‘ઇર્શાદ’ એવું કોઈ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઈને.
- ચિનુ મોદી

હવે રાધાનું નામ નથી રાધા… – યોગેશ પંડ્યા

તારા વિજોગમાં સૂધબૂધને ખોઈ, હવે રાધાનું નામ નથી રાધા,
એ તો પથ્થરની થઈ ગઈ છે, માધા!

મથુરાને મા૨ગે વ૨સોથી બેઠી છે ગાંડીઘેલી એક જોગણ,
દિવસોનું ભાન નથી, રાતોની નીંદ નથી, વલવલતી એક રે વિજોગણ

વ્હાલ માટે ૨વરવતી મૂકીને ગ્યો, તને ફટ્ છે ધૂતારા રંગદાધા…

તારી તે વાંસળીના સૂરમાં મોહીને દોડી આવતી’તી તારા તે બારણે,
મૂકીને જાવું’તું તારે તો શ્યામ! આવો નેડો લગાડ્યો શા કારણે?

રજવાડું રાજ તારી રૂકમિને ખમ્મા! તેં સુખનાં ઓડકાર ભલે ખાધા….

રાધાનું નામ હવે રાધા નથી એ તો ‘ક્હાન’માંથી થઈ ગઈ છે બાદ,
વસમા વિયોગમાં સૌ કોઈ બેઠા છે મારે કોને કરવાની ફરિયાદ?

અંજળ ખૂટ્યા, ’ને થાય વ્હાલમ વેરી – એનું નામ હવે લેવાની બાધા…

– યોગેશ પંડ્યા

રાધા-કૃષ્ણના ગીત ન લખે એ કવિ ન કહેવાય એવો વણલખ્યો ધારો અમલી હોય એમ આપણે ત્યાં દરેક ગીતકવિ રાધા-કૃષ્ણ પર હાથ અજમાવે છે. પણ પરિશુદ્ધ પ્રણયના આ અણિશુદ્ધ પ્રતીક વિશે પ્રવર્તતા ઘાસની ગંજીના ફાલમાંથી તીક્ષ્ણ સોય જેવું આવું રૂડુંરૂપાળું ગીત મળી આવે તો તરત જ ગમતાંનો ગુલાલ કરવાની ઇચ્છા થઈ આવે.

રાધા તરફથી કવિ માધા (માધવ)નો જાયજો લઈ રહ્યા છે. કૃષ્ણવિયોગમાં રાધા પોતાની સૂધબૂધ ખોઈને એવી પથ્થર થઈ બેઠી છે કે હવે એનું નામ સંદર્ભો ગુમાવી બેઠું છે. કૃષ્ણ જે માર્ગે મથુરા વહી ગયા હતા, એ માર્ગ પર પ્રેમજોગણ રાધા પથ્થરની જેમ વરસોથી પ્રતીક્ષારત્ બેઠી છે. જોગણ સાથે અન્ય કોઈ પ્રાસ પ્રયોજવાના બદલે કેવળ જોગણ-વિજોગણની eye-rhyme પ્રયોજીને કવિએ યોગી-વિયોગીને સમકક્ષ બેસાડ્યા છે. રાધા-માધા સાથે રંગદાધા જેવો અનૂઠો પ્રાસ ઉમદા કવિકર્મની સાહેદી પુરાવે છે. શ્યામને રંગદાધો ધૂતારો કહીને કવિએ કમાલ કરી છે. દાધું એટલે આમ તો બળેલું. દિલનો દાઝેલો એવો અર્થ પણ લઈ શકાય. કૃષ્ણના શ્યામવર્ણ ઉપર આવો શ્લેષ ભાગ્યે જ જોવા મળશે. પ્રેમાનંદનું નળાખ્યાન યાદ આવે: ‘લાગી વિષ જ્વાળ દાધો ભૂપ, કાળી કાયા થયું કૂંબડું રૂપ.’

કૃષ્ણનો વધુ ઉધડો લેતાં કવિ કહે છે કે ચાલ્યા જ જવું હતું તો પછી આવડી માયા શીદ લગાવી? પરંતુ આ ઠપકામાં પણ સમ્યકતા છે. એના રાજ-રજવાડાં અને પત્નીની સામે રાધાને કોઈ ફરિયાદ નથી. ભલે પોતાનાથી અળગો થઈને કૃષ્ણકનૈયો સુખના ઓડકાર ખાતો! ખમ્મા કાનજીલાલ! ખમ્મા… આ છે રાધા! આ જ છે સાચો પ્રેમ!

ઉપાડપંક્તિના અડધિયાને ત્રીજા બંધના ઉપાડમાં વાપરીને કવિ રાધાના અસ્તિત્ત્વલોપને કેવી ધાર કાઢી આપે છે! રાધાની ક્હાનમાંથી બાદબાકી થઈ ગઈ છે. અંજળ ખૂટી જાય અને ખુદ વહાલમ જ વેરી થઈ જાય તો પછી ફરિયાદ કોને કરવાની? બાધા જ મૂકી દ્યો હવે એનું નામ લેવાની….

16 Comments »

  1. Beena said,

    September 23, 2022 @ 12:29 PM

    રાધાની પીડને વર્ણવતું ખૂબ જ સરસ ગીત.👌👌

  2. Bharati gada said,

    September 23, 2022 @ 12:53 PM

    ખૂબ સુંદર ગીત રાધાના પ્રેમનો અદ્વિતીય ઉદાહરણ

  3. Barin Dixit said,

    September 23, 2022 @ 2:59 PM

    આપ નિ વાત ૧૦૦% સાચિ ખુબ જ સુન્દર ગિત . Gujarati typing ma locha pade che. Kok saras rite compose karshe to khub maza pade evu git. Thanks for sharing. Ape je rite samjavyu che pachi vadhu kai kehvani jarur nathi.
    Tamari j rachana “ Jamuna na jal kadi ocha na thay “ yaad aavi gai…

  4. Jyoti Kashyap Pandya said,

    September 23, 2022 @ 4:12 PM

    Great 👌👌

  5. DR SNEHAL PANDYA said,

    September 23, 2022 @ 5:46 PM

    ખૂબજ સુંદર રચના!
    ખૂબ ખૂબ અભિનંદન યોગેશભાઈ

  6. Rajesh said,

    September 23, 2022 @ 5:52 PM

    ખુબ સરસ રચના કરે છે

  7. ડૉ. અનિલ વાળા said,

    September 23, 2022 @ 5:58 PM

    સુંદર ગીત
    વાહ કવિ…
    ગુજરાતનો કોઈક જ કવિ એવો હશે કે, જેણે રાધા અને કૃષ્ણ વિષયક ગીત કે કવિતા ન કરી હોય ! સરસ ..અભિનંદન …..

  8. ડૉ. અનિલ વાળા said,

    September 23, 2022 @ 5:59 PM

    સુંદર ગીત
    વાહ કવિ…
    ગુજરાતનો ભાગ્યે જ કોઈક કવિ એવો હશે કે, જેણે રાધા અને કૃષ્ણ વિષયક ગીત કે કવિતા ન કરી હોય ! સરસ ..અભિનંદન ….. ખૂબ આનંદ થયો.

  9. pragnajuvyas said,

    September 23, 2022 @ 7:07 PM

    કવિશ્રી યોગેશ પંડ્યાનુ સુંદર ગીતનો
    ડૉ વિવેકજી દ્વારા ખૂબ સ રસ આસ્વાદ
    વસમા વિયોગમાં સૌ કોઈ બેઠા છે મારે કોને કરવાની ફરિયાદ?
    મૃદુલ ભાષિણી , સૌન્દર્ય રાષીણી, પરમ પુનિતા , નિત્ય નવનીત , રાસ વિલાસીની , દિવ્ય વાસિની નવલ કિશોરી રાધા, અતીહી ભોરી, કંચનવર્ણી , નિત્ય સુખકરણી, સુભગ ભામિની, જગત સ્વામીની કૃષ્ણ આનંદીની , આનંદ કંદીની, પ્રેમ મૂર્તિ , રસ આપૂર્તિ,. નવલ બ્રજેશ્વર , નિત્ય રસેશ્વર, કોમલ અંગીની, કૃષ્ણ સંગીની, કૃપા વર્ષીણી, પરમ હર્ષીણી, સિંધુ સ્વરૂપ,પરમ અનુપા, પરમ હિતકારી ,
    કૃષ્ણ સુખકારી, નિકુંજ સ્વામીની, નવલ ભામિની, રસ રાસેશ્વરી, સ્વયં પરમેશ્વરી, સકલ ગુણીતા, રસીકીની પુનિતા રાધા એજ કૃષ્ણને હાથ જોડી વંદન કરું હું_નિત નિત કરું પ્રણામ_મનથી હું ગાતી રહું_શ્રી રાધા કૃષ્ણ નામ.

  10. Kirit Bhakta said,

    September 23, 2022 @ 7:23 PM

    રાધાની વેદના તો દુનિયાએ જાણી, પણ માધવની વેદના અજાણી…

  11. Parbatkumar Nayi said,

    September 23, 2022 @ 8:11 PM

    વાહ વાહ વાહ સરસ મજાનું ગીત

  12. કિશોર બારોટ said,

    September 24, 2022 @ 12:13 AM

    ગમી જાય તેવું ગીત. 👌🏻

  13. Manisha said,

    September 24, 2022 @ 8:59 PM

    Nice👏👏

  14. Aasifkhan said,

    September 29, 2022 @ 2:18 PM

    સરસ ગીતનો સરસ આસ્વાદ
    વાહ

  15. Poonam said,

    September 29, 2022 @ 4:13 PM

    …રજવાડું રાજ તારી રૂકમિને ખમ્મા! તેં સુખનાં ઓડકાર ભલે ખાધા….
    – યોગેશ પંડ્યા – Maadha, (Rang)Dhadha, Badhaa ! 👌🏻

    Aaswad mast sir ji

  16. યોગેશ પંડ્યા said,

    September 30, 2022 @ 7:57 PM

    આ ગીત ‘કુમાર’ ના સપ્ટેમ્બર-2022 ના અંકમાં હજી પ્રગટ જ થયું છે.અને એને લયસ્તરો ઉપર એક આસ્વાદક ગીત તરીકે સ્થાન મળ્યું એનો હરખ તો કેટલો બધો થાય? હું દોમદોમ ખુશી થી છલકાઈ જ ગયો.એ માટે કવિતાના જાણતલ અને માણતલ કવિ શ્રી ડો.વિવેક ભાઈ ટેલર(ડો.વિવેક ટેલર😊) નો ખૂબ ખૂબ આભાર માનું છું.
    આ ગીત ને આપ સર્વે ભાવકોએ ઉમળકા થી માણ્યું.. જાણ્યું..અને એને વિશે મમતા થી જે કાંઈ લખ્યું એને માટે આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું.આપ સૌનો આવો ને આવો જ પ્રેમ મળતો રહે એ જ અભિલાષા..-યોગેશ પંડ્યા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment