માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જગદીશ જોષી

જગદીશ જોષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(વિ) ચિત્ર - જગદીશ જોષી
--- ની ઉક્તિ - જગદીશ જોષી
અનુભવ - જગદીશ જોષી
એક પગલાની પીછેહઠ - રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જગદીશ જોષી)
એક હતી સર્વકાલીન વારતા -જગદીશ જોષી
કોઈ તો કહો !
ખોબો ભરીને અમે -જગદીશ જોષી
ડંખ - જગદીશ જોષી
નદી - જગદીશ જોષી
પ્રવાહ - જગદીશ જોષી
મળો તો- -જગદીશ જોષી
યાદગાર ગીતો :૧૯: ધારો કે એક સાંજ આપણે મળ્યા - જગદીશ જોષી
વાતોની કુંજગલી - જગદીશ જોષી
વિષમ ભોગ -જગદીશ જોશી
શબ્દોત્સવ - ૪: ગીત: અનુભૂતિ - જગદીશ જોષી
સૂર્યની કરચો - જગદીશ જોષી
હું જોઉં છું મારી ઉત્તરક્રિયા - જગદીશ જોષી



એક પગલાની પીછેહઠ – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જગદીશ જોષી)

રેતી,ધૂળ,ઢેફાં અને કાંકરા જ માત્ર
ફરી એક વાર પોતીકી સફરે નીકળ્યાં હતાં એમ નહીં,
પણ હંમેશ કાદવ ગળચતી,
સમતુલા ગુમાવી બેઠેલી, તોતિંગ ભેખડોએ
એકમેકના મૂંડા આછેરા અફાળ્યા
અને કંદરાઓમાં ગબડવા લાગી.
આખા ને આખા ભૂમિખંડો પોપડે પોપડે ઉતરડાઈ ગયા.
આ વૈશ્વિક કટોકટીમાં મારા મૂલ્યોની આધારશિલા
મને હચમચી ગઈ લાગી.
પણ પીછેહઠના એક જ પગલાથી
મેં મારી જાતને પડવાગબડવામાંથી ઉગારી લીધી.
છિન્નવિચ્છિન્ન થયેલું એક વિશ્વ
મારી આંખ સામેથી પસાર થઇ ગયું.
ત્યાર પછી વરસાદ ને વાવાઝોડું જંપ્યાં
અને મને કોરો કરવા માટે સૂરજ બહાર પડ્યો.

-રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ.- જગદીશ જોષી)

Exsistentialism (અસ્તિત્વવાદ) ની વાત છે…. કવિની ખાસિયત પ્રમાણે નાનાંનાનાં સૂચક શબ્દો ખૂબી થી પ્રયોજ્યાં છે (દા.ત. બીજી પંક્તિમાં ‘ફરી એક વાર….’). મૂલ્યો ખાતર કુરબાન થવું કે પછી એક પગલાની પીછેહઠથી મૂલ્યોના ભોગે જાતને બચાવવી અને એક નવી સવારની આશા અને પ્રતિક્ષામાં તોફાનને પસાર થઇ જવા દેવું-અત્યંત અંગત પ્રશ્ન છે અને ઉત્તર સરળ નથી. અસ્તિત્વ જ ન રહે તો મૂલ્યોનો શો અર્થ ? મૂલ્યો વગરના અસ્તિત્વનો શો અર્થ ?

***

One Step Backward Taken – Robert Frost

Not only sands and gravels
Were once more on their travels,
But gulping muddy gallons
Great boulders off their balance
Bumped heads together dully
And started down the gully.
Whole capes caked off in slices.
I felt my standpoint shaken
In the universal crisis.
But with one step backward taken
I saved myself from going.
A world torn loose went by me.
Then the rain stopped and the blowing,
And the sun came out to dry me.

Comments (5)

મળો તો- -જગદીશ જોષી

તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઊના ઉજાગરાની પ્યાસ.

આંખો મીંચાય, પછી સમણું ઊગે-
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !

ધોધમાર તડકો કંઈ આછો થયો
અને સાંજની હવા તો હવે બાવરી;
કાળી કાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી :
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !

- જગદીશ જોષી

અનેક આવરણો ઓઢીને આપણે આયખું વ્યતિત કરીએ છીએ….ઘણીવાર તો દર્પણ મૂંઝાતો હશે કે ઉપસ્થિત થનાર માનવ-આકારનો મૂળભૂત ચહેરો કયો હશે ! ઝંખના છે આવરણરહિત મિલનની…પરંતુ ઝંખનારે આવરણો ત્યજ્યા છે ખરા ? અમૃત ની કામના છે તો સમુદ્રમંથન અનિવાર્ય છે. ક્યાંક કશુંક ખૂટે છે તે વાત કાવ્યમાં ખૂબીથી વણાયેલી છે.

Comments (7)

નદી – જગદીશ જોષી

સ્મૃતિઓ અને સ્વપ્નો વચ્ચે
એક નદી.

નદીમાં માછલીનાં પ્રતિબિંબ ઊડે છે,
સૂરજ કાદવમાં ફસડાઈ-તરડાઈ રહ્યો છે.
નદી પાસેના વૃક્ષ પર
પંખીના ઓછાયા માળો બાંધે છે;
માળાને સેવે છે શિકારીની આંખ.

નદી શિયાળામાં થીજી જાય છે
અને ઉનાળામાં સુકાઈ જાય છે :
સદીઓથી જાણે કે
વરસાદ પડ્યો નથી, અને
ઈન્દ્રધનુઓ જળમાં ખીલ્યાં નથી.

સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે
એક નદી…

- જગદીશ જોષી

સૂકી નદી કવિનું અતૃપ્ત જીવન છે. સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે ફસડાઈ પડેલી હકીકતને કવિએ કવિતામાં ઝીલી લીધી છે.

એક વાત વિચારવા જેવી છે – નદીમાં જરાય પાણી ન હોય તો પણ એને નદી જ કહેવાય છે.  નદી સૂકી હોય તો પણ એ પાણીની શક્યતાથી તો સભર જ હોય છે !

Comments (10)

(વિ) ચિત્ર – જગદીશ જોષી

વેરાનોમાં તરસ-તરસી ચીસ થીજી,અને આ
વૃક્ષો કેરી હરિત ભ્રમણા : આંખમાં રેત સુક્કી,
મેઘો ગાજે અજલ, વળથી ઊછળીને સમુદ્રો
કાંઠે આવી વ્યરથ પટકે શ્વેત, ફેનિલ મુઠ્ઠી.

ઊગે-ડૂબે અવિરત નભે સૂર્ય આ અંધ, મારો
ઝાંખો-પાંખો સતત કરતો ચંદ્ર આક્રંદ મંદ.
તોયે વૃક્ષો,ખળખળ વહતી આ નદી,ખેતરોયે
ઝૂલે-ખૂલે, ગગન-ધરતીનો કશો આ સંબંધ!

ઊગે લીલી કૂંપળ જડ આ ભીંત ફાડી અચિન્તી,
કંપે એના હલચલ થતી પિંડ-બ્રહ્માંડમાં આ :
આવેગે કે અરવ પગલે આવવાનો ફરીને,
ભીડ્યાં દ્વારો પરિમલ થઇ ખોલવાનો,ઝરીને !

તારી આંખે તગતગ થતા તારલાઓ નિહાળું
કે આ મારું હરણ-સપનું…ચીસ થીજી,અને આ….

-જગદીશ જોષી.

પ્રકૃતિના તત્વોના સ્વ-ભાવને કેટલી સુંદરતાથી કવિએ ઉપયોગમાં લીધા છે ! પ્રચંડ શક્તિશાળી તત્વોની નપુંસકતા એક ઘેરી નિરાશાની લાગણી સૂચવે છે. અચાનક મધ્યકાવ્યમાં સૂર બદલાય છે અને એક કૂંપળ ફૂટે છે-એક શાંત ક્રાંતિ થાય છે જાણે… અંતિમ બે પંક્તિઓ એક અનુત્તર પ્રશ્ન છોડી દે છે… જગદીશ જોષીની વીણાને સામાન્યત: કરુણ ગાન વિશેષ રુચે છે પરંતુ અહીં કંઈક અનોખી છટા ખીલી ઊઠી છે.

Comments (8)

યાદગાર ગીતો :૧૯: ધારો કે એક સાંજ આપણે મળ્યા – જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

- જગદીશ જોષી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગીત: અજીત શેઠ
સ્વર: ભૂપિંદર

જગદીશ જોષી (જન્મ:9/10/ 1932, મુંબઇ. અવસાન: 21/9/1978) એટલે અભાવનો કવિ, વિષાદનો કવિ. પણ એમની જીવનકથા એમની કવિતાથી તદ્દન ઊલટી. મુંબઈમાં સદ્ધર કુટુંબમાં ઉછરેલા કવિને શરૂઆતથી શિક્ષણમાં રસ. એ જમાનામાં શિક્ષણનો અભ્યાસ કરવા માટે કવિ અમેરિકાની ખ્યાતનામ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ગયેલા. પાછા ફરીને મુંબઈની શાળામાં પ્રિંસિપાલ થયા. સફળ કેરિયર છતાં કોઈક કારણસર શિક્ષણમાંથી એમનો રસ ઓછો થતો ગયો અને એ માણસ કવિતાનો થતો ગયો. 1968 પછી જ, એટલે કે છેલ્લા દસ વર્ષમાં જ એમણે ખરી કવિતા લખી. વિશ્વકવિતાના આસ્વાદ અને અનુવાદ પણ પુષ્કળ કર્યા. એમની કવિતામાં અભાવ અને વિષાદ શાને એ તો કોઈને કદી ખ્યાલ જ ન આવ્યો. પોતાની તબિયત પ્રત્યે બહુ બેદરકારી રાખી અને નાની ઉમ્મરે ચાલી નીકળ્યા. (કાવ્યસંગ્રહ : આકાશ, વમળનાં વન, મોન્ટા-કોલાજ)

દરેક સંબંધની એક ‘એક્સપાઈરી ડેટ’ હોય છે. એનાથી વધારે સંબંધને ચલાવી શકાતો નથી. પણ આપણે તો દરેક સંબંધ ખાધું પીધું ને રાજ કીધું ની જેમ જાણે સનાતન સંબંધ હોય એમ વિચારીને ચાલ્યા કરીએ છીએ. જ્યારે સંબંધ તૂટે અને સત્યની સમજણ આવે ત્યારે દિલમાંથી એક ચીસની જેમ સવાલ આવે … આવું કેમ ? આ ગીત એ વેદનાને વાચા આપવા માટે લખેલું છે.  પ્રેમના ઉડાન પછી જ્યારે વાસ્તવિકતાની ધરતી પર પાછું ‘ક્રેશ લેન્ડીંગ’ કરવાનું આવે ત્યારની આ વાત છે.  એ વખતે કવિનો પ્રશ્ન પણ આ માંડેલી વારતાનું શું? એક ઠંડા સૂસવાટાની જેમ ભોંકાય છે. …. કાશ, એ પ્રશ્નનો જવાબ કોઈને ખબર હોત.

Comments (10)

પ્રવાહ – જગદીશ જોષી

નદીનો પ્રવાહ ગતિ કરે છે
મહાસાગરમાં સ્થિર થવા માટે.
નદીની સ્થિરતા જ મહાસાગર,
અને સાગરની સ્થિરતા તે
આકાશનું એક વાદળ.

વિશ્વના આ મહામેળામાં
ગતિ અને સ્થિતિનું જાયન્ટ વ્હીલ –
મેરી… ગો… રાઉન્ડ…

મારા ભગવાન માટે મેં એક મંદિર રચ્યું છે.
અગરબત્તીની સુવાસના સ્તંભો ઉપર
લીલી કેળનાં પાનનું છાપરું ગોઠવ્યું છે.

ફૂલોમાં ‘તથાસ્તુ’ શબ્દનું એક સરોવર
કમળ થઈને ઊઘડ્યું છે:
અને બિડાયેલી આંખો સામે ઊભા છે તથાગત;
કહે છે કે
સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો.

વિગત, સાંપ્રત અને અનાગતની પાર
અજવાળાંના આરસમાં
ઘીનો દીવો રણકે છે :
સુવાસના સ્તંભમાંથી પ્રગટે છે
નદીનો પ્રવાહ
મહાસાગરમાં સ્થિર થવા માટે  !

- જગદીશ જોષી

જીવનચક્રની ગતિ અવિરત અને અકળ છે. કવિ જીવનનો અર્થ સમજાવવાને બદલે, આપણને પોતાની સાથે, એક શોધયાત્રા પર લઈ જાય છે.

કવિતા પર બુદ્ધધર્મની વિચારસરણીની છાપ છે. કવિતાની શરૂઆત કવિ નદીની સ્થિરતા સાગર, અને સાગરની સ્થિરતા વાદળ – એવું કહીને કરે છે. સ્થિરતા પામવા માટે દરેકે પોતાના અસ્તિત્વની કિંમત ચૂકવવી પડે છે. (માણસની સ્થિરતા એટલે મૃત્યુ એટલું કવિ અધ્યાહાર રાખે છે !) ગતિ જ જીવન છે – અવિરત, અનાગત, થકવી નાખે એવી ગતિ.

કવિ સ્થિરતાની-જીવન લક્ષની- શોધ માટે મંદિર રચે છે. સુવાસનાં મંદિરમાં ઈશ્વર ભગવાન બુદ્ધ તરીકે પ્રગટ થાય છે અને એક જ વાત કરે છે, ‘સિદ્ધાર્થ તો ભિક્ષાપાત્ર થઈ ગયો’… એટલે કે કોઈ જ્ઞાન ત્યાગ વગર શક્ય નથી. પણ એટલું જો કરો તો ખરું જ્ઞાન મળે… અને ખરું જ્ઞાન એ જ કે આપણું જીવન એટલે ગતિ અને આપણું ગંતવ્ય તે મહાસાગરમાં મળી જવું. જીવન-મૃત્યુનો જીવન-મૃત્યુની સચ્ચાઈ સિવાય બીજો કોઈ અર્થ શોધવો જરૂરી નથી, જરૂરી છે તો બસ પ્રવાહ બની જવું ને ગતિને જીવી જવું.

Comments (7)

કોઈ તો કહો !

જ્યારે ગ્રહોને રમાડવાનું
મન થયું
ત્યારે મેં એક પ્લેનેટોરિયમ બાંધી લીધું છે !

સ્કાયસ્ક્રેપરની
અગાસી પર
વાસી વસંતોને મ્હોરવા દીધી છે !

ભૂતકાળને મેં તસવીરમાં મઢી લીધો છે
અને એ તસવીરનું પ્રદર્શન કરી
મેં લોપ્યા છે કાળના સીમાડા.

એક સ્વીચ ઑન :
- અને બળબળતા ઉનાળામાં
ઊતરી પડી છે શીતળ અનુકૂળતા.

પાતળા તારમાં પૂર્યા છે શબ્દો
અને એને મુક્ત કરવાની
ચાવી મારા હાથમાં રાખી છે !

દવાની શીશીઓમાં
તંદુરસ્તી ભરી
મેં મૃત્યુ સામે પણ ચાલ ચાલી લીધી છે !

મારા બેચેન આકાશમાં
સૂર્ય-ચંદ્રને મેં સાથે પ્રગટાવ્યા… …

… … પણ
કોઈ તો કહો 
               – હું થીજી રહ્યો છું
કે ભડકે બળી રહ્યો છું ?

- જગદીશ જોષી

We have managed to answer all the ‘Hows’ in the world but none of the ‘Whys’. દુનિયા આખીને નાથીને મગરૂર થતો માણસ પોતાની જાત વિષે ખાસ કાંઈ જાણતો નથી.

Comments (15)

અનુભવ – જગદીશ જોષી

સિગ્નલ પાસે
ટેક્સી ઊભી-ન-ઊભી ત્યાં તો
એક ભિખારણે હાથ લંબાવ્યો
અને બોલવા લાગી, બોલ્યે જ ગઈ…
“ભગવાન તમને સુખી રાખે, મારા રાજા !”

સુખ…
શબ્દને મેં હોઠ વચ્ચેની કડવાશથી ભીંસી દીધો
અને
ઝટપટ બારીનો કાચ ચડાવતાં ચડાવતાં
કેવળ એટલું જ બબડ્યો:
“ભગવાનની બહેરાશનો મને પણ છે આવો જ અનુભવ…”

- જગદીશ જોષી

Comments (8)

એક હતી સર્વકાલીન વારતા -જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?    

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

Comments (3)

ડંખ – જગદીશ જોષી

વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
ડંખે છે વળી વળી કેમ ?

સીમે આળોટે લીલી વાડીની યાદ,અને
કૂવે ઝળુંબે એક વેલો :
થાળમાં કાંકરાને ડાળીને ઝાંખરા
પાણીનો ક્યાંય નહીં રેલો.

ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ
આવે ને જાય હેમખેમ ?

બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં
થઇને આ આંખમાં લપાયાં:
સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો
નસનસમાં ઝેર થૈ છવાયાં.

રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
વરસે છે જરી જરી વ્હેમ !

- જગદીશ જોષી

Comments

« Previous entries Next Page » Next Page »