હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
કલાપી

નિદાન – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

તેણે હાથ પકડી
નાડી તપાસી બરાબર,
જીભ તપાસી
છાતી અને પીઠ જોઈ સ્ટેથોસ્કૉપથી.
અને માથું ખંજવાળતાં ડૉક્ટર બોલ્યા
તકલીફ તો છે,
પણ આ લક્ષણ દરદના લીધે છે
કે દવાના લીધે કંઈ કહી શકતો નથી.

આગળ જે જે ડૉક્ટરોને
બતાવ્યું હતું તેના કાગળોનો
ઢગલો ઉઠાવતાં મેં પૂછ્યું:
તો પછી?
હાથ ખભ્ભે મૂકીને ડૉક્ટરે કહ્યું:
એક અઠવાડિયા માટે આપણે
બંધ કરીએ બધી દવાઓ?
પછી પાછો લઈ આવજો આને.

અમે આવ્યા રસ્તા પર
ન મળે બસ, ન ટ્રામ કે ન અન્ય વાહન.

બંધ છે બધું
ક્યાંક તોફાન છે એટલે,
એમોનિયાની તીવ્ર ગંધ છે હવામાં
વિસ્ફોટ સંભળાય છે
અને જવાબમાં ધાંય ધાંય અવાજ
લક્ષણો સારાં નથી આ
હું બોલ્યો.

તો દીકરાએ કહ્યું
એ દરદને લીધે છે કે
દવાને લીધે એ ક્યાં નક્કી થાય છે?

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

નીરેન્દ્રનાથના બંગાળી કાવ્ય સંગ્રહ ‘ઉલંગા રાજા’ના સુકાન્તા ચૌધરીએ કરેલ અંગ્રેજી અનુવાદ પરથી જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા ‘નાગો રાજા’ સંગ્રહ લઈને આવ્યા છે. એક-એક કવિતા વાંચતાવેંત ઠેઠ ભીતર સ્પર્શી જાય એવી છે.

તબીબ દર્દીપુત્રની બિમારીનું કારણ પકડી શકતો નથી અને પિતાને દવા બંધ કરી જોવા કહે છે, કદાચ દવા જ દર્દનું કારણ હોય તો? એક સાવ સરળ લાગતો વાર્તાલાપ અને અનુભવ અચાનક સૉનેટમાં આવતા વળાંકની જેમ આંચકો આપે એવો મરોડ લે છે. શહેરમાં ક્યાંક તોફાન થયું છે અને તોફાનીઓના બૉમ્બ ધડાકાના જવાબમાં પોલિસ ગોળીઓ છોડી રહી છે. બાપ દીકરાને કહે છે કે આ લક્ષણ સારાં નથી અને દીકરો તબીબે કહ્યું હતું એ જ વાક્ય તોફાનના પરિપ્રેક્ષ્યમાં કહે છે આ તોફાનો બિમારીના લીધે છે કે ખોતા ઈલાજનો પરિપાક છે એ આપણને કોઈને ક્યાં સમજાય છે?

કવિતા આપણા હાથમાં ઊઘાડા જીવંત તાર પકડાવી દે છે… આપણી સંવેદના આંચકો ખાય છે કે કેમ અને કેટલો તે આપણે જોવાનું…

4 Comments »

  1. Amrut Hazari said,

    February 1, 2020 @ 9:39 AM

    …….જવાબ……
    માનસિક………..ગુલામી……….
    આત’કવાદ……

  2. pragnajuvyas said,

    February 1, 2020 @ 11:05 AM

    ડૉ. પી.એમ.મહેતા,ડૉ મનુભાઇ કોઠારી જેઓ મોર્ડન મેડીકલ સાયન્સ જ ભણેલા હતા અત્યારે પણ ડૉ. બી.એમ.હેગડે દુનીયામાં ખુબ જ જાણીતા એલોપથીના ડૉક્ટર છે. તેઓ કહે છે, એલોપથીની દવા પાછળ વધારે પડતો ખર્ચ કરવાની જરુર નથી. આપણા શરીરને ઠીક કરવાની કુદરતી વ્યવસ્થા છે. શરીર જાતે દરેક બીમારી સામે લડી શકે છે. જીવવા માટે દવાની કોઈ જરુર નથી. ઘણી ખરી દવાઓ તો નાણાં કમાવાનું સાધન છે.પ્લેસેબો ઈફેક્ટ બાદ મેડિકલ બિઝનેસમાં હવે ‘નોસેબો ઈફેક્ટ’ માસ્ટર સ્ટ્રોક ગણાય છે. દર્દીને ‘બીન-અસરકારક’ વસ્તુ જણાવી ગભરાવી દેવો એ જ નોસેબો..! તેવી વાત નીરેન્દ્રનાથના બંગાળી કાવ્ય નિદાન- અનુવાદ તબીબ-કવિ ઉર્વીશ વસાવડા ના રસદર્શનમા ડૉ વિવેકજી કહે છે’તબીબ દર્દીપુત્રની બિમારીનું કારણ પકડી શકતો નથી અને પિતાને દવા બંધ કરી જોવા કહે છે, કદાચ દવા જ દર્દનું કારણ હોય તો?’ પછી બહુ મોટી વાત સટિક ભાષામા તોફાન માટે-‘દીકરો તબીબે કહ્યું હતું એ જ વાક્ય તોફાનના પરિપ્રેક્ષ્યમાં કહે છે આ તોફાનો બિમારીના લીધે છે કે ખોટા ઈલાજનો પરિપાક છે એ આપણને કોઈને ક્યાં સમજાય છે?’
    .
    સ રસ અછાંદસ , સ રસ ભાવાનુવાદનું સ રસ રસદર્શન સૌને ધન્યવાદ

  3. Rina said,

    February 4, 2020 @ 7:45 AM

    Aahaaaa

  4. તરુણ said,

    February 5, 2020 @ 12:24 PM

    સટિક

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment