ગદ્ય સૉનેટ – સુરેશ દલાલ
કોઈ પંખી ચોવીસે કલાક ઝાડની ડાળ પર બેસતું નથી
એને ઊડવા માટે વિશાળ આકાશ તો જોઈએ જ છે,
અને આકાશમાં ઊડે પછી કેવળ આકાશથી ચાલતું નથી
છેવટે એ પોતે પોતાના રચેલા માળામાં પાછું ફરે છે.
જીવવાનો જે આનંદ છે તે ડાળ અને આકાશ વચ્ચેનો
ડાળને વળગી રહેવાથી કે આકાશથી અલગ ન થવાથી,
જીવનમાં જીવવાનો કે મરવાનો કે કયાંય ઠરવાનો
પૂરતો આનંદ કોઈનેય કયારેય મળ્યો હોય એવું જાણ્યું નથી.
મારા કંઠમાં જે ગીત છલકે છે તેને હું ગાઈ નાખું છું
પછી એ જ ગીતને ગળામાં ઘૂંટયા કરું તો નવા,
લયને પ્રગટ થવાનો કદીયે અવકાશ નહીં મળે.
સંબંધોને જકડવાથી કાં તો એ લય પામે છે અથવા પ્રલય.
હું મારામાં રહેલા ગૃહસ્થી અને જિપ્સી બન્નેને જાળવીને
રસ્તા પર ચાલ્યા કરું છું એક પરિવ્રાજકની જેમ.
– સુરેશ દલાલ
સ્થિતિ અને ગતિની વચ્ચેનો મોકળો અવકાશ અને સતત પરિવર્તન એ જીવવાની ચાવી છે. માણસ સ્થિર થઈ જાય તોય ખલાસ અને ગતિમાં જકડાઈ જાય તોય ખતમ. કોઈ પક્ષી એક ડાળ પર પોતાના માળામાં સલામતીની ભાવના ગળે વળગાડીને આખી જિંદગી જીવી શક્તું નથી અને એ જ રીતે મુક્ત આકાશમાં પણ અનવરત રહી શક્તું નથી, એણે સાંજના છેડે પોતાની ડાળે, પોતાના ઘરે પરત આવવું જ રહ્યું.
સૉનેટના બીજા વળાંકમાં કવિ કંઠમાં આવેલ ગીતને ઉલટભેર ગાઈ નાંખવાની વાત કરે છે. ગીત ગમે એટલું મનપસંદ કેમ ન હોય, એને જ ગળામાં સાચવી રાખીએ તો બીજા નવા ગીતને પ્રગટ થવાનો અવકાશ નહીં રહે. એક શેર યાદ આવે છે: હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી, તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.
સંબંધોને કચકચાવીને પકડી રાખવાનો કોઈ મતલબ હોતો નથી. દરેક મનુષ્યની અંદર એક ગૃહસ્થ અને એક યાત્રી સાથે જ જીવતા હોય છે, એ બંનેની વચ્ચે પરિવ્રાજક સમું સમતુલન સાધવું એ જ છે સાચી જિંદગી !