તાન્કા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 26, 2016 at 2:16 AM by વિવેક · Filed under ઉમેશ જોશી, તાન્કા
અંધારું તો છે
અઢળક મારામાં
છતાં સૂતો છું
રાત્રિના પડખામાં
ઉજાગરો ઓઢીને.
– ઉમેશ જોષી
ઊંઘને બદલે ઉજાગરો ઓઢીને કવિ સૂતા છે. ઊંઘવા માટેની પૂર્વશરત તો છે અંધારું. આમ તો બહારનું જ અંધારું પૂરતું છે પણ અહીં તો ભીતર પણ પ્રકાશની કમી છે. કેમ ? કદાચ પ્રિયજનની ગેરહાજરી ? કેમ કે પડખામાં એ નથી, કાળી ડિબાંગ રાત્રિ છે….
હાઇકુ જેવા જ જાપાની કાવ્યપ્રકાર તાન્કાથી જે મિત્રો પરિચિત નથી એમની જાણકારી ખાતર: પાંચ પંક્તિઓનું કાવ્ય. અનુક્રમે દરેક પંક્તિમાં ૫-૭-૫-૭-૭ અક્ષર.
Permalink
June 7, 2008 at 1:19 AM by વિવેક · Filed under તાન્કા, પરાગ ત્રિવેદી
શીત સવારે
આ સરવરજળે
શા સળ પડે ?
આહા ! આ તો પવન
જરા પડખું ફરે !
– પરાગ મ. ત્રિવેદી
5-7-5-7-7 એમ એકત્રીસ અક્ષર અને પાંચ લીટીના ટૂંકા કદમાં મૂળે જાપાનીઝ કાવ્યપ્રકાર એવું તાન્કા ક્યારેક મજાનો અને સશક્ત ફોટોગ્રાફ પણ ઉપજાવી શકે છે. પરાગ ત્રિવેદીના આ તાન્કામાં સવારની ઠંડકમાં સરોવરના પાણી પર હળું-હળું વાતા પવનના કારણે ઊઠતા તરંગોનું મનોરમ્ય શબ્દ-ચિત્ર એવી નજાકતથી આલેખાયું છે કે જાણે આલ્બમ ખોલીને કોઈ ફોટો જોતા હોવાની સહજ અનુભૂતિ થઈ આવે છે !
Permalink
January 25, 2006 at 3:12 PM by ધવલ · Filed under કિશોરસિંહ સોલંકી, તાન્કા
સવાર
વસંત આવી
ઝાંખરને ડાળે ! ત્યાં
સુક્કા પરણે
ઓસબિંદુમાં સૂર્ય
બેઠો સેવે રણને.
બપોર
હરણાં ઊભાં
પીએ મૃગજળને
ખજૂરી દોડે
વાયરાની વચાળે
જુએ હાંફતું રણ.
સાંજ
ચોળતો આંખો
ક્ષિતિજના માળામાં
લપાતો સૂર્ય
ધીમે કંકુ પગલે
આથમે ભીનું રણ.
– કિશોરસિંહ સોલંકી
રણ અને સૂર્યની દૈનિક રમતને કવિએ આ તાન્કા-ત્રયીમાં વણી લીધી છે. તાન્કા (હાઈકુની જેમ જ) જાપાની કાવ્યપ્રકાર છે. 31 શ્રુતિઓની કુલ 5 પંક્તિઓથી તાન્કા બને છે. પહેલી ત્રણ પંક્તિઓમાં હાઈકુની જેમ જ 5-7-5 શ્રુતિઓ હોય છે અને છેલ્લી બેમાં સાત-સાત શ્રુતિઓ હોય છે.
Permalink