કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.
મીનાક્ષી ચંદારાણા

સિક્કો ઉછાળીએ – જવાહર બક્ષી

હાથોમાં હાથ રાખીએ કે મુઠ્ઠી વાળીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ

પહેલાં સબંધ વચ્ચે કોઈ ભીંત બાંધીએ
એ તોડવા માટે પછી માથું પછાડીએ

આંખોમાં શૂન્યતાનાં કૂબાઓ બનાવીએ
એ સહુમાં કોઈ ખાસ સ્વજનને વસાવીએ

સંભાવનાની આવ, અધૂરપ મટાડીએ
એકાંતને સાથે મળી મોઢું બતાવીએ

રેતીમાં નામ લખીએ કે પથ્થર તરાવીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ

[ દરેક શેરની પહેલી પંક્તિનો છંદ એક સરખો છે અને બીજી પંક્તિનો છંદ સહેતુક જુદ્દો છે.- જવાહર બક્ષી ]

-જવાહર બક્ષી

 

સિક્કો ઊછાળીએ – choicelessness ની વાત છે. વાતને પ્રારબ્ધ ઉપર છોડવાની છે, જે પરિણામ આવે તેને સ્વીકારવાની વાત છે, પણ એક undertone આશાનો છે. સુંદરતા ગૂંથણીની છે.

1 Comment »

  1. pragnajuvyas said,

    March 23, 2020 @ 11:10 AM

    વાહ કાબિલ-એ-દાદ ગઝલ.
    વિશ્વભ્રમણ અને મહેશ યોગી સાથેના એક દસકાના સાનિધ્યમાં આ ગઝલ તપસ્વિની ચેતના વધુ ઉજ્જવળ થઇ અને વર્ષો સુધી અનુભિતીની ખરલમા ઘૂંટાયેલી અને વાસ્તવિક ભૂમિના મૂળિયામા સિંચાયેલી આવી રચનાઓથી ગુજરાતી ગઝલ વધુ સમૃધ્ધ થઇ છે.
    હાથોમાં હાથ રાખીએ કે મુઠ્ઠી વાળીએ
    ખૂબ જ સુંદર મત્લા અને અભિવ્યકિત
    ડૉ તીર્થેશજી આસ્વાદ કરાવે છે તે પ્રમાણે વાતને પ્રારબ્ધ ઉપર છોડવાની છે
    કોકવાર સિક્કો ઉછાળી ભાગ્ય નક્કી કરવા પ્રયત્ન કરતા સિક્કો ફાટમા ઉભો રહે ! તો..
    એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ…!
    .
    પહેલાં સબંધ વચ્ચે કોઈ ભીંત બાંધીએ
    એ તોડવા માટે પછી માથું પછાડીએ
    યાદ …
    ઘસરકા ઘા નથી હોતા છતાં છોલાવ ભીતરથી,
    ઉછાળી એટલે જોયો અમે સિક્કો નવેસરથી.
    .
    સંભાવનાની આવ અધૂરપ મટાડીએ
    એકાંતને સાથે મળી મોઢું બતાવીએ
    વાહ! જવાહર બક્ષી ! મસ્ત મજાનો શે’ર !
    યાદ આવે મહેન્દ્ર ગોહિલની ગઝલનો મત્લા
    સમયને શું બીબામાં ઢાળી શકાશે ?
    ને સિક્કાની માફક ઉછાળી શકાશે ?
    .
    રેતીમાં નામ લખીએ કે પથ્થર તરાવીએ
    એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ
    મઝાનો મક્તા
    કવિશ્રી અશોક કહે છે તે પ્રમાણે
    જગતની હાટમાં ક્યારેક ‘સાચું’ ના ય ચાલે તો,
    ચલણમાં ચાલતા સિક્કા સલામત રાખજે કાયમ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment