તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.
કુલદીપ કારિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2008

પછાત માણસ – સર્વેસ્વરદયાલ સક્સેના

બધા બોલતા હતા.
ત્યારે તે ચૂપ રહેતો હતો,
બધા ચાલતા હતા
ત્યારે તે પાછળ ખસી જતો હતો,
બધા ખાવા પર તૂટી પડતા હતા
ત્યારે તે અલગ બેસીને થોડું થોડું ખાતો હતો,
બધા થાકીને સૂઈ જતા
ત્યારે તે શૂન્યમાં ટગર ટગર જોયા કરતો
પણ જ્યારે ગોળી ચાલી
ત્યારે સૌથી પહેલાં
તે મરી ગયો.

– સર્વેસ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)

અઢળક કમનસીબીને વારસામાં લઈને જન્મેલા એક આખા સમાજની વાર્તા આ જ છે. ભારતમાં જ નહીં, આખી દુનિયામાં.

Comments (7)

મુક્તક – શેખાદમ આબુવાલા

હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું,
રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો,
ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું.

– શેખાદમ આબુવાલા

એક આખો રવિવાર કોઈ ચાર જ પંક્તિ પર મારે કાઢવાનો હોય તો હું આ મુક્તક પસંદ કરું. શેખાદમ આબુવાલાની કલમમાં શાહી નહોતી, તેજાબ હતો અને એ તેજાબ વળી જમાનાની નિષ્ઠુરતાનો પરિપાક હતો. આ ચાર લીટી નથી, આ ચાર ચાબખા છે અને એ આપણી જ પીઠ પર ચમચમતા સોળની જેમ ઊઠે છે. વળી ચાબખા મારનારના હાથ તપાસીએ તો ખબર પડે કે એ હાથ પણ આપણા જ છે…

Comments (10)

દીવાનખાનામાં

દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી-
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન-
આ બધામાં મને ક્યાં ગોઠવું ?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
-પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.

-પન્ના નાયક

પન્ના નાયકના અછાંદસ ગુજરાતી સાહિત્યમાં એક આગવી જ ભાત નિપજાવે છે. સરળ અને સહજ ભાષામાં લખાયેલી આ કવિતાઓમાં ક્યાંય ભારીખમ્મ કવિત્વનો બોજ વર્તાતો નથી. અભૂતપૂર્વ શબ્દાલેખનનો બોજ એ કદી વાચકોના મન પર થોપતા નથી. આપણી રોજિંદી જિંદગીના જ એકાદ-બે સાવ સામાન્ય ભાસતા ટુકડાઓને એ અનાયાસ એ રીતે કાવ્યમાં ગોઠવી દે છે કે દરેકને એ પોતાની જ વાત કરતા હોય એમ લાગે છે. પન્ના નાયકના કાવ્ય કદી પન્ના નાયકના લાગતા નથી, આ કાવ્યો દરેક ભાવકને સો ટકા પોતાના અને માત્ર પોતાના જ લાગે છે.

અહીં દીવાનખાનાને વ્યવસ્થિત કરવા જેવડી નાની અમથી ઘટનામાંથી કવિ આપણા આધુનિક જીવન પર કારમો કટાક્ષ કરવામાં સફળ થાય છે. કવિતાની ખરી શરૂઆત થાય છે વસ્તુનું મન પૂછી પૂછીને કરવામાં આવતી ગોઠવણીથી. વસ્તુને ગોઠવવી અને વસ્તુને એમનું મન પૂછી પૂછીને ગોઠવવી એ બેમાં જે બારીક ફરક છે એ આ કવિતાની પંચ-લાઈન છે. કવિ જ્યારે ‘વૉલ ટુ વૉલ’ શબ્દ પ્રયોગ અંગ્રેજી લિપિમાં કરે છે ત્યારે કદાચ વાચકને આ લિપિપલટા વડે એ અહેસાસ કરાવવામાં સફળ થાય છે કે આ છેડાથી પેલા છેડા સુધી બધું જ હવે બદલાઈ ગયું છે. સમગ્ર વાતાવરણ હવે નવું અને વધુ સુંદર બની ગયું છે પણ ત્યારે જ એમનું મન છટકે છે. આખું દીવાનખાનું પ્રસન્ન થાય છે એ જ ઘડીએ કવિ વિષાદયોગનો તીવ્ર આંચકો અનુભવે છે અને ‘છટકે છે’ જેવો હટકે શબ્દપ્રયોગ કરી કવિ એમની વેદનાનો કાકુ યોગ્ય રીતે સિદ્ધ કરે છે. આ નવી ગોઠવણમાં પોતાને ક્યાં ગોઠવવું કે પોતાનું કેન્દ્ર કે પોતાનું ખરું સ્થાન કયું એ નક્કી કરવામાં કવિ નિષ્ફળ નીવડે છે અને બારી પાસે રસ્તો નિહાળતા ઊભા જ રહે છે. બારી એ પ્રતીક છે નવા વિકલ્પની, નવી આશાની અને રસ્તો પ્રતીક લાગે છે નવી શોધનો. કદાચ હજી સાવ જ નિરાશ થવા જેવું ન પણ હોય…

સુખસમૃદ્ધિસભર અત્યાધુનિક જીવનવ્યવસ્થાની વચ્ચે પણ આજનો મનુષ્ય પોતાની જાતને સુસંગતતાથી સુમેળપૂર્વક ગોઠવી શક્તો નથી એ જ આજના સમાજની સૌથી મોટી વિડંબના નથી?

Comments (8)

ગઝલ – ગૌરાંગ ઠાકર

ટોચ માટે પ્રયાસ લાગે છે.
ખીણમાં
પણ ઉજાસ લાગે છે

આભ આખું ઉદાસ લાગે છે.
દોસ્ત
આજે અમાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે.
ઝાડ
પર જાણે રાસ લાગે છે.

પ્હાડ ઝરણાંને ખોઈ બેઠો છે,
એને
ખળખળનો ભાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ?
કયાંક
તું આસપાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક
જણ કેમ ખાસ લાગે છે?

ફાંસ ફૂલોની અમને વાગી છે.
શ્વાસ
એથી સુવાસ લાગે છે.

-ગૌરાંગ ઠાકર

એક સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર એવા સ્વયંસ્પષ્ટ થયા છે કે કવિ અને ભાવકની વચ્ચે કોઈ વિવે(ચ)કની જરૂર જ ક્યાં જણાય છે ?  

 

Comments (15)

ગઝલ – ‘અમીન’ આઝાદ

લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની છે માગણી, મારું જિગર મળે.

આંખોની જિદ કે અશ્રુ નિરાધાર થઈ જશે,
અશ્રુની જિદ કે તેમના પાલવમાં ઘર મળે.

મારી નજરને જોઈને દુનિયા ફરી ગઈ,
દુનિયા ફરી વળે જો તમારી નજર મળે.

ભટકી રહ્યો છું તેથી મહોબ્બતના રાહ પર,
પગથીઓ આવનારને આ પંથ પર મળે.

ઓછી નથી જીવનને કટુતા મળી છતાં,
હર ઝેર પચતું જાય છે જે પ્રેમ પર મળે.

અલ્લાહના કસમ કે એ રહેમત ગુનાહ છે,
રહેમત કદી ન લઉં જો ગુનાહો વગર મળે.

મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી,
મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે.

ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી,
કોને કહ્યું ‘અમીન’ ન માંગ્યા વગર મળે.

-‘અમીન’ આઝાદ

પરંપરાના શાયર શ્રી અમીન આઝાદ (૧૯૧૩-૧૯૯૨)ની આ ગઝલ પરંપરાની ગઝલોનું એક સુંદર ઉદાહરણ છે. ગઝલ ઉર્દૂ મટીને ગુજરાતી થઈ રહી હતી એ કાળની આ ગઝલ. શબ્દોના પુનરાવર્તન વડે અનેરી અર્થચ્છાયાઓ નિપજાવવાની જે પ્રણાલી એ સમયે ખૂબ પ્રચલિત હતી અને મુશાયરાઓ ડોલાવતી હતી એ અહીં ભરપૂર જોવા મળે છે. જિદ-અશ્રુ-અશ્રુ-જિદ, નજર-દુનિયા-દુનિયા-નજર, રહેમત-ગુનાહ, ઈચ્છાઓ-ઈચ્છા આવા કેટલા બધા શેર અહીં ધારી ચોટ નિપજાવવામાં સફલ નીવડ્યા છે !

(કવિનું મૂળ નામ તાહેરભાઈ બદરુદ્દીન. કાવ્ય સંગ્રહ: ‘સબરસ’, ‘રાત ચાલી ગઈ’)

Comments (6)

ભીના સ્મરણનાં શુકન – જવાહર બક્ષી

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં.

– જવાહર બક્ષી

કવિએ જાણે એક એક શેરને અર્થના અનેક પાશ ચડાવીને ગઝલ સવારીમાં બેસાડ્યા છે. ભીના સ્મરણના શુકનની કલ્પના જ અદભૂત છે. પણ સૌથી સરસ તો છેલ્લો શેર થયો છે. મિલનની અભિપ્સા, અકળામણ અને વિશદ કૃત્રિમતા, એકી સાથે બે લીટીમાં ચાબૂકના સળની માફક ઉપસી આવે છે.

Comments (7)

સફળ માણસો – વિપિન પરીખ

એક રવિવારની સાંજે
અમે બસ આમ જ ચર્ચામાં ઊતરી પડ્યા :
‘ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?’
એકે કહ્યું, ‘એ જ માણસ સફળ થાય છે –
જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.’
તો બીજો કહે: ‘જે સંજોગોને સમયસર ઝડપી લે છે
તે જ સફળ થાય છે.’
તો વળી કોઈ કહે: ‘ગમે તે હો ભાગ્ય વિના અહીં
કોઈને કશું મળતું નથી.’
પણ એકે જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા.
એણે કહ્યું:
‘સફળ માણસો કવિતા નથી લખતા.’

-વિપિન પરીખ

આ કવિતા વાંચતા પહેલી નજરે જ ખરી જ લાગે છે… કે ખરી નથી લાગતી ? … કે ખાલી હસવુ જ આવે છે ?… કે ગુસ્સો આવે છે ? …. કે પછી બગાસુ આવે છે ? ….. યારો, કવિતાની વાત છે … જરા દિલ પર હાથ રાખીને જવાબ આપજો !

Comments (19)

તારા પગ – પાબ્લો નેરુદા

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ જોઉં છું.
મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.
હું જાણું છું કે તેઓ તને આધાર આપે છે
,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારા સ્તનાગ્રના બેવડા જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની પહોળી ફાડ સમું તારું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર
પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી ઉપર અને ચાલે છે
પવન પર અને પાણી પર
,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજી અનુવાદના આધારે ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

થોડા સમય પહેલાં ધવલે El Postino (The Postman) ફિલ્મની ડીવીડી મોકલી હતી. એ ફિલ્મ જોઈ ત્યારે પાબ્લો નેરુદાના વધુ પરિચયમાં આવ્યો. ચીલીના પારેલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ જન્મેલા પાબ્લો નેરુદા વીસમી સદીના સૌથી સશક્ત કવિઓમાંના એક છે. રાજકારણમાં શરૂથી અંત સુધી સક્રિય રહેનાર આ કવિની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. ગઈ સદીના કવિતાના મહાસાગર સમા આ કવિના કાવ્ય-સાગરમાં શંખ-છીપલાં, પરવાળાં, અદભુત વનસ્પતિઓ, સપ્તરંગી માછલીઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે અલૌકિકને લૌકિકતા બક્ષે છે… ઈ.સ. ૧૯૫૦માં એમને વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૭૩માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો અને એ જ વર્ષે ૨૩-૦૯-૧૯૭૩ના રોજ એમનું નિધન થયું.

Comments (6)

ગઝલ – ઉર્વીશ વસાવડા

Urvish Vasavada - Zankhana sahu kare chhe
(ખાસ લયસ્તરો માટે ઉર્વીશ વસાવડાના હસ્તાક્ષરમાં એમની અક્ષુણ્ણ કૃતિ)

*

ઝંખના સહુ કરે છે સરવરની
ક્યાં તમા કોઈને છે જળચરની.

રાઈ મુઠ્ઠી ન એક આપી શકે
વેદના એ જ તો છે ઘરઘરની.

ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
એટલી ફળશ્રુતિ છે અવસરની.

દ્વાર મારું મને મળ્યું આખર
ઠોકરો ખાઈ લાખ દરદરની.

જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.

-ઉર્વીશ વસાવડા

સરળતા અને હૃદયંગમતા ઉર્વીશ વસાવડાની ગઝલોની ખાસિયત છે. મનુષ્ય આજે જેટલો પરિણામલક્ષી બન્યો છે એ ટલો પહેલાં ક્યારેય નહોતો. આજે સૌને પરિણામમાં રસ છે, માર્ગમાં કોનો કેવો ભોગ લેવાય છે એની કોઈને તમા રહી નથી. સરોવર પર દૃષ્ટિ છે, જળચરની ચિંતા કોણ કરે છે?

ગઝલના બીજા શેરમાં ઉર્વીશભાઈ એમની ખાસિયત મુજબ પુરાકલ્પન લઈ આવે છે. સુજાતા નામની સ્ત્રી એના મૃત પુત્રને લઈને ગૌતમ બુદ્ધ પાસે આવી ભાંગી પડે છે એની આ વાત છે. પુત્ર વિના જીવવું અશક્ય છે કહીને તથાગત પાસે પોતાના પુત્રને પુનર્જીવિત કરવાની જિદ્દ પકડતી માને કેવી રીતે સમજાવવું કે મરી ગયેલ પાછાં નથી આવતાં?! અંતે તથાગત એના પુત્રને એક શરત પર જીવાડવાનું વચન આપે છે કે એક મુઠ્ઠી રાઈ એવા ઘરમાં જઈને લઈ આવ કે જે ઘરમાં કદી કોઈ અવસાન થયું જ ન હોય… પુત્રઘેલી સુજાતાને સાંજના છેડે સત્ય સમજાય છે કે મૃત્યુ એ જીવન સાથે જ ઘડાઈ ગયેલી અનિવાર્ય ઘટના છે…

છેલ્લા શેરમાં ફરીથી સ્વયંવરનું પૌરણિક કથાબીજ. પણ અહીં કવિ સાવ અલગ જ વાત કરે છે. અહીં ધનુષ્ય નથી તૂટતું, શરસંધાન કરનાર પોતે જ તૂટી જાય છે. કેમકે આ અર્જુન-દ્રૌપદી કે રામ-સીતાના સ્વયંવરની વાત નથી. આ વાત છે આજના યુગના ઘર-ઘરના રામાયણ-મહાભારતની. જીવન અને જીવવાની પળોજણો અંતે આપણને જ તોડી નાંખે છે અને આપણા મોટાભાગના દાંપત્યજીવન તૂટેલા ધનુષ્યને બદલે તૂટેલા મનુષ્ય જેવા ખોડંગાતા રહે છે એ જ આપણા સૌની આજની વ્યથાની કથા છે.

Comments (14)

ગઝલને આંગણે – અહમદ ‘ગુલ’

શબ્દ પણ જડ છે ગઝલને આંગણે,
ક્યાંક ગડબડ છે ગઝલને આંગણે.

તીર તાકીને ઊભો છે પારધી,
પાંખ ફડફડ છે ગઝલને આંગણે.

ફૂલ કાંટાને જરા અળગા કરો,
એ અડોઅડ છે ગઝલને આંગણે.

એટલે તો આ ઝરણની થઈ નદી,
આંસુ દડદડ છે ગઝલને આંગણે.

કંઈ અમંગળ સમ થવાનું છે જરૂર,
આંખ ફડફડ છે ગઝલને આંગણે.

પીળું પીળું પીળું પીળું થઈ ગયું,
પાન ખડખડ છે ગઝલને આંગણે.

શબ્દના તંબુ બધાં સળગી જશે,
સૂર્ય ભડભડ છે ગઝલને આંગણે.

કોઈ સમજાવે મને ‘ગુલ’ આટલું,
કેમ ચડભડ છે ગઝલને આંગણે.

-અહમદ ‘ગુલ’

ગઝલના વિષય પર લખાયેલી એક વધુ ગઝલ… સંગીતમય કાફિયાના કારણે ગઝલનું આ આંગણું વધુ રળિયામણું બન્યું હોય એવું નથી લાગતું?

Comments (4)

Page 1 of 3123