અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,
અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !
– સુધીર પટેલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પરાગ ત્રિવેદી

પરાગ ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કાચિંડો – પરાગ ત્રિવેદી

વૃક્ષની નીચે
નેતાસભા, ઉપર
કાચિંડો સ્તબ્ધ.

– પરાગ ત્રિવેદી

સત્તર જ અક્ષરમાં કવિતા ધારે તો કેટલું બધું કહી શકે છે! નહીં?!

Comments (6)

રીત – પરાગ ત્રિવેદી

આ તે
શાંતિ સ્થાપવાની
કેવી
રીત
છે ?
પહેલાં તેઓ
કબૂતરોને પકડે છે,
દિવસો સુધી તેમને પૂરી રાખે છે,
અને પછી
કોઈ એક ચોક્કસ સમયે
તેમને ઉડાડીને
શાંતિનો
સંદેશો આપે છે !

– પરાગ ત્રિવેદી

‘શાંતિદૂતો’ ખરેખર કંઈ શાંતિની શોધમાં ઊડી જતા નથી હોતા, એ તો બને તેટલા દૂર ભાગી જવાની કોશિશમાં હોય છે એટલું જ !

Comments (7)

તાન્કા – પરાગ મ. ત્રિવેદી

શીત સવારે
આ સરવરજળે
શા સળ પડે ?
આહા ! આ તો પવન
જરા પડખું ફરે !

– પરાગ મ. ત્રિવેદી

5-7-5-7-7 એમ એકત્રીસ અક્ષર અને પાંચ લીટીના ટૂંકા કદમાં મૂળે જાપાનીઝ કાવ્યપ્રકાર એવું તાન્કા ક્યારેક મજાનો અને સશક્ત ફોટોગ્રાફ પણ ઉપજાવી શકે છે. પરાગ ત્રિવેદીના આ તાન્કામાં સવારની ઠંડકમાં સરોવરના પાણી પર હળું-હળું વાતા પવનના કારણે ઊઠતા તરંગોનું મનોરમ્ય શબ્દ-ચિત્ર એવી નજાકતથી આલેખાયું છે કે જાણે આલ્બમ ખોલીને કોઈ ફોટો જોતા હોવાની સહજ અનુભૂતિ થઈ આવે છે !

Comments (10)

હાઈકુ – પરાગ ત્રિવેદી

ભરબપોરે
તડકો ઓઢી સૂતું
ખેતર શાંત !

* * *

ઘોર અંધારી
રાત, તો યે સપનાં
રંગબેરંગી !

પરાગ ત્રિવેદી

Comments (8)