રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિન્ધુના ઉરમાં તો ઉઠશે અમી-વાદળી !
પૂજાલાલ

છેલ રમતૂડી – દલપત પઢિયાર

છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
એની ચાર ચાર ગઉની છાંય
દીવડા શગે બળે
એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
આથમતાં ઉકેલી ન પાદર થરથરે રે લોલ.

આયો અષાઢીલો મેઘ
નદીએ નઈ જઉં
અલી ચ્યાં ચ્યાં ટઉચ્યા મોર, સાહેલી!
પેંજરના પંખી ને વાયક પાછાં ફરે રે લોલ.

લીલી ઓકળીઓની ભાત્ય
વગડે વેરઈ ગઈ
પેલા પાણિયારાની પાળ, સાહેલી!
નજરુંને ઊતારો નેવાં જરે છલે રે લોલ.

પેલા મારીડાને ભાગ
મરવો નઈં બોલે,
પેલા સુથારીને હાટ
મંડપ નઈં ડોલે,
હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.

– દલપત પઢિયાર

ડુંગળીનાં પડની જેમ સારી કવિતામાં અર્થનું એક પડળ હટાવતાં બીજું ને બીજું હટાવતાં ત્રીજું હાથ લાગતું રહે છે. ડુંગળીના બધા પડ ઉખેડી નાંખ્યા બાદ હાથમાં તીવ્ર ગંધ અને આંખોમાં પાણી બચે છે, એ જ રીતે કાવ્યાર્થના તમામ પડળ નાણી લીધા બાદ અંતે જે શૂન્યાવકાશ બચે છે એ આત્માનુભૂતિનું જ બીજું નામ કવિતા… જીવનની સાંજના કિનારે બેસીને મુક્તિની રાહ જોતી સ્ત્રીનું આ ગીત જુઓ… તમામ અર્થચ્છાયાઓ બાદ કરી લેવાયા બાદ પણ અહીં કંઈક એવું તત્ત્વ બચે છે, જે આપણને છે…ક ભીતર સુધી સ્પર્શી જાય છે… શું આને જ સાચી કવિતા કહેતા હશે? મને જે સમજાયું છે તે મારી મજા છે, પણ ગીતનું ભાવવિશ્વ તો કદાચ હજી વધુ ઊંડું છે અને મારી સમજણથી સાવ અલગ પણ હોઈ શકે છે.

સાહેલી સાચા અર્થમાં મિત્ર માટેનું સંબોધન પણ હોઈ શકે અને જાત સાથે વાત કરવાની પ્રયુક્તિ પણ હોઈ શકે. પૂનમનો મેળો, એમાં ચાર-ચાર ગાઉ સુધી છાંય પાથરતો પારસપીંપળો, પ્રજ્વલિત દીવડાં ભર્યાભાદર્યા જીવન અથવા જીવનસાથી તરફ ઈંગિત કરે છે. પૂનમ અજવાસનું અને મેળો ભરચક્કતાનું પ્રતીક છે, તો પારસપીપળો પવિત્રતા અને વિશાળતાનું. પણ હવે દિવસ આથમવા આવ્યો છે એટલે પાદરમાં અંધારાં ઉતરતાં અંધારે ઉકેલી ન શકાતું જીવતર જાણે કે થરથરી રહ્યું છે. અષાઢી મેઘની વાત આવે એટલે મેઘદૂત પણ યાદ આવે. પણ નાયિકા નદીએ જવાની ના કહે છે. નદીકિનારે ટકુકતાં મોર જોવાની એની તૈયારી નથી. કદાચ જીવનસાથીની પ્રતીક્ષાની અહીં વાત છે. સાથી સાથે ન હોય તો મેઘ અને મોર –કશામાં મન ન લાગે એ સહજ છે. સાંજટાણે પંખી માળામાં પરત ફરે એ તો સહજ ઘટના છે, પણ અહીં કવિ પિંજરના પંખીના પાછાં ફરવાની વાત કરે છે એ ધ્યાનાર્હ છે. દેહ-પ્રાણના સંદર્ભ અહીં ઊઘડે છે. પિયુઆગમનની અપેક્ષામાં આંગણે કરેલ લીલી ઓકળીઓની ભાત હતી-ન હતી થવા આવી છે. પાણિયારે તો બેડાં ઉતારવાનાં હોય, કવિ નજર ઉતારવાનું કહે છે. કારણ કે પાણી તો આંખોને છલકાવી જ રહ્યાં છે. માળીના બાગમાં હવે મરવા ખીલનાર નથી અને સુથારની હાટમાં માંડવા મંડાનાર નથી. જીવનના પ્રસંગો સહુ ખતમ થયાં છે. આવીને ગયેલા સહુ દિવસો જમણી આંખે ફરકી રહ્યા છે. કાગડાને ઊડાડી દે, સહેલી… હવે અહીં કોઈ આવનાર નથી. કાગડાને ઉડાડવાની વાતમાં કાયા છોડીને જીવ શિવ તરફ ગતિ કરે એવી અર્થચ્છાયા પણ ભળેલી છે.

સરવાળે, સાવ નોખી તરેહનું ગીત.

12 Comments »

  1. pragnajuvyas said,

    September 10, 2022 @ 4:36 AM

    મા કવિશ્રી દલપત પઢિયારનુ તળપદી ભાષામાં જરા હળવેથી ઊઘડતું મધુરું ગીત
    તેવો જ સ રસ આસ્વાદ
    અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં મોટા ભાગના કવિઓ પરંપરા સાથે અનુસંધાન સાધે છે અને તેમાં પણ જ્ઞાનમાર્ગી તેમજ ભજન પરંપરાને સાથે લઈને ચાલનારા કવિઓમા હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર, નિરંજન રાજ્યગુરુ અને સંજુ વાળા છે. પરંતુ દલપત પઢિયાર બધા કવિઓ કરતાં પોતાની સર્જનપ્રક્રિયા દ્વારા નોખા તરી આવે છે. તેમની —
    ‘હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
    આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.’
    સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવાની જે વાત છે તેની ચર્ચા દેખાય છે. જીવ શિવ રૂપ બની જાય છે. મનુષ્ય આધ્યાત્મિક માર્ગ તરફ આગળ ગતિ પ્રાપ્ત કરે છે.
    સ્ત્રી પરણી ન હોય તો કુમારિકા, ધણી જીવતો હોય તો સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયો હોય તો પ્રોષિતભર્તુકા, મરી ગયો હોય તો વિધવા પણ મરણની રાહ જોતી સ્રીને માટે કયો શબ્દ ?

  2. Varij Luhar said,

    September 10, 2022 @ 2:39 PM

    કવિશ્રી દલપત પઢિયાર સાહેબના
    મધૂરા ગીતનો અદભૂત આસ્વાદ
    કોઈ પણ જાતની વિદ્વતા દેખાડ્યા વિના
    કાવ્યના મર્મને આપ જે રીતે ખોલી આપો
    છો તે ખૂબ ગમે છે.. આસ્વાદ્ય હોય છે

  3. Bharati gada said,

    September 10, 2022 @ 2:50 PM

    ખૂબ સુંદર લય બધ્ધ ગીતનો ખૂબ સુંદર આસ્વાદ 👌👌

  4. પીયૂષ ભટ્ટ said,

    September 10, 2022 @ 3:03 PM

    વાહ, પોતીકી તળપદી ભાષા શૈલી અને નિતાંત ગ્રામ્ય પરિવેશમાં લખાયેલ આ ગીત રચના ને સરસ રીતે ઉકેલી એનાં અર્થ ગાંભીર્ય સુધી પહોંચવા માટે આપનો આસ્વાદ માણ્યો. અહીં કવિ એ કહેવા ધારેલી કેટલીક અમુક અણ ઉકેલી વાત આપે મજા આવે તે રીતે ખોલી આપી છે. કલ્પન, ભાવ જગત અને પ્રતીકાત્મક રીતે લોકગીત જેવા લય ઢાળ લઈ આવતી આ ગીત નિર્મતી આપણાં ગુજરાતી સાહિત્ય ની સુંદર રચના છે. અભિનંદન દલપતભાઈ ને અને આપને.

  5. હર્ષદ દવે said,

    September 10, 2022 @ 4:07 PM

    કાવ્યનાયિકા દ્વારા કવિએ ગીતની સંરચનામાં પ્રાદેશિક લોકબોલીનો વિનિયોગ તો સરસ રીતે કર્યો જ છે એટલું જ નહીં પરંતુ ગીતકવિતામાં નવું સંવેદન અભિવ્યકત કર્યું છે. આથી આ રચના અન્ય ગુજરાતી ગીતોથી અલગ ચીલો ચાતરે છે. બોલચાલની ભાષામાં મીઠાશ હોય પણ એમાં અંગત પીડાનું ઉમેરણ થાય ત્યારે જે નીપજે તે રેશમી રૂમાલ પર સરી પડતાં આંસુ જેવું આ ગીત.
    આપના આસ્વાદ દ્વારા જ આ ગીતકવિતા વધુ સારી રીતે ઉઘડી છે. કવિ સાથે આપને અભિનંદન.

  6. Poonam said,

    September 10, 2022 @ 6:01 PM

    “હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
    આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.”
    – દલપત પઢિયાર – Sa- ras !

    …ડુંગળીનાં પડ ! 👌🏻

  7. preetam lakhlani said,

    September 11, 2022 @ 9:04 AM

    ગીતનો અદભૂત આસ્વાદ,કવિ સાથે આપને અભિનંદન.

  8. Dr Hemant P Chauhan said,

    September 11, 2022 @ 9:55 AM

    અદ્ભૂત ગીત. આવા ગીતો જ લયસ્તરોની શોભા છે. અને હજારો આવા બેજોડ ગીત, કાવ્ય, ગઝલ અહીં છે જ. ગયા મહિને, વચ્ચે બે ચાર ગીત /ગઝલ જરા નબળાં આવી ગયા. એક જગ્યાના / જિલ્લાના જ કવિઓ ( कवियित्री) ને સ્થાન આપવાની ઘેલછામાં કદાચ.

  9. pragnajuvyas said,

    September 11, 2022 @ 6:45 PM

    મા.ડૉ. હેમંતશ્રી
    અહીં ફક્ત તરફેણ કરતી કોમેન્ટ જ અપ્રુવ થાય છે એવું નથી.તમારે નામે ,સભ્ય ભાષામાં -તમે સંમત ન થતા હોય તેવી કોમેંટ પણ માથે ચઢાવાય છે.આપની આ કોમેંટ ‘ગયા મહિને, વચ્ચે બે ચાર ગીત /ગઝલ જરા નબળાં આવી ગયા. એક જગ્યાના / જિલ્લાના જ કવિઓ ( कवियित्री) ને સ્થાન આપવાની ઘેલછામાં કદાચ.’મા વિગતે જણાવશો તો અમને શીખવાનું મળશે, આનંદ થશે.

  10. વિવેક said,

    September 12, 2022 @ 5:52 PM

    @ ડૉ. હેમન્ત પી. ચૌહાણઃ

    આપના પ્રામાણિક પ્રતિભાવનું સહૃદય સ્વાગત છે. આપને ભાવનગરની ચાર કવયિત્રીઓની ચાર રચનાઓ ન ગમી એ અણગમાનો અમે સ્વીકાર કરીએ છીએ…

  11. વિવેક said,

    September 12, 2022 @ 5:53 PM

    @ પ્રજ્ઞાજુ:

    જ્યાં સુધી લયસ્તરોની પડખે આપ જેવા સુજ્ઞ ભાવકો ઊભા હશે, ત્યાં સુધી લયસ્તરોની યાત્રા ચાલુ રહેશે…

    ખૂબ ખૂબ આભાર.

  12. Mayurika Leuva-Banker said,

    September 16, 2022 @ 11:21 AM

    લોકબોલીમાં પટ્ટણી ભાષાનું ગીત વાંચવા મળે એ અંગત રીતે મારા માટે આનંદદાયક ઘટના છે.
    જીવનના સઘળા રસ તરબતર જીવી લીધા બાદ માણસમાં સ્વયંભૂ પ્રગટતી વૈરાગ્યની લાગણીનું અનોખી રીતેભાતે નિરૂપણ કરતું સુંદર ગીત.
    આવાં મોતી શોધી લાવીને ગુજરાતી ભાવકો સુધી પહોંચાડી આપવા બદલ આભાર.🌻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment