કેમ આવું ?
પંકજે એના ગુજરાતી બ્લોગ હાથતાળીમાં એક મુદ્દો ઉઠાવ્યો છે –
ગુજરાતી બ્લોગજગતમાં કવિતાઓ જ કેમ જોવા મળે છે? આજ સુધીમાં હું ૮-૯ ગુજરાતી બ્લોગ વાંચી ચુક્યો છું, અને મૈ જોયુ કે લગભગ દરેક લેખક પોતાનાં બ્લોગ પર ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી કવિતાઓ જ મુકે છે. હું સ્વિકાર કરું છું કે ગુજરાતી સાહિત્યના પ્રસાર માટે આ એક ઉપયુક્ત માધ્યમ તો છે જ. આ બ્લોગો દ્વારા મને ઘણી સારી અને કદીએ ના વાંચવા મળી હોય એવી કવિતાઓ વાંચવા મળી. આ એક ઘણો જ સારો પ્રયાસ છે અને હું એને આવકારું છું. પણ મારો પ્રશ્ન એ છે કે કેમ આપણે આપણા સમાજ, રાષ્ટ્ર અને મુલ્યો વિશે પણ આપણા તારણો વ્યક્ત નથી કરતાં?
ગુજરાતના ઈતિહાસમાં કદાચ પહેલી જ વાર ( અને કદાચ છેલ્લી વાર પણ ! ) ગુજરાતીઓ પર વધારે પડતા સાહિત્યલક્ષી હોવાનો આક્ષેપ આવ્યો છે. એ મારા મતે તો ઘણા આનંદની વાત છે. હિસાબના ચોપડા સિવાય બીજા કોઈ પુસ્તકમાં રસ ન ધરાવવાનું મહેણું ગુજરાતી બ્લોગ-જગતથી પહેલી વાર ટળ્યું લાગે છે. 🙂 🙂
અત્યારે રમૂજની વાત જવા દઈએ. મેં એનો જવાબ આમ આપ્યો છે –
વાત સાચી છે, પંકજ. હું પોતે લયસ્તરો નામનો ગજરાતી કવિતાનો બ્લોગ ચલાવું છું. કવિતા સિવાય બીજું લખવાનું નથી એમ નહીં પણ, કવિતાઓ મારા આનંદનો વિષય છે એટલે એના વિષે લખું છું. બીજા લોકો એમના રસના વિષય પર પણ ધીમે ધીમે લખતા થશે. ગુજરાતી વેબ પર લખી શકાય, અને એ પણ સહેલાયથી, એ વિચાર જ હજુ નવો છે. ગુજરાતી બ્લોગજગતમાં નવા નવા વિચારો અને અભિપ્રાયો ધરાવતા લોકો આવતા જ જવાના છે. દરેક પોતાને ગમતો અવાજ લાવશે અને પોતાને મહેફિલ જમાવશે. આજ નો આ નવો વિચાર કાલે એક વટવૃક્ષ બની જશે !
ગુજરાતી ભાષાએ ગુજરાતી સાહિત્ય કરતા બહુ મોટી વાત છે. ગુજરાતી ભાષા આપણી સંસ્કૃતિ અને સમાજથી બની છે. ગુજરાતી એ જીવંત ઘટના છે. સાહિત્ય તો માત્ર એનું એક પ્રતિબિંબ છે. હવે જ્યારે ગુજરાતી ભાષા નેટ ઉપર સ્થાપિત થઈ ચૂકી છે, સમય આવ્યો છે કે વધુ ને વધુ લોકો ગુજરાતીમાં લખતા થાય. તમે પણ તમારો બ્લોગ બનાવો. રોજ ન લખાય તો અઠવાડિયે એકાદ વાર લખો. નવી વાત લખો, દીલની વાત લખો. ગુજરાતી ભાષા માટે તમારું ગૌરવ બતાવો. ગુજરાતીના નેટ પર પ્રસારમાં તમારો પણ અવાજ ઉમેરો.
Siddharth said,
March 25, 2006 @ 2:15 PM
આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. મને પોતાને ઘણીવાર કવિતા કરતા સરસ નવલિકા કે વાર્તા પ્રસિદ્ધ કરવાની ઈચ્છા થાય છે. પરંતુ ગુજરાતી ટાઈપ કરવામાં ઘણો જ સમય જાય છે. અત્યારે વધારે અવકાશ કાઢવાનો અઘરો પડે છે પરંતુ ભવિષ્યમાં એવી ઈચ્છા છે કે બ્લોગ પર સારાનરસા અનુભવો પ્રસિદ્ધ કરવા.
રીડગુજરાતી.કોમ નેટ પર સુંદર વાર્તા અને નવલિકા રજૂ કરે છે તે ખૂબ જ આનંદની વાત છે. અને સૌથી વધારે આનંદની વાત એ છે કે દિનપ્રતિદિન નેટ પર ગુજરાતીનો વ્યાપ વધતો જાય છે.
સિદ્ધાર્થ શાહ
Pankaj Bengani said,
March 26, 2006 @ 11:05 PM
સાચી વાત છે ધવલભાઈ.
અને સિદ્ધાર્થભાઈ, હવે ગુજરાતીમાં લખવું અઘરુ નથી રહ્યુ, તમે પણ અમારું વિકસાવેલું આ ટુલ વાપરી જુઓ.
http://www.tarakash.com/guj/tools/hug2.html