડાવા માટે !
- ધવલ-વિવેક-ઊર્મિ
Permalink
July 18, 2009 at 12:30 am by વિવેક · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, પ્રકીર્ણ, બ્લોગજગત
ગુજરાતી બ્લૉગ્સની જ્યારે શરૂઆત થઈ ત્યારે જ ખાતરી હતી કે આવતીકાલે પુસ્તકનો ઉંબરો વળોટીને સાહિત્ય અહીં આવશે જ અને ઇન્ટરનેટ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું બની રહેશે… સાહિત્યરસિકો તો લગભગ મચી જ પડ્યા છે પણ પ્રતિષ્ઠિત કવિઓ અને એમના પરિવારજનો પણ હવે આમાંથી બાકાત નથી… વધુ ને વધુ કવિઓ નેટ-ગુર્જરીના સભ્ય બની રહ્યા છે એ જોતાં ‘નવા સરનામાં’વાળી ભવિષ્યવાણી લગીરેય ખોટી પડે એમ લાગતું નથી… નથી માનતા ? આ કવિઓ અને એમની વેબસાઈટ્સનું લિસ્ટ જ જોઈ લ્યો ને !!
- અને હવે દિગ્ગજ કવિઓ પણ આ હરોળમાં જોડાયા છે… ક્યારેક કવિ પોતે પોતાની હયાતીમાં તો ક્યારેક કવિના સંતાનો કે મિત્રો એમના દેહાવસાન બાદ… પણ આ ‘ટ્રેન્ડ’ સૂચક છે આવતીકાલના ઊજળા અજવાળાનો !
(તા.ક.: કોઈ કવિની વેબસાઈટ કે બ્લૉગ આ લિસ્ટમાં સરતચૂકથી રહી ગયું હોય તો જણાવવા વિનંતી)
Permalink
July 9, 2007 at 10:58 am by ધવલ · Filed under બ્લોગજગત
આપણા બઘાની પ્રિય ગુજરાતી વેબસાઈટ, રીડગુજરાતી.કોમ આજે બે વર્ષ પૂરા કરે છે. રીડગુજરાતી ટીમને (એટલે કે મૃગેશને!) હાર્દીક શુભેચ્છાઓ. રીડગુજરાતીએ બે વર્ષમાં જેટલા સત્વશીલ સાહિત્યને વેબ મૂક્યું છે એટલું કોઈએ મૂક્યું નથી. પહેલી વાર રીડગુજરાતી વિષે નવેમ્બર 2005માં લયસ્તરો પર લખેલું ત્યારે રીડગુજરાતી પા-પા પગલી પાડતુ’તુ. હવે તો એ વટવૃક્ષ થઈને વિકસ્યું છે. આગળ જતા રીડગુજરાતી વધુને વધુ વિકસે એવી આશા સાથે મૃગેશને અભિનંદન !
Permalink
June 29, 2007 at 11:48 am by ધવલ · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત
આજથી લગભગ એક વર્ષ પહેલા સુરેશભાઈ લયસ્તરોમાં જોડાયા હતા અને લયસ્તરોની મહેફીલમાં એ પોતાનો રસ ઉમેરતા રહ્યા હતા. છેલ્લા થોડા વખતથી એ ઉંઝા જોડણીના રંગે રંગાતા જતા’તા એનો તો મને ખ્યાલ હતો. પણ એમનો આ નવો પ્રયોગ એમના માટે કેટલો પ્રિય થઈ ગયો છે એની મને જાણ નહોતી.
આ અઠવાડિયે અચાનક એમણે પત્ર લખીને મને જણાવ્યું કે -
“મને લાગે છે કે જો હવે હું પરંપરાગત જોડણીમાં લખવાનું ચાલુ રાખીશ તો હું ઉંઝા જોડણી તરફના મારા લગાવને અન્યાય કરી રહ્યો છું … બે અલગ જોડણી વપરવાનું મારા માટે મુશ્કેલ છે. એ મારા માટે માનસિક યાતના છે. એટલે હું લયસ્તરોમાંથી તરત જ છૂટો થઈ જવા માગું છું.”
લયસ્તરોમાં લખવાનું સુરેશભાઈ ભલે છોડી શકે પણ કવિતાની રંગત તો એ કદી છોડી શકવાના નથી એ ચોક્કસ વાત છે. અને ગુજરાતી કવિતાના ચાહક તરીકેનો સંબંધ તો કદી ભૂંસાઈ શકવાનો નથી. ન તો હું ભાષાવિદ્ છું કે ન તો મને જોડણીનો મોટો અભ્યાસ છે. એ વિષય પર મારું જ્ઞાન તદ્દન સિમિત છે. આ પરંપરાગત વિ. ઉંઝા જોડણીના વિવાદમાં હું મારી તતૂડી વગાડવાની ગુસ્તાખી કરું તો મૂરખ જ ઠરું. હું તો મને જે ગમે એ રસ્તા પર ચાલુ છું. અને આ ઉંઝા જોડણી હજુ મારી આંખને કે મારા દિલને ગમતી નથી.
જ્યારે જ્યારે હું કોઈ મિત્ર સાથે સહમતિ સાધી શક્તો નથી ત્યારે હું ફ્રેંચ વિચારક વોલ્ટેઈરની આ વાત કહું છું.
I do not agree with what you have to say, but I’ll defend to the death your right to say it.
સુરેશભાઈ, આજે હું તમને પણ એ જ વાત કહું છું. લયસ્તરો તરફથી, હું અને વિવેક બન્ને, તમને સફળતા ઈચ્છીએ છીએ.
Permalink
July 6, 2006 at 4:52 am by સુરેશ · Filed under બ્લોગજગત
આભાર ધવલ વિવેક ( શ્વેત શાણપણ !)
ગુજરાતી બ્લોગ જગતમાં આ એક બીજું પગલું છે, જેમાં સહકાર અને સહ અસ્તિત્વની ભાવનાથી પ્રેરાઇને, સાવ અજાણ્યા અને જે હજુ સુધી એક બીજાને મળ્યા પણ નથી, તેવી વ્યક્તિઓ એક જ શ્વાસની મહેંક માણીને ‘ગમતાંનો ગુલાલ’ કરવા કટિબધ્ધ થયા છે. પહેલા પગલામાં મૃગેશ, હરીશભાઇ અને હું ‘ગુજરાતી સર્જક પરિચય’ માં સાથે કામ કરવા જોડાયા હતા.
મારું એક સ્વપ્ન અહીં ફરીથી દોહરાવું છું કે, આપણે સૌ આ બ્લોગ મધુશાલાના દિવાનાઓનું એક એવું સુંદર વિશ્વ રચીએ અને એવાં એવાં નૂતન સર્જનો કરીએ, જેના થકી મા ગુર્જરીની શાન વિશ્વભરમાં પ્રસરે, અને અખિલ વિશ્વ માં પથરાયેલા સૌ ગુજરાતીઓ આપણા આ આનંદમાં સહભાગી થાય.
Permalink
July 4, 2006 at 11:05 pm by ધવલ · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, બ્લોગજગત
શ્રી સુરેશભાઈ જાની આજથી લયસ્તરોમાં જોડાય છે. ગુજરાતી બ્લોગજગતમાં સુરેશભાઈને ન ઓળખતું હોય એવું કોઈ મળવું મુશ્કેલ છે. ટેક્સાસ, યુ.એસ.એ.માં રહેતા સુરેશભાઈ ગુજરાતી બ્લોગજગતના સૌથી વધુ સક્રીય સભ્યોમાંથી એક છે. એમના સ્વરચિત કૃતિઓનો બ્લોગ અને કાવ્ય-રસાસ્વાદ બ્લોગ આપણા બધાના માનીતા છે. એમનો નવો, સૌથી વધુ રસપ્રદ અને મહત્વકાંક્ષી બ્લોગ છે – ગુજરાતી સર્જક પરિચય. એમાં એ ગુજરાતી ભાષાના બધા સર્જકોનો પરિચય કરાવવાનું ધ્યેય રાખે છે.
સુરેશભાઈ લયસ્તરોમાં જોડાય છે એ અત્યંત આનંદની ઘટના છે. એમના વાંચન અને અનુભવોનો આપણને બધાને ઘણો લાભ મળશે. અત્યારે એ અઠવાડિયે બે દિવસ કાવ્યો આપણી સમક્ષ રજુ કરવાના છે. વધુને વધુ સાથીઓ મળતા જવાથી લયસ્તરોની મહેફીલ વધુને વધુ જામતી જાય છે એ સૌથી વધારે મઝાની વાત છે. લયસ્તરોમાં આપનું હાર્દિક સ્વાગત છે, સુરેશભાઈ !
Permalink
June 16, 2006 at 10:50 pm by ધવલ · Filed under બ્લોગજગત, સાહિત્ય સમાચાર
ઊર્મિનો સાગર એ ઊર્મિની કવિતાઓ બ્લોગ છે.એની પોતાની કવિતાની સાથે જ એ પોતાને ગમતી બીજા કવિઓની કવિતાઓ પણ રજૂ કરે છે. પહેલી કવિતા એણે કવિ કાંતની પ્રસિદ્ધ રચના સાગર અને શશિ આજે મૂકી છે, ખાસ કારણ એ કે આજે કવિની પૂણ્યતિથિ છે. કવિનો પહેલો (અને એકમાત્ર) કાવ્યસંગ્રહ પૂર્વાલાપ જે દિવસે પ્રગટ થયેલો એજ દિવસે એમનું અવસાન થયેલું.
ઊર્મિની પોતાની રચનાઓ પણ સશક્ત છે. એમાંની એક રચના અહીં જુઓ.
ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય.
રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય.
Permalink