(જવાનું છે એ સડક અલગ છે) – જિગર જોષી
કદમ ઉપાડ્યાં જુદી દિશામાં, જવાનું છે એ સડક અલગ છે,
કરી પ્રતીક્ષા જુદી જ પળની, જે હાથ લાગી છે ક્ષણ અલગ છે.
પ્રથમ કે બીજી કે ત્રીજી નજરે એ આંખો અમને ઠરેલ લાગી,
રહી રહીને સમજમાં આવ્યું કે એની આખી તરસ અલગ છે.
ભળી ગયાં છે જો દૂધ-સાકર પછી તો ક્યાંથી અલગ થવાનાં?
તમે એ રીતે કર્યું છે મિશ્રણ, નહીં તો જીવન—મરણ અલગ છે.
અમે તો પહેલાં કહ્યું હતું કે આ વાત માન્યામાં નહીં જ આવે,
ખભેખભો મેળવીને ચાલે, અહીંનાં મૃગજળ-હરણ અલગ છે.
‘જિગર’ એ સંબંધ હો કે દરિયો, અનુભવો તો છે એક સરખા,
શરૂ શરૂના પ્રવાહ જુદા, પછી પછીનાં વમળ અલગ છે.
– જિગર જોષી
આજે જ એક ગઝલ;સંગ્રહની રઈશ મનીઆરે લખેલી પ્રસ્તાવનામાં આ વાંચ્યું: ‘કહેવાયછે કે ગઝલ કાફિયાનુસારી પ્રકાર છે, પણ મારો મત છે કે કાફિયા કરતાંવધુ રદીફ ગઝલનુંભાવવિશ્વ નક્કીકરવામાં મોટો ભાગ ભજવે છે. સુંદર રફીફની પસંદગી સારી ગઝલ લખાવાની શક્યતા વધારી દે છે.’ સત્યવચન! લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે જ આપણે રદીફે ગઝલમાં રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ (https://layastaro.com/?p=24476) કર્યું હોવાની વાત કરી હતી. આ ગઝલ વિશે પણ એવું કહી શકાય. એક તો મજાના લગા લગાગાના આવર્તનવાળો દ્વિખંડી છંદ અને ગઝલના મિજાજને ઉપસાવી આપવામાં પ્રમુખ ભાગ ભજવતી ‘અલગ છે’ રદીફ –સાચે જ ગઝલ અલગ તરી આવે છે!અહીં કાફિયા તો મુક્ત અને અકારાંત છે, પણ નાની તોય મજાની રદીફની મદદથી આ ગઝલ સરસમાંથી ઉત્તમની યાત્રા સફળતાપૂર્વક ખેડી શકી છે એનો આનંદ છે.
ગઝલના પાંચેય શેર ઉમદા થયા છે. ખરેખર જે તરફ આગળ વધવું જોઈએ, એનાથી વિપરીત દિશામાં જ ગતિ કરનાર આ દુનિયામાં ઓછા નથી. ઘણા માણસ ઉપરથી ઠરેલ લાગે… પહેલી નજરે જ નહીં,વારંવારના અવલોકન પછી પણ! પાછળથી રહી રહીને આપણને સમજાય કે હકીકતમાં આપણે જ એને વાંચવામાં ખોટા સાબિત થયાં છીએ- એ ભાઈની તો લાલસા જ અલગ હતી! જીવન-મરણવાળો શેર એની ગૂંથણીના કારણે વધુ પ્રભાવક થયો છે. મૃગજળ એટલે હોઈએ એથી ઘણે દૂર પાણી હોવાનો થતો આભાસ. હરણ કહો તો હરણ અને મનુષ્ય કહો તો મનુષ્ય- જેમ જેમ એની નજીક જવાની કોશિશ કરીએ, એમ એમ મૃગજળ દૂરને દૂર થતું જાય. બે સાથે ન થઈ શકે. કવિ કહે છે કે અમે તો પહેલાં જ કહ્યું હતું કે અમારી વાત તમારા માન્યામાં આવશે નહીં. આ દુનિયામાં મૃગજળ અને મૃગ ખભેખભા મેળવીને ચાલે છે. છેલ્લો શેર પણ નખશિખ આસ્વાદ્ય થયો છે.

