ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે
– હિતેન આનંદપરા

ગદ્ય સૉનેટ – સુરેશ દલાલ

કોઈ પંખી ચોવીસે કલાક ઝાડની ડાળ પર બેસતું નથી
એને ઊડવા માટે વિશાળ આકાશ તો જોઈએ જ છે,
અને આકાશમાં ઊડે પછી કેવળ આકાશથી ચાલતું નથી
છેવટે એ પોતે પોતાના રચેલા માળામાં પાછું ફરે છે.
જીવવાનો જે આનંદ છે તે ડાળ અને આકાશ વચ્ચેનો
ડાળને વળગી રહેવાથી કે આકાશથી અલગ ન થવાથી,
જીવનમાં જીવવાનો કે મરવાનો કે કયાંય ઠરવાનો
પૂરતો આનંદ કોઈનેય કયારેય મળ્યો હોય એવું જાણ્યું નથી.
મારા કંઠમાં જે ગીત છલકે છે તેને હું ગાઈ નાખું છું
પછી એ જ ગીતને ગળામાં ઘૂંટયા કરું તો નવા,
લયને પ્રગટ થવાનો કદીયે અવકાશ નહીં મળે.
સંબંધોને જકડવાથી કાં તો એ લય પામે છે અથવા પ્રલય.
હું મારામાં રહેલા ગૃહસ્થી અને જિપ્સી બન્નેને જાળવીને
રસ્તા પર ચાલ્યા કરું છું એક પરિવ્રાજકની જેમ.

– સુરેશ દલાલ

સ્થિતિ અને ગતિની વચ્ચેનો મોકળો અવકાશ અને સતત પરિવર્તન એ જીવવાની ચાવી છે. માણસ સ્થિર થઈ જાય તોય ખલાસ અને ગતિમાં જકડાઈ જાય તોય ખતમ. કોઈ પક્ષી એક ડાળ પર પોતાના માળામાં સલામતીની ભાવના ગળે વળગાડીને આખી જિંદગી જીવી શક્તું નથી અને એ જ રીતે મુક્ત આકાશમાં પણ અનવરત રહી શક્તું નથી, એણે સાંજના છેડે પોતાની ડાળે, પોતાના ઘરે પરત આવવું જ રહ્યું.

સૉનેટના બીજા વળાંકમાં કવિ કંઠમાં આવેલ ગીતને ઉલટભેર ગાઈ નાંખવાની વાત કરે છે. ગીત ગમે એટલું મનપસંદ કેમ ન હોય, એને જ ગળામાં સાચવી રાખીએ તો બીજા નવા ગીતને પ્રગટ થવાનો અવકાશ નહીં રહે. એક શેર યાદ આવે છે: હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી, તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

સંબંધોને કચકચાવીને પકડી રાખવાનો કોઈ મતલબ હોતો નથી. દરેક મનુષ્યની અંદર એક ગૃહસ્થ અને એક યાત્રી સાથે જ જીવતા હોય છે, એ બંનેની વચ્ચે પરિવ્રાજક સમું સમતુલન સાધવું એ જ છે સાચી જિંદગી !

10 Comments »

  1. પંચમ શુક્લ said,

    June 25, 2009 @ 6:10 AM

    સરસ, આ ગદ્ય સૉનેટ ગમ્યું.

  2. manharmody ('મન' પાલનપુરી) said,

    June 25, 2009 @ 7:36 AM

    ગીતાનો ઉપદેશ છે.પરિવર્તન સંસારનો નિયમ છે. પ્રસ્તુત રચનામાં એ વાત સરસ રીતે વણાઈ છે.

  3. sapana said,

    June 25, 2009 @ 10:20 AM

    મારા કંઠમાં જે ગીત છલકે છે તેને હું ગાઈ નાખું છું
    પછી એ જ ગીતને ગળામાં ઘૂંટયા કરું તો નવા,
    લયને પ્રગટ થવાનો કદીયે અવકાશ નહીં મળે.

    સરસ ઉપદેશ છે.સાથે સાથે તમે લખેલ આ શે’ર પણ ગમ્યો.

    હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી, તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

    વાહ્..
    સપના

  4. mrunalini said,

    June 25, 2009 @ 11:56 AM

    હું મારામાં રહેલા ગૃહસ્થી અને જિપ્સી બન્નેને જાળવીને
    રસ્તા પર ચાલ્યા કરું છું એક પરિવ્રાજકની જેમ
    ખૂબ સરસ
    સૂર્યના સાતત્ય કે એની નિયમિતતામાં પણ સતત પરિવર્તન આવે છે. એ ચોવીસ કલાક તમારી સામે રહેતો નથી, એ રોજ એક જ સમયે ઉ’ય પામતો નથી કે અસ્ત થતો નથી રોજ એમાં થોડીક સેકન્ડનો ફરક પડે છે,

  5. pragnaju said,

    June 25, 2009 @ 12:18 PM

    સર્વાંગ સુંદર સૉનેટની આ પંક્તીઓ ખૂબ ગમી

    લયને પ્રગટ થવાનો કદીયે અવકાશ નહીં મળે.
    સંબંધોને જકડવાથી કાં તો એ લય પામે છે અથવા પ્રલય.

    સમયના પ્રવાહ સાથે સમાજ સતત પરિવર્તન પામે છે અને બદલાતા વહેણ સાથે જે સમાજ પોતાના માળખામાં ફેરફાર કરતો નથી તે કાળક્રમે ઇતિહાસ બની જાય છે.આમાં સતત પરિવર્તન આવતું હોય છે અને તેથી તેની લાગણી પરથી નિર્ણય બાંધી શકાય નહીં.

    ઈકબાલ યાદ આવ્યા
    દમે ઈં પયકરે ફર્સુદારા સાઝી કફે ખાક ફશાની
    આબો અઝ ખાક આતશ અંગેઝી દમે દીગર.
    બયાર આં દવલતો બેદારો આં જામે જહાં બીરાં
    અજમરા દાદઈ હંગાઅમએ બઝમે જમે દીગર.’
    બાઝ ઈં આલમે દેરીના જવાં મી બાયસ્ત
    બર્ગે કાહશ સિફતે કોહો ગિરાં મી બાયસ્ત.
    અઝ નવા બર મન કયામત રફ્તો કસ આગાહ નેસ્ત
    પેશે મહેફિલ જુઝ બમો ઝીરો મકામો રાહ નેસ્ત

  6. Dhaval said,

    June 25, 2009 @ 3:42 PM

    સરસ વાત !

  7. urvashi parekh said,

    June 25, 2009 @ 5:47 PM

    સરસ અને સાવ સાચ્ચી વાત..
    કોઇ પણ વસ્તુ કે ભાવનાને પકડી રાખી ના શકાય..
    બન્ધીયાર થઈ જાય અને પછી…
    અને નવા માટે જગા જ ના રહે.

  8. deepak said,

    June 25, 2009 @ 11:51 PM

    તન્દન સાચી વાત…

    હું આ વાતમાં માનતો હતો , માનું છું અને માનતો રહીશ…

    જો પાણી વહેવાનું બંધ કરી દે તો તે પીવા લાયક રહેતુ નથી, જીવનનુ પણ કંઇક એવુજ છે…

    આપણે હંમેશા ગતિશીલ રહેવુ જોઇએ, કંઇક નવુ કરતા રહેવુ જોઇએ.. પછી જુઓ જીવન જીવવાની કેવી મજા આવે છે…. 🙂

  9. Girish said,

    July 3, 2009 @ 9:01 AM

    બસ ખુબ ગ્મયુ

  10. vaghela pankaj said,

    January 22, 2019 @ 7:37 AM

    Saras

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment