અશ્વિન ચંદારાણા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 1, 2016 at 2:39 AM by વિવેક · Filed under અશ્વિન ચંદારાણા, ગઝલ
ટકી જીદ કોની? ને શું ઝૂઝવાના?
તમે પણ જવાના, અમે પણ રવાના.
તમારા સ્મરણથી એ શેં રૂઝવાના !
તમારા વગર આ જખમ દૂઝવાના.
વકીલો આ બેઠા, અદાલત ભરી છે,
તરાજૂ ખનનખનની ખનકે જવાના.
ભલેને ઉછાળે-પછાડે નકામો,
અમે સાત સાગર તરી ડૂબવાના.
ભલેને અટાણે કટાર્યું પરોવો,
પછીથી તમે પાળિયા પૂજવાના.
– અશ્વિન ચંદારાણા
વડોદરાથી અશ્વિન ચંદારાણા એમનો પ્રથમ ગઝલસંગ્રહ “ભીતર ચાલે આરી” લઈને આવ્યા છે. લયસ્તરોના આંગણે એમનું બાઅદબ સ્વાગત. ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…
કવિએ પ્રસ્તુત ગઝલમાં કાફિયાઓ પાસે જે રીતે કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. ‘જવાના’ની સમાંતરે ‘રવાના’ અને રૂઝવાના’ની વિરુદ્ધમાં ‘દૂઝવાના’ – આ બંને કવિકર્મ અદભુત થયા છે.ખનનખનની ખનક પણ એવી જ મજાની.
Permalink
June 12, 2008 at 12:42 AM by વિવેક · Filed under અશ્વિન ચંદારાણા, ગઝલ
શૈશવે છુટી ગયું, એ ફેર કો મળતું નથી,
આપણે મળતા હતાં, એ પેર કો મળતું નથી.
હાથ ફરકાવે જતાં-વળતાં બધાં આ શહેરમાં,
બે ઘડી નિરાંતે આવી ઘેર કો મળતું નથી..
બાવળોની વારસાઈ ભોગવું છું પ્રેમથી,
આમ્રફળ ઉગવા સમું નાઘેર કો મળતું નથી.
ભોગળો ભીડી સબંધોના કમાડો બેસશે,
હાથ ફેલાવી સમાવે, શહેર કો મળતું નથી.
કોઈને કોઈ સગાઈ ગાંઠ વાળી બેસતી,
ગાંઠ છોડી ભૂલવાને વેર કો મળતું નથી.
પોતપોતાની પીડા વીંટી બધાં ફરતાં અહીં,
તારનારું કુળ એકોતેર કો મળતું નથી.
– અશ્વિન ચંદારાણા
વડોદરાના કવિ અશ્વિન ચંદારાણાને પહેલવહેલીવાર મહુવાના અસ્મિતાપર્વમાં મળવાનું થયું. ઘાસમાં આડા પડીને ચંદ્રની શીતળ ચાંદનીમાં એમની રચનાઓ સાંભળવાનું થયું. પહેલી મુલાકાતમાં પ્રેમ થઈ જાય એવા આ માણસની કાવ્યરચનાઓ પણ એવી જ રસાળ હોય છે. અભિવ્યક્તિની નવીનતા અને અગાઉ ન વપરાયા હોય એવા કાફિયા પ્રયોજવાની એમની હથોટી કાબિલે-દાદ છે. પેર-એકોતેર-નાઘેર જેવા કાફિયા ગુજરાતી ગઝલમાં કદાચ જ વપરાયા હશે…
નાઘેર શબ્દ કેટલા વરસે વાંચ્યો ! નાઘેર એટલે સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણની આજુબાજુનો ફળદ્રુપ વિસ્તાર. કવિ નાનાલાલની એક રચનામાં એનો આ રીતે ઉલ્લેખ છે:
લીલી નાઘેર છે ત્યહાં,
સુભગ ઢળકતી સાડીની કોર શી,
ને એ કોરે બુટ્ટીના કો
લીલમ સરીખડું છે ચોરવાડ.
Permalink