ઊગ્યો’તો ચાંદો બારીએ, એ પણ ઢળી ગયો,
બાકી બચેલ રાત હવે કોને તાકશે?
– જિગર ફરાદીવાલા

હું જોઉં છું મારી ઉત્તરક્રિયા – જગદીશ જોષી

તળિયે નાવ ડૂબે એમ મારી શૈયામાં સમાતો જાઉં છું.
હોઠ ખોલ્યા વિના ડૉકટરે કહેવું પડશે, “હવે… આમાં કાંઈ નથી.”
પછી – થોડાં આંસું, થોડાંક હીબકાં, થોડાક ફોન, થોડાક માણસો.
મારે અહીંથી જવું નથી, પણ ગયા વિના મરો છૂટકો નથી.
શરીર અને જીવનો આમ પણ ક્યાં મેળ મળ્યો’તો ?
પહેલાં હું શરીરનું કહ્યું માનતો ન’તો અને હવે શરીર…

શરીર હવે સાવ ઉદાસીન થઈ ગયું છે – આગથી ને આંસુથી.
ભડભડ બળતી ચિતા પાસે માણસો વાતો કરતા હશે,
પણ બહેરા કાનથી સંભળાશે નહીં. સ્મશાનમાં પ્રવેશતાં જ
મંદિર આવશે પણ મને દેખાશે નહીં અને હાથ જોડાશે નહીં,
સ્મશાનની બહાર વહી જતાં વહાનોની ભીડ કાયમને માટે ક્રોસ કરીને આવ્યો છું…

છાપામાં યુદ્ધના, ખૂનના, વિમાન પડવાના, આગના સમાચાર હશે:
પણ, એથી શું? મારું પાંચ માળનું મકાન થોડી જ વારમાં ભસ્મીભૂત થઈ જશે
અને એની નોંધ છાપામાં ‘ન્યૂઝ વેલ્યુ’ વિનાની.

– જગદીશ જોષી

કાવ્ય મૃત્યુનું છે પણ એમાં શોક નથી. એમાં બસ ઉદાસીનતા છે. જીવવાનો કંટાળો જાણે મરણમાં પણ છલકાયો હોય એમ. જીવનનો ખાલીપો મોતને પણ નડશે. મોત પૂર્ણવિરામ તરીકે નહીં પણ એક વધુ ખાલીપાની શરૂઆત તરીકે આવશે. કાવ્ય પોતે ખૂબ સશક્ત છે પણ વાંચ્યા પછી વિચાર આવે છે કે પોતાના મૃત્યુનું આવું ખાલીખમ વર્ણન કરતું કાવ્ય કવિએ કેવી મનોસ્થિતીમાં લખ્યું હશે ?

1 Comment »

  1. સુરેશ said,

    December 4, 2006 @ 9:53 PM

    આનાથી સાવ વિરૂધ્ધ ભાવ વાળી, અંત સમયની, માધવ રામાનુજની કવિતા –
    ‘ અમે કોમળ કોમળ…. ‘ બહુ જ ભાવવાહી છે અને કવિની સંવેદનશીલતાને વાચા આપે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment