નીરેન્દ્રનાથ ચક્રવર્તી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 6, 2020 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉર્વીશ વસાવડા, નીરેન્દ્રનાથ ચક્રવર્તી, વિશ્વ-કવિતા
સાથીઓ
રાહ ન જોતા મારી,
દિવસ ઢળવા આવ્યો છે,
નીકળી પડો.
મને લાગશે થોડો સમય,
હું તમારી જેટલો નિરાવરોધ નથી.
જો હું ક્યાંક બેસીશ તો પછી
મારા તનમાંથી ફૂટી નીકળશે ડાળખી
અને પગમાંથી ફૂટશે મૂળિયાંઓ.
પછી તમે ચપટી વગાડશો
ને હું તરત નીકળી શકીશ નહીં.
માટે, સાથીઓ, ચાલવા માંડો
મારી રાહ જોયા વગર.
મને મોડું થશે.
– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)
લગભગ છએક દાયકાઓ પહેલાં લખાયેલી રચના આજેય જેવી તરોતાજા લાગે છે! શરીરમાંથી ડાળ-મૂળ ફૂટી નીકળવાની અભિવ્યક્તિ આજે પણ આધુનિક લાગે છે. વૃદ્ધાવસ્થાને સહજપણે સ્વીકારી સાથીઓ પર બોજ ન બનવા માંગતા કથકની આ વાત વાંચતાં જ સ્પર્શી જાય છે.
Permalink
February 1, 2020 at 1:48 AM by વિવેક · Filed under અછાંદસ, ઉર્વીશ વસાવડા, નીરેન્દ્રનાથ ચક્રવર્તી, વિશ્વ-કવિતા
તેણે હાથ પકડી
નાડી તપાસી બરાબર,
જીભ તપાસી
છાતી અને પીઠ જોઈ સ્ટેથોસ્કૉપથી.
અને માથું ખંજવાળતાં ડૉક્ટર બોલ્યા
તકલીફ તો છે,
પણ આ લક્ષણ દરદના લીધે છે
કે દવાના લીધે કંઈ કહી શકતો નથી.
આગળ જે જે ડૉક્ટરોને
બતાવ્યું હતું તેના કાગળોનો
ઢગલો ઉઠાવતાં મેં પૂછ્યું:
તો પછી?
હાથ ખભ્ભે મૂકીને ડૉક્ટરે કહ્યું:
એક અઠવાડિયા માટે આપણે
બંધ કરીએ બધી દવાઓ?
પછી પાછો લઈ આવજો આને.
અમે આવ્યા રસ્તા પર
ન મળે બસ, ન ટ્રામ કે ન અન્ય વાહન.
બંધ છે બધું
ક્યાંક તોફાન છે એટલે,
એમોનિયાની તીવ્ર ગંધ છે હવામાં
વિસ્ફોટ સંભળાય છે
અને જવાબમાં ધાંય ધાંય અવાજ
લક્ષણો સારાં નથી આ
હું બોલ્યો.
તો દીકરાએ કહ્યું
એ દરદને લીધે છે કે
દવાને લીધે એ ક્યાં નક્કી થાય છે?
– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)
નીરેન્દ્રનાથના બંગાળી કાવ્ય સંગ્રહ ‘ઉલંગા રાજા’ના સુકાન્તા ચૌધરીએ કરેલ અંગ્રેજી અનુવાદ પરથી જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા ‘નાગો રાજા’ સંગ્રહ લઈને આવ્યા છે. એક-એક કવિતા વાંચતાવેંત ઠેઠ ભીતર સ્પર્શી જાય એવી છે.
તબીબ દર્દીપુત્રની બિમારીનું કારણ પકડી શકતો નથી અને પિતાને દવા બંધ કરી જોવા કહે છે, કદાચ દવા જ દર્દનું કારણ હોય તો? એક સાવ સરળ લાગતો વાર્તાલાપ અને અનુભવ અચાનક સૉનેટમાં આવતા વળાંકની જેમ આંચકો આપે એવો મરોડ લે છે. શહેરમાં ક્યાંક તોફાન થયું છે અને તોફાનીઓના બૉમ્બ ધડાકાના જવાબમાં પોલિસ ગોળીઓ છોડી રહી છે. બાપ દીકરાને કહે છે કે આ લક્ષણ સારાં નથી અને દીકરો તબીબે કહ્યું હતું એ જ વાક્ય તોફાનના પરિપ્રેક્ષ્યમાં કહે છે આ તોફાનો બિમારીના લીધે છે કે ખોતા ઈલાજનો પરિપાક છે એ આપણને કોઈને ક્યાં સમજાય છે?
કવિતા આપણા હાથમાં ઊઘાડા જીવંત તાર પકડાવી દે છે… આપણી સંવેદના આંચકો ખાય છે કે કેમ અને કેટલો તે આપણે જોવાનું…
Permalink