કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

અબોલડા – જગદીશ જોષી

તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત !
આ તે કેવી રીત, સજનવા ! આ તે કેવી રીત ?

પગમાં ઊગ્યાં વંન અને આંખોમાં સૂકો દરિયો
ગઢના ઝૂક્યા ઝરૂખડાને ખૂંચે છે કાંકરિયો ;
ભવ આ ભાંગી રાત બની ગઈ દિવસ થકી વંચિત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

નહીં વરસેલા મેઘ ને એના પડછાયા ગૂંગળાય ;
બંધ હોઠની વાત ક્યારની વીજ થઈ અમળાય ;
ખડકી આગળ ખીણ ધૂંધળી, રણમાં ૨ડે પછીત :
તેર વરસના અબોલડા ને બાર વરસની પ્રીત.

– જગદીશ જોષી

પ્રેમની આ જ તકલીફ છે. જેટલો પ્રેમ ગહેરો તેટલી અપેક્ષા વધે ! ભલેને ફિલોસોફી એમ કહેતી રહે કે પ્રેમમાં અપેક્ષાને સ્થાન નથી…. સાજન મનની વાત સમજતો નથી. મારે બોલીને કહેવી નથી, ભલેને યુગ વીતી જાય… લાગણી હશે તો સમજશે. ” નહીં વરસેલા મેઘ…” એ ન વહેલા આંસુ…ડૂમો જેમ નો તેમ રહી ગયો. વીજળીના ઝબકારાની જેમ વણકહી વાત બંધ હોઠે આવી આવીને ગાયબ થઈ જાય…. અંત શું ?? – એ વિચારીને થોડો પ્રેમ થાય છે ?? શેર યાદ આવી જાય –

મુદ્દતેં હો ગઈ હૈ ચૂપ રહતે
કોઈ સુનતા અગર તો કુછ કહેતે

2 Comments »

  1. pragnajuvyas said,

    December 21, 2021 @ 10:12 AM

    સ્વ જગદીશ જોષીનુ સુંદર ગીત
    ખૂબ જ સુંદર શબ્દોની અભિવ્યક્તિ
    યાદ આવે
    અબોલડા-ન્હાનાલાલ
    બાર બાર વર્ષના અબોલડા રે;
    વ્હાલાંના બોલો બોલાયઃ
    આજ વ્હાલાંના બોલો બોલાયઃ
    ભાગ્યા અબોલડા રે.
    બાર બાર વર્ષના અબોલડા રે;
    વ્હાલાનાં ઝુલે ઝુલાયઃ
    આજ વ્હાલાનાં ઝુલે ઝુલાયઃ
    ભાગ્યા અબોલડા રે.
    બાર બાર વર્ષના અબોલડા રે;
    રસ કેરાં કુંકુમ ઘોળાયઃ
    આજ રસ કેરાં કુંકુમ ઘોળાયઃ
    ભાગ્યા અબોલડા રે.
    બાર બાર વર્ષના અબોલડા રે;
    આંખોમાં આંખો ઢોળાયઃ
    આજ આંખોમાં આંખો ઢોળાયઃ
    ભાગ્યા અબોલડા રે.
    બાર બાર વર્ષના અબોલડા રે;
    સ્નેહનાં ગીતો ગવાય
    આજ સ્નેહનાં ગીતો ગવાય:
    ભાગ્યા અબોલડા રે.
    બાર બાર વર્ષના અબોલડા રે;
    સ્નેહથી સ્નેહી પોષાયઃ
    આજ સ્નેહથી સ્નેહી પોષાયઃ
    ભાગ્યા અબોલડા રે.
    બાર બાર વર્ષના અબોલડા રે;
    લજ્જાના પડદા ચીરાયઃ
    આજ લજ્જાના પડદા ચીરાયઃ
    ભાગ્યા અબોલડા રે.
    બાર બાર વર્ષના અબોલડા રે;
    હૈયામાં હૈયાં સમાયઃ
    આજ હૈયામાં હૈયાં સમાયઃ
    ભાગ્યા અબોલડા રે.
    ——————-
    અબોલડા / પ્રહલાદ પારેખ
    ઉરે હતી વાત હજાર કે’વા,
    કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;
    જલ્યા કર્યા અંતર સ્નેહદીવા,
    ઉજાસ શાં હાસ્ય મુખે ન આવિયાં.
    નિસર્ગલીલા તુજ સાથ જોવા
    હૈયે હતા કોડ, – ન પાય ઊપડ્યા;
    સૂરે મિલાવી તુજ સૂર, ગાવા
    ઉરે ઊઠ્યાં ગીત; બધાં શમાવ્યાં.
    મળી મળી નેન વળી જતાં ફરી
    અકથ્ય શબ્દે વદી વાત ઉરની;
    હૈયું મૂંગું ચાતક શું અધીર;
    એ રાહ જોતું તુજ શબ્દબિન્દુની:
    એવો અબોલા-દિન છે સ્મૃતિમાં,
    – જે દી ચડ્યાં અંતર પૂર નેહનાં?

  2. જયેન્દ્ર ઠાકર said,

    December 23, 2021 @ 9:03 PM

    વિરહની વેદનાથી આર્દ થયેલું દિલ હમેશાં કહેછે….
    प्रीतम आन मिलो, प्रीतम आन मिलो
    दुखिया जिया पुकारे, प्रीतम आन मिलो
    प्रीतम आन मिलो
    भीगी रात में पेड़ के नीचे, आँख-मिचोली खेल रचाया
    भीगी रात में पेड़ के नीचे, आँख-मिचोली खेल रचाया
    प्रीतम याद करो जब तुमने, प्रेम भरा इक गीत सुनाया
    आन मिलो, प्रीतम आन मिलो, प्रीतम आन मिलो
    प्रीतम आन मिलो, प्रीतम आन मिलो
    प्रीतम आन मिलो

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment