આ કેવી નીંદર – જિગર જોષી ‘પ્રેમ’
આ કેવી નીંદર જેમાંથી જાગ્યા પણ ના જાગ્યા
આટઆટલું દીધું એણે; તોય અખેવન માગ્યા!
હથેળીઓના દરિયા જેનાં તળ ના લાગ્યાં હાથ
જે મૂક્યું તે ડૂબ્યું એમાં, આ તે કેવી ઘાત!
માયાનાં મોજામાં સૌએ પગ પલાળ્યે રાખ્યા.
આંખો આપી, દૃષ્ટિ દીધી; તોય ન જાણ્યું સત
‘જીવ’માં કોણે પાડ્યા અક્ષર; કોણે લખિયો ખત?
મંદિરિયા પર ‘ધજા’ નામને ફરફરતાં બસ રાખ્યા.
– જિગર જોષી ‘પ્રેમ’
મનુષ્યની ઇચ્છાનો કોઈ અંત જ હોતો નથી. ખુલ્લી આંખે આપણે આખી જિંદગી ઊંઘવામાં જ પસાર કરીએ છીએ. એણે આપેલું આપણને કદી પૂરું પડતું નથી. આપણા હાથમાં જે આવે એ આપણને ઓછું જ પડે છે. ટાગોર યાદ આવી જાય: ‘તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.’ એણે આપેલી દૃષ્ટિથી આપણે સત જોઈ શકતાં નથી. આપણાં મંદિર પર એના નામની ધજા ફરફરતી રહે છે, માત્ર. ભીતર કંઈ જ નથી…