આ છાંયડાના કસુંબાઓ ગટગટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.
-ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ડેની એબ્સે

ડેની એબ્સે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




રહસ્યો – ડેની એબ્સે – અનુ: જગદીશ જોષી

રાત્રે, હું જાણતો નથી હોતો હું કોણ છું
જ્યારે સ્વપ્નમાં હોઉં, જ્યારે હું સૂતો હોઉં.

જાગતાં, મારો શ્વાસ થંભાવું છું ને સાંભળી રહું છું;
દીવાલની પાછળની બાજુને ખણે છે એક કઠણ નખ.

મધ્યાહૂને, સૂર્યથી ઝળાંહળાં ઓરડામાં પ્રવેશું છું
વગર કારણે બળતી બત્તીને નીરખવા.

આજ સુધીમાં હું પામી જ ગયો છું કે ભાગ્યે જ કોઈ સ્વરસપ્તકો સાંભળી શકાય છે,
કે વધુ પડતા લાંબા સમય સુધી તાકી રહેવાથી કોઈ ‘દર્શન’ નષ્ટ થાય છે;
કે નોંધાયેલો સમગ્ર ઇતિહાસ ખુદ
મહાન સૂનકારમાં એક એલફેલ ગપસપ સિવાય બીજું કંઈ નથી;
કે એક મૅગ્નેશિયમનો ઝબકારો ઉજાળી નથી શકતો
અદૃશ્યને એક ક્ષણ માટે પણ.

હું રાવફરિયાદ કરતો નથી. હું પ્રારંભ કરું છું દશ્યથી
અને દિગ્મૂઢ થઈ જાઉં છું હું દશ્યથી.

– ડેની એબ્સે – અનુ: જગદીશ જોષી

ગહન વાતની સરસ કાવ્યાત્મક રજૂઆત !

કાવ્યની ચાવી અંતિમ બે પંક્તિમાં છે. કાવ્યનો ઉઘાડ અને વિસ્તાર દ્વંદ્વ પ્રત્યેની અચરજભરી દ્રષ્ટિથી થાય છે અને મધ્યે કવિ કહે છે કે સમગ્ર ઇતિહાસ અર્થાત માનવજ્ઞાન એ અનંત બ્રહ્માંડના સાપેક્ષે કશું જ નથી. એકાદ પ્રજ્ઞાના ઝબકારે અદ્રષ્ટ ઊજળી શકતું નથી. ગૂઢ઼તત્વની ગૂઢતા ખૂલતી નથી. અંતે કવિ કહે છે કે જીવનની શરૂઆત દ્રષ્ટ-વિશ્વને સમજવાના પ્રયત્નથી થાય છે અને જેમ જેમ સમજણ વિકસિત થતી જાય છે તેમ તેમ આ વિશ્વની ભવ્યતા/ગૂઢ સૌંદર્ય મને દિગ્મૂઢ કરી મૂકે છે…….જે રીતે અર્જુન દિગ્મૂઢ થઈ જાય છે કૃષ્ણના વિશ્વરૂપદર્શનથી !

Comments (2)