બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2022

અગ્નિદાહ – પ્રતિષ્ઠા પંડ્યા

મોઢે બુકાની બાંધેલો
એ માણસ
અવારનવાર
ઇલેકટ્રીકની ભઠ્ઠીનું
ઢાંકણું ખોલી
કઢાઈમાં ધાણીની જેમ
હલાવે છે પપ્પાના શરીરને
હમણાં છેલ્લે હલાવ્યું
ત્યારે સળગતી, લાવા જેવી
જ્વાળાઓની વચમાં દેખાઈ હતી
પપ્પાની કરોડરજ્જુ
ને એની સાથે હજુ ય
જોડાયેલી ખોપરી
બહાર આવી વીંટળાઈ ગઈ’તી સજ્જડ
એમના બળતા શરીરની વાસ
સ્મશાનથી પાછી આવી
માથું ઘસી નહાઈ
હવે શરીર મહેકે છે
વાળમાં ચોંટેલી સ્મશાનની રાખ
ગટરમાં વહી ગઈ હશે
સુંવાળા, હજુ ય નીતરતા વાળને
સુગંધિત, સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ મને
લાકડાના ખાટલા પર સુવાડી
હવે દાહ દેવાય છે
મોં પર બુકાની બાંધેલા
આ જલ્લાદને હું ઓળખતી નથી
નથી ઓળખતી આ આગને
એમાં એ આમથી તેમ ફેરવે તો છે મારું શરીર
પણ પપ્પાના શરીરની જેમ
આ શરીર ભસ્મ થતું જ નથી!

– પ્રતિષ્ઠા પંડ્યા

ભારતીય પરંપરા મુજબ સ્ત્રીથી સ્મશાને ન જવાય એ વાત હવે ગઈકાલની થવા માંડી છે. પ્રસ્તુત રચનામાં કાવ્યનાયિકા પોતાના મૃત પિતાને વળાવવા સ્મશાન સુધી ગઈ છે એ વાત નાયિકા આધુનિકા હોવાની પ્રતીતિ કરાવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂકાયેલ પિતાજીના દેહને દેહનો ઝડપથી નિકાલ થાય એ હેતુસર બુકાનીધારી કર્મચારી કઢાઈમાં ધાણીને અવારનવાર હલાવવામાં આવે એમ અવારનવાર હલાવી રહ્યો હોવાનું વર્ણન આપણા શરીર આખામાં ઝણઝણાટી ફેલાવી દે એવું છે. લાવા જેવી જ્વાળાઓની વચ્ચે પણ પિતાજીની ખોપડી અને કરોડરજ્જુ છેલ્લે સુધી બળ્યા ન હોવાની વાત કવિતાના બંને ભાગને ન સાંધો, ન રેણની રીતે જોડે છે. પિતાજીના બળતા મૃતદેહની વાસ નાયિકાને અંગાંગમાં સજ્જડ વીંટળાઈ વળે છે. ઘરે આવીને નાયિકા હિંદુ પરંપરા મુજબ નહાઈ લે છે. એક તરફ પરંપરાથી આગળ વધી સ્મશાનમાં જવાની વાત અને બીજી તરફ સ્મશાને થી પરત ફરી નહાવાની અને એમ પરંપરાને જાળવી રાખવાની વાત પરથી ખ્યાલ આવે છે કે નાયિકા પારંપારિક સ્ત્રી અને આધુનિકાના સંધિસ્થાને ઊભી છે. કવિતાના ઉત્તરાર્ધમાં સુગંધિત સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ નાયિકા પોતાને લાકડાના ખાટલા પર સુવાડીને દાહ દેવાતો હોવાની વાત કરી આપણને ચોંકાવે છે. સીધીસટ વહી જતી કવિતામાં આવતો ઓચિંતો વણકલ્પ્યો વળાંક જ પ્રતિષ્ઠા પંડ્યાના અછાંદસને આજે કવિતાના નામે આજે ઠલવાઈ રહેલ કચરાથી અલગ તારવી આપે છે. જીવંત નાયિકા પોતાને લાકડા પર અગ્નિદાહ દેવાઈ રહ્યાનું અનુભવે છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠી લાકડામાં પલટાઈ છે. દાહ દેનાર અહીં પણ બુકાનીધારી જ છે, પણ આ વખતે કવયિત્રી એના માટે જલ્લાદ વિશેષણ પ્રયોજે છે, જે અગ્નિદાહ દેનાર બે વ્યક્તિ વચ્ચેના તફાવતને જમીન-આસમાન જેવો તોતિંગ કરી આપે છે. ફરી એકવાર આપણા શરીરમાં ઘૃણાનું લખલખું ફરી વળે છે. પોતાના બાપને સ્મશાનમાં વળાવી આવેલ પત્નીને એનો પતિ એક દિવસ પૂરતુંય શોકગ્રસ્ત રહેવાની આઝાદી આપવા તૈયાર નથી. આપણી નજર સમક્ષ થઈ રહેલો આ વૈવાહિક બળાત્કાર (marital rape) આપણને હચમચાવી દે એવો છે. જે માણસ સાથે લગ્ન કરીને નાયિકા વર્ષોથી સાથે રહે છે, એ માણસ જ્યારે જલ્લાદ બનીને બળાત્કાર ગુજારે છે ત્યારે પોતે એને ઓળખતી ન હોવાની વાત વેદનાને ધાર કાઢી દે છે. વાસાનાંધ જલ્લાદ નાયિકાના શરીરને આમથી તેમ ધમરોળે છે, પણ નાયિકાનું અસ્તિત્ત્વ પણ એના પિતાજીની જેમ જ પ્રતિકાર કરે છે. શરીર તો ભોગવાઈ રહ્યું છે, પણ સ્ત્રી અજેય, અપ્રાપ્ય બની રહે છે. આ ટકી રહેવું એ જ આ સ્ત્રીની ખરી પિછાન છે, ખરું ને?

Comments (6)

હાઇકુ – ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’

હાથ ઝાલીને
અંધારનો, ઊતર્યો
ઘરમાં ચંદ્ર.

અમાસી રાતે
અંધારું ટોળે વળી
આગિયા શોધે.

જળ જીવંત
પનિહારીના સ્પર્શે
તળાવકાંઠે.

નિર્જન પથ
યુગોથી ચાલ્યા કરે
એકલપંડે.

બંધ બારણે
આવીને પાછા જાય
જૂના ચપ્પલ.

પવન દોડ્યો
બજારે છત્રી લેવા
વરસાદમાં.

છત્રી ઓઢીને
વગર વરસાદે
દંપતી ભીંજે.

– ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’

લયસ્તરોના આંગણે કવિના હાઇકુસંગ્રહ ‘શાશ્વત સુખ’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી ગમી ગયેલ કેટલાક હાઇકુ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. પહેલા હાઇકુ વિશે બે’ક શબ્દો: રોજબરોજની કોઠે પડી ગયેલી ઘટનાઓ, જેની આપણે નોંધ લેવાનું પણ છોડી દીધું હોય, એને દર સવારે પુષ્પની પાંદડી પર પ્રગટ થતા ઝાકળની કુમાશ અને તાજગી દઈ નવોન્મેષ કરાવી આપણી સમક્ષ રજૂ કરે એ કવિતા. રાતના અંધારામાં ચાંદની બારીમાંથી ઘરમાં પ્રવેશે એ એટલું સાહજિક અને કાયમી હોય છે, કે ભાગ્યે જ કોઈ એના પર ધ્યાન આપતું હોય છે. આવી સાવ જ હાંસિયામાં ધકેલાઈ ગયેલ ઘટનાને હાઇલાઇટ કરી નવો ઓપ આપે એ જ સારી કવિતા. જુઓ, કવિ શું કહે છે તે… કોઈનો હાથ પકડીને કોઈ ઘરમાં ઊતરી આવતું ન હોય એ રીતે કવિ ચાંદનીને નહીં, સાક્ષાત્ ચંદ્રને અંધારાનો હાથ પકડીને ઘરમાં ઊતરતો જુએ છે. આટલો સજીવ સજીવારોપણ અલંકાર ઓછો જ પ્રયોજાયેલ જોવા મળે છે.

Comments (8)

ગગન – હરીન્દ્ર દવે

શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.

વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજ૨ જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !

પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !

મારું આખું ગગન એક એ પાંદડું.

– હરીન્દ્ર દવે

ફરી વખત – મીરાંબાઈ યાદ આવે –

” ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે ”

આપણે પોતે જવાબદાર હોઈએ છીએ આપણી કુંઠિત દ્રષ્ટિના…. આપણો ઘૂંઘટ/આપણું પર્ણ આપણે ખસેડવાનું છે…

Comments (2)

(સરક્યાં હો જી) – હનીફ સાહિલ

અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી
મારી ભીતર તેજ તમસનાં પ્રગટયાં હો જી

ઊંડે ઊંડે લોહીમાં તરતા પડછાયા
શ્વાસે શ્વાસે અત્તર થઈને મ્હેંકયા હો જી

અધરાતે મધરાતે કોના પગરવથી આ
ઝબ્બ દઈને સમણાંમાંથી ઝબક્યા હો જી

પડછાયાનો સ્પર્શ થતાં અંધારું ગ્હેક્યું
અલકમલકનાં રાજ અમારાં મલક્યાં હો જી

– હનીફ સાહિલ

ચાર જ શેરની ગીતનુમા ગઝલ. હો જીનો હલકાર ભાવકને લયના હીંચકે મજાનું ઝૂલાવે છે. ચારેય શેરમાં અંધારું નજરે ચડે છે. પડછાયો આમ તો અજવાળાને આભારી ગણાય પણ પડછાયો પોતે કદી ઊજળો ન હોય. પડછાયામાં તો અંધારું જ હોય. અંધારાંને અજવાળું લેખાવતા કવિની આ રચના છે, એટલું સમજાય તો ગઝલ પર મોહી પડાય એમ છે. માણસની છાયા લોહીમાં દોડતી થઈ જાય, મતલબ પ્રિયજન આત્મસાત થઈ જાય ત્યારે ઉચ્છ્વાસમાં અંગારવાયુના સ્થાને એની ખુશબૂ મહેંકતી અનુભવાય.

Comments (4)

હવે રાધાનું નામ નથી રાધા… – યોગેશ પંડ્યા

તારા વિજોગમાં સૂધબૂધને ખોઈ, હવે રાધાનું નામ નથી રાધા,
એ તો પથ્થરની થઈ ગઈ છે, માધા!

મથુરાને મા૨ગે વ૨સોથી બેઠી છે ગાંડીઘેલી એક જોગણ,
દિવસોનું ભાન નથી, રાતોની નીંદ નથી, વલવલતી એક રે વિજોગણ

વ્હાલ માટે ૨વરવતી મૂકીને ગ્યો, તને ફટ્ છે ધૂતારા રંગદાધા…

તારી તે વાંસળીના સૂરમાં મોહીને દોડી આવતી’તી તારા તે બારણે,
મૂકીને જાવું’તું તારે તો શ્યામ! આવો નેડો લગાડ્યો શા કારણે?

રજવાડું રાજ તારી રૂકમિને ખમ્મા! તેં સુખનાં ઓડકાર ભલે ખાધા….

રાધાનું નામ હવે રાધા નથી એ તો ‘ક્હાન’માંથી થઈ ગઈ છે બાદ,
વસમા વિયોગમાં સૌ કોઈ બેઠા છે મારે કોને કરવાની ફરિયાદ?

અંજળ ખૂટ્યા, ’ને થાય વ્હાલમ વેરી – એનું નામ હવે લેવાની બાધા…

– યોગેશ પંડ્યા

રાધા-કૃષ્ણના ગીત ન લખે એ કવિ ન કહેવાય એવો વણલખ્યો ધારો અમલી હોય એમ આપણે ત્યાં દરેક ગીતકવિ રાધા-કૃષ્ણ પર હાથ અજમાવે છે. પણ પરિશુદ્ધ પ્રણયના આ અણિશુદ્ધ પ્રતીક વિશે પ્રવર્તતા ઘાસની ગંજીના ફાલમાંથી તીક્ષ્ણ સોય જેવું આવું રૂડુંરૂપાળું ગીત મળી આવે તો તરત જ ગમતાંનો ગુલાલ કરવાની ઇચ્છા થઈ આવે.

રાધા તરફથી કવિ માધા (માધવ)નો જાયજો લઈ રહ્યા છે. કૃષ્ણવિયોગમાં રાધા પોતાની સૂધબૂધ ખોઈને એવી પથ્થર થઈ બેઠી છે કે હવે એનું નામ સંદર્ભો ગુમાવી બેઠું છે. કૃષ્ણ જે માર્ગે મથુરા વહી ગયા હતા, એ માર્ગ પર પ્રેમજોગણ રાધા પથ્થરની જેમ વરસોથી પ્રતીક્ષારત્ બેઠી છે. જોગણ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના બદલે કેવળ જોગણ-વિજોગણની eye-rhyme પ્રયોજીને કવિએ યોગી-વિયોગીને સમકક્ષ બેસાડ્યા છે. રાધા-માધા સાથે રંગદાધા જેવો અનૂઠો પ્રાસ ઉમદા કવિકર્મની સાહેદી પુરાવે છે. શ્યામને રંગદાધો ધૂતારો કહીને કવિએ કમાલ કરી છે. દાધું એટલે આમ તો બળેલું. દિલનો દાઝેલો એવો અર્થ પણ લઈ શકાય. કૃષ્ણના શ્યામવર્ણ ઉપર આવો શ્લેષ ભાગ્યે જ જોવા મળશે. પ્રેમાનંદનું નળાખ્યાન યાદ આવે: ‘લાગી વિષ જ્વાળ દાધો ભૂપ, કાળી કાયા થયું કૂંબડું રૂપ.’

કૃષ્ણનો વધુ ઉધડો લેતાં કવિ કહે છે કે ચાલ્યા જ જવું હતું તો પછી આવડી માયા શીદ લગાવી? પરંતુ આ ઠપકામાં પણ સમ્યકતા છે. એના રાજ-રજવાડાં અને પત્નીની સામે રાધાને કોઈ ફરિયાદ નથી. ભલે પોતાનાથી અળગો થઈને કૃષ્ણકનૈયો સુખના ઓડકાર ખાતો! ખમ્મા કાનજીલાલ! ખમ્મા… આ છે રાધા! આ જ છે સાચો પ્રેમ!

ઉપાડપંક્તિના અડધિયાને ત્રીજા બંધના ઉપાડમાં વાપરીને કવિ રાધાના અસ્તિત્ત્વલોપને કેવી ધાર કાઢી આપે છે! રાધાની ક્હાનમાંથી બાદબાકી થઈ ગઈ છે. અંજળ ખૂટી જાય અને ખુદ વહાલમ જ વેરી થઈ જાય તો પછી ફરિયાદ કોને કરવાની? બાધા જ મૂકી દ્યો હવે એનું નામ લેવાની….

Comments (16)

ગણવાના હતા – ભરત વિંઝુડા

બે અને બે ચાર કરવાના હતા,
દાખલા સાદા જ ગણવાના હતા.

નાવમાં જો મૂકી દીધા હોત તો,
પથ્થરો પાણીમાં તરવાના હતા.

પાણી છાંટી ઓલવી નાખ્યા તમે,
એ તિખારાઓય ઠરવાના હતા.

ઝાડ નીચે જઈ ઊભા નહીં તો અમે,
ઝાડની જેમ જ પલળવાના હતા.

બંધ પેટીમાં ન રાખ્યાં હોત તો,
આ હીરા મોતી ચમકવાનાં હતાં.

કાશ એવું પણ લખાયેલું મળે,
ભાગ્ય પોતાનું બદલવાના હતા.

– ભરત વિંઝુડા

કવિના નૂતન સંગ્રહ ‘મૌનમાં સમજાય એવું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…

જિંદગીનો દાખલો તો સાદો જ હોય છે, આપણે જ ગણિતમાં ગરબડ કરી બેસીએ છીએ, ખરું ને?

Comments (3)

લીલ્લીછમ લાગણીનું ગીત – નીતિન વડગામા

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઈ હવે,
સુક્કા સમ્બન્ધ કેરું નામ.

મ્હોરતાં ફોરતાંને પળમાં આસરતાં આ
શબનમ જેવો છે સમ્બન્ધ,
સમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં
આંસુ તો રહેશે અકબંધ.

પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં
કેમ કરી ચૂકવવાં દામ?

સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે
આજકાલ હાથલિયા થોર,
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો
અમને એ લાગે ગુલમ્હોર.

અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી
મારુંયે સાવ નામ-ઠામ.

-નીતિન વડગામા

 

” ઈક એહસાસ હૈ યહ રૂહ સે મહસૂસ કરો
પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો…..”

Comments (2)

(ડરે છે!) – હરીશ ઠક્કર

મહદ્અંશે લોકો સજાથી ડરે છે,
કોઈ કોઈ છે, જે ગુનાથી ડરે છે.

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે.

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને,
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે!

બધી આપદા એને શોધી જ લેશે,
જે માણસ સતત આપદાથી ડરે છે.

ડરી જાઉં હું જો, તો લોકો શું કહેશે-
ઘણા માત્ર એ ધારણાથી ડરે છે.

જો જીતી શકો તો એ ડરને જ જીતો,
એ શું જીતે, જે હારવાથી ડરે છે!

– હરીશ ઠક્કર

માણસથી વધુ ઘાતકી પ્રાણી કોઈ નથી. ખોટું કરતી વખતે માણસને ક્યાં તો કાયદાનો ડર હોય, ક્યાં તો ઈશ્વરના દરબારનો. ત્રીજો ડર હોય સામાજિક પ્રતિષ્ઠાનો. આવી કોઈ જ પ્રકારની સજાનો કોઈ ડર ન હોય તો ભાગ્યે જ કોઈ માણસ ગુનો આચરતાં પોતાને રોકે, આ સનાતન સત્ય મત્લામાં કેવી સરળ રીતે ઉજાગર થયું છે! આ જ વાત બીજા શેરમાં ખુદામાં માનતા હોય એ લોકો જ ખુદાથી ડરતા હોવાના કથનરૂપે બહુ સરસ રીતે રજૂ થઈ છે. ડર વિશેની આ મુસલસલ રચનામાં કવિ ડરના અલગ-અલગ આયામ જે રીતે રજૂ કરે છે, એ નખશિખ આસ્વાદ્ય છે…

Comments (9)

(નહિ કરું) – સંદીપ પૂજારા

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું,
મારી મનોદશાની તને જાણ નહિ કરું.

ભડકે ભલે બળી જતું ઇચ્છાઓનું શહેર,
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું.

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું.

જે છે દીવાલ, તારા તરફથી તું તોડજે,
તલભાર મારી બાજુથી ભંગાણ નહિ કરું.

કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.

– સંદીપ પૂજારા

પ્રેમની પરિભાષા ઝડપભેર બદલાઈ રહી છે. જુઓ આ ગઝલ. કોઈક કારણોસર પ્રેમિકા છોડી ગઈ છે, પણ પ્રેમીના દિલમાંથી પ્રેમિકા કે એના માટેની આરત –બંનેમાંથી કશું નામશેષ થયું નથી. પ્રેયસી પરત ફરે તો એને ફેર અપનાવવા નાયક તૈયાર છે, પણ ન આવે તો નમતું જોખવા તૈયાર નથી. ‘આવી શકે તો આવજે’ના રણકામાં આ રણશિંગુ ફૂંકાતું સંભળાય છે. ‘ઇચ્છાઓનું શહેર’ રૂપક એ વાતની પ્રતીતિ કરાવે છે કે નાયકના દિલમાં હજીય અસીમ અપાર અનંત ઇચ્છાઓ છે, પણ ખુદ્દારી એવી છે કે એકપણ ઇચ્છા ફળીભૂત નહીં થાય તોય પોતે નાયિકાની શેરીમાં જઈને ધમાલ નહીં મચાવે. ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગુજરના નહીં’થી લઈને પ્રેમ આજે ક્યાં આવી ઊભો છે એ જોવા-સમજવા જેવું છે. જીવે ત્યાં સુધી પોતે રાહ જોનાર છે એવું કહેનાર પ્રેમી ઈશ્વર આગળ પણ કરગરવા તૈયાર નથી. અને આજના પ્રણયની ભાષાની પરાકાષ્ઠા તો દીવાલવાળા શેરમાં વર્તાય છે. બે જણ વચ્ચે દીવાલ ચણાઈ ગઈ હોય તો બંને જણ પોતપોતાની તરફથી પહેલ કરે એ પ્રેમની સનાતન ભાષાના સ્થાને તારો ઇગો છોડી શકે તો આવજે, બાકી હું મારો અહમ તસુભાર પણ છોડવા તૈયાર નથી. જો કે આ એક કવિની પોતાની અભિવ્યક્તિ છે, આ ભાષા આજના પ્રેમ અને પ્રેમીઓની સાર્વત્રિક ભાષા છે કે કેમ એ બાબત ચર્ચાનો વિષય છે.

Comments (16)

(રેનબસેરા) – બાબુલાલ ચાવડા ‘આતુર’

માંગ્યા ત્યારે માંગ્યા કેવળ રેનબસેરા
પૂછ્યા વીણ નાંખીને બેઠા તંબુ-ડેરા

અનહદની ઊંચી મેડીના અજબ ઝરૂખે,
ગાન સુણી ગુલતાન થયા કંઈ ઘેરા-ઘેરા

ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી!
ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા?

આખ્ખોયે અવતાર હવે તો અટકળ-અટકળ
ઝૂલે અધ્ધરતાલ સકલ આ સાંજ-સવેરા

ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી
અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ફોર અ ચેઇન્જ, આ વખતે ગઝલ સાથે મિલિન્દ ગઢવીની અર્થગહન ટિપ્પણી:

“કવિતાને positive કે negativeના ત્રાજવે ન તોલવાની હોય. કવિને romantic કે રાષ્ટ્રવાદીના ચોકઠાંમાં ન ગોઠવી દેવાનો હોય. કવિ તો ઝબકેલું ઝીલે અને ઝીલેલું કરી દે તમારે હવાલે. એમનું એમ. પછી તમે એમાં મ્હાલી શકો તો એ તમારી ભાવકતા. ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. જેમને ફકરાઓની ટેવ પડી હોય એ બેફિકરાઓ સાથે સમસંવેદન ન સાધી શકે એ પણ હકીકત. રેસિપીના આધારે તૈયાર થયેલી રચનાઓ બીજું જે હોય તે – કવિતા તો નથી જ હોતી.

“ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે. ફેક ન્યુઝની જેમ ફેક કવિતાઓની ભરમાર વચ્ચે ક્યાંક કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”

(આસ્વાદ: મિલિન્દ ગઢવી)

Comments (6)

અર્ધગીતિ – રાજેન્દ્ર શુક્લ

અડધું મેં પીધું છે મૌન
અડધી મેં પીધી છે વાણી
અધૂકડું ઊઘડ્યા કૈં હોઠ
આંખો અડધી રે અંજાણી.

બાકીનું બાકી છે –
અડધું મૌન
આયખું
અડધી વાણી
ને આ અડધું અડધું પીવાનું
હું ઘૂંટડે ઘૂંટડે પીઉં
કે પીઉં એકસામટું
પણ અડધું અમથું પીવાનું.

તડકો તો તપવાનો પૂરેપૂરું
તડકો તો તપવાનો પૂરેપૂરું
તૂરો કંઠ સુકાશે
અડધો
ને અડધો લીલો રહેશે
તરસો તરફડશે
અડધી
વરસો અડધાં રે ભીંજાશે
અડધો હું અંદર વ્હેરાણો
અડધો હું ઊભો છું બ્હાર
તંબુ અડધપડધરા તાણી

અડધું મેં પીધું છે મૌન
મેં પીધી છે વાણી.

– રાજેન્દ્ર શુક્લ

કવિ વાત પોતાની કરે છે પણ વાતનો વ્યાપ વિશાળ છે – માનવી સમગ્રતાથી ભાગ્યે જ કંઈ કરે છે…મિલન હોય કે ઝુરાપો-પોતાના સમગ્ર અસ્તિત્વને જવલ્લે જ કોઈ દાવ પર લગાવે છે… વાણી પણ અધકચરી અને મૌન પણ અધકચરું… શ્રદ્ધા પણ અધકચરી અને સંશય પણ અધકચરો…..

Comments (1)

છેલ રમતૂડી – દલપત પઢિયાર

છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
એની ચાર ચાર ગઉની છાંય
દીવડા શગે બળે
એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
આથમતાં ઉકેલી ન પાદર થરથરે રે લોલ.

આયો અષાઢીલો મેઘ
નદીએ નઈ જઉં
અલી ચ્યાં ચ્યાં ટઉચ્યા મોર, સાહેલી!
પેંજરના પંખી ને વાયક પાછાં ફરે રે લોલ.

લીલી ઓકળીઓની ભાત્ય
વગડે વેરઈ ગઈ
પેલા પાણિયારાની પાળ, સાહેલી!
નજરુંને ઊતારો નેવાં જરે છલે રે લોલ.

પેલા મારીડાને ભાગ
મરવો નઈં બોલે,
પેલા સુથારીને હાટ
મંડપ નઈં ડોલે,
હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.

– દલપત પઢિયાર

ડુંગળીનાં પડની જેમ સારી કવિતામાં અર્થનું એક પડળ હટાવતાં બીજું ને બીજું હટાવતાં ત્રીજું હાથ લાગતું રહે છે. ડુંગળીના બધા પડ ઉખેડી નાંખ્યા બાદ હાથમાં તીવ્ર ગંધ અને આંખોમાં પાણી બચે છે, એ જ રીતે કાવ્યાર્થના તમામ પડળ નાણી લીધા બાદ અંતે જે શૂન્યાવકાશ બચે છે એ આત્માનુભૂતિનું જ બીજું નામ કવિતા… જીવનની સાંજના કિનારે બેસીને મુક્તિની રાહ જોતી સ્ત્રીનું આ ગીત જુઓ… તમામ અર્થચ્છાયાઓ બાદ કરી લેવાયા બાદ પણ અહીં કંઈક એવું તત્ત્વ બચે છે, જે આપણને છે…ક ભીતર સુધી સ્પર્શી જાય છે… શું આને જ સાચી કવિતા કહેતા હશે? મને જે સમજાયું છે તે મારી મજા છે, પણ ગીતનું ભાવવિશ્વ તો કદાચ હજી વધુ ઊંડું છે અને મારી સમજણથી સાવ અલગ પણ હોઈ શકે છે.

સાહેલી સાચા અર્થમાં મિત્ર માટેનું સંબોધન પણ હોઈ શકે અને જાત સાથે વાત કરવાની પ્રયુક્તિ પણ હોઈ શકે. પૂનમનો મેળો, એમાં ચાર-ચાર ગાઉ સુધી છાંય પાથરતો પારસપીંપળો, પ્રજ્વલિત દીવડાં ભર્યાભાદર્યા જીવન અથવા જીવનસાથી તરફ ઈંગિત કરે છે. પૂનમ અજવાસનું અને મેળો ભરચક્કતાનું પ્રતીક છે, તો પારસપીપળો પવિત્રતા અને વિશાળતાનું. પણ હવે દિવસ આથમવા આવ્યો છે એટલે પાદરમાં અંધારાં ઉતરતાં અંધારે ઉકેલી ન શકાતું જીવતર જાણે કે થરથરી રહ્યું છે. અષાઢી મેઘની વાત આવે એટલે મેઘદૂત પણ યાદ આવે. પણ નાયિકા નદીએ જવાની ના કહે છે. નદીકિનારે ટકુકતાં મોર જોવાની એની તૈયારી નથી. કદાચ જીવનસાથીની પ્રતીક્ષાની અહીં વાત છે. સાથી સાથે ન હોય તો મેઘ અને મોર –કશામાં મન ન લાગે એ સહજ છે. સાંજટાણે પંખી માળામાં પરત ફરે એ તો સહજ ઘટના છે, પણ અહીં કવિ પિંજરના પંખીના પાછાં ફરવાની વાત કરે છે એ ધ્યાનાર્હ છે. દેહ-પ્રાણના સંદર્ભ અહીં ઊઘડે છે. પિયુઆગમનની અપેક્ષામાં આંગણે કરેલ લીલી ઓકળીઓની ભાત હતી-ન હતી થવા આવી છે. પાણિયારે તો બેડાં ઉતારવાનાં હોય, કવિ નજર ઉતારવાનું કહે છે. કારણ કે પાણી તો આંખોને છલકાવી જ રહ્યાં છે. માળીના બાગમાં હવે મરવા ખીલનાર નથી અને સુથારની હાટમાં માંડવા મંડાનાર નથી. જીવનના પ્રસંગો સહુ ખતમ થયાં છે. આવીને ગયેલા સહુ દિવસો જમણી આંખે ફરકી રહ્યા છે. કાગડાને ઊડાડી દે, સહેલી… હવે અહીં કોઈ આવનાર નથી. કાગડાને ઉડાડવાની વાતમાં કાયા છોડીને જીવ શિવ તરફ ગતિ કરે એવી અર્થચ્છાયા પણ ભળેલી છે.

સરવાળે, સાવ નોખી તરેહનું ગીત.

Comments (12)

(તમારા ગયા પછી) – બરબાદ જૂનાગઢી

દિલને નથી કરા૨ તમારા ગયા પછી,
નયને છે અશ્રુધાર તમારા ગયા પછી.

ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ,
રડતી રહી બહાર તમારા ગયા પછી.

મસ્તી નથી – ઉમંગ નથી – કો’ ખુશી નથી,
ઉતરી ગયો ખુમાર તમારા ગયા પછી.

જ્વાળા મને જુદાઈની ક્યાં-ક્યાં લઈ ગઈ?
ભટકું છું દ્વારે દ્વાર તમારા ગયા પછી.

‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.

– બરબાદ જૂનાગઢી

સાંઠ-સિત્તેરના દાયકાઓમાં કાર્યરત્ રહેલ ઓસમાણભાઈ બલોચ ઉર્ફે બરબાદ જૂનાગઢીને ગુજરાતી ગઝલ બહુ જલ્દી વિસરી ગઈ. એમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’ (૧૯૭૯) પણ અપ્રાપ્ય થઈ ગયો. પણ હાલમાં જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ આ સંગ્રહનું પુનર્મુદ્રણ કરી કવિને અને એમની કલમને પણ પુનર્જીવન બક્ષવાનું પુણ્યકાર્ય કર્યું છે.

જૂનાગઢના નવાબને ત્યાં નોકરી કરતા બરબાદ જૂનાગઢી તરન્નુમમાં ગઝલ રજૂ કરી મુશાયરા લૂંટી લેતા એવું શ્રી વીરુ પુરોહિતે નોંધ્યું છે. પરંપરાના આ શાયરની એક ગઝલ આપણે માણીએ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે પણ મક્તા સવિશેષ ધ્યાન ખેંચે એવો બળકટ થયો છે. પ્રિયજનના ચાલ્યા ગયા પછી રાતો કેવળ પડખાં ઘસવામાં જ વીતે એ સાવ જ ચર્વિતચર્વણ કહી શકાય એવા કલ્પનને સવાર પડતી જ ન હોવાની કવિની કેફિયત શેરને અલગ જ ધાર કાઢી આપે છે. રાતના સ્થાને રાતો બહુવચન પ્રયોજીને ‘इस रात की सुबह नहीं’થી કવિ એક કદમ આગળ વધ્યા છે. સવાર પડતી નથી મતલબ જીવનમાં રાત પછી રાત જ આવે છે અને આ તમામ રાતો પ્રિયજનની યાદોમાં પડખાં ઘસીઘસીને, ઉજાગરા વેઠીવેઠીને જ પસાર કરવાની છે. ‘સવાર પડવી’ રુઢિપ્રયોગ ધ્યાનમાં લઈએ તો મજાનો શ્લેષ પણ ધ્યાનમાં આવે છે.

Comments (8)

(લોબાનકણિકા અને અંગારો) – મધુસૂદન પટેલ ‘મધુ’

દુનિયાએ તો કેવળ જોયું, જોયો દૂર ધુમાડો,
કંઈ સળગ્યું કે પ્રગટ્યું એ તો જાણે ફક્ત સીમાડો.

ક્ષેત્રપાળની દેરી સાખે થયો હતો સથવારો,
એક રૂડી લોબાનકણિકા, એક હતો અંગારો.
પવનદેવ પણ જોવા અટક્યા, ઊંચી થઈ ગઈ વાડો.

પીઠી થઈ ગ્યો ગરમાળો ને ગુલમહોર પાનેતર,
સીમપરીના ખોળે ચૉરી થઈ ગ્યું આખું ખેતર,
માદકતાનો માલિક મહુડો પી ગ્યો ઢળતો દા’ડો.

ગોધણની ઘંટડીઓ રણકી, ચહક્યો હર એક માળો,
અરણીને ફોરમતી જોઈ હરખ્યો ઉપરવાળો,
સળગ્યું, દોડો, ઠારો કહીને દુનિયા પાડે રાડો.

– મધુસૂદન પટેલ ‘મધુ’

સાવ અલગ જ વિષય પર લખાયેલું ગીત. આજકાલ ‘લવ-જેહાદ’ શબ્દ અખબારમાં છાશવારે ચમક્યા કરે છે પણ હિંદુ-મુસ્લિમ પ્રેમીયુગલની વાત અને તેય આવી કાવ્યાત્મક બાનીમાં – આપણે ત્યાં ભાગ્યે જ કોઈ કવિએ આવું લખ્યું હશે!

બે જણ વચ્ચે કઈ કેમિસ્ટ્રી કામ કરી ગઈ એ તો ધર્મના સીમાડા વટાવી પ્રેમમાં પડનાર બે જણ જ જાણે, દુનિયા તો કેવળ દૂરથી ધુમાડો જ જોઈ શકે છે. પ્રથમ પંક્તિમાં જોયુંની પુનરોક્તિ અને બીજી પંક્તિમાં સળગ્યું-પ્રગટ્યુંની જોડી વાતને યથેચ્છ વળ ચડાવી મજબૂતીથી પેશ કરે છે, એ સ-રસ કવિકર્મની સાહેદી.

બે યુવાન હૈયાંની પ્રથમ મુલાકાતના સ્થળ તરીકે કવિએ ક્ષેત્રપાળની દેરી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે એ પણ સૂચક છે. છોકરી મુસ્લિમ છે અને છોકરો હિંદુ એ વાત લોબાનકણિકા અને અંગારાના રૂપકથી કવિએ જાહેર કરી છે. ઉભયના મિલનને પોંખવા વાડ ઊંચી થઈ છે. ગામની સીમમાં બે હૈયાં એક થયાં. ઉનાળાની ઋતુ છે. પીળચટક ગરમાળો પીઠી અને લાલચટ્ટાક ગુલમહોર પાનેતર જેવાં શોભે છે. સીમનું ખેતર આખું લગ્નની ચોરી બની ગયું. આમ તો મહુડાનો દારૂ પીએ તેને નશો ચડે પણ બે આત્માના સાયુજ્ય ઉપર પ્રકૃતિ ખુદ ઓળઘોળ થઈ ગઈ છે એમ કહેવા કવિ મહુડો ઢળતા દિવસને પીને મત્ત થઈ ગયો હોવાનું પ્રતીક પ્રયોજે છે. માદકતાનો માલિક વિશેષણ પણ કેવું યથોચિત જણાય છે!

ઋતુ અને સમય બાબતની સુસંગતતા જાળવી શકાય તો ગીત સરસમાંથી ઉમદા બને એનું ઉદાહરણ આપણને અહીં પ્રાપ્ત થાય છે. દિવસ ઢળી રહ્યો હોવાની વાત થઈ એટલે પરત ફરી રહેલ ગોધણની ઘંટડીઓ રણકી રહી છે. માળામાં ચાંચમાં ચણ લઈ પરત ફરી રહેલાં પંખીઓ અને એમનાં બચ્ચાંઓને લઈને હર એક માળા જાણે કે ચહેકી રહ્યા છે. કાવ્યાંતે કવિ અરણીને ફોરમતી દર્શાવે છે એ પણ સૂચક છે. અરણીનું વૃક્ષ પવિત્ર ગણાય છે. યજ્ઞ અને લગ્નમાં સમિધ તરીકે એનો ઉપયોગ થાય છે. અરણી યાને શીમડો કે ખીજડાના લાકડામાં અગ્નિ વસેલો હોવાનું ગણાય છે, કારણ કે એના બે ટુકડાને ઘસીને અગ્નિ ઉત્પન્ન કરી શકાય છે. આ કારણોસર આત્માને અરણીની ઉપમા પણ આપવામાં આવે છે. સીમવગડામાં હાજર સેંકડો વૃક્ષોમાંથી કવિએ અરણીનું જ ચયન કેમ કર્યું હશે તે સમજી શકાય છે. આખરી પંક્તિ મુખડા સાથે રચનાને બાંધી આપી એક વર્તુળ પૂર્ણ કરી આપે છે. બે વિધર્મીઓને એક થયેલાં જોઈ સમાજ સળગ્યું, દોડો, ઠારોની રાડો પાડતો હવનમાં હાડકાં નાંખવા આગળ આવે છે. વાસ્તવમાં તો પ્રેમ જ સર્વોપરી ધર્મ છે…

Comments (15)

ખડકી ઉઘાડી હું તો…- વિનોદ જોષી

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;

આમ તેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવા૨,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સુરજ પાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;

રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી’તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એેંકારમાં….
મુને ઉંબર લઈ ચાલ્યો……

– વિનોદ જોષી

એક બીજું રળિયામણું ગીત…. કારીગીરીની બારીકાઈ અદ્દભૂત !!!!!

Comments (2)

કાળું ગુલાબ – હર્ષદ ત્રિવેદી

મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.
અંધારાં આંખોમાં ઊતરી આવ્યાં કે હવે દેખું છું કાળાં હું ખ્વાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

આંગણાનાં તુલસીને પૂજવા તો જાઉં પણ અંદરથી રોકે છે કોક,
માળા તો પ્હેરી છે બબ્બે સેરોની તોય અડવાણી લાગે છે ડોક;
આયનો તો પૂછે છે જુઠ્ઠા સવાલ અને માગે છે સાચા જવાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ !

સપનાં કૈં કાચની બંગડી નથી કે એને પથ્થર પર પટકું ને તોડું,
ઉંબરની બહાર કે દરિયો નથી કે ભાન ભુલું ને ખળખળતી દોડું;
જુઠ્ઠા તો જુઠ્ઠા પણ ગણવાના શ્વાસ અને કરવાના સાચા હિસાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

 

હર્ષદ ત્રિવેદી

 

આવાં સરસ મજાનાં ગીતોની ખોટ સાલે છે ! છેલ્લી પંક્તિ તો જુઓ ! કેવી ઘેરી વેદના….

Comments (1)

(બારણાં) – હર્ષા દવે

ધારણા, ઓવારણાં, સંભારણાં
સાચવે છે કેટલું આ બારણાં.

બંધ બાજી છે સમયના હાથમાં,
આપણે તો બાંધવાની ધારણા.

હાથ કંકુ ઘોળવામાં વ્યસ્ત હો,
આંખથીયે લઈ શકો ઓવારણાં.

કોઈ સાંજે કામ એ પણ આવશે,
સાચવીને રાખજો સંભારણાં.

વાટ જેની હોય એ આવી ચડે,
તો કહો, ખોલી શકીશું બારણાં?

– હર્ષા દવે.

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘હરિ! સાંજ ઢળશે’નું સહૃદય સ્વાગત…

ગઝલના મત્લાનો આસ્વાદ મૂર્ધન્ય કવિ શ્રી વિનોદ જોશીના શબ્દોમાં

“અહીં લક્ષણાની ચડિયાતી ભાતો અનેક રચનાઓમાં મળશે. તેનો અર્થ એ થાય છે કે કવયિત્રી પરિચિત પદાવલિને સૂક્ષ્મ અર્થ કે ભાવસૌન્દર્યના પ્રદેશમાં લઈ જઈ નૂતન અનુભૂતિ જન્માવી શકે છે. અહીં (મત્લામાં) પ્રથમ પંક્તિના ત્રણે શબ્દ અનુક્રમે પ્રતીક્ષા, મિલન અને વિદાયની ઘટનાનો માત્ર અર્થસંકેત આપે છે. પછીની પંક્તિમાં તેની સાથે બારણાંનો સંદર્ભ જોડાય ત્યારે આ ઘટના જે સ્થળે બને છે તેનો અર્થ સાંપડે છે. પણ તેની સાથે જ્યારે ‘સાચવે’ જેવું પદ મુકાય છે ત્યારે વાત બારણાંની મટી જાય છે અને બારણાંની સાક્ષીએ કોઈનામાં સેવાયેલી ઘટનારૂપે મનુષ્યવાચી અર્થમાં ઊઘડે છે. લક્ષણાશક્તિનો આ વિસ્તાર આપણને કાવ્યાત્મક અનુભવ સુધી લઈ જાય છે.”

*

ગઝલમાં કાફિયા બાબતે કવયિત્રીએ કરેલ પ્રયોગ પણ નોંધવા જેવો છે. મત્લામાં કવયિત્રીએ ધારણા, ઓવારણાં, સંભારણાં, અને બારણાં –આ ચાર શબ્દ જે ક્રમમાં વાપર્યા છે, એ જ ક્રમમાં એ જ ચાર શબ્દોને પછીના ચાર શેરમાં કાફિયા તરીકે વાપરીને સફળ અને કાબિલે-તારીફ પ્રયોગ કર્યો છે.

Comments (9)

(રંગરેજ) – નેહા પુરોહિત

મથીમથીને થાક્યો તો પણ રંગાયું ના સહેજ;
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ..

એક લસરકે આભે ઊડે સાત રંગની છોળ,
ક્ષણમાં રંગો દોમદોમ, ને ક્ષણમાં ઊતરે ખોળ!
કયાંથી આવી પૂગ્યું વાદળ, ઢાંક્યું સોનલ તેજ…
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!

એક લહેરખી જળ વરસાવે, નીપજે લીલું રાન;
એક વાયરો એવો વાતો, વનનો પીળચટ વાન!
કિયા રંગની ગાંઠ પડી કે બંધાયું બંધેજ?
કાં તો કાચો રંગ પડ્યો છે, કાં કાચો રંગરેજ!

– નેહા પુરોહિત

લયસ્તરો પર સર્જકના પ્રથમ ગીતસંગ્રહ ‘મને ઓઢાડો અજવાળું’નું હૃદયપૂર્વક સ્વાગત…!

*

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

ઈશ્વરે સર્જેલી સૃષ્ટિ તો સૌ માટે એકસમાન છે પણ એને જોવાનો નજરિયો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ છે. એમાંય કવિની તો વાત જ નિરાળી. રંગબિરંગી દુનિયાને જોઈને જયંત પાઠકે કહ્યું: ‘અજબ મિલાવટ કરી, ચિતારે રંગ પ્યાલીઓ ભરી!’ પણ નેહા પુરોહિત ઈશ્વરની લીલાથી અંજાઈ જાય એમ નથી. એમને મન તો દુનિયામાં રંગ ભરવામાં કાં તો ભગવાન કાચો પડ્યો છે, કાં તો રંગ જ કાચો હતો, કારણ કે સર્જનહાર મથી મથીને થાકી ગયો પણ એકેય વસ્તુ રંગી શક્યો નથી. સમસ્ત સૃષ્ટિ અપાર રંગોનો ભંડાર હોય તેવામાં કવયિત્રીનો આ દાવો પોકળ લાગે પણ સર્જક પોતાના દાવાને સહજતાથી ગળે ઉતરી જાય એ રીતે પુષ્ટિ આપતાં કહે છે: સર્જનહારની પીંછીના એક લસરકામાં તો આભમાં સાત-સાત રંગોની છોળ ઊડે છે. (ફરી જ.પા. યાદ આવે: એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ) પણ આ રંગો સ્થાયી નથી. ક્ષણભરમાં આખી સૃષ્ટિ રંગોથી ભરીભાદરી લાગે છે અને ક્ષણમાં તો રંગોની ખોળ ઊખડી ગઈ હોય એમ રંગ બદલાઈ જાય છે. એકેય રંગ ટકાઉ નથી. સૂરજ જેવા સૂરજનું સોનવરણું તેજ વાદળ ઢાંકી ન દે ત્યાં સુધી જ સલામત છે. વરસાદ આખી દુનિયાને લીલી ચાદર ઓઢાડી દે છે, તો સામા પક્ષે એવુંય બને કે ઊભું વન સૂકાઈ જાય. બંધેજના બંધાવાની વાત રચનાને કાવ્યાંતે અલગ જ સ્તરે લઈ જાય છે..

Comments (11)

(ગમતીલું એક સ્મરણ) – જિજ્ઞા ત્રિવેદી

ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,
ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે!

તું વરસે તો રોમરોમ થઈ જાય હૃદય રોમાંચિત,
મહોરી ઉઠે સોળ કળાએ શમણાંઓ મનવાંછિત,
સ્મિત ધરીને કોઈ અચાનક ધબકારા ઝકઝોરે રે,
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે!

મોસમ છલક્યાની સાથે તું પણ મારામાં છલકે,
ઝરમરના રૂપમાં આવીને આછું આછું મલકે,
સગપણ એક લિલ્લેરું ત્યારે મારામાં પણ મ્હોરે રે,
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,
ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે !

– જિજ્ઞા ત્રિવેદી

એક સરસ મજાના ગીત સાથે લયસ્તરો પર આજે કવયિત્રીના ગીતસંગ્રહ ‘જળના હસ્તાક્ષર’નું સહૃદય સ્વાગત કરીએ…

વાત તો છે ગમતી વ્યક્તિના સ્મરણની પણ બહુ ગમતું જણ કેવળ યાદ જ મોકલાવ્યે રાખતું હોય તો પાંપણો ભીની થવી સ્વાભાવિક છે. ક્યારેક આ સ્મરણ ધોધમાર વરસે છે તો ક્યારેક ફોરે-ફોરે! સ્મરણના વરસાદમાં ભીંજાતી પ્રોષિતભર્તૃકાની બીજી ખેવના સાજન પોતે જ વરસે એ છે. સ્મરણ તો ઠીક, મનનો માણીગર સ્વયં વરસે તો કેવો રોમાંચ થાય, નહીં! (અહીં ભાષા થોડી કઠે છે. રોમાંચિત વિશેષણમાં જ રોમ-રોમ હર્ષણ અનુભવતા હોવાની વાત સમાવિષ્ટ છે એટલે રોમરોમ રોમાંચિત કહેવામાં અંજળપાણી જેવો ભાષાપ્રયોગ થયો અનુભવાય છે. આ સિવાય અહીં કવયિત્રીએ હૃદયના રોમરોમની વાત કરી છે, એય યોગ્ય જણાતું નથી.) બીજા બંધમાં સહેજ લયભંગ છે પણ આ બે’ક ત્રુટિઓને બાદ કરતાં સરવાળે ગીત આસ્વાદ્ય થયું છે…

Comments (7)

મળશે જરૂર – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

પ્રેમથી જે માંગશો, મળશે જરૂર,
સાચી શ્રદ્ધા હોય તો ફળશે જરૂર.

જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર.

માર્ચના તડકાને વેઠી લ્યો જરા,
આ વસંતી વાયરા છળશે જરૂર.

જે વીતેલી વાત ના ભૂલી શકે,
તે વિરહની આગમાં બળશે જરૂર.

માવજત સંબંધની સાચી કરો,
પ્રેમની મીઠાશ ત્યાં ભળશે જરૂર.

– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ ‘યાદ કર’નું સહૃદય સ્વાગત…

આપણી ભાષા, વિચાર, સંવેદના તમામ ઉધારનાં છે. બધું જ આપણને સમાજ પાસેથી મળેલ છે. આપણી કોરી સ્લેટ ઉપર આપણી સમજણ વિકાસ પામે એ પહેલાં તો દુનિયાએ એટએટલું ચિતરી કાઢ્યું હોય છે કે પોતાનું કહી શકાય એવું આપણી પાસે કંઈ બચતું નથી. ‘व्यासोच्छिष्टं जगत्सर्वम् – ખરું ને? આવી ચર્વિતચર્વણ વાતોમાંથી પોતાનો અલગ અવાજ જન્માવવાનું ક્યારેક અઘરું બની જતું હોય છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી આ કાર્ય સુપેરે પાર પાડી શકયા હોવાનું અનુભવી શકાય છે. આ પાંચ શેરોમાં ભાગ્યે જ કોઈ વાત એવી છે, જે આપણે જોઈ-સાંભળી-અનુભવી નહીં હોય, પણ વાતની રજૂઆત કંઈક એ રીતે થઈ છે કે ગઝલ તરત જ ગમી જાય છે. અભિવ્યક્તિની સરળતા સ્પર્શી ગયા વિના ન રહે એવી મજાની રચના.

Comments (8)