હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
- સુન્દરમ્
(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)
સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે. કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2′ જેવા વીસેક કાવ્યસંગ્રહો.
આમ તો સુન્દરમ્ ના અનેક ગીતો યાદગાર છે. પણ આ બાળગીતમાં સુન્દરમ્ ની બાળક બનીને ગીત લખી શકવાની શક્તિના દર્શન થાય છે. સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ ગીત બાળગીતોમાં ‘મેઘદૂત’ છે
તા.ક.: ઓડિયો માટે જયશ્રીનો ખાસ આભાર.