થોડો થોડો થશે લગાવ અને
ત્યાં જ નડશે તને સ્વભાવ અને…
પોતપોતાની છે પીડા સહુની,
તારી રીતે જ તું ઉઠાવ અને…
વિવેક મનહર ટેલર

લાગે – રેણુકા દવે

આવે જો તું અચાનક, અવસર હો એમ લાગે,
સાંજે પરોઢ જેવું જીવતર હો એમ લાગે.

મળવા તને હું આવું, રસ્તો રહે ઊઘડતો,
આખુંય નગર ત્યારે, પથ્થર હો એમ લાગે.

આંખો ખૂલે અચાનક મધરાતમાં કદી તો,
જાણે કે પ્રખર ગાયક અંતર હો એમ લાગે.

ખોલું છું ડાયરીનાં એ ખાસ ખાસ પાનાં,
ખાલીપણું ભરેલું સરવર હો એમ લાગે.

તું આમ તો અવર સમ, માણસ છે એક કેવળ,
હૈયા મહીં મૂકું તો ઈશ્વર હો એમ લાગે.

– રેણુકા દવે

કેવી મજાની ગઝલ! મત્લા જ કેવો શાનદાર! પ્રિયજન સાવ અચાનક આવી ચડે તો એ દિવસ અવસર બની રહે છે, ત્યાં સુધીની વાત તો આપણે કવિતાઓમાં અનેકવાર વાંચી ચૂક્યાં છીએ, પણ જીવનની ઢળતી સાંજ ઊઘડતી સવાર જેવી લાગે, યૌવન પુનર્જીવિત થઈ ગયાનું અનુભવાય એ કેટલી મોટી વાત! એ જ રીતે નાયિકા અભિસારે નીકળે ત્યારે જેમ અર્જુનની માત્ર પક્ષીની આંખ પર, એમ એની દૃષ્ટિ પ્રિયજનના નિવાસ તરફ એવી જડાઈ ગઈ છે કે એને આખું નગર પથ્થર બની ગયેલું અનુભવાય છે. નગરમાં લાખો લોકોની અવરજવર કેમ ન હોય, નાયિકાને માટે એ તમામ જડ છે, નિષ્પ્રાણ છે. આગળના શેરો પણ એ જ રીતે નખશિખ આસ્વાદ્ય થયા છે.

5 Comments »

  1. Kajal kanjiya said,

    March 19, 2020 @ 3:16 AM

    ખરેખર હૃદય સ્પર્શી રચના
    કવિયત્રીને અભિનંદન 💐

  2. Meena Chheda said,

    March 19, 2020 @ 5:15 AM

    આવે જો તું અચાનક, અવસર હો એમ લાગે,
    સાંજે પરોઢ જેવું જીવતર હો એમ લાગે.

    ખરે જ મજાની ગઝલ… આખે આખી સભર… પણ પહેલી પંક્તિ અદ્ભુત કલ્પના સાથે વાહ લઈ જાય એવી. આ ગઝલ સાથે પરિચય કરાવવા બદલ આભાર મિત્ર!

  3. ચેતના ભટ્ટ said,

    March 19, 2020 @ 8:49 AM

    Wah..matla hi Kafi he..mast

  4. pragnajuvyas said,

    March 19, 2020 @ 12:03 PM

    સુ શ્રી રેણુકા દવે મસ્ત ગઝલ ‘લાગે’
    ડૉ વિવેકજીનો નખશિખ આસ્વાદ્ય આસ્વાદ
    આવે જો તું અચાનક, અવસર હો એમ લાગે,
    સાંજે પરોઢ જેવું જીવતર હો એમ લાગે….
    અદભુત હ્રુદયસ્પર્શી મત્લા માણતા મનમા ગુંજે …
    તારા વિના શ્યામ મને એકલડું લાગે,
    રાસ રમવાને વહેલો આવજે
    તારા વિના શ્યામ મને એકલડું લાગે,
    રાસ રમવાને વહેલો આવજે
    અંગ અંગ રંગ છે અનંગનો,
    રંગ કેમ જાય તારા સંગનો
    તું ન આવે તો શ્યામ,
    રાસ જામે ન શ્યામ,
    રાસ રમવાને વહેલો આવ… .
    અને મક્તા
    તું આમ તો અવર સમ, માણસ છે એક કેવળ,
    હૈયા મહીં મૂકું તો ઈશ્વર હો એમ લાગે
    એ મધુરતમ અવર્ણનીય દિવ્ય અનુભિતી કરાવી

  5. મહેન્દ્ર એસ દલાલ said,

    March 22, 2020 @ 12:27 AM

    ખુબજ સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment