તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
મુસાફિર

(ગમતીલું એક સ્મરણ) – જિજ્ઞા ત્રિવેદી

ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,
ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે!

તું વરસે તો રોમરોમ થઈ જાય હૃદય રોમાંચિત,
મહોરી ઉઠે સોળ કળાએ શમણાંઓ મનવાંછિત,
સ્મિત ધરીને કોઈ અચાનક ધબકારા ઝકઝોરે રે,
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે!

મોસમ છલક્યાની સાથે તું પણ મારામાં છલકે,
ઝરમરના રૂપમાં આવીને આછું આછું મલકે,
સગપણ એક લિલ્લેરું ત્યારે મારામાં પણ મ્હોરે રે,
ગમતીલું એક સ્મરણ પાંપણે ચોમાસું છટકોરે રે,
ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે !

– જિજ્ઞા ત્રિવેદી

એક સરસ મજાના ગીત સાથે લયસ્તરો પર આજે કવયિત્રીના ગીતસંગ્રહ ‘જળના હસ્તાક્ષર’નું સહૃદય સ્વાગત કરીએ…

વાત તો છે ગમતી વ્યક્તિના સ્મરણની પણ બહુ ગમતું જણ કેવળ યાદ જ મોકલાવ્યે રાખતું હોય તો પાંપણો ભીની થવી સ્વાભાવિક છે. ક્યારેક આ સ્મરણ ધોધમાર વરસે છે તો ક્યારેક ફોરે-ફોરે! સ્મરણના વરસાદમાં ભીંજાતી પ્રોષિતભર્તૃકાની બીજી ખેવના સાજન પોતે જ વરસે એ છે. સ્મરણ તો ઠીક, મનનો માણીગર સ્વયં વરસે તો કેવો રોમાંચ થાય, નહીં! (અહીં ભાષા થોડી કઠે છે. રોમાંચિત વિશેષણમાં જ રોમ-રોમ હર્ષણ અનુભવતા હોવાની વાત સમાવિષ્ટ છે એટલે રોમરોમ રોમાંચિત કહેવામાં અંજળપાણી જેવો ભાષાપ્રયોગ થયો અનુભવાય છે. આ સિવાય અહીં કવયિત્રીએ હૃદયના રોમરોમની વાત કરી છે, એય યોગ્ય જણાતું નથી.) બીજા બંધમાં સહેજ લયભંગ છે પણ આ બે’ક ત્રુટિઓને બાદ કરતાં સરવાળે ગીત આસ્વાદ્ય થયું છે…

7 Comments »

  1. ઉદય મારુ said,

    September 2, 2022 @ 12:58 PM

    વાહ સરસ ગીત અને આસ્વાદ

  2. Bharati gada said,

    September 2, 2022 @ 1:06 PM

    ખૂબ સુંદર ગીત સુંદર આસ્વાદ સાથે 👌👌

  3. રિયાઝ લાંગડા (મહુવા). said,

    September 2, 2022 @ 1:41 PM

    ખૂબ સુંદર ગીત…👌

  4. Jigna Trivedi said,

    September 2, 2022 @ 2:28 PM

    વિવેકભાઈ, લયસ્તરો પર ગીત સંગ્રહ – જળના હસ્તાક્ષર – નું એક ગીત સાથે સ્વાગત કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર.અહીં શુભેચ્છા પાઠવતાં પ્રત્યેક કવિઓ, ભાવકોનો પણ હ્રદયથી આભાર.

  5. નેહા said,

    September 2, 2022 @ 8:20 PM

    જીજ્ઞાબહેનનું મજાનું ગીત.. વાહ વાહ.

  6. pragnajuvyas said,

    September 2, 2022 @ 8:39 PM

    સુંદર ગીત
    સ રસ આસ્વાદ

  7. Poonam said,

    September 3, 2022 @ 10:51 AM

    ક્યારેક વરસે ધોધમાર ને ક્યારેક વરસે ફોરે રે !
    – જિજ્ઞા ત્રિવેદી – Sundar !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment