મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.
– સંદીપ પુજારા

તમને તો – જગદીશ જોષી

તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ :
અમને તો એ જ લાગે સાચું : કે ભમરાને હોય કદી ફૂલોની, ફોરમની ભીંસ ?

કેવો ઉમંગ લઈ વૈશાખી વાયરો વગડાને વીંધીને આવ્યો ?
ફોરમનાં જુલ્ફમાં ક્યાંક હું લપાઉં એવા મનગમતા ખ્યાલને ઝુલાવ્યો !
જરા મરમ કરીને તમે પાસે આવો, પછી પડખું ફરો : અને અમરતને કહી દિયો વિષ
તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ.

તમને તો ગુલછડી હાથમાં ખપે : નહીં વાળમાં ગૂંથાયેલું ફૂલ :
ઝરતાં આંસુને તમે ઓળખો નહીં ને તમે ધોળાં વાદળમાં મશગૂલ :
આઘેની મીટ અને પાસેની પ્રીત અને તૂટેલો લય અને નંદવાયું ગીત – મારા
મૂગાં આ હોઠે ગુંજીશ !

તમને તો કોઈ દિવસ વાંકું પડે ને કદી ખોટું લાગે ને વળી કેટલોય રોષ અને રીસ.

– જગદીશ જોષી

પ્રેમ હોય, સહવાસ હોય, કદાચ લગ્નનું બંધન પણ હોય…પરંતુ કોઈક વાર બે હૈયા વચ્ચે તાદાત્મ્ય નથી હોતું….ક્યાં તો ભાષા અલગ છે, ક્યાં તો અભિવ્યક્તિ ભિન્ન છે, ક્યાં તો એષણાઓ જુદી છે….પ્રેમ છે, પણ હૈયા એકતાલે ધબકતા નથી.

આ કોઈ કવિ-કલ્પના નથી. આ વાસ્તવિકતા છે અને ઘણી વ્યાપક વાસ્તવિકતા છે. આ પરિસ્થિતિનું કોઈ સરળ નિવારણ નથી. શનૈઃ શનૈઃ આ જ સ્થિતિ બે હૈયાને વિખૂટા કરતી જતી હોય છે….

4 Comments »

  1. pragnajuvyas said,

    January 4, 2022 @ 8:17 PM

    વાતે વાતે તને વાંકું પડયું ને –લગ્નજીવનની ખાટી-મીઠી યાદોને વાગોળીને માણવાનુ ગીત
    સ્વ કવિશ્રી જગદીશ જોષીનુ મધુરુ ગીતે ગુંજે હંસા દવેનો સ્વરઃ
    ગીતઃ જગદીશ જોષી
    ક્લીક કરો અને સાંભળો / ડાઉનલોડ કરો
    એક સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે જેમાં લગ્ન જીવનની ખાટી-મીઠી વાતો વણાયેલી છે.

  2. praheladbhai prajapati said,

    January 5, 2022 @ 5:08 AM

    sweet sweet lovely complain to love

  3. Maheshchandra Naik said,

    January 5, 2022 @ 5:12 AM

    સરસ ગીત, આનંદ થઈ ગયો,
    આભાર……

  4. જયેન્દ્ર ઠાકર said,

    January 5, 2022 @ 6:52 AM

    માનવ જીવનની એક કથણઈ….
    Tumhara Dil Mere
    Dil Ke Baraabar Ho Nahi Sakta
    Vo Shishaa Ho Nahi Sakta
    Ye Patthar Ho Nahi Sakta

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment