હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અમીન આઝાદ

અમીન આઝાદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફાવી નથી શકતો – અમીન આઝાદ

જમાનો એક એવા શ્વાસ પર ફાવી નથી શકતો,
કદી જે આવ-જામાં જઈ ફરી આવી નથી શકતો.

હજી મ્હેફિલથી અંધારાં ઉલેચાવી નથી શકતો,
બળે છે દીપ દિલનો, રોશની લાવી નથી શકતો.

સમાજ ઉજવી રહ્યો છે આપણા બન્નેની મજબૂરી,
તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો.

ન ખાલી થાય, ના ઊભરાય; એવી રીતે પીઉં છું,
નયન-પ્યાલા ભર્યા રાખું છું, છલકાવી નથી શકતો.

દયાની એને પાબંદી, ઈબાદતમાં મને મુશ્કિલ!
અહીં ફાવી શકું છું, ખુદા ફાવી નથી શકતો.

મોહબ્બતના કસમ, બંધન જરૂરી છે મોહબ્બતમાં,
‘અમીન આઝાદ’ જેવો પણ અહીં ફાવી નથી શકતો.

– અમીન આઝાદ

કેવી મજાની ગઝલ! હું તો મત્લા પરથી જ આગળ વધી નથી શકતો…

Comments (2)

રાત ચાલી ગઈ – અમીન આઝાદ

જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ.

તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો;
તમે જોયું અને એક જ ઇશારે રાત ચાલી ગઈ.

હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી સવારે રાત ચાલી ગઈ.

જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઇ સવારે રાત ચાલી ગઈ.

તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.

– અમીન આઝાદ

આ વર્ષ સુરતના ગઝલગુરુ અમીન આઝાદની જન્મશતાબ્દિનું વર્ષ છે. અમીન આઝાદ સાઇકલની દુકાન ચલાવતા હતા પણ કહેવાય છે કે આ દુકાને ટાયર ઓછા અને શાયર વધુ જોવા મળતા, પંક્ચર ઓછાં અને શેર વધુ રિપેર થતા. મરીઝ, ગનીચાચા, રતિલાલ અનિલ જેવા ધુરંધર શાયરોના એ ગુરુ. મેઘાણી-ઘાયલ જેવા પણ એમની દુકાને જવામાં ગર્વ અનુભવતા.

એમની આ ગઝલમાં રાતના ચાલી જવાની અર્થચ્છાયાઓ એ કેટલી બખૂબી ઉપસાવી શક્યા છે !

Comments (8)

ગઝલ – ‘અમીન’ આઝાદ

લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની છે માગણી, મારું જિગર મળે.

આંખોની જિદ કે અશ્રુ નિરાધાર થઈ જશે,
અશ્રુની જિદ કે તેમના પાલવમાં ઘર મળે.

મારી નજરને જોઈને દુનિયા ફરી ગઈ,
દુનિયા ફરી વળે જો તમારી નજર મળે.

ભટકી રહ્યો છું તેથી મહોબ્બતના રાહ પર,
પગથીઓ આવનારને આ પંથ પર મળે.

ઓછી નથી જીવનને કટુતા મળી છતાં,
હર ઝેર પચતું જાય છે જે પ્રેમ પર મળે.

અલ્લાહના કસમ કે એ રહેમત ગુનાહ છે,
રહેમત કદી ન લઉં જો ગુનાહો વગર મળે.

મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી,
મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે.

ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી,
કોને કહ્યું ‘અમીન’ ન માંગ્યા વગર મળે.

-‘અમીન’ આઝાદ

પરંપરાના શાયર શ્રી અમીન આઝાદ (૧૯૧૩-૧૯૯૨)ની આ ગઝલ પરંપરાની ગઝલોનું એક સુંદર ઉદાહરણ છે. ગઝલ ઉર્દૂ મટીને ગુજરાતી થઈ રહી હતી એ કાળની આ ગઝલ. શબ્દોના પુનરાવર્તન વડે અનેરી અર્થચ્છાયાઓ નિપજાવવાની જે પ્રણાલી એ સમયે ખૂબ પ્રચલિત હતી અને મુશાયરાઓ ડોલાવતી હતી એ અહીં ભરપૂર જોવા મળે છે. જિદ-અશ્રુ-અશ્રુ-જિદ, નજર-દુનિયા-દુનિયા-નજર, રહેમત-ગુનાહ, ઈચ્છાઓ-ઈચ્છા આવા કેટલા બધા શેર અહીં ધારી ચોટ નિપજાવવામાં સફલ નીવડ્યા છે !

(કવિનું મૂળ નામ તાહેરભાઈ બદરુદ્દીન. કાવ્ય સંગ્રહ: ‘સબરસ’, ‘રાત ચાલી ગઈ’)

Comments (6)