દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.
ગની દહીંવાલા

હાઇકુ – ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’

હાથ ઝાલીને
અંધારનો, ઊતર્યો
ઘરમાં ચંદ્ર.

અમાસી રાતે
અંધારું ટોળે વળી
આગિયા શોધે.

જળ જીવંત
પનિહારીના સ્પર્શે
તળાવકાંઠે.

નિર્જન પથ
યુગોથી ચાલ્યા કરે
એકલપંડે.

બંધ બારણે
આવીને પાછા જાય
જૂના ચપ્પલ.

પવન દોડ્યો
બજારે છત્રી લેવા
વરસાદમાં.

છત્રી ઓઢીને
વગર વરસાદે
દંપતી ભીંજે.

– ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’

લયસ્તરોના આંગણે કવિના હાઇકુસંગ્રહ ‘શાશ્વત સુખ’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી ગમી ગયેલ કેટલાક હાઇકુ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. પહેલા હાઇકુ વિશે બે’ક શબ્દો: રોજબરોજની કોઠે પડી ગયેલી ઘટનાઓ, જેની આપણે નોંધ લેવાનું પણ છોડી દીધું હોય, એને દર સવારે પુષ્પની પાંદડી પર પ્રગટ થતા ઝાકળની કુમાશ અને તાજગી દઈ નવોન્મેષ કરાવી આપણી સમક્ષ રજૂ કરે એ કવિતા. રાતના અંધારામાં ચાંદની બારીમાંથી ઘરમાં પ્રવેશે એ એટલું સાહજિક અને કાયમી હોય છે, કે ભાગ્યે જ કોઈ એના પર ધ્યાન આપતું હોય છે. આવી સાવ જ હાંસિયામાં ધકેલાઈ ગયેલ ઘટનાને હાઇલાઇટ કરી નવો ઓપ આપે એ જ સારી કવિતા. જુઓ, કવિ શું કહે છે તે… કોઈનો હાથ પકડીને કોઈ ઘરમાં ઊતરી આવતું ન હોય એ રીતે કવિ ચાંદનીને નહીં, સાક્ષાત્ ચંદ્રને અંધારાનો હાથ પકડીને ઘરમાં ઊતરતો જુએ છે. આટલો સજીવ સજીવારોપણ અલંકાર ઓછો જ પ્રયોજાયેલ જોવા મળે છે.

8 Comments »

  1. યોગેશ પંડ્યા said,

    September 29, 2022 @ 11:57 AM

    ઝીણું ઝીણું રેશમ કાંતી ને રેશમની એક દોર માં જલઝીણા મોતી પરોવવાની ઘટના એટલે એક હાઈકુ !
    ગુરુદેવ પ્રજાપતિએ ખૂબ સરસ હાઈકુ લખ્યા છે.મનભાવન શબ્દ પદાવલીઓ!
    અભિનંદન💐

  2. gurudev prajapati said,

    September 29, 2022 @ 1:55 PM

    ખૂબ ખૂબ આભાર
    લયસ્તરો.

  3. Bharati gada said,

    September 29, 2022 @ 2:34 PM

    વાહ ખૂબ સરસ બધા જ હાઈકુ

  4. Keshav Suthar said,

    September 29, 2022 @ 3:21 PM

    માત્ર સત્તર અક્ષરમાં કવિ આખું ભાવવિશ્વ શબ્દચિત્ર સ્વરૂપે નજર આગળ ખડું કરી દે એ હાઈકુ. સ્વરૂપની દૃષ્ટિએ બિંદુ અને મર્મની દૃષ્ટિએ સિંધુ એટલે હાઈકુ. મૂળે જાપાની લઘુકાવ્યપ્રકાર હાઈકુને ગુજરાતી સાહિત્યમાં ઉતારનાર અને પ્રસિદ્ધિ અપાવનાર સ્નેહરશ્મિથી માંડીને આજ સુધી હાઈકુ લખાતાં આવ્યાં છે. પરંતુ સાંપ્રત સમયમાં સાવ ઓછા પ્રમાણમાં ખેડાતું સાહિત્ય સ્વરૂપ છે એવા કટોકટીના સમયમાં આખો હાઈકુ સંગ્રહ ગુજરાતી સાહિત્યને મળે એ ખૂબ સારી વાત છે, આવકાર્ય છે… સ્વાગત છે… હું તેમનાં હાઈકુ fb પર વાંચતો હોઉં છું… ખૂબ સારાં હોય છે. ગુરુદેવભાઈ પ્રજાપતિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… સાહિત્યની સેવા કરતા રહો… વંદન…
    – કેશવ સુથાર

  5. Poonam said,

    September 29, 2022 @ 4:07 PM

    બંધ બારણે
    આવીને પાછા જાય
    જૂના ચપ્પલ.
    – ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’ – Bahot khoob !
    Aaswad 👌🏻

  6. pragnajuvyas said,

    September 29, 2022 @ 8:21 PM

    ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’ના હાઇકુસંગ્રહ ‘શાશ્વત સુખ’નું સહૃદય સ્વાગત.
    હાથ ઝાલીને
    અંધારનો, ઊતર્યો
    ઘરમાં ચંદ્ર.
    પહેલુ ખૂબ સરસ હાઇકુ માણતા…
    મનસો જાત:
    શ્રૌં સ:ચન્દ્રાય નમ:
    ૐ શ્રામ્ શ્રીમ્
    ઘરમાં ચંદ્ર વાતે-વૈજ્ઞાનિકો પણ આવી ચંદ્રની રાસલીલાને સમર્થન આપે છે.‘પુરુષ સુકતમાં ‘ચંદ્રમાં મનસા જાત:’ એવું વાકય છે તે કહે છે કે ‘મનનો અધિષ્ઠાતા દેવ ચંદ્ર છે. મનના તરંગો અને વિચારોને ચંદ્રની કળા સાથે સીધો સંબંધ છે…’મનોવિજ્ઞાની ડો.ઈવાન કેલીથી માંડીને કવિ શેલી સુધીનાએ પોતાનાં નિરીક્ષણો લખ્યાં છે આ બધા લેખકો કહે છે કે ચંદ્ર સોળ કળાએ ખીલ્યો હોય ત્યારે લોકોમાં થોડું પાગલપણ આવે છે.અંગ્રેજીમાં ગાંડાને લ્યુનેટિક કહે છે. લેટિન શબ્દ લ્યુનર પરથી ચંદ્રનું આ નામ છે. કોઈ ચક્રમ બન્યો હોય તેને મૂનસ્ટ્રક પણ કહે છે. અવકાશ વિજ્ઞાનીઓ કે મનોવિજ્ઞાનીઓ તો માને છે કે ચંદ્રની માનવના મૂડ ઉપર વિપરીત અસર થાય છે કવિ વિધાપતિની ચંદ્રને લગતી મૈથીલી કવિતાનો અંગ્રેજી અનુવાદ અંગ્રેજ કવિ એડવર્ડ ડીમોકે કર્યોછે. કવિ વિધાપતિ કહે છે કે ‘આજે પૂર્ણ ચંદ્રની કળા મારા જીવનમાં ખીલી છે. ભલે આજે કોયલો કુંજન કરે-કરવા દો ભલે આજે કામદેવ મને તેના પાંચ પાંચ બાણ મારે. તે બાણ પૂિર્ણમાને દિવસે ૫૦૦૦ થઈ જશે… બાણ મારવા દો. ભલે થઈ જાય.
    આજકાલ ભાવશૂન્ય અને પ્રભાવશૂન્ય કવિતાઓ વધારે લખાય છે. કેટલાક તો એક પંક્તિને તોડીને ત્રણ પંક્તિ બનાવે છે; જેમાં ન છંદ હોય, ન લય હોય, ન વિચાર, ન કલ્પના; ત્યારે શ્રી ગુરુદેવ પ્રજાપતિ ‘ફોરમ’ પોતાના પ્રાણ રેડીને હાઈકુને જીવન પ્રદાન કરે છે અને માણનારને આનંદથી ભરી દે છે.
    ડૉ વિવેકજીનો સ રસ આસ્વાદ
    ધન્યવાદ

  7. વીરેન્દ્ર રાવળ said,

    September 28, 2024 @ 8:22 PM

    ખૂબ સુંદર હાઈકુ!
    અભિનંદન ગુરુદેવભાઈ!

  8. Jigisha Desai said,

    September 28, 2024 @ 8:57 PM

    ખૂબસરસ હાઈકુઓ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment