ગઝલ – ચિરાગ ત્રિપાઠી
ફૂલની સાથે અણી તો જોઈએ
છે ગઝલ, એમાં ટણી તો જોઈએ
સ્વપ્ન છે, એક આંખમાં રહેતું હશે ?
એને જગ્યા બે ગણી તો જોઈએ
કો’ક આવીને ઈમારત બાંધશે
આપણે પાયો ચણી તો જોઈએ
હું ઈબાદત એટલે કરતો નથી
કોક એવી માંગણી તો જોઈએ
શક્ય છે કે દુઃખ પછી આવે જ નહિ
એક સુખને અવગણી તો જોઈએ
જેમ બાળક શબ્દ પહેલો મા ભણે
એમ ગુજરાતી ભણી તો જોઈએ
-ચિરાગ ત્રિપાઠી
કેરીના રસની જેમ સીધીસટ્ટ ગળે ઊતરી જાય એવી મજાની રસદાર ગઝલ… ઈશ્વરની ભક્તિ નહીં કરવાનું કારણ પણ કેટલું મજાનું છે ! અને મને તો ગુજરાતી ભણાવવાની આ રીત પણ ખૂબ અસરદાર લાગી…