ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે
– જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2020

એવો આ પ્રેમનો સંબંધ છે… – હિતેન આનંદપરા

પ્રીતનો એ નાતો, એ વરસાદી રાતોની વાતોની યાદો મોઘમ છે
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.

ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.

જેની શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે

જોઈ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું

આંખોમા તારી બનાવીશ હું ઘર
છોને દુનિયાના દરવાજા બંધ છે

પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
એ પળની મજા કંઈ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો’કે હું કહું

ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…

– હિતેન આનંદપરા

Comments (4)

શું કરું! – અમૃત ઘાયલ

શુષ્ક છું, બટકું નહીં તો શું કરું !
અધવચે અટકું નહીં તો શું કરું !

રાફડા કોળ્યા છે રજના પાંપણે,
પાંપણો ઝટકું નહી તો શું કરું !

ક્યાં સુઘી હોઠોમાં ભીંસાતો રહું ?
શબ્દ છું, છટકું નહીં તો શું કરું !

‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં,
હું મને ખટકું નહીં તો શું કરું ?

બેસવા દે છે ન બેચેની કશે,
આમ હું ભટકું નહીં તો શું કરું !

જીવ અદ્ધર, શ્વાસ પણ અદ્ધર હવે,
લાશ છું, લટકું નહીં તો શું કરું !

ઊંચક્યું જાતું નથી ‘ઘાયલ’ જરી,
શીશ જો પટકું નહીં તો શું કરું !

– અમૃત ઘાયલ

 

‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં……. – એવું લાગ્યું કે જાણે શાયર મારા દિલમાં ઝાંકી શકે છે !!!

Comments (3)

રે ગિરનારી બાવા -પારુલ ખખ્ખર

રે ગિરનારી બાવા,
રે ગિરનારી બાવા તુજને વિનવું જોડી હાથ
તને હું શીશ ટેકવું નાથ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારી આંખ્યું વચ્ચે તગતગ તાતા તેજ
સુકવ્યા કયા તાપણે ભેજ
તને કાં ફરક ન પડતો સ્હેજ
તે તો છાંડી ફૂલની સેજ
અને હું….
અને હું ઊગતાં નમતાં પહોર વચાળે
ભાત ભાતના શોર વચાળે
રંગબિરંગી મોર વચાળે
કાળ કાચલી તોડી તોડી ખાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારા વનમાં વહેતા આછા આછા નીર
બોલે કોયલ-કાગા-કીર
તારી અંદર ધૂણે ગીર
તું તો થઈ ગ્યો પીર-ફકીર
અને હું…
અને હું એકલપંડે ગામ વચાળે
ભાંગ્યા તૂટ્યા ઠામ વચાળે
ના ખૂટનારા કામ વચાળે
કાળ સળીને સાવરણે વાસીદા વાળ્યે જાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
તારી જટા સાચવી બેઠી સઘળા ભેદ
ઉડાડયા કેટકેટલા છેદ!
ઉતાર્યા કેવા કેવા મેદ!
ફગાવી સાતસાંકળી કેદ
અને હું…
અને હું અહીંયા ઊભી આળ વચાળે
જનમ-મરણની જાળ વચાળે
એક અજાણી ફાળ વચાળે
કાળનદીમાં લૂગડાં ધોતી જાવ
કે મારા જોગી પાછો આવ…

રે ગિરનારી બાવા,
મારી અરજી વાંચી દેજે થોડું ધ્યાન
હવે ના સહેવાતા તોફાન
સાધવા અઘરા શરસંધાન
કરી લઉં દૂર દેશ પ્રસ્થાન
અને તું…
અને તું ઇહલોક પરલોક વચાળે
આંસુડાં ને પોક વચાળે
સૂના ચાચર ચોક વચાળે
કાળ પથ્થરે માથું ફોડી ખુદને ખાજે રાવ
કે મારી જોગણ પાછી આવ…
કે મારી જોગણ પાછી આવ.

-પારુલ ખખ્ખર

૨૦-૨૦ના આ જમાનામાં આપણને આવા લાંબા ગીતની આદત રહી નથી પણ થોડો સમય અને ધીરજ ફાળવીને નજર નાંખીએ તો સરવાળે પસ્તાવું નહીં પડે એવું ફળદ્રુપ ગીત. રાજકોટ-અમરેલીનું ફરજંદ ગિરનારને કેન્દ્રસ્થ રાખી આવું ગીત લખે તો જૂનાગઢના કવિઓએને જરૂર મીઠી ઈર્ષ્યા થવાની. ચાર બંધના ગીતમાં નાયિકા અડધે સુધી નાથ અને અડધેથી જાતની વાતને સામસામે ગોઠવીને બંનેના જીવનનો વિરોધાભાસ જે રીતે ધારદાર બનાવે છે એ આ ગીતનો પ્રાણ છે. દરેક અંતરાના અંતે કાળની વાત આવે છે, જો કે કાળસળી અને કાળનદીમાં એ વાત જેટલી સહજતાથી આવી છે, એટલી કાળકાચલી અને કાળપથ્થરમાં આવી હોત તો વધુ મજા આવત.

નાથ સંસાર ત્યજીને ગિરનાર પર્‍ બાવો બની અડિંગો જમાવી બેટઃઓ છે અને નાયિકા હાથ જોડીને, પગે પડીને એને પાછો આવવા મનાવી રહી છે. જોગીની આંખમાંથી સંબંધની ભીનાશ સૂકાઈને તગતગતા તેજમાં ફેરવાઈ ગઈ છે. નાયિકા રંગોભર્યા વૈવિધ્યસભર સંસારમાં અટૂલી પડી જઈ, પ્રતીક્ષાની પળો પર જીવી રહી છે. છેવટે, નાયિકા યોગ્ય ચીમકી આપતાં કહે છે કે તારા વિના આ જીવન જીવી શકાય એમ નથી રહ્યું. ન કરે નારાયણ ને હું મૃત્યુ પામું તો તું બે લોક વચ્ચે ત્રિશંકુની જેમ લટકી જશે, કાળના પથ્થર પર માથું ફોડીને રડતો-પોકારતો રહી જશે કે મારી જોગણ, પાછી આવ.. પણ એ વખતે જોગણ તો…

કવયિત્રીએ ચુસ્તપ્રાસ-સાંકળી અને મજબૂત લયના સહારે આખા ગીતને બહુ સજ્જતાથી બાંધ્યું છે.

Comments (6)

(લાગે છે) – હરીશ ઠક્કર

ચાલ જ્યારે ઉડાન લાગે છે
પગ તળે આસમાન લાગે છે

સાંજ પડતાં દિવસ થયો ઘરડો
રાત આખી જવાન લાગે છે

આપણા હાથમાં હલેસા છે
પણ પવનનું સુકાન લાગે છે

સ્વાદ નહિ ચાખે એ સફળતાનો
એનાં મોંમાં જબાન લાગે છે

ભાગ્યમાં કેમ માનતો નથી એ ?
આદમી ભાગ્યવાન લાગે છે.

બાપ છે એ બધાનો, ક્યાં ના છે ?
આપણો ઓરમાન લાગે છે.

– હરીશ ઠક્કર

સરળ બાની અને ઉત્તમ ગઝલ હરીશ ઠક્કરની ઓળખ છે. અને પ્રસ્તુત રચના એની ભરપૂર ચાડી ખાય છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે…

Comments (6)

મિત્રને… – રમેશ પારેખ

ન હોત પ્રેમ તો શું હોત? છાલ જાડી હોત?
હું વૃક્ષ હોત ને હે મિત્ર, તું કુહાડી હોત.

થતું હે મિત્ર, તને ખિલ્યો ખિલ્યો જોઈને
અરે, હું તારા વગર કેવી ફૂલવાડી હોત!

તું આલ્બમોને સજીવન કરી ન શકતો હોત
તો ફોટો હોત હું ને સ્વયં કબાડી હોત.

તેં મારી બૂમનો તરજૂમો ગુલમહોરમાં કર્યો
થયું શું હોત, તને બૂમ મેં ન પાડી હોત?

આ જનમટીપની જો તું ન એક ચાવી હોત
તો હયાતી મેં પછી કઈ રીતે ઉઘાડી હોત?

તું મારી મૂછનું લીંબુ, તને ઘણી ખમ્મા
ન હોત તું, તો મેં મૂંછોય ના ઉગાડી હોત.

– રમેશ પારેખ
(૨૨-૦૯-૧૯૮૮)

મિત્રતાનો અને પ્રેમનો કેવો મહિમા!

Comments (6)

હૈયાની વાત – મકરન્દ દવે

કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોયલ તો કોઈનો ટહુકો ન માંગે ને
મોરલો કોઈની કેકા
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા ?
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ?
પોતાને તુંબડે તરીએ….
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા;
જીવતીને જાગતી જીવનની ખોઈમાં
કોઈની ભભૂત ન ભરીએ.
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર;
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા !
જીવતાં ન આપણે મરીએ.
કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ.

– મકરન્દ દવે

આ કવિવર માટે મને હંમેશા આદરભાર્યો પક્ષપાત રહ્યો છે. તેઓનું ગાન આત્માનું ગાન અનુભવાય છે સદાય. એક નખશીખ સચ્ચાઈનો રણકાર તેઓની કલમને સહજ છે. વાત પરંપરાગત હોય કે સાવ બંડખોરીની હોય, તેઓની વાણી પોતાની નઝાકતભરી બળકટતા ત્યજતી નથી.

Comments (3)

સિક્કો ઉછાળીએ – જવાહર બક્ષી

હાથોમાં હાથ રાખીએ કે મુઠ્ઠી વાળીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ

પહેલાં સબંધ વચ્ચે કોઈ ભીંત બાંધીએ
એ તોડવા માટે પછી માથું પછાડીએ

આંખોમાં શૂન્યતાનાં કૂબાઓ બનાવીએ
એ સહુમાં કોઈ ખાસ સ્વજનને વસાવીએ

સંભાવનાની આવ, અધૂરપ મટાડીએ
એકાંતને સાથે મળી મોઢું બતાવીએ

રેતીમાં નામ લખીએ કે પથ્થર તરાવીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ

[ દરેક શેરની પહેલી પંક્તિનો છંદ એક સરખો છે અને બીજી પંક્તિનો છંદ સહેતુક જુદ્દો છે.- જવાહર બક્ષી ]

-જવાહર બક્ષી

 

સિક્કો ઊછાળીએ – choicelessness ની વાત છે. વાતને પ્રારબ્ધ ઉપર છોડવાની છે, જે પરિણામ આવે તેને સ્વીકારવાની વાત છે, પણ એક undertone આશાનો છે. સુંદરતા ગૂંથણીની છે.

Comments (1)

‘અજવાળું કોણ તને કે’ત?!’ – જગદીપ ઉપાધ્યાય

‘ભાગ એય અંધારા!’ એમ કહી આમ મને કાઢ નહીં આવતાની વેંત!
એ તો કે’, ‘હોત નહીં હું, મૂઆ અજવાળા! અજવાળું કોણ તને કે’ત?!’

કાગળ સફેદને શું ધોઈ પીત?! હોત નહીં કાળા તે રંગ તણી સ્યાહી,
ડાઘ ધોળી ચાદરમાં લાગે પણ લાગે નૈ કાળી તે કામળીની માંહી!
પૂનમને આભ મહીં મારા વિણ આવકારો ભોજિયો ન ભાઈ કોઈ દેત!

ટપકું મા મેશ તણું કરતી’તી કે નજરું લાગે ના છૈયાને ગોરા,
આખીયે દુનિયાની તરસ્યું છીપાવશે શું? -વાદળાં રૂપાળાં ને કોરાં?
રૂપ-રંગ, વાન નથી જોતો ભગવાન, ઈ તો ઓળખે છે અંતરનાં હેત!

– જગદીપ ઉપાધ્યાય

ગીતોની ભરીભાદરી બજારમાં બધાથી સાવ જ અલગ તરી આવતું મજાનું તાજગીસભર ગીત. ઉઠાવ જ કેવો સરસ છે! અજવાળું આવતાવેંત અંધારાને ગાયબ થઈ જવું પડે છે એવી સાવ નાનકડી વૈજ્ઞાનિક હકીકતને કવિ સજીવારોપણ અલંકાર વડે કેવો નોખો અક્ષરદેહ આપ્યો છે! અંધારું અજવાળા સામે જે દલીલો કરે છે, એ વાંચતા દયારામની ગરબી યાદ આવી જાય જેમાં કવિએ શ્યામ રંગનો મહિમા કર્યો છે. અહીં પણ કવિ અંધારાનો મહિમા કરે છે પણ નવા જમાનાનું ગીત છે એટલે અભિવ્યક્તિ પણ નવીન છે. વાત પણ સાચી છે. અજવાળાની ઓળખ અંધારાના કારણે જ તો છે. કાગળ ગમે એટલો ઊજળો કેમ ન હોય, પણ કાળી શાહીથી એના પર અંકાતા અક્ષરો વિના એનું મૂલ્ય શું? ધોળી ચાદરમાં ડાઘ પડવો શક્યો છે પણ કાળી કામળી ડાઘપ્રુફ છે. આકશમાં કાળાશ જ ન હોય તો પૂનમનું સૌંદર્ય ઊઘડી જ ના શકે. કાળું ટપકું બૂરી નજરોથી બચાવીને રાખે છે. આકાશમાં બહુ સુંદર દેખાતાં સફેદ રૂની પૂણી જેવા વાદળો શું કામના? એ કદી વરસાદ આપી શકતાં નથી… અંતરનું હેત એ જ સાચો રંગ છે એમ કહીને અંધારાની તર્કબદ્ધ દલીલોને કવિ કવિતાની કક્ષાએ લઈ આણે છે…

Comments (4)

( હરિહરને) – હરિહર શુક્લ ‘હરિ’

વાત કહું કે સાર હરિહર?
હું અંદર તું બહાર હરિહર!

બન્ને જણ ક્યાંથી જીતવાનાં?
હું જીતું તું હાર હરિવર!

મન મોજીલું મોજ કરે તે
તું બસ ખાતો માર હરિહર!

આંખ મીંચ ને માણી લે તું
સપનાંનો સંસાર હરિવર!

ફોટામાં ટીંગાઈ જઈ ને
પ્હેર સુખડ નો હાર હરિવર !

ધાર તને મળવા માંગું હું
ને તું ભાગે,ધાર હરિહર !

‘હરિ’ આ બાજુ રાહ જુએ તે
તું છે સામે પાર હરિહર!

– હરિહર શુક્લ ‘હરિ’

કવિનું તખલ્લુસ હરિ છે પણ ગઝલ જાણે હરિ સાક્ષાત્ કવિ સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય એ ભાવ સાથે લખાઈ છે. ટૂંકી બહેરમાં કામ કરવું પ્રમાણમાં કપરું હોય છે, પણ અહીં કવિએ મોટાભાગના શેર સંતર્પક આપ્યા છે, એ આપણું સદભાગ્ય.

Comments (2)

લાગે – રેણુકા દવે

આવે જો તું અચાનક, અવસર હો એમ લાગે,
સાંજે પરોઢ જેવું જીવતર હો એમ લાગે.

મળવા તને હું આવું, રસ્તો રહે ઊઘડતો,
આખુંય નગર ત્યારે, પથ્થર હો એમ લાગે.

આંખો ખૂલે અચાનક મધરાતમાં કદી તો,
જાણે કે પ્રખર ગાયક અંતર હો એમ લાગે.

ખોલું છું ડાયરીનાં એ ખાસ ખાસ પાનાં,
ખાલીપણું ભરેલું સરવર હો એમ લાગે.

તું આમ તો અવર સમ, માણસ છે એક કેવળ,
હૈયા મહીં મૂકું તો ઈશ્વર હો એમ લાગે.

– રેણુકા દવે

કેવી મજાની ગઝલ! મત્લા જ કેવો શાનદાર! પ્રિયજન સાવ અચાનક આવી ચડે તો એ દિવસ અવસર બની રહે છે, ત્યાં સુધીની વાત તો આપણે કવિતાઓમાં અનેકવાર વાંચી ચૂક્યાં છીએ, પણ જીવનની ઢળતી સાંજ ઊઘડતી સવાર જેવી લાગે, યૌવન પુનર્જીવિત થઈ ગયાનું અનુભવાય એ કેટલી મોટી વાત! એ જ રીતે નાયિકા અભિસારે નીકળે ત્યારે જેમ અર્જુનની માત્ર પક્ષીની આંખ પર, એમ એની દૃષ્ટિ પ્રિયજનના નિવાસ તરફ એવી જડાઈ ગઈ છે કે એને આખું નગર પથ્થર બની ગયેલું અનુભવાય છે. નગરમાં લાખો લોકોની અવરજવર કેમ ન હોય, નાયિકાને માટે એ તમામ જડ છે, નિષ્પ્રાણ છે. આગળના શેરો પણ એ જ રીતે નખશિખ આસ્વાદ્ય થયા છે.

Comments (5)

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઈ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું, – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઈ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

– રમેશ પારેખ

સૂરજ એટલે આશા. ગામ એટલે જીવન.

Comments (1)

પળમાંય તૂટે … – હિતેન આનંદપરા

કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે…
વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય
ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…

અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય
આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે…

– હિતેન આનંદપરા

સાચા દિલના સંબંધ બાંધવામાં આખું જીવતર નીકળી જતું હોય છે, અને તોડવામાં જોઈએ એક ક્ષણ…..

Comments (4)

તું ના આવે એ ચાલે? – વિવેક મનહર ટેલર

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?

કેસૂડા તત્પર છે લઈને હાથ કલમ ને કિત્તા,
તું આવે તો ગીતો લખશે, ના આવે તો કિટ્ટા;
સજીધજીને તારા માટે ખડી છે સૃષ્ટિ આ, લે;
હૈયું નાચે ધ્રબાંગ તાલે, તારી ખોટ જ સાલે,
ને તું ના આવે એ ચાલે?

ઊભો છું સદીઓથી લઈને નજરોની પિચકારી,
દિલમાં ઊતરી અંદરથી છે રંગવાની તૈયારી;
અરમાનોની ટોળી જો ને, પૂરજોશમાં મ્હાલે,
આજ કરીએ જીવ-શિવ એક, કાલની વાતો કાલે,
ને તું ના આવે એ ચાલે?

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૩-૨૦૨૦)

આમ લયસ્તરો પર હું સામાન્યરીતે મારી પોતાની રચનાઓ મૂકવાનું ટાળું છું, પણ ક્યારેક દલા તરવાડીની જેમ ‘લ્યોને બે ચાર’ કરીને કવિતા પોસ્ટ કરવાનું મન થઈ પણ જાય… વાંચો અને કહેજો કે આ ગુસ્તાખી કેવી લાગી…

Comments (41)

(ના કોઈ રંગ ગુલાલ) – વિમલ અગ્રાવત

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

– વિમલ અગ્રાવત

હોળી-ધૂળેટીના ગીતો લખાતાં આવ્યાં છે, લખાતાં જ રહેશે. દરેકની પોતપોતાની મજા છે. આ ગીત જુઓ. અહીં કોઈ પિચકારી નથી, કોઈ રગ નથી, કોઈ ઢોલ વગેરે નથી છતાં બધું જ હાજર છે. આ તારામૈત્રકની હોળી છે. નખરાળો એની પ્રિયાને નજરોની પિચકારીથી રંગે છે અને પ્રિયાના ગાલ પર પડતા શરમના શેરડા ઠેઠ એના ભીતર સુધી ઊતરી જાય છે ને નાયિકા જે રોમાંચ અનુભવે છે એને કવિ ફૂવારા તરીકે જુએ છે. કેવી અદભુત વાત! ભૂંસ્યો ભૂંસાય નહીં એવો છે આ રંગ. શ્વાસની અને હૃદયની ગતિ વધી ગઈ છે ને ધબકારા ઢોલ જેવા વાગતા અનુભવાય છે. સખીઓની ટિખળ ન સહેવાતાં નાયિકા હડી કાઢે છે ને પાછળ રહી જાય છે કવિતાની અનુભૂતિનો ગુલાલ….

Comments (5)

વસંતરંગ – નિરંજન ભગત

વસંતરંગ લાગ્યો !
કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો

ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,
આંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,
કોયલ શી અંતરની આરત ખોલતી!
વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!

પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,
કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,
કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
વસંતરંગ લાગ્યો !

– નિરંજન ભગત

વસંત જાદુગર છે. ચિત્રકાર જે રીતે કોરા કાગળ પર બે-ચાર લસરકા મારે અને કાગળની શિકલ જ બદલાઈ જાય એ રીતે વસંતનો રંગ લાગતાં જ આખી સૃષ્ટિ નવપલ્લવિત થઈ ઊઠે છે. કુંજે-કુંજે ડાળીઓમાં પ્રાણ જાગી ઊઠ્યો છે. કળીઓ મત્ત થઈ ડોલે છે, આંબો મંજરીઓથી લચી પડ્યો છે અને કોયલ એના હૈયાની આરત ઊઘાડતી હોય એમ સૂરાવલિઓ રેલાવી રહી છે. જાણે વાંસળી કેમ ન વાગતી હોય એવી મસ્તીમાં પવન ફૂંકાઈ રહ્યો છે. પ્રકૃતિ આખી ફાગના રાગમાં નર્તન કરતી હોય એવામાં ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ થઈ જાય તો બિચારા નાયકની તે શી વિસાત!

Comments (2)

होली पिया बिणा लागाँ री खारी – मीराँबाई

होली पिया बिणा लागाँ री खारी।

सूनो गाँव देस सब सूनो, सूनी सेज अटारी।
सूनो बिरहन पिव विण डोलाँ, तज गया पीव पियारी।
विरहा दुःख मारी।

देस बिदेसा णा जावाँ म्हारो अणेशा भारी।
गणताँ गणताँ घिस गयाँ रेखाँ, आँगरियाँ री सारी।
आयाँ णा री मुरारी।

बाज्यो झाँझ मृदंग मुरलिया बाज्याँ कर इकतारी।
आया बसन्त पिया घर णाँरी, म्हारी पीडा भारी।
स्याम मण क्याँरी बिसारी।

ठाडो अरज कराँ गिरधारी, राख्याँ लाज हमारी।
मीराँ के प्रभु मिलव्यो माधो, जनम-जनम री क्वाँरी।
मण लागी दरसण तारी।

– मीराँबाई

મીરાંબાઈના અમર પદોમાં હોળીગીતો પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હોળીના બહાને શ્યામ-સાંવરાને મનાવવાનું-ખીજાવાનું-લાડ લડાવવાનું એ ચૂકતાં નથી. પિયા વિના એમને હોળી અકારી લાગે છે. ગામ, દેશ, સેજ, અટારી- બધું જ પ્રિયતમ વિના સૂનું છે. પિયુના ત્યજી જવાથી સૂની પડેલી વિરહણને વિરહનું દુઃખ ભારી થઈ પડ્યું છે. પ્રિયજનને શોધવા એ ઘર છોડીને દેશ-વિદેશ પણ જઈ શકે એમ નથી કેમકે એને અંદેશો રહે છે કે ક્યાંક હું ઘર બહાર નીકળી એવામાં એ આવીને ચાલ્યો ગયો તો? એ તો બસ, મુરારીની પ્રતીક્ષામાં આંગળીના વેઢે દિવસો ગણી રહી છે અને ગણતાં-ગણતાં બધા વેઢા પણ ઘસાઈ ગયા છે હવે તો! પ્રતીક્ષાની કેવી પરાકાષ્ઠા! કેવી ઉત્કૃષ્ટ કવિતા! ઝાંઝ-મૃદંગ-વાંસળી-એકતારો વાગી રહ્યા છે, કેમ કે વસંત ઋતુ આવી ચડી છે. પણ શ્યામ તો એને વિસરી બેઠો છે. આવતો જ નથી એટલે મીરાંબાઈ અરજ કરતાં કહે છે કે પ્રભુ! મારી લાજ રાખો. તારા દર્શનની આશામાં હું જનમ જનમથી કુંવારી છું…

Comments (5)

રોકાઈ ગયો છું – ભગવતીકુમાર શર્મા

આવ્યો’તો જરા માટે ને રોકાઈ ગયો છું;
દુનિયા, તારા મેળામાં હું ખોવાઈ ગયો છું.

ફૂલોને હું અડકયો ને ઉઝરડાઈ ગયો છું;
કાંટાઓના સંગાથથી ટેવાઈ ગયો છું.

ભીની ભીની નજરે તમે મારા ભણી જોયું;
વરસાદ નથી તોય હું ભીંજાઈ ગયો છું.

શોધો ન મને કોઈ નદી-તટની સમીપે;
મૃગજળના અરીસામાં હું પકડાઈ ગયો છું.

અંધારખૂણા, થાંભલા, દીવાલ ને છપ્પો!
શૈશવને કહો, કયાંય હું સંતાઈ ગયો છું!

અપરાધ હો તો એ જ કે ખુશ્બૂ મેં ઉછાળી;
ચોરે ને ચૌટે, ગલીઓમાં ચર્ચાઈ ગયો છું!

-ભગવતીકુમાર શર્મા

પાંચમો શેર ગઝલમાં આગંતુક લાગે છે. બાકીના બધા મજબૂત છે.

Comments (1)

બુઢાપો – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

સાથીઓ
રાહ ન જોતા મારી,
દિવસ ઢળવા આવ્યો છે,
નીકળી પડો.

મને લાગશે થોડો સમય,
હું તમારી જેટલો નિરાવરોધ નથી.
જો હું ક્યાંક બેસીશ તો પછી
મારા તનમાંથી ફૂટી નીકળશે ડાળખી
અને પગમાંથી ફૂટશે મૂળિયાંઓ.
પછી તમે ચપટી વગાડશો
ને હું તરત નીકળી શકીશ નહીં.

માટે, સાથીઓ, ચાલવા માંડો
મારી રાહ જોયા વગર.
મને મોડું થશે.

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

લગભગ છએક દાયકાઓ પહેલાં લખાયેલી રચના આજેય જેવી તરોતાજા લાગે છે! શરીરમાંથી ડાળ-મૂળ ફૂટી નીકળવાની અભિવ્યક્તિ આજે પણ આધુનિક લાગે છે. વૃદ્ધાવસ્થાને સહજપણે સ્વીકારી સાથીઓ પર બોજ ન બનવા માંગતા કથકની આ વાત વાંચતાં જ સ્પર્શી જાય છે.

Comments (2)

કે આહા! – લલિત ત્રિવેદી

અગનમાં જ આરામગાહા કે આહા!
છે કેવા રૂહાના પલીતા કે આહા!

નિભાવી છે કેવી તો આતિશમિજાજી…
ઊડે છે બદનમાંથી તણખા કે આહા!

કલમ છે કે લોબાન છે, માસાઅલ્લા…
ગઝલ થૈ ગઈ ઈદગાહા કે આહા!

કટારી હજી ઔર ઊંડે… ઓ કામિલ
રહમ! ઔર ઊંડે હો એક ઘા કે આહા!

ઋચાઓ ઋચાઓ.. ગહન લગ શિખાઓ…
પ્રગટ હો શમન લગ ધખારા કે આહા!

સમિધ થૈ ગયેલા અભરખા કહે છે-
-શમનમાંથી પ્રગટે છે સ્વાહા કે આહા!

ને પરછાઈ પણ કાષ્ઠ પર ચેતવીને
ચિરંતન કરી દ્યો રે શાતા કે આહા!

લલિત તારા ભાણામાં ક્યાંની આ રોટી
પરબ થૈ ગયા જેના પ્યાલા કે આહા!

– લલિત ત્રિવેદી

Comments (3)

કુંવારી છોકરીનું ગીત….. – રમેશ પારેખ

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

આવા તે ગામમાં દિવસ ઊગ્યો
કે રાત ઊગી તે કેમ કરી જાણું
સૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે
– ને વાય અહીં વ્હાણું

મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,
મને કંઈ તો રોયનું સુખ આપો….

પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી
હોઠ સુધી કોઈ વાર આવ્યું
ઊગ્યું છે કંઠ મને રેતીનું ઝાડવું
એ વધતું રે જાય છે સવાયું
ખાલી રે કંઠ અને ખાલી હથેળીયુંને
કંઈ તો ખોયાનું સુખ આપો….

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

– રમેશ પારેખ

 

શૂન્યતા એટલી ઘેરી છે કે અભાવ સુદ્ધાં નથી !

Comments (1)

ભૂલ – હરીન્દ્ર દવે

અડકીને ચાલો તોય અળગા, સાજન,
હોઠ મલકે ને ખીલે નહીં ફૂલ,
સેજમાં તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂળ.

મનમાં ઊઠે છે કેવા કેવા તરંગ,
હવે ‘કોને કહું’ ‘કોને કહું’ થાતું,
પાસે ને પાસે તમે આવો ને મન મારું
અદકું ને અદકું મૂંઝાતું;
વેણમાં ન હૈયાનાં પ્રોવાતાં કહેણ
કહો કેમ કરી કરવા કબૂલ?

વેગળા રહો તો વ્રેહવેદનાએ પ્રીછું,
રીસ રાખો તો માનથી મનાવું,
સમજો તો બોલતા અબોલાનો ભેદ
એક આંખના ઈશારે સમજાવું.
એટલેથી રીઝો તો મબલખના મેળામાં
કહું કે ‘સાજન મારી ભૂલ !’

– હરીન્દ્ર દવે

સુંદર મજાનું ઊર્મિકાવ્ય….નાજુક શી વાત….નમણાં શબ્દો….નઝાકતભરી માવજત….

Comments (3)