સરહદ થઈ – હેમેન શાહ
બોલ નહિ તું આટલો ગદગદ થઈ,
આ તને શોભે નહીં, કાસદ થઈ.
ભિન્નતા વધતી ગઈ એવી રીતે,
દૂધ-સાકર વચ્ચોવચ સરહદ થઈ.
પૃથ્વી પરના રંગ કાચા નીકળ્યા,
આખરે લીલાશ પણ રૂખસત થઈ.
આમ ન્હોતો શ્વાસ લેવાનો સમય,
પૂતળું જ્યારે બન્યો, ફુરસદ થઈ.
એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
– હેમેન શાહ
કાસદ એટલે સંદેશો લઈ જનાર. એણે તો માત્ર સંદેશો વાંચી બતાવવાનો હોય છે. એને વધુ પડતા ‘ઈમોશનલ’ થવાનું ના પોષાય. નાની વાત કેટલી સરસ રીતે કરી છે ! એ પછી એક વધુ મઝાનો શેર… દૂધ-સાકર વચ્ચોવચ સરહદ થઈ ! … સાથે રહીને અલગ પડવાનું થાય એના માટે આનાથી વધુ સારુ રૂપક ભાગ્યે જ જોવા મળશે. પણ સૌથી સરસ શેર છેલ્લો શેર થયો છે. માણસની ‘નવી કેડી’ શોધવાની ઈચ્છામાંથી જ દરેક શોધ-યાત્રાની શરૂઆત થતી હોય છે…. ઘણા વખતે હેમેન શાહની ગઝલ હાથમાં આવી એટલે ‘હેમેન શાહ’ કેટેગરીમાં જઈને જૂની પ્રિય ગઝલો પણ માણી લીધી ! એમાં લયસ્તરો પર બહુ શરૂઆતમાં મૂકેલી એમની જ બહુ નાજુક, મારી ખૂબ પ્રિય ગઝલ પણ જોવામાં આવી ગઈ… એ પણ સાથે માણશો.
Riyal Dhuvad said,
June 12, 2008 @ 12:27 AM
એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
બહુ સરસ શબ્દ ચ્હે
jayesh upadhyaya said,
June 12, 2008 @ 1:11 AM
બોલ નહિ તું આટલો ગદગદ થઈ,
આ તને શોભે નહીં, કાસદ થઈ.
પરીસ્થીતીને સાક્ષીભાવથી મુલવવાની તૈયારી બતાવવી પડે
વિવેક said,
June 12, 2008 @ 1:31 AM
ખૂબ સુંદર ગઝલ…. વાંચતાવેંત જ ગમી જાય એવી… બધા શેર એક-એકથી ચડિયાતા થયા છે…
nilamdoshi said,
June 12, 2008 @ 7:52 AM
મારી ડાયરીમાઁ લખાયેલ આ પન્ક્તિના કવિનુઁ નામ અહી જાણવા મળ્યુઁ તેથી આનદ સાથે આભાર.
pragnaju said,
June 12, 2008 @ 8:57 AM
સરસ ગઝલ
આ શેરો વધુ ગમ્યાં-
પૃથ્વી પરના રંગ કાચા નીકળ્યા,
આખરે લીલાશ પણ રૂખસત થઈ.
આમ ન્હોતો શ્વાસ લેવાનો સમય,
પૂતળું જ્યારે બન્યો, ફુરસદ થઈ.
વાહ્
DR ASHOK JAGANI M.S. said,
June 13, 2008 @ 3:23 AM
AMARU VATAN PAN LILI NAGHER CHHE UNA TALUKO AND GIR NA JUNGLE NE ADINE FATSAR GAM CHHE. HAMNAJ 9 SINH MARAN KARTA PHOTA PADYA CHHE. TAMARU MAIL ADDRESS APSHO TO PHOTA MOKLISH